શેખ હસીનાએ ભારત સાથે રેલવેનો કરાર કર્યો તેનાથી બાંગ્લાદેશમાં વિવાદ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
શેખ હસીનાએ ભારત સાથે રેલવેનો કરાર કર્યો તેનાથી બાંગ્લાદેશમાં વિવાદ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- કોલકાત્તા-ઢાકા વચ્ચે ચાલતી મૈત્રી એક્સપ્રેસ

- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલવેની સુવિધા અત્યારે પણ ચાલી રહી છે, પરંતુ નવા કરાર પછી ભારતને બાંગ્લાદેશમાં રેલવે ચલાવવામાં વધારે સરળતા રહેશે. તેની સામે બાંગ્લાદેશમાં વિરોધ ઉઠયો છે

બાંગ્લાદેશમાં પણ ભારતની જેમ લોકસભાની ચૂંટણી હજુ થોડા મહિના પહેલાં જ પૂરી થઈ. ફરીથી શેખ હસીના જ સત્તામાં આવ્યાં. ૨૦૦૯થી બાંગ્લાદેશમાં શેખ હસીના વડાંપ્રધાન છે. એ પહેલાં ૧૯૯૬થી ૨૦૦૧ સુધી પણ શેખ હસીના વડાંપ્રધાન રહી ચૂક્યાં છે. બાંગ્લાદેશના સ્થાપક અને પ્રથમ પ્રમુખ શેખ મુઝીબુર રહેમાનનાં દીકરી શેખ હસીના બાંગ્લાદેશમાં બેહદ પોપ્યુલર છે. રાજકીય કારકિર્દીનાં ૨૦ વર્ષ તો તેમણે સત્તામાં રહીને વીતાવ્યાં છે. ફરીથી ચૂંટાયા પછી તેમના નામે વિશ્વરેકોર્ડ નોંધાયો. શેખ હસીના દુનિયામાં સૌથી વધુ સમય સત્તામાં રહેનારાં મહિલા નેતા છે.

બાંગ્લાદેશમાં લોકસભાની ચૂંટણી પછી શેખ હસીના પહેલી વખત ભારત આવ્યાં. ચૂંટાયા બાદ તેમની પ્રથમ ભારતયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થઈ તેમાં મહત્ત્વના ૧૦ કરારો થયા હતા. આમ જોઈએ તો ભારતમાં પણ લોકસભાની ચૂંટણી પછી શપથ સમારોહમાં આવેલા વિદેશી મહેમાનોને ન ગણીએ તો કોઈ દેશના વડાની આ પ્રથમ વિઝિટ હતી. બંને દેશમાં સત્તાપક્ષને જ ફરીથી સત્તા મળી હોવાથી અગાઉની પૉલિસી પ્રમાણે નિર્ધારિત કરારો કરવાનું સરળ બન્યું. દ્વિપક્ષીય વેપાર, સમુદ્રી સીમાની સુરક્ષા, ડિજિટલ આદાનપ્રદાન, બાંગ્લાદેશના દર્દીઓને મેડિકલ ઈ-વિઝા,  નદીના પાણીની વહેચણી, રેલ અને બસ સહયોગ જેવા મુદ્દે બંને પક્ષે વાતચીત થઈ. કરારો થયાં.

બંને દેશો વચ્ચે થયેલા કરારોમાંથી ભારતમાં સૌથી વધુ ચર્ચા થઈ પાણીની વહેચણીના મુદ્દે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાણીનો કરાર થયો એમાં પશ્વિમ બંગાળનો મત ન લેવાયો તે મુદ્દો ઉઠાવ્યો એટલે ભારતમાં એની ચર્ચા વધુ થઈ. મમતા બેનર્જીની દલીલ એવી છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પાણીનું આદાન-પ્રદાન થાય છે તે પશ્વિમ બંગાળના માધ્યમથી જ શક્ય છે. ત્યારે રાજ્યને આ કરારમાં સામેલ કરવાની જરૂર હતી. રાજ્યને જાણકારી જ નહીં હોય તો બંને દેશો વચ્ચે સરળતાથી પ્રક્રિયા થશે નહીં.

બાંગ્લાદેશમાં પાણીના કરારની ચર્ચા ખાસ થઈ નથી. બાંગ્લાદેશમાં વિપક્ષોએ મુદ્દો ઉઠાવ્યો છે - રેલ ટ્રાન્ઝિટનો. બાંગ્લાદેશમાં વિપક્ષના નેતા ગુલામ મોહમ્મદ કાદરે ભારત સાથે રેલવેનો જે કરાર થયો તેમાં બાંગ્લાદેશની સંપ્રભુતા જોખમાશે એવો આરોપ લગાવ્યો. વિપક્ષના નેતાની દલીલ છે કે અત્યાર સુધી ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટ્રેનનો વહેવાર ચાલે છે તેમાં બાંગ્લાદેશનો હાથ ઉપર રહે છે. પશ્વિમ બંગાળના રસ્તે જે ટ્રેન બાંગ્લાદેશમાં પ્રવેશે છે તેમાં બાંગ્લાદેશનું એન્જિન લાગે છે અને પછી ટ્રેન આગળ વધે છે. નવા કરાર પ્રમાણે ભારત સ્વતંત્ર રીતે બાંગ્લાદેશમાં ટ્રેન ઓપરેટ કરશે તેનાથી બાંગ્લાદેશ રેલવેનું પ્રભુત્વ ઘટશે અને ભારતનો દબદબો વધશે.

વિરોધ પક્ષના અન્ય નેતાઓએ પણ આ બાબતે હોબાળો મચાવ્યો અને શેખ હસીનાના નિર્ણયને વખોડયો. શેખ હસીના આ ટર્મમાં ભારતને વધારે લાભ આપીને દેશની વિદેશનીતિમાં સંતુલન ખોરવશે એવુંય કેટલાય નેતાઓએ કહ્યું. એ નેતાઓનો ઈશારો ચીન તરફ હતો. ભારતની જેમ ચીન સાથે બાંગ્લાદેશના સુમેળભર્યા સંબંધો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર થાય છે. એટલું જ નહીં, ચીનની કંપનીઓ બાંગ્લાદેશમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી રહી છે. બાંગ્લાદેશનું ચટ્ટોગ્રામ બંદર અત્યારે ચીન વિકસાવી રહ્યું છે. બાંગ્લાદેશનો મોટાભાગનો વેપાર આ બંદરના માધ્યમથી થાય છે. વિપક્ષોનો તર્ક એવો છે કે ભારત સાથે વધુ નિકટતાથી ચીન નારાજ થશે અને ચીનનું રોકાણ દેશમાં ઘટશે. બાંગ્લાદેશે બંને દેશો વચ્ચે સંતુલન જાળવી રાખવું જોઈએ.

વિપક્ષોની આવી દલીલો પાછળ માત્ર એક રેલવેનો કરાર જ નહીં, પરંતુ તીસ્તા નદીના પ્રોજેક્ટનો કરાર પણ જવાબદાર છે. ભારત સાથે આ કરાર કરીને શેખ હસીનાએ ચીનના પ્રસ્તાવને નકારી દીધો છે. ચીને પણ બાંધ બાંધવા માટે લોનનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ શેખ હસીનાએ ભારતનો પ્રસ્તાવ સ્વીકાર્યો. ચીને અત્યારે તેનો કોઈ પ્રતિભાવ આપ્યો નથી, પરંતુ બાંગ્લાદેશના વિપક્ષના નેતાઓ માને છે કે રેલવે અને તીસ્તા પ્રોજેક્ટથી ચીન નારાજ થશે અને બાંગ્લાદેશનું સંતુલન વિખેરાશે.

આ બધી જ ટીકા-ટીપ્પણીનો શેખ હસીનાએ જવાબ આપ્યો. ભારતથી પાછા ફર્યા બાદ શેખ હસીનાએ એક નિવેદનમાં કહ્યુંઃ ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઘણાં મહત્ત્વના કરારો થયા. તેનાથી લાંબા ગાળે બાંગ્લાદેશને ફાયદો થશે. દેશની સંપ્રભુતાનું રક્ષણ કરતાં મને આવડે છે. મેં એને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે કરારો કર્યા છે. બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો વચ્ચે બાંગ્લાદેશ હંમેશા પોતાની અલગ ઓળખ જાળવી રાખે છે. ભારત સાથે સાંસ્કૃતિક, રાજદ્વારી આદાનપ્રદાનથી બાંગ્લાદેશને આર્થિક રીતે ફાયદો થશે. રોકાણ વધશે. પાણીનો પ્રશ્ન ઉકેલાશે.

રેલવે ટ્રાન્ઝિટના સંદર્ભમાં શેખ હસીનાએ વળતી દલીલ આપીઃ એક દેશમાંથી બીજા દેશમાં જવામાં શું ખોટું છે? યુરોપને જુઓ! ત્યાં ક્યાંય કોઈ સરહદ નથી. તો શું યુરોપના એક દેશે બીજા દેશને વેચી દીધો છે? આપણે દક્ષિણ એશિયામાં આ બાબતે કેમ પાછળ છીએ? શું કામ બે દેશો વચ્ચે સીધો વાહન-વ્યવહાર ન હોય? લોકોનું ભલું જોઈને ભારત સાથે રેલવે કોમ્યુનિકેશન વધારાયું છે. તેનાથી સેંકડો વેપારીઓને ફાયદો થશે. તેમની સરળતા વધશે. ભારત સાથે લાંબાં સમયથી રેલ પરિવહન મર્યાદિત હતો તે હવે ધીમે ધીમે ઓપન થઈ રહ્યો છે. તેમણે વિપક્ષના નેતાઓને જવાબ આપતા કહ્યું કે હું સત્તામાં રહેવા માટે દેશ વેચતી નથી. સૈન્ય શાસક જિયા, કાદર અને પૂર્વ વિપક્ષી નેતા રોશન ઈર્શાદ ભારત વિરોધી વાતો કરે છે, પરંતુ પછી એ જ ભારત સાથે સહયોગની વાત પણ કરે છે. તેમના આ બેવડાં વલણની બાંગ્લાદેશને બરાબર ખબર છે.

તેમણે એજ્યુકેશન, હેલ્થ અને શિક્ષણના ક્ષેત્રમાં આ રેલવે પરિવહનથી ફાયદો થશે એવી દલીલ પણ કરી. બાંગ્લાદેશના પશ્વિમ બંગાળ સાથે જોડાતી સરહદના વિસ્તારમાંથી કેટલાય લોકો રોજગારી માટે ભારત આવે છે, સારવાર માટે પણ ભારતમાં આવે છે. ભારતની સીધી રેલવેની સર્વિસથી આ લોકોને ફાયદો થશે.

વેલ, ભારત સાથે રેલવેનો જે કરાર થયો છે તેમાં ભારતીય રેલવે બાંગ્લાદેશની જમીનનો ઉપયોગ કરીને ટ્રેનને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકશે. સામાન પહોંચાડવાનું સરળ બનશે. કદાચ જુલાઈથી આ સર્વિસ શરૂ થશે. બાંગ્લાદેશના બંદરોથી સામાન લાવીને ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચાડવાનું આસાન બનશે. તેના બદલામાં બાંગ્લાદેશને ટ્રાન્ઝિટ ફી મળશે. ભારત-બાંગ્લાદેશના આ સહયોગથી સરવાળે બંને દેશોને લાભ થશે.


Google NewsGoogle News