નવી સરકારને 100 દિવસ પૂરા થવાની તૈયારી, પણ નવી યોજનાઓ નજરે પડતી નથી
- ખોટા આંકડા રજૂ કરવાથી દેશમાં બેરોજગારીની સમશ્યા હલ થઈ જશે નહીં
- ભારતના મહત્વાકાક્ષી યુવા તથા યુવતિઓએ સાતત્યતા, રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ માટે મત આપ્યા હતા
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં આપેલા ભાષણનું એક અંગ્રેજી અખબારમાં પ્રકાશન થયું હતું માટે તેમનું ભાષણ સમજવામાં મને સરળ રહ્યું હતું. હું માનુ છું કે અંગ્રેજીમાં અનુવાદ સાચુ થયું હશે. વડા પ્રધાને તેમની સરકારને અભિનંદન આપ્યા હતા અને વર્લ્ડ લીડર્સ ફોરમમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશના અર્થતંત્રનો ૯૦ ટકા વિકાસ થયો છે. જો તે સાચુ હોય તો આવકાર્ય છે. પરંતુ મારી પાસેના આંકડા આ લેખ સાથે રજૂ કર્યા છે
વર્ષ જીડીપી
૩૧મી માર્ચ, ૨૦૧૪ રૂપિયા ૯૮૦૧૩૭૦ કરોડ
૩૧મી માર્ચ , ૨૦૨૪ રૂપિયા ૧૭૩,૮૧,૭૨૨ કરોડ
આમ દસ વર્ષમાં જીડીપીમાં રૂપિયા ૭૪,૮૮,૯૧૧ કરોડનો વધારો થયો છે, જે ૭૭.૩૪ ટકા વૃદ્ધિ દર્શાવે છે. એક વિકાસસિલ દેશ માટે આ આંક સારો કહી શકાય.
જો કે ઉદારીકરણ પછીના બે દાયકાના આંકને પણ સરખાવવા રહ્યા. ૧૯૯૧-૯૨ અને ૨૦૦૩-૦૪ (૧૩ વર્ષ) દરમિયાનમાં જીડીપીનું કદ બમણું થયું હતું. ૨૦૦૪-૦૫ તથા ૨૦૧૩-૧૪ (યુપીએ સરકારના૧૦ વર્ષ) દરમિયાન પણ જીડીપી બમણું થયું હતું. મોદીના દસ વર્ષના શાસનમાં જીડીપી બમણું થયું નહીં થાય તેવો મેં અંદાજ આપ્યો હતો અને સંસદમાં પણ જણાવ્યું હતું અને વડા પ્રધાને હવે તે કબૂલ્યુ છે. ભારતનો આર્થિક વિકાસ દર ઊંચો રહ્યો છે પરંતુ આપણે હજુ સારુ કરી શકયા હોત.
બેરોજગારી મોટી સમશ્યા
વડા પ્રધાને પોતાના ભાષણમા ંજણાવ્યું હતું કે, ભારતના લોકોમાં નવા વિશ્વાસનો સંચાર થયો છે. થોડાક દિવસ પૂર્વે જ અમે એક અખબારી અહેવાલ વાંચ્યો હતો જેમાં જણાવાયું હતું કે હરિયાણા સરકારમાં મહિને રૂપિયા ૧૫૦૦૦ના પગાર પર કોન્ટ્રેકટ ધોરણે સ્વીપરની નોકરી માટે આવેલી ૩૯૫૦૦૦ અરજીમાં ૬૧૧૨ પોસ્ટગ્રેજ્યુએટસ, ૩૯૯૯૦ ગ્રેજ્યુએટસ તથા ૧૨માં ધોરણ સુધી ભણેલા૧૧૭૧૪૪ ઉમેદવારો હતા. વિશ્વાસનો સંચાર થયાનું આમાં કોઈ સંકેત જણાતા નથી. જો કે કેટલાક લોકો આ અરજીઓને સલામત એવી સરકારી નોકરીની લાલચ ગણાવશે. તેમની દલીલ સાથે હું વિવાદ કરવા માગતો નથી.
વડા પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, ભારતના મહત્વાકાંક્ષી યુવા તથા યુવતિઓએ સાતત્યતા, રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ માટે મત આપ્યા હતા. ઘણાં નિરીક્ષકોએ જણાવ્યું હતું કે મતદાન વિરોધ માટેનું હતું. બદલાવ તથા વિકાસ સાથે સમાનતા માટે મતદાન હતું. બે વિચારધારા વહેતી થયેલી છેઃ સાતત્યતા વિરુદ્ધ બદલાવ, રાજકીય સ્થિરતા વિરુદ્ધ બંધારણિય વહીવટ અને આર્થિક વિકાસ સામે સમાનતા સાથે વિકાસ. પોતાની વિચારધારાને માન્યતા મળી હોવાનું જણાવવાનો વડા પ્રધાને પ્રયાસ કર્યો હતો ત્યારે એક જોરદાર દલીલ એવી પણ થઈ શકે એમ છે કે, લોકોએ ભાજપના વહીવટને નકાર્યો છે અને નવી વિચારધારાને ઈચ્છી રહ્યા છે.
નવરચનાની ઈચ્છા
આ લેખમાં હું બેરોજગારી પર પ્રકાશ પાડવા માગુ છું. સીએમઆઈઈ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે બેરોજગારીનો દર ૯.૨૦ ટકા છે. કોંગ્રેસના ૨૦૨૪ના ઢંઢેરામાં જણાવાયું હતું કે, ઉદારીકરણના ૩૩ વર્ષ બાદ આર્થિક નીતિની નવરચનાનો સમય પાકી ગયો છે. આ ઢંઢેરામાં રોજગાર પર બે મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતીઃ
* એપ્રેન્ટિસશિપ સ્કીમ જે દરેક સ્નાતક તથા ડીપ્લોમાધારકને સ્કીલ્સ પૂરી પાડવા, રોજગાર માટેની લાયકાત વધારવા અને લાખો યુવાનોને નિયમિત રોજગાર પૂરા પાડવા એક વર્ષની એપ્રેન્ટિસશિપની બાંયધરી આપશે.
* એમ્પ્લોયમેન્ટ લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ જે હેઠળ કંપનીઓને તેમના દ્વારા વધારાની ભરતી કરાશે તો તેમને ટેકસ ક્રેડિટસનો લાભ અપાશે.
કોંગ્રેસના આ ધોરણને નાણાં પ્રધાને સ્વીકારી તેમના બજેટ ભાષણમાં તેનો ઉલ્લેખ કર્યો તે જોઈને મને આનંદ થયો હતો. મોદી અને તેમના પ્રધાનોની ૯ જૂન, ૨૦૨૪ના શપથવિધિ થઈ હતી. મોદી સરકારની ત્રીજી મુદતના પ્રથમ ૧૦૦ દિવસ માટેની યોજનાઓ તૈયાર હોવાનો ભાજપ દ્વારા દાવો કરાયો હતો. ૧૭ સપ્ટેમ્બરના નવી સરકારના ૧૦૦ દિવસ પૂરા થશે. આમછતાં બજેટમાં કરાયેલી ઉકત બે જાહેરાતોનો અમલ કરવા સરકાર ગંભીર નથી. આનાથી વિપરીત સરકારે વક્ફ (સુધારા) ખરડા અને સીનિયર સરકારી હોદ્દામાં લેટરલ એન્ટ્રી યોજના લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ બન્ને પણ હાલમાં સ્થગિત છે.
ખરાબ સમાચારો વધી રહ્યા છે
દરમિયાન રોજગાર મોરચે વધુ ખરાબ સમાચારો આવી રહ્યા છે. ભારતની કંપનીઓએ ૨૦૨૩ અને ૨૦૨૪માં મોટેપાયે છટણી કરી છે. હાલમાં જ આવેલા એક અહેવાલમાં આઈઆઈટી મુંબઈમાંથી ચાલુ વર્ષે ૭૫ ટકા જ પ્લેસમેન્ટ થયું છે. જે પ્લેસમેન્ટ થયા છે તેમને પગારધોરણ આકર્ષક નથી. આઈઆઈટી સિવાયની સંસ્થાઓ ખાતે પ્લેસમેન્ટનું સ્તર ૩૦ ટકા જેટલુ સામાન્ય રહ્યું છે.
વર્લ્ડ બેન્કના ઈન્ડિયા ઈકોનોમિક અપડેટમાં જણાવાયું હતું કે, શહેરી યુવા બેરોજગારીનો આંક ૧૭ ટકા ઊંચો જળવાઈ રહ્યો છે.
નબળી વેપાર નીતિને પરિણામે ભારતના શ્રમલક્ષી ક્ષેત્રો જેમ કે લેધર અને ગારમેન્ટસની નિકાસ મારફતની આવકમાં વધારો થયો નથી. વેપાર પ્રત્યેના અભિગમની ભારતે સમીક્ષા કરવાની આવશ્યકતા હોવાનું રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે અને શ્રમલક્ષી મેન્યુફેકચર્ડ ગુડસમાં ચીનની પીછેહઠનો ભારત લાભ ઉઠાવી શકયું નહીં હોવા તરફ પણ રિપોર્ટમાં ધ્યાન દોરાયું છે. આ માટે ભારતની સંરક્ષણવાદી નીતિ તથા મુકત વેપાર કરારમાં ધીમી ગતિને જવાબદાર ગણાવાઈ છે.
ખોટા આંકડા રજૂ કરવા અથવા અહેવાલોને નકારી બેરોજગારીની સમશ્યાનો હલ આવશે નહીં. બેરોજગારી એ એક સળગતો પ્રશ્ન છે અને મોદી ૨.૧ સરકારે ૯ જૂનથી આ મુદ્દે કશું કર્યું નથી.