Get The App

ભારતીય અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે જોવાયેલો સર્વાંગી વિકાસ

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
ભારતીય અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે જોવાયેલો સર્વાંગી વિકાસ 1 - image


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ભારત દેશને હજી નીચલા મીડલ ઈન્કમ ગુ્રપમાં ગણવામાં આવે છે 

ચૂંટણી ટાણે ભારતનું અર્થકારણ ખુશખુશાલ છે. ફાયનાન્સીયલ વર્ષ ૨૦૨૪ જે ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ પૂરૂં થયું તેમાં ભારતીય અર્થકારણે ૭.૬ ટકાનો આર્થિક વૃદ્ધિદર સિદ્ધ કર્યો છે. અલબત્ત, કોવિદના વર્ષમાં ભારતીય અર્થકારણ નેગેટીવ વૃદ્ધિદરમાં ફસાઈ ગયું હતું પરંતુ તે પછી તે તેમાંથી બહાર આવી ગયું છે. જેમ આપણે તાવ માપવા થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ તેમ દેશની આર્થિક કામગીરી માપવા જી.ડી.પી.ના વૃદ્ધિદરનું માપન (મેઝરમેન્ટ) થાય છે. જીડીપીમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર (જેમાં મુખ્યત્વે મેન્યુફેકચરીંગ, માઈનીંગ, કન્સ્ટ્રકશન, વગેરેનો સમાવેશ થાય છે) તથા સર્વીસીઝનું ક્ષેત્ર જેમાં બેંકીંગ, ફાયનાન્સ, હેલ્થ, એજ્યુકેશન, ટુરીઝમ, સરકારી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે તે સઘળાનો સરવાળો કરવામાં આવે છે. ભારત ભલે સાત ટકાથી કાંઈક વધારે વૃદ્ધિદરને સિદ્ધ કરી રહ્યું છે પરંતુ આપણો કૃષિક્ષેત્રનો સરાસરી વિકાસદર માત્ર ૩.૫ ટકા છે.

ભારત દેશને હજી નીચલા મીડલ ઈનકમ ગુ્રપમાં ગણવામાં આવે છે કારણ કે ભારતની માથાદીઠ સરાસરી આવક હજી ૨૫૦૦ થી ૨૬૦૦ ડોલર્સ છે અને ચીન જે ઈ.સ. ૧૯૭૮ પહેલા આપણાથી ઓછી માથાદીઠ આવક ધરાવતું હતું તેની અત્યારની સરાસરી માથાદીઠ આવક ભારત કરતા લગભગ પાંચ ગણી છે અને ભારતની સરખામણીમાં અમેરીકાની લગભગ ૭૭,૦૦૦ ડોલર્સ લગભગ ત્રીસ ગણી છે. ૧૯૫૧માં ભારતની ૩૫ કરોડની વસતી તે સંખ્યા પર સ્થિર થઈ ગઈ હોત તો ભારત હાઈમીડલ ઈનકમ દેશોની યાદીમાં આવી જાત. ભારતની ચાલુ સરકારે આર્થિક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે, ફુગાવાના દરને ૫.૧ ટકા સુધી કાબુમાં રાખ્યો છે. (હજી ચાર ટકા પર તે પહોંચ્યો નથી) અને ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પણ ઝડપભેર આવી રહ્યું છે છતાં ભારતમાં મૂડીરોકાણ દર ૩૦ ટકાથી નીચે જતો રહ્યો છે. ભારતનું વિદેશી ભંડોળ પણ માર્ચ ૨૯ ૨૦૨૪ના રોજ ૬૪૫ બીલીયન ડોલર્સ પર પહોંચ્યું જે અત્યાર સુધીની સૌથી વધારે રકમ છે. પરંતુ આ સોનાની થાળીમાં લોખંડની મેખ એ છે કે ભારતમાં કૃષિશાસ્ત્રના નિષ્ણાત પ્રો. ગુલાટીની ગણતરી પ્રમાણે ભારતના ખેતીવાડી ક્ષેત્રમાં ભારતના કુલ કામ કરનારી વ્યક્તિઓમાંથી ૪૫ ટકા આ ક્ષેત્રે રોકાયેલા છે. જગતમાં કોઈ હાઈ-ઈનકમ કે મીડલ ઈનકમ દેશમાં ખેતીવાડી ક્ષેત્રે આટલો મોટો વર્કફોર્સ કામ કરતો નથી. ખેતીવાડી ક્ષેત્રે ભારતમાં કુલ વર્કફોર્સના ૪૫ ટકા કામ કરતા હોય તો તેમણે જીડીપીમાં ૪૫ ટકા ફાળો આપવો જોઈએ તેવી આશા રાખી શકાય પરંતુ ભારતનું કૃષિક્ષેત્રે (જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી તથા દુધ ઉત્પાદન, પોલ્ટ્રી, મત્સ્ય ઉદ્યોગ, જંગલી પેદાશ જેમ કે લાકડુ અને જંગલની અન્ય પેદાશો જેમ કે ઔષધીય વનસ્પતી, મધ વગેરેનો સમાવેશ થાય છે.) દેશની જીડીપીમાં માત્ર ૧૮ ટકાનો ફાળો આપે છે જે અમુક અછતગ્રસ્ત વર્ષોમાં તો માત્ર ૧૨ કે ૧૩ ટકા થઈ જાય છે.

જગતનો કોઈ દેશ ખેતીપ્રધાન હોય અને સાથે સાથે સમૃદ્ધ કે ઊંચી આવક (હાઈ ઈનકમ) દેશ બન્યો નથી. વળી ભારતના ગામડાઓમાં તેની વસતીના ૬૬ ટકા અને તેના નગરો અને શહેરો તથા ઉપનગરોના દેશની વસતીના માત્ર ૩૩ થી ૩૪ ટકા લોકો જ રહે છે તે બાબત ભારતને આર્થિક રીતે પછાત રાખે છે. અલબત્ત ભારતમાં શહેરી-ગ્રામીણ વસતીના આંકડા ૨૦૧૧ના સેન્સસના છે અને તેના પછી નાના નાના સર્વે થયા છે પરંતુ સેન્સસ સર્વે થયો નથી.


Google NewsGoogle News