બેરોજગારી, નબળી આરોગ્ય સંભાળ તથા શિક્ષણ સેવા દેશ સામે સૌથી મોટા પડકારો

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
બેરોજગારી, નબળી આરોગ્ય સંભાળ તથા શિક્ષણ સેવા દેશ સામે સૌથી મોટા પડકારો 1 - image


- છેલ્લા દસ વર્ષના બજેટમાં આ સમસ્યાઓને ઓળખવામાં સરકાર નિષ્ફળ 

- દેશમાં બેરોજગારીનો દર ૯.૨૦ ટકા છે. રોજગારીમાં કહેવાતો વધારો કૃષિ  બાંધકામ અને અસલામત ક્ષેત્રમાં થયો છે 

બેરોજગારી, નબળી આરોગ્ય સંભાળ તથા શિક્ષણ સેવા દેશ સામે સૌથી મોટા પડકારો 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્પી.ચિદમ્બરમ્

દેશના અર્થતંત્રના અન્ય કેટલાક શુભેચ્છકોની જેમ હું પણ વાર્ષિક બજેટની પૂર્વસંધ્યાએ બજેટ વિશે  વાંચુ છુ અને લખુ પણ છુ. બજેટની રજુઆત બાદ  હું વિવિધ ક્ષેત્રના લોકોને મળુ છુ અને બજેટ વિશે તેમના મંતવ્યો જાણું છુ. હું જે લોકોના મંતવ્યો મેળવું છુ તેમાં વિધાનસભ્યો, અર્થશાસ્ત્રીઓ, વેપારીઓ, ખેડૂતો, મહિલાઓ વગેરેનો સમાવેશ થાય છે. પક્ષના કાર્યકરોનો સંપર્ક સાધવાથી સામાન્ય પ્રજામાં બજેટ વિશે શું ચર્ચાઈ રહ્યું છે તે જાણવા મળે છે. જો કે છેલ્લા દસ વર્ષમાં દરેક વર્ષના બજેટમાં થયેલી જાહેરાતો કોઈપણ પ્રકારના અંશો  છોડયા વગર ૪૮ કલાકમાં તો અદ્રષ્ય થઈ જાય છે અને તેના પર ચર્ચાઓ પણ થતી બંધ થઈ ગયાનું જોવા મળ્યું છે.

અર્થતંત્રમાંના પડકારો

બજેટ નિરાશાજનક રહેવાના મુખ્ય કારણોમાં બજેટ તૈયાર કરનારાઓમાં હકીકતની વંચિતતા અને આર્થિક સ્થિતિની ખરી આકારણી કરવામાં નિષ્ફળતાનો સમાવેશ થાય છે. ૨૩ જુલાઈના રજૂ થનારા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટની વાત કરીએ તો આર્થિક સ્થિતિના નિષ્પક્ષ મૂલ્યાંકનમાં નીચેની બાબતો સામે આવી છેઃ

*  યુવાનો, પરિવારો અને સામાજિક શાંતિ સામે બેરોજગારી સૌથી મોટો પડકાર છે. થોડી ઘણી ખાલી જગ્યા માટે અથવા તો કેટલાક હજારો હોદ્દાઓ માટે લાખો લોકો અરજીઓ કરે છે અને પરીક્ષા અથવા ઈન્ટરવ્યૂ આપે છે. પ્રશ્નપત્રો લીક થઈ જાય છે અથવા તો લાંચ ચૂકવવામાં આવે છે. કયારેક તો પરીક્ષા અથવા ઈન્ટરવ્યૂ છેલ્લી ઘડીએ રદ થઈ જતા હોય છે, જેને કારણે વ્યાપક હતાશા ફેલાઈ જાય છે. વિસ્ફોટક બેરોજગારીનું આ પરિણામ છે. સીએમઆઈઈના રિપોર્ટ પ્રમાણે, દેશમાં બેરોજગારીનો દર ૯.૨૦ ટકા છે. રોજગારમાં કહેવાતો વધારો કૃષિ (હકીકતમાં છૂપો બેરોજગાર), બાંધકામ (અનિયમિત) અને અસલામત ક્ષેત્રમાં થયો છે. 

આજના યુવાનોને સલામત અને સારા વેતન સાથેના નિયમિત રોજગારની ઈચ્છા રહે છે. આવા પ્રકારના રોજગાર સરકારી તથા સરકારના નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં જ મળી શકે છે. ૨૦૨૪ના પ્રારંભમાં, સરકારી ક્ષેત્રોમાં ૧૦ લાખ હોદ્દા ખાલી પડયા હતા પરંતુ સરકાર તે ભરવા ઈચ્છે છે તેવા કોઈ જ પુરાવા જોવા મળતા નથી. ઉત્પાદન ક્ષેત્ર, નાણાંકીય સેવા ક્ષેત્ર, આઈટી, શિક્ષણ, આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં આવા રોજગાર ઊભા કરી શકાય એમ છે. ભારતની કંપનીઓ રોકાણ કરવામાં ખચકાઈ રહી હોવાથી ઉત્પાદન ક્ષેત્રનું આઉટપુટ જીડીપીના ૧૫ ટકા પર સ્થિર થઈ ગયું છે. ઉત્પાદન તથા નાણાંકીય સેવા ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષિત કરવા  તથા વિદેશી રોકાણને  આવકારવા આર્થિક નીતિઓમાં ધરમૂળથી બદલાવની આવશ્યકતા છે. 

* ફુગાવો બીજો મોટો પડકાર છે. જૂનનો જથ્થાબંધ ફુગાવો ૩.૪૦ ટકા અને રિટેલ ૫.૧૦ ટકા રહ્યો છે જ્યારે ખાધાખોરાકીનો ફુગાવો ૯.૪૦ ટકા આવ્યો છે. દેશના દરેક વિસ્તારોમાં માલસામાન કે સેવાની મુકત હેરફેર થઈ શકે તેવી ભારતમાં  સામાન્ય બજાર નહીં હોવાથી રાજ્યો-રાજ્યો પ્રમાણે ભાવ વિભિન્ન હોય છે એટલું જ નહીં એક રાજ્યમાં વિસ્તાર પ્રમાણે પણ ભાવમાં ફરક જોવા મળે છે. દેશના ટોચના ૨૦-૩૦ ટકા પરિવારોને બાદ કરતા મોટાભાગના પરિવારોને ફુગાવો દઝાડી રહ્યો છે. કેટલાક લોકો ચૂપ છે અને મોટાભાગના મોંઘવારીથી ગુસ્સે ભરાયેલા છે.

બેરોજગારી અને ભાવ વધારાને ખાળવા બજેટ સ્પીચ તથા ફાળવણીની કરાયેલી જાહેરાતથી તમે  કેટલા સંતુષ્ઠ થયા છો તેના આધારે તમે ૫૦ સુધી માર્કસ આપી શકો છે. 

અન્ય બે પડકારો

બાકીના ૫૦ માર્કસ, શિક્ષણ, આરોગ્યસંભાળ તથા લોકોની અન્ય અગ્રતાઓને ધ્યાનમાં રાખી આપી શકાશે. જ્યાંસુધી આપણે ત્યાં નબળી ગુણવત્તાના શિક્ષણ અને  નબળી આરોગ્યસંભાળ સેવા હશે ત્યાંસુધી ભારત વિકસિત દેશ બની નહીં શકે. શિક્ષણ ખાસ કરીને શાળા શિક્ષણ વ્યાપક સ્તરે ફેલાયેલું છે પરંતુ તેની ગુણવત્તા નબળી છે. હકીકત એ છે કે, એક બાળક શાળામાં સરેરાશ સાત થી આઠ વર્ષ જ કાઢે છે. અંદાજે પચાસ ટકા બાળકો, કોઈપણ ભાષામાં સાદુ લખાણ વાંચી અથવા લખી શકતા નથી અને ગણિતમાં પણ તેઓ નબળા છે. તેઓ કોઈપણ સ્કીલ્ડ જોબ માટે બંધ બેસતા નથી. હજારો શાળાઓ એવી છે જ્યાં શિક્ષકની સંખ્યા એક જ છે. આવી શાળાઓમાં વર્ગો, શૌચાલયો, શિક્ષણ માટેના સાધનોની વ્યાપક ઉણપ છે ત્યારે લાઈબ્રેરી કે લેબોરેટરીસની તો વાત જ કયાં કરવાની. આ મૂળભૂત સમશ્યાને દૂર કરવા કેન્દ્ર સરકારે ખાસ ઝૂંબેશ ઉપાડવી રહી અને રાજ્યોને પણ મદદ કરવી રહી અને પોતાના સમય તથા સ્રોતોનો વિવાદાસ્પદ એનઈપી અથવા કૌભાંડગ્રસ્ત એનટીએ-નીટ પાછળ વેડફવા ન જોઈએ. 

આરોગ્યસંભાળ સ્થિતિ સારી છે પણ પૂરતી નથી. જાહેર આરોગ્યસંભાળ સુવિધામાં સંખ્યાની દ્રષ્ટિએ વધારો થઈ રહ્યો છે પરંતુ ગુણવત્તા જોવા મળતી નથી. ખાનગી આરોગ્યસંભાળ સુવિધા સંખ્યા અને ગુણવત્તા બન્ને દ્રષ્ટિએ વધી રહ્યા છે પરંતુ દેશની મોટી સંખ્યાના લોકોની તે પહોંચની બહાર છે. તબીબો, નર્સો તથા નિદાન સાધનોની  મોટી અછત છે. આરોગ્યસંભાળ પાછળ કેન્દ્ર સરકારનો ખર્ચ ઘટીને જીડીપીના ૦.૨૮ ટકા રહ્યો છે અને કુલ ખર્ચમાં આ પ્રમાણ ૧.૯૦ ટકા છે. જાહેર આરોગ્યસંભાળ સુવિધાથી જાહેર જનતાનો સંતોષ ઘણો જ નીચો છે. 

વેતનમાં સ્થિરતા, વધી રહેલા દેવાબોજ, જીવનાવશ્યક ચીજવસ્તુના ઉપભોગમાં ઘટાડા, શિક્ષણ લોનનો બોજ એ પણ બીજી કેટલીક અગ્રતાઓ છે. જેના ઉકેલ આ પ્રમાણે છેઃ લઘુત્તમ વેતન રૂપિયા ૪૦૦, શિક્ષણ લોનમાં માફી તથા લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની બાંયધરી. 

ઉપર જણાવેલા મુદ્દાઓને અવગણવાને કારણે જ લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થયો છે, એટલુ જ નહીં જુલાઈમાં ૧૩ રાજ્યોમાં યોજાઈ ગયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોએ ભાજપને મોટો ફટકો માર્યો છે. આઈ.એન.ડી.આઈ.એ.ને ૧૦ બેઠકો મળી છે અને મતોની ટકાવારી પણ વધી છે. આ ચેતવણીઓને બજેટમાં કોઈ જવાબ અપાશે ખરો? અટકળો કરતા રહો.


Google NewsGoogle News