Get The App

અમેરિકાને રશિયાની ચિંંતા નથી પરંતુ ભારત-ચીન-પાકિસ્તાનને લઈને છે ટેન્શન, જાણો શું છે કારણ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
અમેરિકાને રશિયાની ચિંંતા નથી પરંતુ ભારત-ચીન-પાકિસ્તાનને લઈને છે  ટેન્શન, જાણો શું છે કારણ 1 - image


US in tension because of India China And Pakistan | બીજા વિશ્વયુદ્ધથી અત્યાર સુધીમાં પરમાણુ હથિયારના ૨૦૦૦થી વધુ પરીક્ષણો થઈ ચૂક્યાં છે.દુનિયામાં ૧૯,૦૦૦થી ૨૦,૦૦૦ પરમાણુ બોમ્બ હોવાનો અંદાજ છે. એમાંના ૯૫ ટકા પરમાણુ બોમ્બ અમેરિકા અને રશિયા પાસે છે. રશિયા સૌથી વધુ ૬૧૦૦થી ૬૪૦૦ પરમાણુ હથિયારો ધરાવે છે. અમેરિકા ૬૧૫૦ પરમાણુ બોમ્બ હથિયારો સાથે બીજા ક્રમે છે. વિવિધ માપદંડોના આધારે વિશ્વની ઘણી થિંક ટેંક અને હથિયારો પર નજર રાખતી સંસ્થાઓ અહેવાલો આપે છે તેના આધારે આ આંકડા તારવવામાં આવ્યા છે. કદાચ અમેરિકા-રશિયા પાસે આનાથી વધુ પરમાણુ હથિયારો પણ હોઈ શકે.

ઈન ફેક્ટ, હશે જ. જે રીતે બંને દેશોએ શરૂઆતમાં એકબીજાથી શક્તિશાળી બનવાની સ્પર્ધા શરૂ કરેલી ત્યારે બેફામ પરમાણુ હથિયારો બનાવ્યા છે. અમેરિકાનું આખું સિક્રેટ મિશન ચાલી રહ્યું છે. દુનિયાને પરમાણુ હથિયારો ન બનાવવાની સંધિઓ કરવા સમજાવતા અમેરિકાએ નાના-મોટા કેટલાય આકારના, જુદા જુદા લડાકુ વિમાનો માટે ખાસ ડિઝાઈન કરેલા પરમાણુ બોમ્બનો મોટો જથ્થો તૈયાર કર્યો છે.

સામાન્ય રીતે એક બોમ્બ એક મોટા શહેરનો વિનાશ કરી શકે છે.દુનિયામાં નાનાં મોટાં ૧૦,૦૦૦ શહેરો છે. બધા દેશો પાસે છે એ તમામ પરમાણુ બોમ્બની ક્ષમતા જોતાં જો પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તો માનવજાતનો સમૂળગો વિનાશ થઈ જાય. અમેરિકન વિજ્ઞાનિકોના એક સંગઠન વર્લ્ડ ન્યુક્લિયર ફોર્સ ફાઉન્ડેશનના અહેવાલ પ્રમાણે ૩૬૦૦ પરમાણુ બોમ્બ દુનિયાની ૮૦૦ કરોડની વસતિનો વિનાશ કરી શકે છે. એ રીતે જોઈએ તો આખી પૃથ્વીનો ૬ વખત વિનાશ થઈ શકે છે. અમેરિકા-રશિયા પાસે એટલા પરમાણુ હથિયારો છે કે આ બંને દેશોના કુલ પરમાણુ હથિયારોમાંથી દુનિયાનો બે વખત વિનાશ થઈ જાય.

આટલો મોટો પરમાણુ હથિયારોનો જથ્થો હોવા છતાં અમેરિકા કાયમ બીજા દેશોના પરમાણુ હથિયારો ન વધે તે માટે પ્રયાસો કરે છે, પરમાણુ હથિયારો ન બને તે માટે કરારો કરાવે છે. પરમાણુ હથિયારો બનાવવા માટે યુરેનિયમના જથ્થાની જરૂર પડે છે એટલે એક હદથી વધારે કોઈ દેશ યુરેનિયમનો જથ્થો એકઠો કરે છે કે કેમ એના પર અમેરિકાની ખાસ નજર હોય છે. પરમાણુ હથિયારોની કેટલી વૃદ્ધિ થઈ રહી છે તેની માહિતી પણ અમેરિકા રાખે છે. એવી જ માહિતીના આધારે હવે અમેરિકન થિંક ટેંક કહે છે કે રશિયાના પરમાણુ હથિયારો કરતાં હવે ભારત-ચીન-પાકિસ્તાનના પરમાણુ હથિયારો વધારે ચિંતાજનક છે. આ દેશોમાં પરમાણુ હથિયારો બનાવવાની જે હોડ જામી છે તેનાથી દુનિયા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

અમેરિકાની ચેતવણીની વાત કરતાં પહેલાં ભારત-ચીન-પાકિસ્તાન પાસે કેટલા પરમાણુ હથિયારો છે તે જાણી લઈએ. સ્વીડનની થિંક ટેંક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)નો છેલ્લાંમાં છેલ્લો અહેવાલ જૂન-૨૦૨૪માં આવ્યો હતો. એ અહેવાલ પરમાણુ હથિયારોના જથ્થા માટે સૌથી વાસ્તવિક ગણવામાં આવે છે. તેના પેરામીટર્સ એવા સેટ થયેલા છે કે દર વર્ષે કોણે કેટલાં પરમાણુ હથિયારો વધાર્યા તેનો અંદાજ વધારે સચોટ મળે છે. આ થિંક ટેંકનું માનીએ તો ભારત પાસે ૧૭૨ પરમાણુ હથિયારો છે.

એક વર્ષમાં ભારતનાં પરમાણુ હથિયારોના જથ્થામાં આઠ નવાં ઉમેરાયાં છે. અગાઉના વર્ષમાં ભારત પાસે ૧૬૪ પરમાણુ હથિયારો હોવાનું કહેવાયું હતું. પાકિસ્તાન પાસે ૧૭૦ પરમાણુ હથિયારો છે. ભારત અને પાકિસ્તાનથી રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન આગળ છે. ઈઝરાયલ અને નોર્થ કોરિયા ભારત-પાકિસ્તાન પછીના ક્રમે આવે છે. ભારત અને પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો સંયુક્ત આંકડો ૩૪૨ થાય. ચીન પાસે ભારત-પાકિસ્તાન કરતાં પણ વધારે એટલે કે ૫૦૦ પરમાણુ બોમ્બ છે.

થિંક ટેંક સિપરી સિવાયના ઘણા સંશોધકો આ ત્રણેય દેશો પાસે પરમાણુ હથિયારો ધારણા કરતાં વધારે હોવાનું માને છે. ખાસ તો ભારત અને ચીન. પાકિસ્તાન તો ઠીક કે અત્યારે આર્થિક કટોકટીમાં સપડાયું છે. રાજકીય અંધાધૂંધીના કારણેય પાકિસ્તાન નવાં હથિયારો બનાવવાની સ્થિતિમાં નથી, પણ ભારત-ચીનની વાત જુદી છે. અન્ય અહેવાલો એમ પણ કહે છે કે ભારત પાસે ૨૫૦ જેટલાં પરમાણુ હથિયારો છે અને ચીન ૧૦૦૦ના આંકડાને પાર કરવાની તૈયારીમાં છે. જો એ રીતે કાઉન્ટ થાય તો ત્રણેય દેશોમાં મળીને ૧૪૦૦-૧૫૦૦ પરમાણુ હથિયારો હોઈ શકે. ને અમેરિકન થિંક ટેંકને ખરી ચિંતા આ વધતા આંકડાંની છે.

સેન્ટર ફોર આર્મ્સ કંટ્રોલ એન્ડ નોન પ્રોલિફરેશન નામની અમેરિકન થિંક ટેંકના રિસર્ચર શોન રોસ્ટકરે લેટેસ્ટ અહેવાલમાં ચિંતા વ્યક્ત કરી કે અમેરિકન સરકારે રશિયાનાં પરમાણુ હથિયારો પર જેટલું ધ્યાન આપ્યું છે એટલું ભારત-ચીન-પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર આપ્યું નથી. આ ત્રણેય દેશોમાં પરમાણુ હથિયારો વધારવાની જે હોડ જામી છે તેનાથી એશિયામાં મોટો ખતરો સર્જાયો છે. અમેરિકન થિંક ટેંકનો ઈશારો એ તરફ હતો કે રશિયા-ચીનની ધરી બની ચૂકી છે. હથિયારો, સૈન્યનું સંખ્યાબળ, લડાકુ વિમાનો, સબમરીન અને પરમાણુ હથિયારોની રીતે ગણતરી થાય તો રશિયા-ચીન એકઠા થઈને અમેરિકા-ફ્રાન્સ-બ્રિટનની ધરી પર આજની તારીખે ભારે પડી શકે.

ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો દુનિયાનો વિનાશ થઈ જાય. ન કરે નારાયણ ને જો ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ થઈ તો રશિયા-ચીન હાહાકાર મચાવી શકે. ભારત જે બાજુ જાય એ તરફ વજન વધે. ભારતે વર્ષોથી બિનજોડાણવાદની વૈશ્વિક નીતિ જાળવી રાખી છે. એટલીસ્ટ એ મુદ્દે ભારતની બધી જ સરકારો યોગ્ય રીતે જ નેહરુના પગલે ચાલી છે. કદાચ એ જ નીતિના કારણે આજે ભારત દુનિયાના બે શક્તિશાળી દેશો - કે જેને એકબીજા સાથે ઊભુંય બનતું નથી - એ અમેરિકા અને રશિયા સાથે સલામત અંતર જાળવીને વેપાર કરી શકે છે, દ્વિપક્ષીય સંબંધ રાખી શકે છે ને તે છતાં બંને દેશો ભારતને વિશ્વસનીય સહયોગી ગણાવે છે.

અમેરિકાના વિદેશનીતિના એક્સપર્ટ્સ ને અનેક થિંક ટેંકના રિસર્ચર્સ પણ ખોંખારીને કહી શકતા નથી કે ભવિષ્યમાં ભારતનું સ્પષ્ટ સ્ટેન્ડ કઈ બાજુ હશે. ભારતનું આ અકળ વલણ અમેરિકાને ચિંતા કરાવે છે. ભારતનાં વધતાં પરમાણુ હથિયારો પાછળ અમેરિકન થિંક ટેંકની ચિંતાનું કારણ પણ આ જ છે. નહીંતર બ્રિટન-ફ્રાન્સ પાસે ભારતથી તો ઘણાં વધારે પરમાણુ હથિયારો છે છતાં અમેરિકન થિંક ટેંકને ભારતથી ખતરો કેમ જણાય છે?

વેલ, અમેરિકાની આ ભીતિ વચ્ચે ભારતે આશ્વાસન એ લેવા જેવું છે કે જગત જમાદાર ગણાતા દેશને ખતરો લાગવા માંડે એનો અર્થ એ કે ભારત શક્તિશાળી છે. ભારતને અવગણી શકાય તેમ નથી. ભવિષ્યમાં ભારતનું સ્ટેન્ડ કાયમ વિશ્વના રાજકારણના કેન્દ્રમાં રહેશે.


Google NewsGoogle News