Get The App

યુદ્ધ, પ્રેમ તથા રાજનીતિને નિયમો સાથે કોઈ સંબંધ નથી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
યુદ્ધ, પ્રેમ તથા રાજનીતિને નિયમો સાથે કોઈ સંબંધ નથી 1 - image


- તાજતેરના યુદ્ધોએ માનવ મૂલ્યોનો સંહાર કરી નાખ્યાનું જોવા મળ્યું છે 

- કાયદાના સમાન પાલન હેઠળ કાયદો જ સર્વોપરી હોય છે અને દરેક શાસકોએ તેનું પાલન કરવાનું રહે છે જ્યારે કાયદાના અર્થઘટન દ્વારા પાલનમાં શાસકો સર્વોપરી રહે છે અને કાયદો તેમનો ચાકર હોય છે અને ચાકરો ગમે ત્યારે બદલાતા રહે  છે

- પ્રેમના નિયમો પર અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. મને લાગે છે કે  પ્રેમ પર જેટલા પુસ્તકો એટલા નિયમો છે.રુલ્સ ઓફ લવ એ આ પુસ્તકોનું લોકપ્રિય ટાઈટલ બની ગયાનું જણાય છે. 

- રશિયા તથા યુક્રેન અને ઈઝરાયલ તથા હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ આ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. બળાત્કાર તથા લૂંટફાટ સામાન્ય બની ગયા છે 

યુદ્ધ, પ્રેમ તથા રાજનીતિને નિયમો સાથે કોઈ સંબંધ નથી 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

કેટલાક સપ્તાહ પૂર્વે, મે આ કોલમમાં  કાયદાનું સમાન પાલન અને કાયદાનું અર્થઘટન દ્વારા પાલન વચ્ચેનો તફાવત  સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.કાયદાના સમાન પાલન હેઠળ કાયદો જ સર્વોપરી હોય છે અને દરેક શાસકોએ તેનું પાલન કરવાનું રહે છે જ્યારે કાયદાના અર્થઘટન દ્વારા પાલનમાં શાસકો સર્વોપરી રહે છે અને કાયદો તેમનો ચાકર હોય છે અને ચાકરો ગમે ત્યારે બદલાતા રહે  છે. વસાહતો અને સમુદાયીક જીવન જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી માનવજીવન કાયદાઓ અપનાવતું રહ્યું છે. 

યુદ્ધના ધોરણો 

યુદ્ધના નિયમો હોય છે. બે વિશ્વ યુદ્ધો પછી ચાર જિનિવા સંમેલનો અને તેના શિષ્ટાચારો અપનાવાયા હતા અને ૧૯૬ દેશોએ તેને સ્વિકૃતિ આપી હતી. માનવતા પર આંતરરાષ્ટ્રીય કાયદાની તેમણે રચના કરી હતી. ટૂંકમાં કહીએ તો તેમણે ચાર નિયમો નિશ્ચિત કર્યા છેઃ 

* યુદ્ધ દરમિયાન ઘાયલો, તબીબી તથા ધાર્મિક  આગેવાનોને સલામતિ પૂરી પાડવી.

* યુદ્ધ દરમિયાન મધદરિયે જહાજી ભંગારની સંભાળ લેવી.

* યુદ્ધ કેદીઓ સાથે માનવતાભર્યો વર્તાવ કરવો

* કબજે કરેલા પ્રદેશ સહિતના દરેક નાગરિકોનું રક્ષણ કરવું.

જો કે વિયેતનામ, ઈરાક તથા લિબિયાના યુદ્ધોમાં આ નિયમોનો ભંગ થયો હતો. રશિયા તથા યુક્રેન અને ઈઝરાયલ તથા હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ આ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. બળાત્કાર તથા લૂંટફાટ સામાન્ય બની ગયા છે. યુક્રેનમાં હોસ્પિટલ્સ, શાળાઓ તથા નાગરિક વિસ્તારોમાં રશિયા બોમ્બમારો તથા મિલાઈલ હુમલા કરી રહ્યું છે. યુક્રેનના યુદ્ધ કેદીઓને લઈ જતા રશિયાના વિમાનને તોડી પડાયું હતું જેમાં પ્રવાસ કરી રહેલા ૬૫ કેદી તથા નવ ક્રુ સભ્યો માર્યા ગયા હતા. આ ત્રાસવાદી કૃત્ય બદલ  રશિયાએ યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું જેનો યુક્રેને ઈન્કાર કર્યો હતો. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં હમાસે યુદ્ધ છેડયું હતું. તેણે ગાઝા ખાતેથી દક્ષિણ ઈઝરાયલ પર અચાનક હુમલો કર્યો હતો જેમાં ૧૨૦૦ જણ માર્યા ગયા હતા અને ૨૪૦ને બાનમાં લીધા હતા. યુદ્ધ  શરૂ થયાના ચાર મહિનામાં ઈઝરાયેલ ઘાતકી પ્રતિકાર કર્યો છે. પેલેસ્ટેનિયનોને ગાઝા પટ્ટીનાં ધકેલી દેવાયા હતા અને ૨૫૦૦૦ જેટલા માર્યા ગયાના અહેવાલો હતા.

આ બન્ને યુદ્ધના ચારેય પક્ષો દ્વારા દરેક નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યા છે. યુદ્ધના નિયમોનો જો ભંગ કરવામાં આવે તો સંડોવાયેલા વ્યક્તિઓ તથા દેશો સામે યુએનની અદાલતોમાં કાર્યવાહી થઈ શકે છે. ગાઝામાં નરસંહાર બદલ દક્ષિણ આફ્રિકા ઈઝરાયલને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઘસડી ગયું છે.

સંગમ સાહિત્ય (ઈસવીસન શતાબ્દી ૩૦૦ પૂર્વે)માં યુદ્ધના નિયમો પર એક સરસ ઉલ્લેખ છેઃ 

ગાયો, બ્રાહ્નણો, મહિલાઓ, બીમારો, જે લોકોને બાળકો નથી તેવા દંપતિ સલામત સ્થળે  સ્થળાંતર કરી જજો. અહીં યુદ્ધ થવાનું છે અને મારુ તીર આગળ વધશે તેવા નિવેદન  બહાર પડાતા હતા. ધર્મના આ માર્ગનું પાલન કર્યા પછી જ રાજા યુદ્ધ શરૂ કરતા હતા. 

પ્રેમના નિયમો

પ્રેમના નિયમો પર અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. મને લાગે છે કે  પ્રેમ પર જેટલા પુસ્તકો એટલા નિયમો છે.રુલ્સ ઓફ લવ એ આ પુસ્તકોનું લોકપ્રિય ટાઈટલ બની ગયાનું જણાય છે. હું કબુલ કરું છું કે પ્રેમ પરના એકપણ પુસ્તકનું મેં વાંચન કર્યું નથી, પરંતુ આવા પુસ્તકોના અસંખ્ય વાચકો છે.  કેટલીક જાણીતી હસ્તિઓ પ્રેમ બાબત શું કહી ગયા છે તે જોઈએ-

*એવી કોઈ વ્યક્તિ પાછળ તમારો પ્રેમ વેડફો નહીં જેને પ્રેમની કદર ન હોય.- વિલિયમ સેકસપિયર.

*એક વ્યક્તિએ પ્રેમમાં તો પડવું જ જોઈએ. અને  તે ટકાવવા કયારેય લગ્ન કરવા ન જોઈએ.- ઓસ્કાર વાઈલ્ડ.

*તમે જ્યારે પ્રેમમાં ભાંગી પડો છો ત્યારે, તેમાંથી બેઠા થવાનું આસાન છે, પરંતુ તમે જ્યારે પ્રેમમાં પડો છો ત્યારે તેમાં ફરી ઊભા થવાનું અશકય છે.- આલ્બર્ટ આઈન્સટાઈન.

એક પ્રકારની આ કહેવતો કદાચ વિનોદી લાગે પણ ખરી અને ન પણ લાગે પરંતુ આમાંથી પ્રેમના કેટલાક નિયમો તારવવાનું શકય છે. 

રાજનીતિના નિયમો 

રાજનીતિમાં રાજનીતિ પરના કાયદા અને રાજનીતિના નિયમોને એકતાંતણે તાણી શકાય નહીં. કાયદો એક અલગ બાબત છે અને નિયમો-જે રીતે રમત ગોઠવવામાં આવે છે-એક અલગ બાબત છે. હકીકતમાં, કેટલીક રમતોમાં, રમત વણઉલ્લેખાયેલા નિયમો પ્રમાણે રમાય છે જેમાં નક્કી કરાયેલા નિયમોને તોડી પાડવાનો હેતુ હોય છે. ઉદાહરણ તરીકે, રાજકીય પક્ષોમાંથી પક્ષાંતરને મનાઈ કરતો કાયદો એવી રીતે અર્થઘટિત કરાય છે જેને પરિણામે વધુ પક્ષાંતરને પ્રોત્સાહન મળે છે. રાજનીતિના નિયમો હેઠળ, અમ્પાયર પણ એક બાજુએ રમી શકે છે. એવા અનેક કેસો જોવાયા છે જેમાં વિધાનમંડળના સ્પીકર્સ પક્ષાંતરની રમતમાં સહભાગી બની ગયા હતા. આ ઉપરાંત રાજનીતિમાં  સરળ બાબતને ગૂંચવાડાભરી  બનાવવી દેવાનો પણ નિયમ છે. આ નિયમ પર વધુ સ્પષ્ટતા માટે અને રાજનીતિના અન્ય નિયમો જાણવા માટે નીતિશ કુમાર 'યોગ્ય' વ્યક્તિત્વ છે.



Google NewsGoogle News