2024માં દુનિયાની 110 સશસ્ત્ર લડાઈઓમાં 35 હજાર લોકો મોતના ખપ્પરમાં હોમાયા
- વર્લ્ડ વિન્ડો
- રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ જેવા દેશો ઉપરાંત આતંકવાદીઓ અને બળવાખોર જૂથોએ હાહાકાર મચાવ્યો. મિડલ ઈસ્ટના દેશોમાં એટલો અજંપો રહ્યો કે આખું વર્ષ દુનિયા પર વિશ્વયુદ્ધનું જોખમ તોળાતું રહ્યું.
મિડલ ઈસ્ટ અત્યારે ભડકે બળી રહ્યું છે. ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ-ઈરાન, ઈઝરાયલ-તુર્કી, તુર્કી-ઈરાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સીરિયા તો અમેરિકા-રશિયા, ઈરાન જેવા કેટલાય દેશોની રણભૂમિ છે. હૂથી બળવાખોરો સતત અમેરિકા, ઈઝરાયલને નિશાન બનાવે છે એટલે રાતા સમુદ્રનો માર્ગ લોહિયાળ બન્યો છે. મિડલ ઈસ્ટના દેશોમાં સૌથી વધુ બળવાખોર જૂથો સક્રિય છે અને આ બળવાખોર જૂથોને કોઈને કોઈ દેશનું સીધું કે આડકતરું સમર્થન મળી રહ્યું છે. વૈશ્વિક રાજકારણમાં પોતાનો કક્કો ખરો કરાવવા બધા દેશો બળવાખોર જૂથોને મદદ કરે છે. તેના કારણે હિઝબુલ્લાહથી, હૂથી, તહેરિર-અલ-શામથી કુર્દ બળવાખોરો અને અલ-કાયદા, ઈસ્લામિક સ્ટેટ્સ જેવાં આતંકી સંગઠનો હુમલા કરીને લોહી વહાવે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે અત્યારે મિડલ ઈસ્ટની જે સ્થિતિ છે એ જોતાં આ દેશોના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની ભીતિ છે.
બીજી તરફ યુક્રેન-રશિયામાં હજારો લોકો બેઘર થઈ રહ્યા છે. અત્યારે યુદ્ધની ચર્ચા થાય એટલે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસનો ઉલ્લેખ તુરંત થાય. એમાં વળી ઈઝરાયલ-ઈરાન અને દક્ષિણ કોરિયા-ઉત્તર કોરિયા વચ્ચે ચાલતી તંગદિલી ભળે. એ બધાની ઉપર રશિયા-અમેરિકા વચ્ચે ચાલતા ઇનડાઇરેક્ટ વોરને કારણે દુનિયા પર ઝળુંબી રહેલા ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તો ખરો જ.
પણ ખરેખર અત્યારે દુનિયામાં આટલી જ સશસ્ત્ર લડાઈઓ નથી ચાલતી, એ ઉપરાંતના મોરચા પણ ખુલ્યા છે અને તેના કારણે દુનિયામાં સતત અજંપો રહે છે. ઇઝરાયલ, પેલેસ્ટાઈન, ઈરાન, લેબેનોન, સીરિયા, તુર્કી, યમનમાં હિંસા થઈ રહી હોવાથી હજારો લોકોએ જીવ ખોયો છે. વેસ્ટર્ન સહરામાં પણ મોરોક્કો અને સહરાબી આરબ ડેમોક્રેટિક રિપબ્લિક વચ્ચે ટેરેટરીનો વિવાદ ચાલે છે. દાયકાઓથી આ વેસ્ટર્ન સહરામાં પ્રભુત્વની લડાઈ ચાલતી હોવાથી સેંકડો લોકો પ્રભાવિત થયા છે. કેટલાયને દર દર ભટકતા રહેવું પડે છે.
મિડલ ઈસ્ટ પછી બીજો કોઈ સૌથી સળગતો વિસ્તાર હોય તો એ આફ્રિકા છે. આફ્રિકાના જુદા જુદા દેશોમાં લગભગ ૩૫ જેટલા સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. એમાંથી ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરના નથી એટલે બહુ ચર્ચા થતી નથી. આમાંથી ઘણા આંતરિક ઝઘડા છે, પણ તેમાં લાખો નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે. બુર્કિના ફાસો, કેમેરોન, સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિક, કોંગો, ઈથિયોપિયા, માલી, મોઝામ્બિક, નાઈજીરિયા, સેનેગલ, સોમાલિયા, સુદાન, સાઉથ સુદાન જેવા દેશોમાં વર્ષોથી ચાલતી હિંસાની આગ ઠરવાનું નામ લેતી નથી. આમાંથી ઘણા દેશોમાં બળવાખોર જૂથોએ સરકાર સામે મોરચો માંડયો છે. ઘણાં ઉગ્રવાદી જૂથો એકબીજા સામે જ બાખડી રહ્યા છે અને સરકારો એવા માથા ફરેલાં જૂથોને કાબૂમાં લઈ શકતી નથી. તો કેટલાક દેશો વચ્ચે કોઈને કોઈ બાબતે વિવાદ હોવાથી ચકમક ઝર્યા કરે છે.
એશિયામાં ૨૧-૨૨ સશસ્ત્ર લડાઈઓમાં રક્તપાત થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ છે. ભારત-ચીન વચ્ચે દોકલામ વિવાદ પછી બંને દેશોના સંબંધો બગડયા હતા, પરંતુ હવે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હોવાથી વિવાદ ઉકેલાશે એવી આશા વ્યક્ત થઈ રહી છે. ભારત-પાકિસ્તાનની સરહદે બંને દેશોના લશ્કર વચ્ચે વારંવાર ફાયરિંગની ઘટનાઓ બને છે. છેલ્લા એકાદ વર્ષથી સત્તાવાર રીતે યુદ્ધવિરામનો ભંગ થયો નથી, પરંતુ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને મદદ કરીને પ્રોક્સી વોર કરે છે. કાશ્મીરમાં પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓ વારંવાર સૈન્ય અને નાગરિકોને નિશાન બનાવીને હુમલા કરે છે.
યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત અન્ય સશસ્ત્ર લડાઈઓમાં લોહીની નદીઓ વહે છે. યુરેશિયાના દેશો - આર્મેનિયા અને અજરબૈઝાન - વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે અને બંને દેશોના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટનાઓ નોંધાય છે. ૨૦૨૦માં આર્મેનિયાએ અજરબૈઝાનના હિસ્સામાં કબજો કર્યો હોવાથી તંગદિલી સર્જાઈ હતી.
લેટિન અમેરિકામાં અડધો ડઝન જંગ ખેલાઈ રહ્યા છે. એમાં મેક્સિકો અને કોલંબિયા મુખ્ય છે. આ બંને દેશોના લશ્કરે ઉગ્રવાદીઓ અને ડ્રગ્સની ટોળકી સામે સતત ખૂની ખેલ ખેલવો પડે છે. કોલંબિયાની આર્મીએ ઉગ્રવાદી જૂથ સામે કેટલાય વર્ષોથી મોરચો માંડયો છે. મેક્સિકોના લશ્કરની પણ બે બળવાખોર જૂથ સામે લડાઈ ચાલી રહી છે. આ દેશોમાં ડ્રગ્સના ખતરનાક માફિયાઓ સુરક્ષા દળો માટે કાયમ માથાનો દુખાવો રહ્યા છે. ગમે ત્યારે તેમની સામે લોહિયાળ જંગ જામી જાય છે.
અચ્છા, દુનિયાભરમાં બે દેશો વચ્ચે ૪૫ લડાઈઓ ચાલે છે. યુએન માન્ય દેશો વચ્ચે ઝઘડો થાય તેને આંતરરાષ્ટ્રીય લશ્કરી વિવાદ કહે છે. એ સિવાય સત્તાવાર રીતે બે દેશો વચ્ચે સીધી લડાઈ ન હોય, પરંતુ કોઈ એક દેશના લશ્કરને અન્ય દેશ સમર્થિત આતંકવાદી જૂથ કે બળવાખોરો સામે લડાઈ ચાલતી હોય તેને કે બે દેશોના બળવાખોર જૂથો બાખડતા હોય એ બધી મળીને જગતમાં ૧૧૦ લોહિયાળ લડાઈઓ થઈ રહી છે.
આવી હોળી વિશ્વમાં વર્ષભર સળગતી રહે છે અને એમાં હજારો નાગરિકોનાં મોત થાય છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ છેડાયું તેના કારણે ૪૫ હજાર લોકો માર્યા ગયા છે. રશિયા-યુક્રેન વચ્ચે ૨૦૨૨થી ચાલી રહેલા યુદ્ધમાં એક લાખથી વધુનાં મોત થયાનો અંદાજ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું માનીએ તો એક વર્ષમાં ૩૩,૪૪૩ નાગરિકો યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયા છે. બિનસત્તાવાર રીતે આ આંકડો ઘણો મોટો હશે. એમાં ચિંતાજનક રીતે બાળકો અને મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. આ મૃત્યુમાંથી ૭૦-૭૨ ટકા મોત મહિલાઓ-બાળકોનાં થયાં હતાં.
યુદ્ધના કારણે કરોડો લોકો બેઘર બની જાય છે. કેટલાક કમભાગી લોકોને રાતોરાત ઉચાળા ભરવા પડે છે. તેમની સંપત્તિનો નાશ કરવામાં આવે છે એટલે તેમણે અન્ય દેશોમાં જીવ બચાવીને ભાગવું પડે છે. ૨૦૨૨થી યુદ્ધો અને અરાજકતાના કારણે શરણાર્થીઓની સંખ્યામાં ૮ ટકાનો વધારો થયો છે. યુએન કહે છે કે છેલ્લાં બે-એક વર્ષોમાં ૪.૨૪ કરોડ લોકો યુદ્ધોના કારણે બેઘર બન્યા છે અને હવે જીવ જોખમમાં મૂકીને કોઈ બીજા દેશમાં આશરો શોધી રહ્યા છે. ૨૧મી સદીમાં યુદ્ધોના કારણે દર-દર ભટકતા થયા હોય એવા લોકોનો કુલ આંકડો તો ૧૨ કરોડે પહોંચે છે.
યુક્રેનની વસતિ લગભગ પોણા ચાર કરોડની છે. એમાંથી યુદ્ધના કારણે ૬૦ લાખ લોકો બેઘર બન્યા છે અને રોમાનિયા, પોલેન્ડ, સ્લોવાકિયા, હંગેરી જેવા દેશોમાં રેફ્યુજી કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે, તો ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં છેલ્લાં એક વર્ષમાં ૧૯ લાખ લોકો બેઘર બન્યા છે. આ લોકોના ઘર મિસાઈલો કે બોમ્બમારામાં બળીને ખાક થઈ ગયા છે. તેમને ફરી ક્યારેય પોતાના વતનમાં જવા મળશે કે નહીં એ કોઈ જાણતું નથી. એમાંથી કેટલાય એવા છે, જે ક્યારેય તેમના વિખૂટા પડેલા સ્વજનોને મળી શકશે નહીં.
એક તરફ વિજ્ઞાન-ટેકનોલોજીની આ ૨૧મી સદીમાં કાયમ ન્યૂયર જેવી રોશનીનો ચળકાટ રહે છે, બીજી તરફ આવી ખૂનામરકી હૈયાહોળી સળગતી રાખે છે.