મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ નહીં પરંતુ મહાયુક્તિનો વિજય થયો છે
- ચૂંટણી દરમિયાનના સૂત્રો અને ભાષણો વિભાજન કરી જીત મેળવવાના વ્યૂહનો ભાગ હતા
- દરેક દેશોમાં લઘુમતિઓ છે. લઘુમતિ યા તો ધાર્મિક અથવા વંશિય અથવા ભાષાકીય સ્વરૂપે હોઈ શકે છે
- વિદેશની યુનિવર્સિટીઓમાં ભારતના વિદ્યાર્થીઓને જ્યારે ત્રાસ આપવામાં આવે છે ત્યારે ચિંતા થાય છે
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૧૬ નવેમ્બરની કોલમમાં મેં જણાવેલું કે મહારાષ્ટ્ર એક ઈનામ છે. મને એ સ્વીકારતા જરા પણ ખચકાટ થતો નથી કે ભાજપ, શિવસેના તથા એનસીપીની મહાયુતિએ આ ઈનામ પ્રાપ્ત કર્યું છે. ૨૮૮ બેઠકમાંથી મહાયુતિને ૨૩૦ બેઠકો મળી છે.
સ્પષ્ટ સંદેશ
મહાયુતિના વિજય માટે કયા મુખ્ય પરિબળો કામ કરી ગયા તેના પર હાલમાં મંથન ચાલી રહ્યા છે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે આ વિજય માટે લાડલી બહિણ યોજના કામ કરી ગઈ છે. આ સ્કીમ હેઠળ શિંદે સરકારે ૧લી જુલાઈથી લાગુ થાય તે રીતે સ્કીમ હેઠળ પાત્ર દરેક મહિલાઓને મહિને રૂપિયા ૧૫૦૦ આપવાનું શરૂ કર્યું છે. અંદાજે ૨.૫૦ કરોડ મહિલા આ સ્કીમની લાભકર્તા બની છે. પોતે ફરી ચૂંટાઈ આવશે તો યોજના હેઠળની રકમ વધારી રૂપિયા ૨૧૦૦ કરવાની મહાયુતિએ ખાતરી આપી છે. કૃષિ ક્ષેત્રમાં હતાશા, ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓમાં બેરોજગારીનો ઊંચો દર, વેતનમાં સ્થિરતા તથા ફુગાવાને કારણે આ સ્કીમ કામ કરી ગઈ. જો કે આ કંઈ નવી સ્કીમ નથી તે નકલ કરાયેલી છે.
અગાઉ આ સ્કીમ મધ્ય પ્રદેશ, તામિલનાડૂ, કર્ણાટક તથા તેલંગણામાં લાગુ થયેલી છે. આ ઉપરાંત મુખ્ય હરીફ એમવીએ દ્વારા પણ પોતે સત્તા પર આવશે તો દરેક ગરીબ મહિલાને મહિને રૂપિયા ૩૦૦૦ આપવાની ચૂંટણી ઢંઢેરામાં ખાતરી આપી હતી. આ હકીકતને ધ્યાનમાં રાખતા મને નથી લાગતુ કે લાડકી બહિણ યોજના ચૂંટણીમાં નિર્ણયાત્મક પરિબળ બન્યું છે.
તેમણે એક હૈ તો સેફ હૈ અને બટેગે તો કટેંગેના નારાને ઉછાળ્યા હતા. સાંભળવામાં આ નારા તટસ્થ ઉપદેશ લાગે છે પરંતુ હકીકતમાં તે ચોક્કસ કોમના સભ્યોને અનુસરીને ઉછાળાયા હતા.લવ જિહાદ તથા વોટ જિહાદ જેવા ઉશકેરણીજનક ભાષણોનો ચૂંટણી પ્રચારમાં વારંવાર ઉપયોગ થયો હતો. ટૂકડે ટૂકડે ગેંગ અને અરબન નક્ષલસ જેવા જુના ગાણાં પણ ફરી ગવાયા હતા. આ સંદેશ સ્પષ્ટ અને ચોક્કસ દિશાના હતા.
લોકસભાની ચૂંટણી દરમિયાન કરાયેલા ઝેરી પ્રચાર - જો તમારી પાસે બે ભેંસ હશે તો કોંગ્રેસ એક છીનવી લેશે. તમારુ મંગળસૂત્ર આંચકી લેવાશે અને વધુ બાળકો ધરાવતા પરિવારોને તે આપી દેવાશે- મને યાદ આવી ગયા હતા.
મહાયુતિ યુક્તિ (ટ્રિક)
જે સંદેશાઓ ફેલાવાયા હતા તે કયા સમુદાય માટે હતા તેમાં કોઈ શંકા નથી. જે સમુદાય માટે સંદેશ પૂરા પડાયા હતા તેમની સામે કયો સમુદાય કહેવાતો જોખમી છે તે બાબત પણ કોઈ શંકા નથી. આ સૂત્રો હિન્દુ મતોના મજબૂતીકરણ માટે હતા એમ એક કોલમિસ્ટે તેમના લેખમાં લખ્યું હતું.
વર્તમાન વર્ષની વિજયાદસમીએ આરએસએસના વડા મોહન ભાગવતે આપેલા ભાષણની આ નવા સૂત્રોએ યાદ અપાવી દીધી હતી. વિશ્વભરના હિન્દુ સમુદાયે એ સમજી લેવું જોઈએ કે, અસંગઠી તથા નબળા રહેવાનો અર્થ દૂષ્ટો તરફથી અત્યાચારને આમંત્રિત કરવાનો થાય છે, એમ ભાગવતે તેમના ભાષણમાં જણાવ્યું હતું. આ સ્લોગનો તથા ભાષણો દ્વેષભાવભર્યા પ્રચારના અને વિભાજન કરી ચૂંટણી જીતવાના વ્યૂહનો ભાગ હતા. આ સૂત્રો વાણી સ્વાતંત્રતાના દૂરુપયોગ જેવા હતા. ભારતના બંધારણ પર તેમણે હુમલો કર્યો છે. બંધારણની કલમ ૧૫,૧૬,૨૫,૨૬, ૨૮(૨), ૨૮(૩), ૨૯ અને ૩૦ને તેમણે કચડી નાખી છે. આ પ્રચાર મહાયુતિની મહાયુક્તિ હતી.
દરેક દેશોમાં લઘુમતિઓ છે. લઘુમતિ યા તો ધાર્મિક અથવા વંશિય અથવા ભાષાકીય સ્વરૂપે હોઈ શકે છે. અમેરિકામાં અશ્વેત તથા લેટિનો નાગરિકો લઘુમતિમાં છે. ચીનમાં ઉગીર્સ, પાકિસ્તાનમાં શિઆ તથા હિન્દુઓ, બંગલાદેશમાં હિન્દુઓ, શ્રીલંકામાં તામિલ તથા મુસ્લિમો, ઈઝરાયલમાં આરબો, કેટલાક યુરોપના દેશોમાં યહુદીઓ લઘુમતિમાં છે. સમાનતા જાળવવા અને લઘુમતિઓના રક્ષણ માટે યુરોપની કાઉન્સિલે ખાસ ધોરણો તૈયાર કર્યા છે.
અમેરિકામાં સિવિલ રાઈટસ એકટ ૧૯૬૪ લાગુ છે. ઓસ્ટ્રેલિયામાં પણ લઘુમતિઓના રક્ષણ માટે કાયદા ઘડાયા છે. દૂરંદેશી ડો. બાબાસાહેબ આંબેડકરે, લઘુમતિઓના અધિકારોન ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત હક્કોને સમાન બનાવ્યા છે.
દંભીપણું
ભારતીયો તથા ભારત સરકાર બંગલાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓના હક્કો બાબત જુસ્સેદાર છે અને અવાજ ઉઠાવી રહી છે. વિદેશની યુનિવર્સિટીઓમાં ભારતના વિદ્યાર્થીઓને જ્યારે ત્રાસ આપવામાં આવે છે ત્યારે આપણને તેમની ચિંતા થાય છે. વિદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થાય છે તો તેનાથી આપણે નારાજ થઈએ છીએ.
પરંતુ જ્યારે અન્ય દેશો અથવા માનવ અધિકાર સંગઠનો ભારતમાં લઘુમતિઓ પ્રત્યે કથિત અન્યાય સામે સવાલ કરે છે ત્યારે વિદેશ મંત્રાલય તેમને ચેતવણી આપે છે અને ભારતની આંતરિક બાબતમાં દરમિયાનગીરી નહીં કરવા જણાવે છે. આ દંભ દેખાઈ આવે છે. દ્વેષિલા ભાષણો અને પગલાં વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે. બંગલાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ કરવામાં આવી છે અને ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવા માગણી ઉઠી છે. એક ભારતીય મઠના વડાએ મુસ્લિમોને મતદાનનો અધિકાર નકારી કાઢવાની કથિત માગણી કરી હોવાના અહેવાલ હતા. લોકશાહીમાં આ બન્ને અસ્વિકાર્ય છે.
વિભાજન કરી વિજય મેળવવાની નીતિ ચાલુ રહેશે તો, ભારતમાં લઘુમતિઓનો મુદ્દો ઘેરો બનશે. ભાગલા પાડો અને રાજ કરોની બ્રિટિશ નીતિથી ચૂંટણીની આ નીતિ અલગ નથી.