ભારતની સરહદ પાસે ચીનના બાંધકામો જોખમી: વધુ એક હેલિપોર્ટ બનાવ્યું
- વર્લ્ડ વિન્ડો
- ચીન ભારતની સરહદે જે બાંધકામો કરે છે તે ચિંતાજનક છે. ઈઓએસના સેટેલાઈટ ડેટા એનાલિસિસમાં દાવો થયો કે એલએસીથી ૨૦-૨૫ કિ.મી. દૂર એક હેલિપોર્ટ બન્યું છે...
વૈશ્વિક રીતે ભારતનો પક્ષ મજબૂત થયો છે. બ્રિટન-અમેરિકા-ફ્રાન્સ-જર્મની-જાપાન-ઓસ્ટ્રેલિયા જેવા મહત્ત્વના દેશો યુએનમાં આતંકવાદ અને સરહદી વિવાદની બાબતમાં ભારતને સમર્થન આપે છે. ભારતની ખરીદશક્તિ વધી છે એટલે દુનિયાની નજર ભારતના માર્કેટ તરફ છે. એ કારણે ભારતની અવગણના કરવી એકેય દેશને પોષાય નહીં. ભારત વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. રોકાણકારો ચીનના વિકલ્પે ભારત પર નજર ઠેરવી રહ્યા છે. કેટલાય દેશો યુએનમાં ભારતના કાયમી સભ્યપદની માગણીને પણ સમર્થન આપતા થયા છે.
આવી સ્થિતિમાં ચીને સરહદે ભારતને ઘેરવાનું ષડયંત્ર રચતું રહે છે. ભારત સરહદોના વિવાદમાં અટવાયેલું રહે તે માટે ચીન વારંવાર સરહદે કંઈનું કંઈ બાંધકામ કરતું રહે છે. ક્યારેક કોઈ બ્રિજ બનાવે છે, તો ક્યારેય આખા આખે ગામડાં બની જાય છે. ક્યારેય ખૂબ જ દુર્ગમ પહાડીઓમાં માર્ગો બનાવીને સૈન્યની પહોંચ એલએસી પર મજબૂત થાય એવું કરે છે. લદાખ, અરૂણાચલ જ્યાંથી નજીક થાય છે ત્યાં નફ્ફટાઈથી ચીન અવિરત બાંધકામો કરે છે.
મેક્સારની સેટેલાઈટ ઈમેજના આધારે એકાદ વર્ષ પહેલાં દાવો થયેલો કે અક્સાઈ ચીન નજીક ચીની સૈન્ય બાંધકામ કર્યું છે. દેપસાંગથી ૬૦ કિલોમીટર દૂર એક ખીણમાં ચીને બંકરો બનાવ્યા હતા. એક નદીની બંને તરફ ૧૧ બાંધકામો દેખાતા હોવાનું જણાયું, એમાં ચાર બંકરોનો સમાવેશ થતો હતો.
એ પહેલાં લદાખ જ્યાંથી નજીક થાય છે એવા સ્થળોએ ચીને 'સિલ્ડ સડક' બનાવી છે, જેમાં વિમાનો ઉતરી શકે છે. વળી, એ જ વિસ્તારમાં નદી પર એક બ્રિજ બનાવ્યાનો સેટેલાઈટ ઈમેજમાં દાવો થયો હતો. બે-એક વર્ષ પહેલાં લદાખના ડેમચોકમાં ચીનના સૈનિકોએ તંબૂ બનાવ્યા હોવાનું સીનિયર અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું હતું. પછી ભારતે તાકીદ કરી અને મક્કમ રાજદ્વારી તેમ જ સૈન્ય સ્તરે રજૂઆતો કરી એટલે ચીને તંબૂ હટાવ્યા હતા, પરંતુ આવી ગતિવિધિ કરીને ચીન સરહદે તંગદિલી સર્જતું રહે છે.
અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે પાકિસ્તાનના સિંઘ પ્રાંત, બલૂચિસ્તાન અને પીઓકેમાં પહાડીઓ કોતરીને ચીન મિસાઈલો માટે બેઝ બનાવશે. ગુફામાં મિસાઈલો રાખવાથી પ્રાકૃતિક રીતે જ તેને રક્ષણ મળતું હોવાથી ચીને પાકિસ્તાની આર્મી માટે આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. મિસાઈલ બંકરો બાંધીને ચીન એ બહાને ભારતની સરહદે પહોંચ વધારવા માગે છે. નેપાળ-ભૂતાન-તિબેટ ઉપરાંત પાકિસ્તાનમાં પણ બાંધકામો કરીને ચીન ભારત માટે મુશ્કેલી સર્જવા દિવસ-રાત મથામણ કરે છે.
લશ્કરી ઉપરાંત અન્ય બાંધકામોથી પણ ચીન અવળચંડાઈ કરતું રહે છે. બે-એક વર્ષ ઈન્ટેલ લેબના જિયોસ્પેશિયલ ઈન્ટેલિજન્સ રિસર્ચર ડેમિયન સાઈમને સેટેલાઈટ ઈમેજ જાહેર કરીને એલએસી સરહદે ચીન ડેમ બાંધતું હોવાનો દાવો કર્યો હતો. નેપાળ પાસે યારલૂંગ જામ્બો નદી પર સુપર ડેમ એક્ટિવ કરવાની કવાયત ચીને આદરી હતી. સેટેલાઈટ ઈમેજના આધારે કહેવાયું હતું કે ડેમ ૧૩૦૦ ફૂટ લાંબો છે અને ભારતના અરૂણાચલ માટે અતિશય જોખમી છે. ડેમ ભારત-નેપાળ અને ચીનના કેટલાક વિસ્તારો સુધી પ્રભાવ પાથરી શકે છે. એ નદી અરૂણાચલમાં સિયાંગ નામે વહે છે અને ત્યાંથી બ્રહ્મપુત્રના સ્વરૂપે આસામમાં પ્રવેશે છે. આ નદી પર મોટો ડેમ બાંધીને ચીન વિશાળ જળરાશિને નિયંત્રિત કરી શકે અને ધારે ત્યારે પાણીનો મોટો જથ્થો છોડીને ભારતના નિચાણવાળા વિસ્તારોમાં પૂરપ્રકોપની સ્થિતિ સર્જી શકે. ચીન ભવિષ્યમાં ભારતમાં મોટી પૂર હોનારત સર્જી શકે એવી દહેશત એ વખતે પણ વ્યક્ત થઈ હતી. લશ્કરી રીતે નહીં તો નાગરિકોને પૂરપ્રકોપના બહાને હેરાન-પરેશાન કરી શકે.
૨૦૨૦માં અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક ચીને ૧૦૧ ઘરનું ગામ બાંધ્યું હોવાના મીડિયા અહેવાલ આવ્યા હતા. તાઈવાનના અખબારોમાં આવો દાવો થયો હતો. ભારતે તેનો વિરોધ કર્યો પછી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અરૂણાચલ પ્રદેશની સરહદે બંધાતા ગામ અંગે કહ્યું હતુંઃ આ ખૂબ જ સાહજિક પ્રક્રિયા છે, કારણ કે એ અમે અમારા વિસ્તરમાં બાંધકામ કરીએ છીએ. એ અમારો વિસ્તાર છે અને અમે એમાં ધારીએ એવું બાંધકામ કરી શકીએ છીએ. ચીની વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ચીને ઝેંગનાન વિસ્તારમાં બાંધકામ કર્યું છે, જે તિબેટનો હિસ્સો છે. ચીને નફ્ફાઈ કરીને ફરી વખત દાવો કરેલો કે અરૂણાચલ પ્રદેશ તિબેટના દક્ષિણ પ્રાંતનો ભાગ છે.
હવે ઈઓએસના ડેટા એનાલિસિસમાં દાવો થયો છે કે એલએસી જ્યાંથી માત્ર ૨૦-૨૫ કિલોમીટર જ દૂર થાય છે ત્યાં ચીને પોતાની સરહદમાં એક હેલિપોર્ટ બનાવ્યું છે. હેલિપેડ અને હેલિપોર્ટમાં ફરક એટલો છે કે હેલિપોર્ટની ક્ષમતા દિવસમાં ૧૦૦થી વધુ હેલિકોપ્ટર્સની હોય છે. સવાલ એ થાય કે લશ્કરી અધિકારીઓ માટે પણ હેલિપેડ બનાવે તોય કામ ચાલી જાય. દિવસના ૧૦૦-૧૦૦ હેલિકોપ્ટર્સ ઉતારીને શું કરવું છે? ચીન ભવિષ્યમાં યુદ્ધના ખતરાને જોઈને આ વ્યવસ્થા અત્યારથી કરે છે. વાયુસેનાના લડાકુ વિમાનો દુર્ગમ પહાડીઓમાં ન પહોંચી શકે ત્યારે આ લશ્કરી હેલિકોપ્ટર્સ જરૂરી સામગ્રી સૈન્યદળ સુધી પહોંચાડી શકે. વળી, જરૂર પડે તો હેલિકોપ્ટર્સની મદદથી હુમલો પણ થઈ શકે.
સેટેલાઈટ ઈમેજના આધારે થયેલા એનાલિસિસનું માનીએ તો નવેમ્બર-૨૦૨૩ સુધી હેલિપોર્ટ બન્યું ત્યાં કશું જ ન હતું. ૩૧મી ડિસેમ્બર સુધીમાં આ સ્થળ બાંધકામ માટે ખાલી કરાયું હતું. લગભગ આઠ મહિનાથી એ સ્થળે બાંધકામ ચાલી રહ્યું છે. મેક્સારના રિપોર્ટ મુજબ આ સપ્ટેમ્બર માસમાં હેલિપોર્ટનું નિર્માણ લગભગ પૂરું થવામાં હોય એવું લાગે છે.
ચીને સત્તાવાર રીતે આ બાંધકામનો સ્વીકાર થયો નથી, પરંતુ સૈન્ય સૂત્રોને ટાંકીને રજૂ થયેલા ચીની અખબારોમાં એવું કહેવાયું હતું કે પહાડીઓમાં રહેતા લોકોને પૂરપ્રકોપ કે વાવાઝોડાં કે એવી કોઈ હોનારતો વખતે સમયસર જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે કનેક્ટિવિટી માટે જરૂરી બાંધકામો ચીનની સરકારની પ્રાથમિકતા છે. આ અહેવાલથી વિપરીત હકીકત એ છે કે ચીન નાગરિકોના બહાને સૈન્યને સામગ્રી મળે તેવી વ્યવસ્થા ગોઠવે છે. અગાઉ પણ જ્યારે સરહદે ગામડાં બાંધ્યા ત્યારે નાગરિકો રહે છે એવું કહ્યું હતું, પરંતુ અમેરિકન થિંક ટેંકના કહેવા પ્રમાણે એલએસી સરહદ નજીક ગામડાંમાં સામાન્ય નાગરિકોના વેશમાં સૈન્ય જ રહે છે. ચીનના અર્ધ લશ્કરી દળોના સૈનિકોને આ વિસ્તારોમાં જરૂર પડે તો યુદ્ધમાં આવી શકાય તે ઈરાદાથી સ્ટેન્ડબાય તૈનાત રખાયા છે.
વેલ, અત્યારે એલએસી સરહદે થોડી શાંતિ છે. બંને દેશો વચ્ચે દોકલામ વિવાદ થયો ત્યારથી સંબંધો તંગ છે અને રાજદ્વારી સ્તરે તેમ જ લશ્કરી અધિકારીઓ વચ્ચેની બેઠકોમાં વાટાઘાટો ચાલે છે, છતાં ચીન જે રીતે સરહદે બાંધકામો વધારે છે એ ભારત માટે જોખમી છે.