Get The App

વધુ એક યુદ્ધનો ખતરો : ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તંગદિલી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
વધુ એક યુદ્ધનો ખતરો : ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તંગદિલી 1 - image


- વર્લ્ડ વિન્ડો

- છેલ્લા એક સપ્તાહમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાએ એકબીજાને વારંવાર ધમકીઓ આપી છે. કિમ જોંગ ઉનનો ગરમ મિજાજ ગમે ત્યારે ફાટે તો કોરિયન ઉપખંડ ભડકે બળી શકે...

બે અલગ અલગ મિજાજના યોદ્ધાઓ કોમન દુશ્મનને હરાવવા એક થાય, સાથે મળીને જીવ પર આવીને લડે, બંનેની સંયુક્ત શક્તિથી આખરે દુશ્મન હારી જાય. પણ પછી એ બંને યોદ્ધાઓ વચ્ચે જ આંતરિક સ્પર્ધા થાય. બંને એમ માને કે પોતાની શક્તિથી વિજય મળ્યો છે એટલે દુશ્મનના પરાજય પછી એને વધારે ફાયદો થવો જોઈએ. કોમન દુશ્મન સામે લડતા હોય ત્યારે એ બંને યોદ્ધાઓમાં એકતા દેખાતી હોય, પરંતુ મૂળે બંનેનો મિજાજ જુદો જુદો હોય એટલે કાયમી દોસ્તી થઈ શકે નહીં. સ્પર્ધા નિરંતર ચાલતી રહે અને એક સમય એવો આવે કે બંને યોદ્ધાઓ જ એકબીજાના દુશ્મન બની જાય.

આવું જ વિશ્વયુદ્ધ પછી અમેરિકા-રશિયા વચ્ચે થયું. હિટલરના હાહાકાર સામે બંને જુદા જુદા મિજાજના દેશો એક તો થઈ ગયા, પરંતુ અસલી લડાઈ હિટલરને હરાવ્યા બાદ શરૂ થઈ, જેને દુનિયાએ કોલ્ડવોરનું નામ આપ્યું. બંનેએ હિટલર અને એના સાથી દેશોને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એટલે જે પ્રદેશો ધરી દેશોના આધિપત્યમાંથી મુક્ત થયા એને પોતાની તરફ વાળવાની હોડ જામી. એમાંનો એક પ્રદેશ હતો - કોરિયન દ્વિપકલ્પ.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં ૧૯૧૦માં જાપાને આખાય કોરિયન દ્વિપકલ્પ પર અંકુશ મેળવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને હરાવ્યા બાદ રશિયા અને અમેરિકા વચ્ચે કોરિયન પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ સ્થાપવા હોડ જામી. તે વખતે સીઓલ આખાય કોરિયન દ્વિપકલ્પનું કેપિટલ હતું, તેના પર અમેરિકાનો કબજો હતો. ઉત્તરના હિસ્સામાં રશિયાનો અંકુશ હતો. વિશ્વયુદ્ધ પૂરું થયું પછીય આ સ્થિતિ યથાવત રહી. જાપાન ગયું પછી કોરિયામાં બે શક્તિશાળી મોરચા ઓપન થયા.

કોલ્ડ વોરની શરૂઆત થઈ ચૂકી હતી. નવા નવા બની રહેલા દેશોને રશિયા-અમેરિકા એકબીજા તરફ ખેંચવાનો પ્રયાસ કરતા હતા. મિત્રદેશો અને ધરીદેશોને બદલે વિશ્વયુદ્ધ પછી સોવિએટ યુનિયન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા - એમ બે ગુ્રપ બન્યા. એનો સૌપ્રથમ અનુભવ કોરિયામાં થયો. ૧૯૫૦થી કોરિયન યુદ્ધ શરૂ થયું. રશિયન આર્મીએ પ્યોગયાંગ તરફ ડેરો ડાલ્યો. એ તરફના લશ્કરી અધિકારીઓ અને નેતાઓ રશિયા તરફી રહીને નવો દેશ બનાવવા માગતા હતા. અમેરિકન આર્મીએ સીઓલમાં તંબુ તાણ્યા. એ તરફના લશ્કરી અધિકારીઓ અને નેતાઓ અમેરિકા તરફી નવો દેશ માગતા હતા.

બંનેમાંથી એકેય દેશ પીછેહઠ કરવા તૈયાર ન હતો. વર્લ્ડ વોર પછી યાલ્ટા કોન્ફરન્સ થયેલી. એમાં રશિયાએ કોરિયન પ્રદેશ પર દાવો કર્યો હતો, ત્યારે જ અમેરિકાએ વિરોધ ઉઠાવ્યો હતો. એ વિરોધ પછીનાં વર્ષોમાં વધ્યો. અમેરિકાએ યુએનમાં રશિયાની કોરિયામાં થઈ રહેલી ગતિવિધિ સામેય અવાજ ઉઠાવ્યો. તંગદિલી વર્ષ દર વર્ષ વધતી ચાલી. પરિણામ? કોરિયન દ્વિપકલ્પમાંથી બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા.

જેમ બ્રિટિશ શાસનના પાપે ભારત-પાકિસ્તાન અલગ થયા એમ અમેરિકા-રશિયાની લડાઈમાં કોરિયન પરિવારો અલગ પડી ગયા. ભાઈ દક્ષિણ કોરિયામાં રહી ગયો, બહેન ઉત્તર કોરિયામાં - આવા તો સેંકડો કિસ્સા બન્યા, પરંતુ અમેરિકા-રશિયાને એનાથી કોઈ ફરક પડતો ન હતો. ઉત્તર કોરિયાને રશિયાનું સમર્થન હતું. રશિયાએ ઉત્તર કોરિયામાંથી આખાય કોરિયા માટે સોવિએટ એડમિનિસ્ટ્રેશન ગોઠવ્યું. રશિયન સ્ટાઈલથી આ દેશની શાસન વ્યવસ્થા થઈ. દક્ષિણ કોરિયાને અમેરિકાનો ટેકો હતો. સીઓલમાંથી આખાય કોરિયા માટે યુએસ એડમિનિસ્ટ્રેશન ગોઠવાયું. અમેરિકાના ઈશારે શરૂઆતમાં લશ્કરી શાસન ને પછી ચૂંટાયેલા પ્રમુખના હાથમાં સત્તા આવી. બંને દેશો આખા કોરિયન દ્વિપકલ્પ પર દાવો કરે છે.

ત્યારથી લઈને આજદિન સુધી આ બંને દેશો બાખડી રહ્યા છે. બંને દેશોના સામાન્ય લોકોને એકબીજા સાથે કોઈ જ દુશ્મનાવટ નથી. તેમને ભાઈચારો જોઈએ છે. એકબીજાના દેશમાં મુક્તપણે જઈ શકાય એવો માહોલ જોઈએ છે, પરંતુ બંને દેશોના રાજકારણીઓ એવું ઈચ્છતા નથી. તેમની તલવારો સતત લોહી માટે તરસતી રહે છે. ઉત્તર કોરિયાનું શાસન કિમ પરિવારના હાથમાં છે. કિમ સંગ સૌપ્રથમ શાસક બન્યા હતા. એ પછી તેમના દીકરા કિમ જોંગે સત્તા સંભાળી અને હવે એના દીકરા કિમ જોંગ ઉન સત્તામાં છે. આ ત્રણેયમાં કિમ જોંગ ઉન સૌથી ખતરનાક છે. માથાફરેલા કિમ જોંગ ઉને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે અમેરિકા સામે સીધો મોરચો માંડયો હતો અને અમેરિકાના પ્રતિબંધોની પરવા કર્યા વગર મિસાઈલો, ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ શરૂ કર્યું હતું. ઉત્તર કોરિયાએ કિમ જોંગ ઉનના શાસનકાળમાં સર્વાધિક શસ્ત્રો બનાવ્યા છે. દાવો તો ત્યાં સુધી થઈ રહ્યો છે કે ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારો બનાવવામાં રશિયાએ મદદ કરી છે. ઉત્તર કોરિયાનાં શસ્ત્ર પરીક્ષણો પર દક્ષિણ કોરિયા નજર રાખે છે. દક્ષિણ કોરિયા-અમેરિકા વચ્ચે કરારો થયા છે એ પ્રમાણે અમેરિકન લશ્કર દક્ષિણ કોરિયાના ટાપુમાં તૈનાત રહી શકે છે. દક્ષિણ કોરિયાની જળસીમાનો ઉપયોગ અમેરિકન સૈન્ય કરે છે. બંને સંયુક્ત લશ્કરી કવાયતો પણ કરે છે.

બીજી તરફ ઉત્તર કોરિયા-રશિયા વચ્ચે ડિફેન્સના સોદા પાર પડે છે. ડિફેન્સ પાર્ટનરશીપ હેઠળ સંયુક્ત કવાયતથી લઈને જરૂરી બધાં જ શસ્ત્રો રશિયા આપે છે. કિમ જોંગ ઉન ૨૦૧૨થી સત્તા આવ્યા છે. ત્યારથી રશિયા અને ચીનને વધારે ફાવતું મળ્યું છે. કિમ જોંગ ઉનનો આક્રમક મિજાજ રશિયા-ચીનને માફક આવે છે. વારંવાર દક્ષિણ કોરિયાને યુદ્ધની ધમકી આપીને ઉન આખાય દ્વિપકલ્પમાં તંગદિલી સર્જે છે. 

નવેસરથી એવી જ તંગદિલી યુક્રેન-રશિયા યુદ્ધના કારણે સર્જાઈ છે. દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના ૧૫૦૦ સૈનિકો રશિયાના મોરચે જોવા મળ્યા છે. ડિસેમ્બર સુધીમાં રશિયામાં ૧૦ હજાર કોરિયન સૈનિકો તૈનાત કરવાની ઉનની યોજના છે. બંને દેશોને એકબીજા સાથે એવી દુશ્મની છે કે દુશ્મનના દુશ્મન સાથે દોસ્તી કરે છે. દક્ષિણ કોરિયાએ સીધી ધમકી આપી છે કે જો ઉત્તર કોરિયા રશિયાની મદદ માટે સૈન્ય મોકલશે તો દક્ષિણ કોરિયા યુક્રેનની મદદ માટે હથિયારો મોકલશે.

છેલ્લાં એક જ સપ્તાહમાં એક ડઝન વખત બંને દેશોના લશ્કરી અધિકારીઓ એકબીજાને યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં ઉત્તર કોરિયન સૈન્યએ દક્ષિણ કોરિયા સુધી જતા એક માર્ગને તોડી નાખ્યો. રેલવે સ્ટેશનમાં આગ ચાંપી દીધી. ઉત્તર કોરિયાએ આવું એટલે કર્યું કે દક્ષિણ કોરિયાએ ત્યાંથી ડ્રોન મારફતે જાસૂસી કરી હતી. ઉત્તર કોરિયાએ એક વર્ષમાં ૧૦ લાખ યુવાનોને લશ્કરી તાલીમ આપી છે. અત્યારે દુનિયાના ઘણાં મોરચે જંગ ચાલે છે ત્યારે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા પણ એમાં હાથ ધોવા ધારે છે. અમેરિકા-રશિયા આમાં સીધો નહીં તો આડકતરો ભાગ ભજવશે. કોરિયન દ્વિપકલ્પમાં યુદ્ધની આગ લાગશે તો સાડા સાત કરોડ લોકોને દઝાડશે.


Google NewsGoogle News