છેલ્લાં 25 વર્ષમાં ગુજરાતના કૃષિક્ષેત્રમાં સર્વાંગી પરિવર્તન આવ્યું છે
- ડૉ. પી.કે મિશ્રા
- જમીન આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાાનિક પગલાં અમલમાં મુકવાની પહેલના ભાગરુપે સોઇલ હેલ્થ કાર્ડ રજૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજય બન્યું છે. સજીવ ખેતી અપનાવવામાં પણ ગુજરાત અગ્રેસર રહયું છે. વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા અહીં ગુજરાતના કૃષિક્ષેત્રનું વિહંગાવલોકન કરે છે
ગુજરાતમાં સદીના છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન, ખાસ કરીને વર્ષ ૨૦૦૦ પછી, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કેવી રીતે પરિવર્તન આવ્યું છે તેના કેટલાંક મહત્વપૂર્ણ પાસાં વિશે વાત કરવાનું મને વધારે ઉચિત લાગે છે. ગુજરાતમાં કૃષિમાં પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ ત્યારે તે ક્ષેત્રમાં સંગઠન, ઉત્પાદન અને વ્યાપક અર્થતંત્રમાં તેની ભૂમિકામાં પરિવર્તન જાણવું જરુરી છે. ગુજરાતમાં જમીનનો ઉપયોગ, પાકની પેર્ટન, સિંચાઇની પદ્ધતિઓ, ટેકનોલોજી, બજારની ગતિશીલતા અને ગ્રામીણ સામાજિક-આર્થિક માળખામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. છેલ્લાં ૨૫ વર્ષોમાં ગુજરાત પોતાની અર્થવ્યવસ્થા અને સમાજ પર ગહન અસરો સાથે કૃષિ નવીનતા, સ્થિતિસ્થાપકતા અને પ્રગતિમાં અગ્રેસર રહ્યું છે.
ગુજરાત રાજયની રચના સમયેે કૃષિમાં અર્ધશુષ્ક પરિસ્થિતિઓ, વરસાદ આધારિત ખેતી પર નિર્ભરતા અને બરછટ અનાજ, કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકો લેવાની રીતોનું ચલણ હતું. શરુઆતના તે ગાળામાં સિંચાઇ અને ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત હતો. વારંવારના દુષ્કાળ, ઓછી ઉત્પાદકતા અને અપૂરતી માળખાકીય સુવિધાઓને કારણે આ ક્ષેત્રનો વિકાસ રુંધાયો હતો. જોકે છેલ્લાં ૨૫ વર્ષોમાં આ બાબતોમાં ગતિશીલતામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. કપાસના ઉત્પાદનમાં તેજી, પશુધન, ફળો અને શાકભાજી જેવા ઉચ્ચ મૂલ્યના ક્ષેત્રમાં વૃદ્ધિ અને ઘઉંના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. અશોક ગુલાટી, રંજના રોય અને સિરાજ હુસૈન દ્વારા પ્રકાશિત થયેલા પેપર મુજબ ગુજરાત એવાં કેટલાંક રાજ્યોમાંનું એક છે, જેણે કૃષિ ક્ષેત્રમાં ઉચ્ચ વૃદ્ધિ હાંસલ કરી છે. ૨૦૦૧-૦૨થી ૨૦૧૪-૧૫ના સમયગાળા દરમિયાન, ગુજરાતની કૃષિ વાર્ષિક ૮.૬ ટકાના દરે વૃદ્ધિ પામી હતી. આ જ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતીય કૃષિ વિકાસ દર વાર્ષિક ૩.૨ ટકા હતો. ૧૯૭૦-૧૯૮૦ અને ૧૯૯૦ દરમિયાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો વિકાસ દર અનુક્રમે ૩.૦૧ ટકા, -૦.૮૪ ટકા અને ૪.૪ ટકા હતો. ૨૦૦૦-૨૦૧૦, ૨૦૧૦-૨૦૨૦ અને ૨૦૧૩-૨૦૨૩ દરમિયાન તે અનુક્રમે ૭.૬૫ ટકા, અને ૩.૯૬ ટકા નોંધાયો હતો. 'વિઝન ડોક્યુમેન્ટ -વિકસિત ગુજરાતના રોડમેપ'માં કૃષિ, સિંચાઇ અને ગ્રામીણ વિકાસ પર એક પ્રકરણ છે તે દર્શાવે છે કે છેલ્લા દાયકામાં (૨૦૧૧-૨૦૨૧) ગુજરાતના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે ભારતના સરેરાશ ૫.૭ ટકાની સરખામણીમાં ૯.૭ ટકા સીએજીઆરના દરે વૃદ્ધિ કરી છે. આમાં મુખ્યત્વે સંલગ્ન ક્ષેત્રોનો ફાળો સંચાલિત છે. ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જીન કહેવામાં આવે છે, જે રાજયમાં સર્વાંગી વિકાસ અને ઉત્પાદન, સેવાઓ અને કૃષિના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે શકય બન્યું છે. કૃષિક્ષેત્રમાં, ગુજરાતમાં કામદાર દીઠ ઉત્પાદકતા સમગ્ર ભારતીય સરેરાશ કરતાં ૨૮ ટકા વધુ છે, જયારે બિન કૃષિ ક્ષેત્રમાં તે ૨૫ ટકા વધુ છે. ખૂબ ઊંચું ઔધોગિકીકરણ છતાં કૃષિ રાજયના વિકાસ અને વિકાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રાજયના જીએસવીએ (ગ્રોથ સ્ટેટ વેલ્યુ એડેડ)માં કૃષિનો ફાળો છઠા ભાગનો છે, પરંતુ કૃષિ ગુજરાતમાં ૪૨ ટકા કામદારોને રોજગાર પૂરો પાડે છે.
દેશમાં ઉત્પાદિત ૨૫ ટકા કપાસ, ૪૪ ટકા મગફળી, ૮૭ ટકા એરંડા અને ૭.૫ ટકા દૂધનું ઉત્પાદન ગુજરાતનું છે. આ ઉત્પાદનો કાપડ ઉધોગ, તેલીબીયાં, પ્રક્રિયા ઉધોગો અને ડેરી પ્રક્રિયા ઉધોગો માટે કાચા માલ તરીકે વપરાય છે. છેલ્લા અઢી દાયકા દરમિયાન શરુ કરાયેલા નીતિ વિષયક સુધારાઓ અને માળખાકીય વિકાસથી ગુજરાતના કૃષિક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. મોડલ એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી એક્ટ દ્વારા લાગુ કરવામાં ગુજરાત મોખરે રહયું છે, આથી ખેડૂતોને નિયંત્રિત બજારોની બહાર ઉત્પાદન વેચાણની છૂટ છે. ૨૦૦૭માં ગુજરાત એગ્રી કલ્ચર પ્રોડયુસ માર્કેટિંગ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ચ ફાર્મિગ, ડાયરેક્ટ માર્કેટિંગ, ઇ- ટ્રેડિંગ, ખાનગી બજારો, બજાર ફીની સિંગલ પોઇન્ટ વસૂલાત અને ખેડૂત બજારોની સ્થાપના માટેની જોગવાઇનો સમાવેશ થાય છે. સિંચાઇમાં માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ ગુજરાતની કૃષિમાં થયેલો નોંધપાત્ર ફેરફાર છે. સરદાર સરોવર પરિયોજના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. સૌની (સૌરાષ્ટ નર્મદા અવતરણ સિંચાઇ) યોજનાનો ઉદ્ેશ્ય સરદાર સરોવર ડેમમાંથી નહેરો દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૧૫ ડેમોને ભરવાનો છે. સુનિશ્ચિત પાણી પુરવઠાને લીધે ૧૦ લાખ હેક્ટર ખેતીની જમીનને લાભ મળી રહયો છે. સિંચાઇમાં જાહેર મૂડીરોકાણના પરિણામે ગુજરાતનો ખૂબ મોટો શુષ્ક પ્રદેશ ગ્રીન સ્ટેટમાં રુપાંતરિત થયો છે. રાજયમાં સિંચાઇ હેઠળનો વિસ્તાર વર્ષ ૨૦૧૧-૦૨માં ૩૩ ટકા વધીને ૨૦૨૧-૨૨માં ૬૯ ટકા થયો છે. સિંચાઇ પ્રણાલીના દૃઢીકરણ અને ખાતરીપૂર્વકના વીજ પુરવઠાને લીધે પરંપરાગત ખાધ અનાજ પાકો જેવા કે કપાસ, મગફળી, ફળો-શાકભાજી, ઔષધીય અને સુગંધિત છોડ વગેરે બાગાયતી પાકો જેવા ઉચ્ચ મૂલ્યના રોકડીયા પાકોની ખેતી પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. વધુ મહત્ત્વની વાત એ છે કે ફળો અને શાકભાજીનો વિસ્તાર ૨૦૧૧-૧૨ થી લગભગ ચાર ગણો વધ્યો છે. મસાલા પાકનો વિસ્તાર ૨.૨ ટકાથી વધીને ૫.૫ ટકા થયો છે. ૨૦૧૧-૧૨થી ૧૦ વર્ષ દરમિયાન ફળો અને શાકભાજીના પાકનો વિસ્તારનો હિસ્સો ૩.૭ ટકાથી વધીને ૯.૫ ટકા થયો છે.
ટેકનોલોજી દ્વારા ખેડૂતોનું સશકિતકરણ, કૃષિ મહોત્સવ અને સોઇલ હેલ્થ કાર્ડ જેવા નવીન અભિગમોથી છેલ્લા એક દાયકામાં કૃષિ વિકાસ પ્રભાવશાળી રહયો છે. જમીન આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાાનિક પગલાં અમલમાં મુકવાની પહેલના ભાગરુપે સોઇલ હેલ્થ કાર્ડ રજૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજય બન્યું છે. આઇ-ખેડૂત પોર્ટલ ખેડૂતોને કૃષિ ઇનપુટ્સ, નવીનતમ ખેતી જ્ઞાાન, કલ્યાણકારી યોજનાઓ, હવામાન અપડેટ્સ અને બજાર કિંમતો માટે સમયસર માહિતી માર્ગદર્શન આપે છે.
ગુજરાત કૃષિ મહોત્સવ એક મહિનો ચાલતું વાર્ષિક અભિયાન એક અનોખા કૃષિ વિસ્તરણ મોડલ તરીકે ઉભરી રહ્યું છે. કૃષિ સહકારી અને સ્વ-સહાય જૂથોમાં મહિલાઓની સહભાગિતાએ તેમને આર્થિક અને સામાજિક રીતે સશકત બનાવ્યાં છે. ઉદાહરણ તરીકે, સ્વ-સહાય જૂથો, ગ્રામીણ સંસ્થાઓ અને ક્લસ્ટર સ્તરના સંઘોમાં કૃષિ સંબંધિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલી ૧૫ લાખથી વધુ મહિલા સભ્યો છે. સજીવ ખેતી અપનાવવામાં ગુજરાત અગ્રેસર રહયું છે. ગુજરાત સરકારે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા ૨૦૧૫માં ગુજરાત સરકારે ઓર્ગેનિક ફાર્મિંગ નીતિ જાહેર કરી છે.
( લેખક ડૉ. પી.કે મિશ્રા વડાપ્રધાનના અગ્ર સચિવ છે)
આબોહવા પરિવર્તન અને ટકાઉપણું
ગુજરાતના કૃષિક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ આબોહવા પરિવર્તનના કારણે ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે. આ અસરોને ઘટાડવા માટે જળ સંરક્ષણ, જમીન આરોગ્ય, વ્યવસ્થાપન અને આબોહવા સ્થિતિસ્થાપક પાકની જાતો જેવા જરુરી પગલાં અને ટકાઉ પ્રથાઓ અપનાવવાની જરુર છે.
કૃષિ પરિવર્તનની સામાજિક-આર્થિક અસર: આવક અને રોજગાર સર્જન
કૃષિ પરિવર્તનને કારણે ગ્રામીણ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. નાબાર્ડ મુજબ ગુજરાતમાં ખેતી કરતા પરિવારોની સરેરાશ વાર્ષિક આવક ૨૦૦૩માં રુપિયા ૩૬,૦૦૦ હતી, તે વધીને ૨૦૨૦માં રુપિયા ૧.૨ લાખ થઇ છે. ગુજરાતમાં ૩૦,૦૦૦થી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમો કાર્યરત છે, જે ૧૦ લાખથી વધુ લોકોને રોજગાર પ્રદાન કરે છે. આથી ગ્રામીણ રોજગાર વધારવામાં અને ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન મળ્યું છે.