બાઈડેનનું કથળતું સ્વાસ્થ્ય : પ્રમુખપદના ઉમેદવાર બદલવા ડેમોક્રેટિક પાર્ટીની વિચારણા

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
બાઈડેનનું કથળતું સ્વાસ્થ્ય : પ્રમુખપદના ઉમેદવાર બદલવા ડેમોક્રેટિક પાર્ટીની વિચારણા 1 - image


- વર્લ્ડ વિન્ડો

- ડેમોક્રેટિક પાર્ટીના દિગ્ગજ નેતાઓ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, નેન્સી પેલોસી અને સેનેટના નેતા ચક શૂમર માને છે કે બાઈડેનની હેલ્થનો મુદ્દો બનાવીને ટ્રમ્પ બાજી મારી જશે

૧૯૮૮નું વર્ષ.

અમેરિકામાં ૧૯૮૮ની પ્રમુખપદની ચૂંટણી માટે નોમિનેશન્સ ચાલતાં હતાં. પ્રમુખ રોનાલ્ડ રીગનની બે ટર્મ પૂરી થતી હતી. એ બંને ટર્મમાં વાઈસ પ્રેસિડેન્ટ રહેલા જ્યોર્જ એચ ડબલ્યુ બુશ સિનિયરના નામ સાથે રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહમત હતા. ડેલિગેટ્સનું પણ સમર્થન મળી જવાનું હતું. આઠ વર્ષ સત્તાથી દૂર રહેલી ડેમોક્રેટિક પાર્ટીમાંથી નોમિનેશન્સની પ્રક્રિયા શરૂ થઈ. એમાં અલ ગોર (જે પછીથી ક્લિન્ટનના કાર્યકાળમાં વાઈસ પ્રેસિડેન્ટ બન્યા હતા), માઈકલ ડુકાકિસ, જેસ્સી જેક્સન, પોલ સિમોન જેવા નેતાઓની સાથે એક નામ હતું - જો બાઈડેન. ઈન ફેક્ટ, ૪૫ વર્ષના બાઈડેન તે વખતે સૌથી મજબૂત ઉમેદવાર ગણાતા હતા અને તેમને જ ડેમોક્રેટિક પાર્ટીનું નોમિનેશન મળશે એમ કહેવાતું હતું, પરંતુ તેમના હરીફો શોધી લાવ્યા કે જે ભાષણના જોરે અમેરિકામાં બાઈડેન છવાઈ ગયા છે એ મૂળ તો બ્રિટનના વિરોધપક્ષના નેતા નીલ કિન્નોકના ભાષણની ઉંઠાતરી હતી. અમેરિકન મીડિયામાં ટીકા થઈ. પાર્ટીએ તેમને નોમિનેશન પાછું ખેંચવાની સલાહ આપી અને એ રીતે બાઈડેન પ્રમુખપદની રેસમાંથી હટી ગયા.

૨૦૦૮નું વર્ષ.

બરાબર ૨૦ વર્ષ પછી અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીમાં નોમિનેશન્સની પ્રક્રિયા ચાલતી હતી. જ્યોર્જ ડબલ્યુ બુશની બે ટર્મ પૂરી થઈ હતી એટલે રિપબ્લિકન પાર્ટીએ પણ નવા ઉમેદવારની શોધ શરૂ કરી હતી. ડેમોક્રેટિક પાર્ટીમાંથી બે ઉમેદવારો વચ્ચે બરાબરની સ્પર્ધા જામી હતી. એમાંથી યુવા તેજતર્રાર નેતા બરાક ઓબામાને જબરું જનસમર્થન મળતું હતું એટલે તેમની નજીકના હરીફ બાઈડેને નામ પાછું ખેંચી લીધું. ઓબામાએ તેમને ઉપપ્રમુખના ઉમેદવાર બનાવ્યા. લગભગ ત્યારે જ નક્કી હતું કે ઓબામાની બે ટર્મ પૂરી થાય પછી બાઈડેનને ૨૦૧૬માં પ્રમુખપદના ઉમેદવાર બનાવવા.

પણ એવું થયું નહીં. કહે છે કે છેલ્લી ટર્મ વખતે ઓબામા અને બાઈડેન વચ્ચે તીવ્ર મતભેદો ચાલતા હતા. ઓબામાની કેટલીય પૉલિસી સાથે બાઈડેન સહમત ન હતા. આંતરિક ઘર્ષણના અહેવાલો આવતા હતા ને પછી દબાઈ જતા હતા. ૨૦૧૬માં ઓબામાની ટર્મ પૂરી થઈ એટલે ડેમોક્રેટિક પાર્ટીએ પ્રમુખપદના ઉમેદવાર માટે નોમિનેશન્સની પ્રક્રિયા શરૂ કરી એમાંથી બાઈડેનનું નામ ગાયબ હતું. તેના બદલે હિલેરી ક્લિન્ટનનું નામ આવ્યું. એ સિવાયના નેતાઓ પણ ખરા, પરંતુ ઓબામાની સરકારમાં વિદેશમંત્રી તરીકે કામ કરનારા હિલેરી ક્લિન્ટનની લોકપ્રિયતા હતી એટલે નોમિનેશન્સ મળી ગયું. કહેવાય છે કે તે વખતે બાઈડેનનું પત્તંુ કાપી નાખવામાં ઓબામા અને બિલ ક્લિન્ટનની મુખ્ય ભૂમિકા હતી.

હવે ફરીથી ડેમોક્રેટિક પાર્ટીના આ બંને દિગ્ગજ નેતાઓ ૨૦૨૪માં બાઈડેનની બાદબાકી કરવા મેદાને પડયા છે. એ માટે તેમની પાસે સજ્જડ કારણ છે - બાઈડનનું કથળતું જતું સ્વાસ્થ્ય. અમેરિકામાં છેલ્લાં છ-આઠ મહિનામાં એવા કેટલાય બનાવો બન્યા છે, જેમાં બાઈડેન વાત કરતાં અચાનક અટકી ગયા હોય, કંઈક ભૂલી ગયા હોય કે પછી બીજી જ કોઈ વાત કરવા માંડયા હોય. ઘણી વખત તો સામે શું બને છે સદંતર ભૂલીને બાઈડેન દિગ્મૂઢ થઈને ફાટી આંખે જોયા કરતા હોય છે. જાણે પોતે ક્યાં આવી ગયા છે તેની જાણ જ ન હોય એવું વર્તન કરે છે. તેમની હેલ્થનો મુદ્દો અમેરિકન મીડિયાનો હોટ ટોપિક છે. દરેક મોટા અખબારમાં સપ્તાહમાં સરેરાશ એક સ્ટોરી બાઈડેનના સ્વાસ્થ્ય પર લખાય છે.

બળતામાં ઘી હોમ્યું જી-૭ સમિટે. ગત સપ્તાહે ઈટાલીમાં યોજાયેલી જી-૭ સમિટમાં બાઈડેન વારંવાર ફાટી આંખે, વિચિત્ર રીતે જોતા હોય અને હોશ ગુમાવીને આસપાસ હરવા-ફરવા લાગ્યા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં. દુનિયાભરમાં વીડિયો વાયરલ થયો. હોસ્ટ જ્યોર્જિયા મેલોની સહિતના નેતાઓ તેમને સંભાળતા દેખાયાં. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ ફરીથી બાઈડેનના સ્વાસ્થ્યનો મુદ્દો ઉછાળ્યો. વિદેશમાં જઈને અમેરિકન પ્રમુખ ભૂલી જાય ને અન્ય દેશોના નેતાઓએ બાજી સંભાળવી પડે તેને રિપબ્લિકન પાર્ટીએ શરમજનક બાબત ગણાવી. આમેય રિપબ્લિકન પાર્ટીમાંથી જેમનું નોમિનેશન્સ નક્કી છે એવા ડોનાલ્ડ ટ્રમ્પ તો એકાદ વરસથી આ મુદ્દે બાઈડેનને ઘેરે છે. હજુ બે-ચાર દિવસ પહેલાં જ એક કાર્યક્રમમાં ઓબામા અને બાઈડેન એક સાથે હતા. એમાં ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પર બાઈડેન સાવ દિગ્મૂઢ થઈ ગયેલા. ઓબામા ખભે હાથ મૂકીને સિફ્તપૂર્વક તેમને મંચની પાછળ દોરી ગયા. એનો વીડિયો પણ વાયરલ થયો.

છેલ્લી બે ઘટના પછી તો ડેમોક્રેટિક પાર્ટીમાં પણ વિરોધનો સૂર ઉઠયો છે. અત્યારે ડેમોક્રેટિક પાર્ટીમાં જેમનો પ્રભાવ છે એવા પાંચ મહત્ત્વના નેતાઓ - બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, હિલેરી ક્લિન્ટન, નેન્સી પેલોસી અને ચક શૂમરે બાઈડેનના હેલ્થની સમીક્ષા કરવાની માગણી પક્ષના નેતાઓ સમક્ષ મૂકી છે. ચક શૂમર ડેમોક્રેટિક પાર્ટીના સેનેટના નેતા છે. નેન્સી પેલોસી પૂર્વ સ્પીકર છે. ડેમોક્રેટિક પાર્ટીના આંતરિક વર્તુળોને ટાંકીને અમેરિકન મીડિયામાં અહેવાલો આવ્યા કે આ પાંચેય નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. એમાં બાઈડેનને બદલીને અન્ય ઉમેદવારને ઉતારવાની વિચારણા થઈ હતી. બાઈડેનને સમય રહેતાં બદલે તોય હવે નવા ઉમેદવાર માટે માંડ ચાર મહિના બચે. એ જોખમ લેવું કે નહીં? જોખમ લીધા પછીય ટ્રમ્પ સામે લડવાની જવાબદારી કોને સોંપવી?

ડેમોક્રેટ્સ ડેલિગેટ્સના ૩૮૦૦થી વધુ મતો બાઈડેનને મળ્યા છે એટલે રાતોરાત ઉમેદવાર બદલવાનું સરળ નથી, પરંતુ મતદાન થયું ત્યારે બાઈડેનનો હેલ્થનો મુદ્દો આટલો ગંભીર ન હતો. જો ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવાય તો એમાં અત્યારના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભૂમિકા ચાવીરૂપ હશે. તેમને વિશ્વાસમાં લીધા વગર બાઈડેનને બદલી શકાય નહીં. અથવા તો કમલા હેરિસને જ ઉમેદવારી માટે તૈયાર કરાય, પરંતુ તૈયારી વગર ટ્રમ્પ સામે પડવાનું કમલા હેરિસ જોખમ લેશે કે નહીં એ અસ્પષ્ટ છે.

બાઈડેન-ટ્રમ્પ વચ્ચે આવતા સપ્તાહે ૨૭મીએ પહેલી ડિબેટ થવાની છે. ત્યારે બાઈડેન કેવી રીતે ટક્કર આપે છે એના પર સૌની નજર રહેશે. રિપબ્લિકન પાર્ટી ૧૫મી જુલાઈએ સત્તાવાર રીતે ટ્રમ્પના નામની જાહેરાત કરશે. ડેમોક્રેટિક પાર્ટી એ પછી ઓગસ્ટમાં બાઈડેનના નામની ઘોષણા કરશે. ઉમેદવાર બદલવા માટે ઓગસ્ટ સુધીનો સમય તો છે, પરંતુ એ પછી નવા ઉમેદવારને પ્રચાર માટે માત્ર દોઢ મહિનો જ મળે એ સૌથી મોટી મુશ્કેલી છે.

વેલ, ૨૦૨૦માં ટ્રમ્પના રાષ્ટ્રવાદ સામે લગભગ હાર નક્કી હતી એટલે બાઈડેનને તક મળી ગઈ હતી. કોરોના ન ત્રાટક્યો હોત તો બાઈડેન સામે સર્વોચ્ચ હોદ્દામાં લખાતું હોત ઃ વાઈસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. ત્યારેય બાઈડેન હોટ ફેવરિટ ન હતા, અત્યારે પણ હોટ ફેવરિટ નથી. ૧૯૮૮, ૨૦૦૮ અને ૨૦૧૬ની જેમ છેલ્લી ઘડીએ બાઈડેનનું પત્તુ કપાઈ જશે કે પછી ૨૦૨૦ની જેમ નોમિનેશન્સ મળી જશે એના પર નજર રહેશે.


Google NewsGoogle News