Get The App

લેનદેનના વ્યવહારને બજેટમાં સરકાર નવી ઊંચી સપાટીએ લઈ ગઈ

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
લેનદેનના વ્યવહારને બજેટમાં સરકાર નવી ઊંચી સપાટીએ લઈ ગઈ 1 - image


- સરકારને ટેકાની સામે બિહાર તથા આન્ધ્રને ઘી-કેળા જ્યારે અન્યોની અવગણના

- જે રાજ્યોને અવગણવામાં આવ્યા છે તેમાં પશ્ચિમ બંગાળ, તેલંગણા, તામિલનાડૂ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર તથા પંજાબ ઉપરાંત દિલ્હીનો સમાવેશ થાય છે 

લેનદેનના વ્યવહારને બજેટમાં સરકાર નવી ઊંચી સપાટીએ લઈ ગઈ 2 - image

ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

સામાન્ય જીવનમાં આપણે અનેક લોકોને વ્યવહારિક પ્રકૃતિના જોતા હોઈએ છીએ. બે માણસ અથવા માનવ જૂથ વચ્ચે  વ્યવહારિક સંબંધો એટલે શું? વ્યવહારિક સંબંધો એટલે એક હાથ લે એક હાથ દે. 

બોલચાલની ભાષામાં આને વળતર કહેવામાં આવે છે. સત્તાવાર નિર્ણયો માટેની લાંચ વ્યવહારિક છે. પ્રશ્નપત્રો લીક કરવા માટે અપાતા નાણાં વ્યવહારિક છે. મોદી સરકાર તો સરકારની તરફેણ કરવા અથવા કરાવવા માટે ઈલેકટોરલ બોન્ડસ મારફત  વ્યવહારિક પ્રકૃતિને ઊંચે લઈ ગઈ છે. 

ે ઈલેકટોરલ બોન્ડસ સ્કીમને દરેક જણ ઓળખી  ગયા છે. સુપ્રીમ કોર્ટે આ સ્કીમને રદ કરી નાખી છે  પરંતુ સ્કીમનો હેતુ શું હતો તેના પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

ખૂરશી બચાવો

૨૩ જુલાઈ, ૨૦૨૪ના એનડીએ સરકાર વ્યવહારિક પ્રકૃતિને નવી ઊંચી સપાટીએ લઈ ગઈ છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટનો મુખ્ય હેતુ સરકારને કેવી રીતે બચાવવી તે હતો. આ ખૂરશી બચાવો બજેટ હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તેમની ફરજ અપ્રમાણિકપણે બજાવી છે. તેમણે અને નાણાં મંત્રાલયના સચિવો દ્વારા બજેટ બાદ કરાયેલી સ્પષ્ટતાઓમાં સરકારના બે સાથી પક્ષોને સાચવી લેવાની રમત રમાઈ હોવાનું ખૂલ્લુ પડી ગયું હતું. ૧૬ મતો (ટીડીપી) અને ૧૨ મતો (જેડી-યુ)ના બદલામાં બન્ને રાજય સરકારોને વિકાસ માટે  તરફેણ  કરાઈ છે.  બિહારને ઉદ્યોગના વિકાસ, કનેકટિવિટી પ્રોજેકટસ તથા વીજ પ્લાન્ટસ માટે જ્યારે આન્ધ્ર પ્રદેશને પોલાવરમ સિંચાઈ પ્રોજેકટ, ઔદ્યોગિક કોરિડાર્સ તથા પછાત વિસ્તાર માટે ગ્રાન્ટસના રૂપમાં ટેકો પૂરો પડાયો છે. 

આ ત્રિપુટી (કેન્દ્ર સરકાર, બિહાર તથા આન્ધ્ર પ્રદેશ) વચ્ચે મોટા વ્યવહારમાં જે રાજ્યોએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું છે તેમણે ગુમાવવાનું આવ્યું છે. જે રાજ્યોને અવગણવામાં આવ્યા છે તેમાં પશ્ચિમ બંગાળ, તેલંગણા, તામિલનાડૂ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર તથા પંજાબ ઉપરાંત દિલ્હીનો સમાવેશ થાય છે. રાજ્યો ઉપરાંત મોટી સંખ્યાના લોકોની પણ અવગણના થઈ છે. જેમાં સૌથી વધુ અવગણના યુવાનોની થઈ છે. બેરોજગારીએ માઝા મૂકી છે અને યુવાનો હતાશ છે. સીએમઆઈઈના રિપોર્ટ પ્રમાણે, જૂન ૨૦૨૪માં દેશમાં બેરોજગારીનો દર ૯.૨૦ ટકા રહ્યો હતો. સ્નાતકોમાં આ દર ૪૦ ટકા જેટલો  હતો. પીરિયોડીક લેબર ફોર્સ સર્વેમાં જણાયું છે કે,  રોજગાર ધરાવનારામાંથી માત્ર ૨૦.૯૦ ટકા જ નિયમિત વેતન પ્રાપ્ત કરે છે. એમ્પ્લોયમેન્ટ લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવામાં આવી છે  જે હેઠળ પાંચ વર્ષમાં માલિકોને નાણાંકીય પ્રોત્સાહનો પૂરા પાડી ૨૯૦ લાખ વ્યક્તિઓને રોજગાર, વીસ લાખ યુવાનોને તાલીમબદ્ધ કરવા અને માત્ર ૫૦૦ કંપનીઓમાં એક કરોડ ઈન્ટર્નશિપ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર તથા સરકારના નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં ખાલી પડેલા ૩૦ લાખ હોદ્દા ભરવાનો કોઈ ઉલ્લેખ નથી. એવી પણ શકયતા છે કે, બહુચર્ચિત પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ જેની પાછળ અત્યારસુધી કરોડો રૂપિયા ખર્ચી નંખાયા છે અને કોઈ પરિણામ (રેફરન્સઃ રોજગાર) જોવાયા નથી   તેને ચૂપચાપ અભરાઈએ ચડાવી દેવાશે. શિક્ષણ લોન માફીની માગને પણ સંતોષવામાં આવી નથી. એટલું જ નહીં અગ્નિવીર સ્કીમનો પણ કોઈ ઉલ્લેખ નથી. 

ગરીબોને અન્યાય

આ ઉપરાંત ગરીબોને પણ પોતાને અન્યાય થયાની લાગણી થઈ રહી છે.  દેશની લોકસંખ્યાના પાંચ ટકાથી વધુ ગરીબી રેખામાં નહીં હોય તેવા નીતિ આયોગના સીઈઓના મતને નાણાં પ્રધાનો દોહરાવ્યો છે. સરકારના હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડિચર સર્વેમાં દેશમાં માથા દીઠ માસિક ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા ૩૦૯૪ અને શહેરી વિસ્તારમાં રૂપિયા ૪૯૬૩ હોવાનું જણાયું હતું. આનો અર્થ દેશના ૭૧ કરોડ લોકો પ્રતિ દિન રૂપિયા૧૦૦-૧૫૦ કે તેથી ઓછા નાણાંમાં ગુજરાન ચલાવે છે. વીસ ટકા નીચલા વર્ગની વાત કરીએ તો, તેઓ રૂપિયા ૭૦-૧૦૦માં અને દસ ટકા નીચલા વર્ગની વાત કરીએ તો તેઓ પ્રતિ દિન રૂપિયા ૬૦-૯૦માં ગુજરાન ચલાવે છે. તો શું તેઓ ગરીબ ન કહી શકાય? 

નાણાં પ્રધાને આપેલી રાહતો એટલે-

*  તેમના મતે હાલનો ફુગાવો નીચો, સ્થિર છે અને ચાર ટકાના ટાર્ગેટ તરફ જઈ રહ્યો છે.

*  તેમણે પેન્શનરો અને પગારદારો જેમણે નવી  વેરા પદ્ધતિનો સ્વીકાર કર્યો  છે તેમને આવક વેરામાં રૂપિયા ૧૭૫૦૦ની રાહત આપી છે.

દેશની લોકસંખ્યાના ૭૧ કરોડ નીચલા ૫૦ ટકા લોકો ન તો પગારદારો છે યા ન તો તેઓ સરકારના પેન્શનરો છે અને નાણાં પ્રધાને તેમના માટે કંઈ વિચાર્યું નથી. તેઓ પણ જીએેસટીના રૂપમાં આડકતરી રીતે ટેકસ તો ભરે જ છે. ઓછામાં ઓછા ૩૦ કરોડ દૈનિક શ્રમિકો છે અને છેલ્લા છ વર્ષથી તેમના વેતન લગભગ સ્થિર છે. 

ગરીબોને રાહત પૂરી પાડવા માટે અનેક માર્ગો છે. દરેક પ્રકારના રોજગારમાં પ્રતિ દિનનું લઘુત્તમ વેતન વધારી રૂપિયા ૪૦૦ કરી શકાય. મનરેગા માટે વધુ ભંડોળની ફાળવણી કરીને કામના સરેરાશ દિવસ જે હાલમાં એક વર્ષમાં ૫૦ છે તે વધારી ૧૦૦ કરી શકાય અને આમ કરીને ફુગાવાના પ્રશ્નને ગંભીરતાથી હાથ ધરી શકાશે.

વડા પ્રધાન તથા નાણાં પ્રધાને એ યાદ રાખવું જોઈએ કે, દેશના યુવાનો તથા ગરીબો અને અન્ય નાગરિકો પાસે મજબૂત શસ્ત્ર છે અને તે છે- મતદાન. તેમણે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ચેતવણી આપી જ દીધી છે. તાજેતરની પેટા ચૂંટણીમાં પણ તેમણે ભાજપને મોટો ફટકો માર્યો છે. મહારાષ્ટ્ર, હરિયાણા તથા ઝારખંડમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી યોજાનાર છે, અને ત્યારબાદ ૨૦૨૫માં પણ ચૂંટણીઓ આવી રહી છે. ૨૩ જુલાઈ, ૨૦૨૪ના થયેલી છેતરપિંડીને યુવાનો તથા ગરીબો ભૂલશે નહીં. 


Google NewsGoogle News