યુક્રેનને લોંગ રેન્જ મિસાઈલની પરવાનગી આપવા મુદ્દે નાટો દેશોમાં મતભેદો
- વર્લ્ડ વિન્ડો
- વોલોડિમીર ઝેલેન્સ્કી અને જો બાઇડન
- નાટોના મહાસચિવે કહ્યું હતું કે યુક્રેનને મદદ કરનારા બધા દેશો પોતપોતાની રીતે લોંગ રેન્જ મિસાઈલના ઉપયોગની પરવાનગી આપે તે વધારે યોગ્ય છે, અમેરિકા સાથે સહમત થવું જરૂરી નથી...
અમેરિકાના એક નિર્ણયથી દુનિયા સામે વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકામાં સત્તા પરિવર્તન પછી બાઈડેન હવે દોઢેક મહિના પ્રમુખ રહેશે. એ દરમિયાન સત્તાનું હસ્તાંતરણ થશે. બીજી ટર્મ માટે ચૂંટાયેલા ટ્રમ્પ પાસે વ્હાઈટ હાઉસનું સુકાન આવશે. ૨૦ જાન્યુઆરીએ નવા પ્રમુખને સત્તા મળે છે, પરંતુ સત્તાની સોંપણીનું કામ તો એ પહેલાં જ શરૂ થઈ જાય છે. અમેરિકાના ઈલેક્ટેડ પ્રમુખ પોતાની કેબિનેટ બનાવે છે અને નવી કેબિનેટ પોતપોતાના વિભાગોના હસ્તાંતરણની પ્રક્રિયા જુએ છે.
અમેરિકામાં એવો વણલખ્યો નિયમ છે કે ચૂંટણી પૂરી થઈ જાય ને સત્તા પરિવર્તન થયું હોય તો જેમની પાસે સત્તા છે એ પ્રમુખ બહુ મોટા નિર્ણયો લેતા નથી. એવો નિર્ણય લેવાનું ટાળે છે કે જેની સામે નવા ચૂંટાયેલા પ્રમુખનો મત જુદો હોય. ખાસ તો એવા સમયે કે જ્યારે નવા ચૂંટાયેલા પ્રમુખ વિપક્ષી પાર્ટીમાંથી આવતા હોય. જૂના પ્રમુખના નિર્ણયથી નવા પ્રમુખની ટર્મ પ્રભાવિત ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ધારો કે કમલા હેરિસ ચૂંટાયા હોત તો બંનેની પાર્ટીની મૂળ વિચારધારા સરખી હોય એટલે બાઈડેનના નિર્ણયોથી એટલો મોટો પોલિસી સ્તરે ફરક ન પડે, પરંતુ સત્તા પરિવર્તનમાં વિપક્ષી પાર્ટીના નેતાનો વિજય થાય ત્યારે મોટા નિર્ણયોમાં વિશેષ કાળજી રાખવામાં આવે છે.
પણ આ વખતે એવું ન થયું. બાઈડેને ઓફિસ છોડતાં પહેલાં બે-ત્રણ એવા નિર્ણયો કર્યા કે જેની અમેરિકામાં ભારે ટીકા થઈ. બાઈડેન સરકારે છેલ્લે છેલ્લે પણ યુક્રેન માટે ફંડ મંજૂર કરી દીધું. ટ્રમ્પ તો ચૂંટણી જ એ બેઝ પર જીત્યા છે કે રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસનું યુદ્ધ અટકાવી દેશે.
યુક્રેનને અમેરિકા અબજો ડોલરની સહાય કરે છે તેની સામેય ટ્રમ્પ શરૂઆતથી વિરોધ કરે છે. ટ્રમ્પનો એ બાબતે એવો ઓપિનિયન છે કે રશિયાની દાદાગીરી સામે યુક્રેનને મદદ કરવાની વાત બરાબર છે, પરંતુ એનો નિવેડો વાટાઘાટોથી આવવો જોઈએ. અમેરિકા સતત મદદ કરીને, લોન આપીને કે શસ્ત્રો પહોંચાડીને જેવી રીતે મદદ કરે છે તે બરાબર નથી.
ટ્રમ્પના આ સ્ટેન્ડના કારણે એ તો સ્પષ્ટ છે કે ૨૦મી જાન્યુઆરી પછી યુક્રેનને અમેરિકાની આટલી માતબર સહાય નહીં મળે. બાઈડેને તે પહેલાં ફંડ મંજૂર કર્યું છે એની ટીકા તો રિપબ્લિકન પાર્ટીના નેતાઓ કરી જ રહ્યા છે, પરંતુ બાઈડેન અળખામણા થયા તેના બીજા નિર્ણયથી. બાઈડેને યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો રશિયા પર છોડવાની પરવાનગી આપી દીધી. આ નિર્ણય આખી દુનિયા માટે આશ્વર્યજનક છે. ખુદ નાટોના દેશો એ નિર્ણયમાં બાઈડેન સાથે સહમત નથી. અચાનક બાઈડેને કેમ યુક્રેનને લોંગ રેન્જ મિસાઈલો વાપરવાની પરવાનગી આપી એ બધા માટે સમજની બહાર છે.
થોડા મહિના પહેલાં જ્યારે હજુ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ચાલતી હતી ત્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનું નિવેદન આવ્યું હતું. રશિયાના એક પછી એક હુમલા વધ્યા તે વખતે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેનને સાથી દેશોની લોંગ રેન્જ મિસાઈલ દાગવાની પરવાનગી મળતી નથી એટલે જોઈએ એવો પ્રતિકાર કરી શકાતો નથી. એ વખતે ઝેલેન્સ્કીનું નિવેદન નાટોના બધા જ દેશોના વડાઓએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું હતું અને કોઈએ સ્ટેટમેન્ટ આપ્યું ન હતું. મોટાભાગના દેશો ઈચ્છતા ન હતા કે યુક્રેન રશિયા પર લોંગ રેન્જ મિસાઈલો છોડે.
પણ અચાનક ચૂંટણી પૂરી થઈ તેના એક સપ્તાહમાં જ બાઈડેને અમેરિકાની લોંગ રેન્જ મિસાઈલો છોડવાની યુક્રેનને પરવાનગી આપી દીધી. યુક્રેન પાસે અત્યારે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા દેશોની લોંગ રેન્જ મિસાઈલો છે. હથિયારોની મદદ કરી એમાં આ દેશોએ લોંગ રેન્જની મિસાઈલો પણ આપી હતી, પરંતુ એના કરારોમાં શરત એ હતી કે તેનો ઉપયોગ નાટો અથવા તો જે તે દેશ પરવાનગી આપે તો જ કરવાનો રહેશે.
નાટો પર અમેરિકાનો પ્રભાવ છે. અમેરિકા કહે એમ નાટો દેશો કરતા આવે છે, પરંતુ આ વખતે બાઈડેનના નિર્ણય સામે નાટો દેશો જ અસહમત છે. સૌથી પહેલાં તો નાટોના મહાસચિવ માર્ક રૂટે નિવેદન આપ્યું કે યુક્રેનને લોંગ રેન્જની મિસાઈલો પ્રયોજવાની અમેરિકાએ પરવાનગી આપી એ અમેરિકાનો નિર્ણય છે, પરંતુ નાટોના સહયોગી દેશો પણ અમેરિકાના પગલે ચાલે તે જરૂરી નથી. બધા દેશો પોતપોતાની રીતે યુક્રેનને લોંગ રેન્જ મિસાઈલો છોડવાની પરવાનગી આપવી કે નહીં તેનો નિર્ણય કરે. નાટો કે અમેરિકા એ બાબતે કોઈ દેશને સીધી સલાહ આપશે નહીં.
નાટોએ આ સ્પષ્ટતા એટલેય કરી છે કે અમેરિકાના નિર્ણય સાથે નાટો દેશોમાં તીવ્ર મતભેદો છે. અમેરિકા પછી નાટોમાં સૌથી વધુ લશ્કરીબળ ધરાવતા તુર્કીએ તો આ નિર્ણયની આકરી ઝાટકણી કાઢી છે અને તેને અમેરિકાની સૌથી મોટી ભૂલ ગણાવી છે. તુર્કીના પ્રમુખ એર્ડોઆને બાઈડેનના નિર્ણય સામે આશ્વર્ય વ્યક્ત કરતા કહ્યું કે આ નિર્ણયથી દુનિયામાં ભયનો માહોલ સર્જાશે.
નાટોના અન્ય મહત્ત્વના સહયોગી જર્મનીએ પણ લોંગ રેન્જ મિસાઈલની પરવાનગી સામે વિરોધ કર્યો છે. જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ કહે છે કે લોંગ રેન્જ મિસાઈલોથી યુક્રેન રશિયાને જડબાતોડ જવાબ તો આપી શકશે, પરંતુ તેનાથી યુદ્ધનો કોઈ ઉકેલ નહીં આવે. પરિસ્થિતિ વધારે બગડશે. યુક્રેનને મળતી મદદ સામેય સવાલો ખડા થશે. જર્મનીએ ૧૧ અબજ ડોલરની મદદ અત્યાર સુધીમાં યુક્રેનને કરી છે, હવે જર્મનીમાં પણ એ સામે ધીમો વિરોધ ઉઠી રહ્યો છે.
બ્રિટન અને ફ્રાન્સે અમેરિકાના નિર્ણયનો વિરોધ કર્યો નથી, પરંતુ પોતાની મિસાઈલોને છોડવાની પરવાનગી આપી નથી. બ્રિટનના નેતાઓ પણ એવું કરવાના પક્ષમાં નથી. જર્મની, તુર્કી, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો માને છે કે જો રશિયા સામે લોંગ રેન્જ મિસાઈલોની યુક્રેનને પરવાનગી આપી દેવામાં આવશે તો રશિયા-નાટો વચ્ચે જ સીધો જંગ જામી પડશે.
જો એમ થાય તો એ વિશ્વયુદ્ધની શરૂઆત હશે. પુતિને બાઈડેનના નિર્ણય પછી રાતોરાત રશિયાની પરમાણુ પોલિસી બદલી નાખી. પુતિનની નવી પોલિસી પ્રમાણે જો કોઈ પરમાણુ સજ્જ દેશ યુક્રેનની મદદથી રશિયા પર ઘાતક હુમલા કરશે તો તેને એ બે દેશોનો રશિયા પર સંયુક્ત હુમલો ગણીને રશિયા એ બંને કે બેમાંથી કોઈ એક દેશ પર પરમાણુ હુમલો કરી શકશે.
રશિયાના આ નિર્ણયથી દુનિયામાં તો ફફડાટ છે જ, પરંતુ એથી વધુ ડર નાટોના સહયોગી દેશોમાં છે. બધાને અંદરખાને એવું લાગે છે કે બાઈડેન તો ૨૦મી જાન્યુઆરી પછી નિરાંત લેતા હશે, પરંતુ ટ્રમ્પ ખસી જશે ને અમેરિકા મદદ બંધ કરી દેશે તો નાટોના સહયોગી દેશો બરાબર ભેરવાઈ જશે.