Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે તો એક કરોડ શરણાર્થીઓને હાંકી કાઢશે

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે તો એક કરોડ શરણાર્થીઓને હાંકી કાઢશે 1 - image


- વર્લ્ડ વિન્ડો

- અમેરિકામાં ગેરકાયદે રહેતા 1.10 કરોડ શરણાર્થીઓને કાઢી મૂકવાનો મુદ્દો રિપબ્લિકન પાર્ટીએ ચૂંટણી એજન્ડામાં સમાવ્યો છે. ટ્રમ્પ માટે આ કામ અઘરું છે, પરંતુ અશક્ય નથી...

મેં એક ખાના-બ-દૌશ હૂં જિસ કા ઘર હૈ દુનિયા

સો અપને કાંધો પે લે કે યે ઘર ભટક રહા હૂં.

બિહારના યુવા શાયર પલ્લવ મિશ્રાનો આ શેર દુનિયાના કરોડો લોકોને શબ્દશ: લાગુ પડે છે. દર દરની ઠોકરો ખાતા આ કમભાગી લોકો પાસે પોતાનું કોઈ કાયમી સરનામું નથી. કોઈ એક દેશને એ પોતાનો કહી શકે તેમ નથી. જ્યાં શરણ મળે ત્યાં રહી જાય છે. જાકારો મળે તો સામાનનો બોજ ખભા પર ઊંચકીને બીજા ઠેકાણાની તલાશ આદરે છે. ઉપર આભ અને નીચે ધરતી જેવી તેમની સ્થિતિ છે. આમ આખી દુનિયાને એ પોતાનું ઘર ગણાવી શકે ને આમ ક્યાંય કાયમી રહેઠાણ નથી!

પૃથ્વી પર શરણાર્થીની જિંદગી ગુજારતા એકલ-દોકલ નહીં, પૂરા ૧૫ કરોડ લોકો છે. યુદ્ધો, ગૃહયુદ્ધો ચાલતાં રહે છે એટલે દર વર્ષે આ સંખ્યા વધતી જાય છે. વર્ષમાં સરેરાશ પંદરેક લાખ લોકો બેઘર બને છે. ૨૧મી સદીમાં કંઈ કેટલાય ક્ષેત્રોમાં માણસે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. અંતરિક્ષમાં દૂર ટેલિસ્કોપથી આંખ માંડી છે, પૃથ્વીના પેટાળમાં અંધારિયા ખૂણે પ્રકાશનો શેરડો પાડયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી દરરોજ નવા નવા આયામો સર કરે છે, પણ શરણાર્થીઓને કાયમી ઘર મળે એ માટે દુનિયા પાસે કોઈ યોજના નથી. યોજના નથી એટલે શરણાર્થીઓને જ્યાં જગ્યા મળે ત્યાં રહી જવું પડે છે. જે સરકાર ઉદારતા દાખવે ત્યાં તંબુ તાણીને રહી જાય છે.

એવા જ કરોડો શરણાર્થીઓ અમેરિકામાં રહે છે. માનવતાના ધોરણે જુદા જુદા સમયે આવેલા શરણાર્થીઓને, ઘૂસણખોરી કરીને દેશમાં આવી પહોંચેલા વિદેશી નાગરિકોને અમેરિકાએ રહેમરાહે રહેવા દીધા છે. અમેરિકામાં એવા પાંચેક કરોડ શરણાર્થીઓ આજની તારીખે રહે છે. એમાંથી વળી ચારેક કરોડ પાસે અમેરિકામાં રહેવાનો કોઈને કોઈ પરવાનો છે. કોઈ સરકારી યોજનાના કારણે તેમને પરમિશન મળી છે. કોઈ આંતરરાષ્ટ્રીય સમજૂતીના કારણે તેમને છાપરું નસીબ થયું છે. પરંતુ ૧.૧૦ કરોડ શરણાર્થીઓ એવા છે જેમની પાસે અમેરિકામાં રહેવાનો કોઈ જ આધાર-પુરાવો નથી. બીજી રીતે કહીએ તો આ શરણાર્થીઓ ઘૂસણખોરો છે. ગમે તેમ કરીને અમેરિકાની બોર્ડર પાર કર્યા બાદ ઘૂસી ગયેલા વિદેશી નાગરિકો છે ને એના તરફ સરેરાશ અમેરિકન્સને આક્રોશ છે.

વિદેશમાંથી અમેરિકામાં વસતા દરેક માણસ માટે અમેરિકન નાગરિકોને પૂર્વગ્રહ છે. તેમને લાગે છે કે વિદેશથી ગમે તે રીતે દેશમાં આવતા આ લોકો તેમનો અધિકાર છીનવે છે, તેમનો નોકરી-ધંધાનો અવસર પડાવી લે છે. એ મુદ્દો હવે એટલો મોટો બની ચૂક્યો છે કે ચૂંટણીઓમાં ગાજવા લાગ્યો છે. ૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પે ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એ ભારે ક્લિક થયો હતો. ટ્રમ્પે મેક્સિકો બોર્ડરે દીવાલ બનાવવાથી લઈને ઘૂસણખોરોને હાંકી કાઢવા, વિઝા પૉલિસી આકરી બનાવવાના જે વાયદા કર્યા હતા તે ૨૦૧૬ની ચૂંટણીમાં ફળ્યા હતા. 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'નો નારો એવો ચાલ્યો હતો કે ટ્રમ્પ અમેરિકાના સૌથી પોપ્યુલર નેતા બની ગયા હતા ને પ્રમુખ બન્યા પછી તેમણે ઈમિગ્રેશન પોલિસી આકરી બનાવી હતી. ઘૂસણખોરો સામેય કડક હાથે કામ લીધું હતું.

૨૦૨૦માં કોરોના ત્રાટક્યો અને પ્રમુખ ટ્રમ્પ એ ક્રાઈસિસ સામે લડવામાં નિષ્ફળ ગયા. બાઈડેન સત્તામાં આવ્યા. ટ્રમ્પે તે વખતે જ ૨૦૨૪માં ફરી લડવાનો મનસૂબો જાહેર કરી દીધો હતો અને ફાઈનલી એ સમય આવી ચૂક્યો છે. રિપબ્લિકન પાર્ટીએ સત્તાવાર રીતે જ ટ્રમ્પને પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરી દીધા છે ને રિપબ્લિકન પાર્ટીએ ધારણા પ્રમાણે જ મેનિફેસ્ટોમાં શરણાર્થીઓને હાંકી કાઢવાનો વાયદો કર્યો છે એટલે તેમના સમર્થકો જોશમાં છે. બાઈડેન હેલ્થ સહિત મુદ્દે પ્રમુખપદની ચૂંટણીમાંથી હટી ગયા છે. તેમના બદલે ડેમોક્રેટિક પાર્ટી નવા ઉમેદવારની પસંદગી કરશે. સર્વેક્ષણો કહે છે કે અત્યારે અમેરિકાના ઈલેક્શનમાં ટ્રમ્પનો હાથ ઉપર છે.

જો ટ્રમ્પ પ્રમુખ બનશે તો જેમની પાસે કોઈ જ દસ્તાવેજ નથી એવા ૧.૧૦ કરોડ ઘૂસણખોરોને હાંકી કાઢશે. ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ સહિત એશિયન દેશોના લાખો નાગરિકો અમેરિકામાં ગેરકાયદે રહે છે. એશિયન, આફ્રિકન, લેટિન અમેરિકન નાગરિકો દર વર્ષે મોટી સંખ્યામાં અમેરિકામાં ઘૂસે છે. એ સૌ ટ્રમ્પ સત્તામાં આવશે તો દર-દર ભટકતા થઈ જશે. દુનિયાભરમાં ટ્રમ્પના આ ચૂંટણી વાયદાની ટીકા થઈ રહી છે. માનવ અધિકાર સંગઠનો તેનો વિરોધ કરે છે. યુએન પણ આ એજન્ડાને ગંભીર ગણાવી ચૂક્યું છે. ડેમોક્રેટિક પાર્ટીએ ટ્રમ્પના આ ઈરાદાને સંવેદનહીન ગણાવ્યો છે, પરંતુ ટ્રમ્પ સમર્થક અને વ્હાઈટ સુપ્રીમસીમાં માનતા કટ્ટર ધાર્મિક અમેરિકન્સ આ જાહેરાતથી ખુશ છે. રિપબ્લિકન પાર્ટીની આ જાહેરાત સાથે જ ઓનલાઈન સર્વેક્ષણોમાં ટ્રમ્પની લોકપ્રિયતા વધી ગઈ છે.

વેલ, ટ્રમ્પ પ્રમુખ બની જશે તોય તેમના માટે આ કામ એટલું સરળ નહીં હોય. અમેરિકામાં ઘણી કાયદાકીય જોગવાઈઓ છે, જે આ શરણાર્થીઓને દેશમાં રહેવા માટેની છૂટ આપે છે. ભલે તેમની પાસે અમેરિકન સરકારના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, છતાં તેમને રાતોરાત હાંકી કાઢવાનું એટલું આસાન નથી. અમેરિકાની કોર્ટમાં આ શરણાર્થીઓ વતી કોઈ સ્વૈચ્છિક સંગઠન, કોઈ માનવ અધિકાર સંગઠન કે કોઈ વ્યક્તિ અરજી કરી શકે. જ્યાં સુધી અમેરિકન કોર્ટ તેમને ગેરકાયદે જાહેર કરી ન દે ત્યાં સુધી કાઢી મૂકવાનું કામ અઘરું છે. અમેરિકન કોંગ્રેસ જો આવા આકરા પગલાંની વિરૂદ્ધમાં હોય તો ટ્રમ્પની સરકાર અને અમેરિકન કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થઈ શકે. તે ઉપરાંત ટ્રમ્પે આ મિશન પાર પાડવા માટે અમેરિકન કોંગ્રેસ પાસેથી જ ફંડ પાસ કરાવવું પડશે. કરોડો શરણાર્થીઓને એક સાથે દેશનિકાલ નહીં કરી શકાય. લાંબી પ્રક્રિયા ચાલી શકે. શરણાર્થીઓ જે દેશમાંથી આવ્યા હોય ત્યાં પહોંચાડવાની પ્રોસેસ ચાલે ત્યાં સુધી તેમને ડિટેન્શન ફેસિલિટી આપવી પડે. જે દેશ સાથે અમેરિકાને અત્યારે રાજદ્વારી સંબંધો ન હોય એ દેશ જો તેમના નાગરિકોને પાછા પોતાના દેશમાં આવવાનો ઈનકાર કરે તો વાત અટકી પડે. વળી, જે શરણાર્થીઓને પોતાનો કહેવાય એવો કોઈ દેશ ન હોય તેવા કિસ્સામાં બીજો દેશ જ્યાં સુધી તેમને રાખવા તૈયાર ન થાય ત્યાં સુધી સરહદે તેમના માટે સુવિધા આપવી પડે. એમાંય મોટું ફંડ જોઈએ.

આમ છતાં ટ્રમ્પ સત્તામાં આવે તો કરોડો શરણાર્થીઓને હાંકી કાઢવાનું મિશન શરૂ કરી શકે. અવરોધો છતાં એ કામ પ્રમુખ તરીકે ટ્રમ્પ માટે અશક્ય નથી. ટ્રમ્પે ૨૦૧૬થી ૨૦૨૦ના કાર્યકાળ દરમિયાન ૯ લાખ ઘૂસણખોરોને હાંકી કાઢ્યા હતા. એ યાદ રાખીએ તો ટ્રમ્પ ચાર વર્ષમાં ટાર્ગેટ સેટ કરીને કરોડો બેઘર લોકોને ઉચાળા ભરાવી શકે. ટ્રમ્પનો રેકોર્ડ ને મિજાજ જોતાં એ કંઈ પણ કરી શકે. 


Google NewsGoogle News