દુનિયામાં એક જ વર્ષમાં 1153 ગુનેગારોને મૃત્યુદંડ અપાયો
- વર્લ્ડ વિન્ડો
- એક તરફ સાઉદી અરેબિયાના ક્રાઉન પિન્સ મોહમ્મદ બિન સલમાન ઉદારવાદી નીતિઓ માટે જાણીતા બનતા જાય છે, બીજી તરફ એક જ વર્ષમાં એમણે 100 વિદેશી નાગરિકોને ફાંસીએ લટકાવી દીધા...
ગુનેગારોને મૃત્યુદંડ આપવો જોઈએ કે નહીં તે બાબતે તરફેણમાં અને વિરોધમાં અનેક દલીલો થાય છે. એક મત એવો છે કે માણસ કોઈને જીવન આપી શકે નહીં, તો તેમનું જીવન લેવાનો પણ કોઈ અધિકાર નથી. ગંભીર ગુનામાં આકરા કારાવાસની સજા આપવી જોઈએ, એકલા રહેવાની સજા આપવી જોઈએ, પરંતુ જીવનનો અંત આવે એવા મૃત્યુદંડની સજા ન આપવી જોઈએ.
બીજો મત એવો છે કે સિલસિલાબંધ મર્ડર કરનારા કે રીઢા ગુનેગારોને મૃત્યુદંડ આપવામાં કંઈ જ ખોટું નથી. આવા ગુનેગારોને મૃત્યુદંડ આપવાથી સજાનો ડર રહે છે અને ગુનાખોરી ઘટે છે. બીજાનું જીવન ખરાબ કરી નાખે તે પછીય તેને છૂટથી ફરવા દેવામાં આવે તો એવા પ્રકારની ગુનાખોરી વધી શકે છે. એ કારણે આવા ગુનેગારોને મૃત્યુદંડ આપવો યોગ્ય છે.
આવી દલીલો-પ્રતિદલીલો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘ માને છે કે ગુનેગારને પણ એના શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવવાનો અધિકાર મળવો જોઈએ. જીવન જીવવાના અધિકારને રાષ્ટ્રસંઘે માણસનો મૂળભૂત હક માન્યો છે. મૃત્યુદંડના વિકલ્પે જે આકરી સજાની જોગવાઈ હોય એ કરીને પણ અપરાધીને જીવવાનો હક આપવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકારની ભલામણના આધારે જ ૧૯૯૧માં ૪૮ દેશોએ મૃત્યુદંડની સજા ફટકારવાનું બંધ કર્યું હતું. એવા દેશોની સંખ્યા ધીમે ધીમે વધી હતી અને હવે મૃત્યુદંડની સજા ન ફટકારતા દેશોનો આંકડો વધીને ૧૧૨ થયો છે. ૯ દેશો એવા છે કે જ્યાં અતિ ગંભીર ગુનામાં જ અનિવાર્ય હોય તો મૃત્યુદંડની સજા થાય છે. બે ડઝન દેશોમાં ગંભીર અપરાધ માટે મૃત્યુદંડની કાયદાકીય જોગવાઈ છે ખરી, પરંતુ છેલ્લાં એક દશકા એકેય ગુનેગારને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો નથી. અમુક દેશો એવા છે, જ્યાં મૃત્યુદંડની સજા કોર્ટમાંથી મળે છે પણ અમલ થતો નથી. મોટાભાગે ઉપલી કોર્ટમાંથી મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દેવામાં આવે છે. ભારત જેવા એવાય દેશો છે જ્યાં મૃત્યુદંડ ફટકારવામાં આવે છે, પરંતુ અનિવાર્ય કિસ્સામાં જ અમલીકરણ થાય છે.
આટલા દેશો મૃત્યુદંડ આપતા નથી છતાં માનવ અધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલના અહેવાલ પ્રમાણે દુનિયામાં મૃત્યુદંડમાં ૩૧ ટકાનો વધારો થયો છે. ૨૦૨૨માં દુનિયાભરમાં ૮૮૩ ગુનેગારોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ૨૦૨૩માં ૧૧૫૩ ક્રિમિનલ્સને મોતની સજા મળી હતી. ૨૦૧૫ પછી પહેલી વખત મૃત્યુદંડની સજામાં આટલો વધારો થયો હતો. ૨૦૧૫માં ૧૬૩૪ અપરાધીઓને મૃત્યુદંડ અપાયો હતો.
૨૦૨૨માં વર્લ્ડવાઈડ જેટલા લોકોને મોતની સજા મળી હતી એટલા લોકોને તો ૨૦૨૩માં ઈરાને જ મૃત્યુદંડ આપ્યો છે. એક વર્ષમાં ઈરાનમાં ૮૫૩ ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવાયા હતા. વૈશ્વિક માનવાધિકાર સંગઠનો તો માને છે કે મૃત્યુદંડની બાબતમાં ઈરાન કરતાં પણ ચીન વધારે ક્રૂર છે, પરંતુ ચીનના આંકડાં ક્યારેય જાહેર થતાં નથી એટલે ગ્લોબલ ડેથ પેનલ્ટીનો આંકડો ઘણો મોટો હોવાની શક્યતા છે.
બેંક ઓફ ચાઈનાના પૂર્વ વડા લિયુ લિયાંગને ચીને ભ્રષ્ટાચારના કેસમાં મૃત્યુદંડ ફટકારીને દુનિયામાં અત્યારે ચર્ચા જગાવી છે. ચીને થોડા મહિના પહેલાં પણ એક બેંકરને ભ્રષ્ટાચારના કેસમાં મોતની સજા આપી હતી. આર્થિક ગોટાળામાં ચીન સૌથી આક્રમક વલણ અપનાવે છે. ચીનમાં અમુક લોકો કોઈ ગુના પછી ભેદી રીતે ગુમ થઈ જાય છે પછી ક્યારેય મળતા નથી એવો દાવો થઈ રહ્યો છે. એવા લોકોને ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવે છે એમ કહેવાય છે.
ચીન, ઈરાન, સાઉદી અરબ, સોમાલિયા અને અમેરિકા - આ પાંચ દેશોમાં સૌથી વધુ મૃત્યુદંડ આપવામાં આવે છે. ચીન, સાઉદી, ઈરાન અને સોમાલિયા તો બરાબર પણ અમેરિકાનું નામ આ લિસ્ટમાં જોઈને આશ્વર્ય થઈ શકે છે. અમેરિકામાં વર્ષે સરેરાશ ૨૦-૨૫ લોકોને મૃત્યુદંડ આપવામાં આવે છે. અમેરિકામાં ગુનેગારને ફાંસી આપવામાં આવતી નથી, મોતનું ઈન્જેક્શન આપવામાં આવે છે. અમેરિકા સિવાયના મોટાભાગના દેશોમાં મૃત્યુદંડનો અમલ ફાંસી આપીને જ કરવામાં આવે છે. એક વર્ષમાં ૧૧૦૦થી વધુ ગુનેગારોને મૃત્યુદંડ અપાયો એમાં ૮૦૦ જેટલાને ફાંસીએ લટકાવાયા હતા. સાઉદી અરબમાં તો મોતની સજા માટે આજેય શિરચ્છેદ કરવામાં આવે છે. ઘણાં દેશોમાં ગોળી મારીને મોતની સજા અમલી બનાવાય છે.
મૃત્યુદંડના સત્તાવાર આંકડા તો ૨૦૨૩ના વર્ષના આવ્યા છે, પરંતુ સાઉદી ૨૦૨૪માં અપાયેલા મૃત્યુદંડ માટે અત્યારે ટીકાપાત્ર બન્યું છે. એક તરફ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) તેમની ઉદારવાદી નીતિઓ માટે જાણીતા બન્યા છે. સાઉદીએ અત્યારે સોફ્ટ પાવર તરફ ધ્યાન આપીને નવીનીકરણ આદર્યું છે. દુનિયાના સર્વાધિક પોપ્યુલર ફૂટબોલ પ્લેયર્સ સાથે કરાર કરીને સાઉદીએ ફૂટબોલનો માહોલ બનાવ્યો છે. રોનાલ્ડોથી નેમાર સુધીના સ્ટાર્સને સાઉદી આવકારી રહ્યું છે. હજુ થોડા સમય પહેલાં જ સાઉદીમાં રિયાદ ફેસ્ટિવલ યોજાયો. એમાં ફેશન-શો સહિત એકથી વધુ ગ્લેમરસ ઈવેન્ટ્સ હતી ને તેના કારણે સાઉદીના ક્રાઉન પ્રિન્સ એમબીએસની ટીકાય થઈ. રૂઢિવાદીઓ આવી ઈવેન્ટ્સ માટે એક તરફ તેમની ઝાટકણી કાઢી રહ્યા છે, બીજી તરફ લિબરલ્સ પણ જુદા મુદ્દે તેમની ટીકા કરે છે.
એમબીએસના એક તરફ લિબરલ વલણની સામે બીજી તરફ સાઉદીએ ૨૦૨૩માં ૨૭૪ ગુનેગારોને ફાંસીએ લટકાવી દીધા. વૈશ્વિક માનવાધિકાર સંગઠનો આ બાબતે એમબીએસની ઝાટકણી કાઢે છે. ૨૦૨૪માં સાઉદી સોફ્ટ પાવર નેશન બનાવવાની દિશામાં પ્રયાસો કરે છે ત્યારે જ ૧૦૦થી વધુ વિદેશી નાગરિકોને સાઉદીમાં જ ફાંસીએ લટકાવી દેવાયા. સાઉદીના ઈતિહાસમાં પહેલી વખત કોઈ એક વર્ષમાં ૧૦૦થી વધુ વિદેશી નાગરિકોને મૃત્યુદંડ અપાયો છે. ગયા વર્ષે સાઉદીમાં ૩૪ વિદેશી નાગરિકોને મૃત્યુદંડ મળ્યો હતો. એની સરખામણીએ ૨૦૨૪માં આંકડો ત્રણ ગણો વધ્યો છે.
ક્રાઉન પ્રિન્સ વતી બચાવમાં એવી દલીલ થાય છે કે નશીલી દવા, ડ્રગ્સનું દૂષણ દેશમાં ઘર ન કરી જાય તે માટે એમબીએસ ખૂબ જ અવેર છે. એમાં કોઈ જ બાંધછોડ કરવાના પક્ષમાં નથી. જે વિદેશીઓને ફાંસીની સજા આપવામાં આવી છે એમાંથી મોટાભાગના ડ્રગ્સ કે નશીલી દવાઓનો ગેરકાયદે ધંધો કરતા હતા. અથવા તો વિદેશથી કોઈ રીતે સાઉદીમાં ડ્રગ્સ ઘૂસાડતા હતા. એનું પ્રમાણ ઘટે તે માટે આકરામાં આકરી ફાંસીની સજા આપવામાં આવે છે. સાઉદીની સરકાર એના આંકડાં પણ ટાંકે છે. ડ્રગ્સ, નશીલી દવાઓ ઘૂસાડવા કે વેચવાના કેસમાં એક વર્ષમાં ૯૨ ગુનેગારોને ફાંસી થઈ. એમાં ૬૯ વિદેશી નાગરિકો હતા.
સાઉદીમાં દર વર્ષે ડ્રગ્સમાં આટલા વિદેશી નાગરિકોને મૃત્યુદંડ મળે છે છતાં વધુ પકડાય છે. ને આંકડો દર વર્ષે વધતો જાય છે. સાઉદીના ઉદાહરણ પછી એ તર્ક વિચારતા કરી મૂકે છે કે જો મૃત્યુદંડ છતાં ગુનાખોરી ઘટતી નથી તો મૃત્યુદંડ ન અપાય તો ક્રાઈમ રેટ કેટલો વધી જાય?