Get The App

ભારત-ચીન અથડામણ પર સંસદમાં ચર્ચા માટે છેલ્લા ચાર વર્ષમાં મંજુરી અપાઈ નથી

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ભારત-ચીન અથડામણ પર સંસદમાં ચર્ચા માટે છેલ્લા ચાર વર્ષમાં મંજુરી અપાઈ નથી 1 - image


- વાસ્તવિક અંકૂશ રેખા પર પેટ્રોલિંગ બાબતે કરાયેલી જાહેરાતમાં વિરોધાભાસ 

- ચીન રાહ જોવામાં માને છે. તેનામાં ધીરજ છે. વિશ્વમાં પોતે બીજી મોટી મહાસત્તા છે તેવી ચીન બડાઈ હાંકતુ નથી અથવા સૌથી મોટી મહાસત્તા બની રહેવા કોઈ તારીખ નિશ્ચિત કરતું નથી

- ઓકટોબરની સહમતિ ભારત તથા ચીનને વિસ્તૃત વાટાઘાટ સાથેના ઉકેલ તરફ લઈ જશે ખરા? 

ભારત-ચીન અથડામણ પર સંસદમાં ચર્ચા માટે છેલ્લા ચાર વર્ષમાં મંજુરી અપાઈ નથી 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

માઓ ત્સ તુંગ વિશે મારો રમુજી ટૂચકો તેમના જવાબમાં જ રહેલો છે. માનવ ઈતિહાસ પર ફ્રેન્ચ ક્રાંતિની શું અસર થશે એવા એક પ્રશ્નના ઉત્તર આપતા પહેલા માઓ થોડીક વાર વિચારવા લાગ્યા હતા અને પછી તેમણે જવાબ આપ્યો હતો કે, હાલમાં આ અંગે કહેવું વહેલુ ગણાશે. 

ચીન રાહ જોવામાં માને છે. તેનામાં ધીરજ છે. વિશ્વમાં પોતે બીજી મોટી મહાસત્તા છે તેવી ચીન બડાઈ હાંકતુ નથી અથવા સૌથી મોટી મહાસત્તા બની રહેવા કોઈ તારીખ નિશ્ચિત કરતું નથી. ઊભરતી મહાસત્તામાં આવી ગુણવત્તા ભાગ્યેજ જોવા મળે છે. બીજી બાજુ ચીન લોકશાહી રાષ્ટ્ર  નથી અને તેના લોકો લોકશાહી જેવી સ્વાયત્તતા ભોગવતા નથી. આનાથી વિપરીત ભારત લોકશાહી દેશ છે એટલું જ નહીં તે  દેખાડો પણ કરે છે. ભારતમાં સમય પહેલા જ ઉજવણી થઈ જતી હોય છે. 

વિરોધાભાષી  જાહેરાતો

વાસ્તવિક અંકૂશ રેખા પર પેટ્રોલિંગ (ચોકીપ્હેરો) વ્યવસ્થા બાબતે ભારત તથા ચીન વચ્ચે થોડાક દિવસો પહેલા થયેલા કરાર અંગે કરાયેલી જાહેરાતમાં વિરોધાભાષ નજરે પડતો હતો. મે ૨૦૨૦માં બન્ને દેશોના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આ પહેલી સફળતા છે. ભારત વતિ વિદેશ સચિવે પત્રકાર પરિષદ કરી હતી, વિદેશ પ્રધાને ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને લશકરી વડાએ એક કાર્યક્રમમાં તેના પર પ્રકાશ પાડયો હતો. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, ''અમે ૨૦૨૦ની સ્થિતિ પર પાછા ફર્યા છીએ.''  જો કે લશકરી વડાએ જણાવ્યું હતું કે, ''અમે એપ્રિલ, ૨૦૨૦ની સ્થિતિ પર પરત જવા માગીએ છીએ. ત્યારપછી અમે પીછેહઠ, તાણ ઓછી કરવા અને વાસ્તવિક અંકૂશ રેખા પર સામાન્ય સ્થિતિ  અંગે વિચારીશું.''

ચીન વતિ, વિદેશ મંત્રાલયના એક પ્રવકતાએ હકીકત બયાન કરી હતી કે-''સરહદી વિવાદોને લઈને ભારત તથા ચીન રાજદ્વારી તથા લશકરી માધ્યમ મારફત ગંભીર વાટાઘાટ કરી રહ્યા છે. હાલમાં બન્ને દેશો  આ મુદ્દે  એક એવા સમાધાન પર પહોંચ્યા છે જેને ચીને હકારાત્મક રીતે આંકલન કર્યું છે. હવે પછીના પગલામાં, ઉપરના સમાધાનના અમલ માટે ચીન, ભારત સાથે સલાહમસલત કરશે.'' (અખબારમાં પ્રકાશિત થયા પ્રમાણે). તેમણે કોઈપણ વિગતો આપવાનું ટાળ્યું હતું.

આપણે ક્યાં ઊભા છીએ

ગયા રવિવાર સુધી શું સ્થિતિ હતી તેના પર  નજર નાખવાનું ઉપયોગી થઈ પડશે. પીએલએ દળોએ માર્ચ-એપ્રિલ ૨૦૨૦માં ભારતીય પ્રદેશમાં વાસ્તવિક અંકૂશ રેખા ઓળંગી હતી. આ ઘૂસણખોરીની જાણ ભારતને પાંચમી મે, ૨૦૨૦માં થઈ હતી. ઘૂસણખોરોને ખદેડવાના પ્રયાસમાં ભારતે તેના વીસ સૈનિકો ગુમાવ્યા હતા. ચીને પણ આમાં નુકસાની ભોગવી હતી. વડા પ્રધાને ૧૯ જૂન, ૨૦૨૦ના દરેક પક્ષોને મીટિંગ બોલાવી હતી. મીટિંગની સમાપન નોંધમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, ''ભારતીય પ્રદેશમાં કોઈએ ઘૂસણખોરી કરી નહોતી અને ભારતની અંદર કોઈ બહારી હતું પણ નહીં.''  પરંતુ, કેટલાક લશકરી અધિકારીઓ અને નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આપણા દળો જ્યાં અગાઉ ચોકીપહેરો કરતા હતા તે અંદાજે ૧૦૦૦ ચોરસ કી. મી. વિસ્તાર પર ભારતનો અંકૂશ રહ્યો નથી. 

ખરી હકીકત એ છે કે, ચીને સંપૂર્ણ ગલવાન ખીણ પર દાવો કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, વાસ્તિવક અંકૂશ રેખા ફિન્ગર ૪થી શરૂ થાય છે અને નહીં કે ૮થી. ભારત ડેમચોક તથા ડેપસાંગ પર ચર્ચા કરવા માગતુ હતું પરંતુ ચીને નકારી કાઢ્યુ હતું. અકસાઈ ચીન તથા  ભારત સાથેની ૩૪૮૮ કિ.મી. સરહદ  પર ચીન લશકરી માળખા ઊભા કરી રહ્યું છે. વાસ્તવિક અંકૂશ રેખા પર તેણે ૫જી નેટવર્ક સ્થાપ્યું છે. પેન્ગોન્ગ ત્સુ પર તેણે બ્રિજ બાંધ્યો છે. તેણે મિલિટરી હાર્ડવેર તથા અસંખ્ય દળોને સરહદ પર મૂકયા છે. 

અગાઉની સ્થિતિ પ્રસ્થાપિત થઈ છે એવી વિદેશ મંત્રાલયની સત્તાવાર જાહેરાત છે.   સરકાર સતત 'પીછેહઠ', 'તાણ ઘટાડા' 'નિકાલ' અને 'પાછા ખેચાયા' જેવા શબ્દો વાપરી રહી છે. તાજેતરના મહિનાઓમાં વિદેશ મંત્રાલયે  'અગાઉની સ્થિતિ પ્રસ્થાપિત'  શબ્દપ્રયોગ કર્યો નથી. સરકારે ભારે ધીરજ તથા ખંત દાખવ્યો  છે. પેટ્રોલિંગ બાબતે જો ખરેખર કરાર થયા હશે તો  તે  ચીનના અવિશ્વસ્નિય વલણ છતાં ટકી રહેવા બદલ ભારતને તે એક  રિવોર્ડ ગણાશે. જો કે ચીને મહત્વની  પ્રગતિ થઈ હોવાનો શબ્દપ્રયોગ કર્યો છે. 

અંત પણ નહીં અને પ્રારંભ પણ નહીં

એમ લાગે છે કે બન્ને દેશો ચોકીપહેરા બાબત સહમત થયા છે અને તેથી વધુ કંઈ નહીં.

એવું જણાય છે કે બન્ને બાજુએ પેટ્રોલિંગ આપસી સમજુતિ પ્રમાણે હશે, મહિનામાં બે વખત અને સૈનિકની સંખ્યા પંદરથી વધુ નહીં હોય. આ વ્યવસ્થામાં ડેમચોક અને ડેપસાંગનો સમાવેશ છે કે કેમ તે સ્પષ્ટ નથી. પૂર્વિય લડાખમાં ડેમચોક ખાતે, ૨૦૧૭માં કરાર થયા બાદ, ચીને ફરી વિસ્તાર કબજે કરી લીધો હતો અને પોતાની હાજરી મજબૂત બનાવી હતી. ડેપસાંગ ક્ષેત્રમાં વાય-જંકશનથી આગળ તથા પરંપરાગત પેટ્રોલિંગ પોઈન્ટસ  ૧૦,૧૧,૧૧એ, ૧૨ અને ૧૩  આગળ ભારતીય દળોના પ્રવેશને ચીને બંધ કરી દીધો છે. ગલવાન, પેન્ગોન્ગ ત્સુના ઉત્તર તથા દક્ષિણ કાંઠા તથા હોટ સ્પ્રિંન્ગસ પણ સંઘર્ષવાળા મથકો છે. આ મુદ્દાઓ ઉકેલાઈ ગયાનું માનવામાં નથી આવતું. હજુ પણ અવિશ્વાસ પ્રવર્તી  રહ્યો છે. 

આપણી લોકશાહી પર એક એવું લાંછન છે કે છેલ્લા ચાર વર્ષમાં સંસદમાં ભારત-ચીનની સદર અથડામણ બાબતે ચર્ચાને મંજુરી અપાઈ નથી. પેટ્રોલિંગ બાબતે સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ સાવચેતીની સલાહ આપી છે, કોંગ્રેસે સુસંગત અને સ્વાભાવિક સવાલો ઊભા કર્યો છે અને અન્ય વિપક્ષો ચૂપ છે. ઓકટોબરની સહમતિ ભારત તથા ચીનને વિસ્તૃત વાટાઘાટ સાથેના ઉકેલ તરફ લઈ જશે ખરા? આ અંગે કંઈપણ કહેવું વહેલુ ગણાશે. 


Google NewsGoogle News