આર્મી ડ્રોનની નિકાસમાં ચીનને પછાડી તુર્કી પ્રથમ ક્રમે
- વર્લ્ડ વિન્ડો
- ચીન અને અમેરિકા સાથે તુર્કી ડ્રોન મેકિંગમાં સીધી સ્પર્ધામાં ઉતર્યું છે. આર્મી ડ્રોનના ગ્લોબલ માર્કેટમાં પાંચ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. ભારત જેવા ઘણાં દેશો આ ક્ષેત્રમાં ઝંપલાવી રહ્યા છે
ડ્રોનનો લશ્કરી ઉપયોગ સૌપ્રથમ અમેરિકાને સમજાયો હતો. વિશ્વયુદ્ધ બાદ ડ્રોન વિકસાવવાના પ્રયાસો શરૂ થયા હતા અને ૧૯૭૦ સુધીમાં અનમેન્ડ એરિયલ વ્હિકલ એટલે કે માનવ રહિત નાનું એરક્રાફ્ટ વિકસી ચૂક્યું હતું. અમેરિકાએ ૭૦ના દશકામાં વિએટનામ વૉરમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ વર્ષો સુધી એની જાણકારી આપી ન હતી. ઘણાં વર્ષો પછી સ્વીકારાયું કે વિએટનામ વોરમાં અનમેન્ડ એરક્રાફ્ટની મદદથી બોમ્બમારો થયો હતો.
અમેરિકાએ વિવિધ લશ્કરી ઓપરેશન્સમાં સર્વાધિક ડ્રોન હુમલા કર્યા છે. લડાકુ વિમાનના માધ્યમથી બોમ્બમારો થાય તો પાયલટ પર વળતા હુમલાનું જોખમ ખરું. ઘણી વખત લડાકુ વિમાન તૂટી જાય તો પાયલટ દુશ્મનના હાથમાં પકડાય જાય છે અને અમાનવીય યાતના ભોગવવાનો વારો આવે છે. ડ્રોન લડાકુ વિમાનનું બધું જ કામ કરી શકે નહીં. લડાકુ વિમાનની ક્ષમતા જુદી છે, ડ્રોનની જુદી છે. પરંતુ હુમલો કરવામાં, મિસાઈલ મારો કરવામાં ડ્રોન ઉપયોગી હોવાથી ઘણું કામ સરળ બની જાય છે. લડાકુ વિમાનની સરખામણીએ યુદ્ધમાં ડ્રોન ગુમાવવાનું કોઈ દેશને પરવડે છે. એમાં પાયલટ ન હોય એટલે જાનહાનિ થતી નથી.
આ બધા કારણો સમજીને અમેરિકાએ વિએટનામ વોર બાદ યમન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સીરિયા, લીબિયા, સોમાલિયા જેવા કેટલાક દેશોમાં ચાલતા લશ્કરી ઓપરેશન્સમાં ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો હતો. ૨૦૦૪-૦૫ પછી અમેરિકામાં લશ્કરી ડ્રોનનું સારું એવું ઉત્પાદન થવા માંડયું. વિસ્ફોટકો લાદવાની ક્ષમતા પણ વધી. ઓપરેટ કરવામાં પણ સરળતા આવી. કદાચ એ જ કારણે પાકિસ્તાનમાં તાલિબાન સામે અમેરિકાનું આર્મી ઓપરેશન ચાલતું હતું ત્યારે અમેરિકાએ સેંકડો ડ્રોન એટેક કર્યા. એક અંદાજ તો એવોય છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે અમેરિકાના ડ્રોન હુમલામાં ત્રણેક હજાર આતંકીઓ માર્યા ગયા હતા. યમનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ૧૭૦૦થી વધુ આતંકીઓનો ખાતમો બોલ્યો હતો. અમેરિકાએ અલકાયદાથી તાલિબાન અને આઈએસના આતંકીઓ પર ડ્રોન હુમલા કરીને જે પરિણામ મેળવ્યું તેના કારણે અન્ય દેશો પણ લશ્કરી ડ્રોનનો ઉપયોગ કરવાં પ્રેરિત થયા.
અમેરિકાની સમાંતરે ઈઝરાયલમાં પણ ડ્રોનનો ઉપયોગ શરૂ થયો હતો. અમેરિકા અને ઈઝરાયલની કંપનીઓએ લશ્કરી ડ્રોનનું ઉત્પાદન શરૂ કર્યું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે કેટલાય વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. એમાં ઈઝરાયલને ડ્રોન હુમલા કરવાનું વધારે સરળ પડે છે. ડ્રોનથી હુમલો થાય ત્યારે જો ડ્રોન હમાસની મિસાઈલની રેન્જમાં આવી જાય તો ડ્રોન ગુમાવવાનું રહે, પાયલટની જાનહાનિ ટાળી શકાય. એક દશકા પહેલાં સુધી સૌથી વધુ ડ્રોન હુમલા અમેરિકન અને ઈઝરાયલી સૈન્યએ જ કર્યા હતા. અમેરિકા-ઈઝરાયલની આર્મી ઉપરાંત આ યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, ચીન, ભારત, ઈરાન, ઈરાક, દક્ષિણ કોરિયા, રશિયા, યુક્રેન, પોલેન્ડ જેવા દેશો ઉમેરાતા ગયા.
૨૦૧૫માં રશિયાએ ક્રીમિયા પર હુમલો કર્યો ત્યારે મોટાપાયે ડ્રોન હુમલા કર્યા હતા. પાકિસ્તાન ભારતમાં ગેરકાયદે વિસ્ફોટકો, શસ્ત્રો ઘૂસાડવા માટે ડ્રોન મોકલે છે. એવા કેટલાય ડ્રોન્સ ભારતીય લશ્કરે ઝડપી લીધા છે કે તોડી પાડયા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો ડ્રોન હુમલા થયા છે. યુક્રેન દાવો કરે છે કે રશિયાએ ૩૦૦૦થી વધુ ડ્રોન હુમલા કર્યા છે.
૨૦૧૯-૨૦માં સીરિયન વૉરમાં તુર્કીએ છૂટથી ડ્રોનનો ઉપયોગ કર્યો. તુર્કીને ડ્રોન હુમલા અને ડ્રોનનું ઉત્પાદન ત્યારથી એટલું અનુકૂળ આવી ગયું કે પછીથી એર્ડોઆનની સરકારે નવી ડ્રોન પૉલિસી અમલી બનાવી અને તેના પરિણામે આજે તુર્કી દુનિયાનું પ્રથમ ક્રમનો ડ્રોન ઉત્પાદન દેશ બની ગયો.
શરૂઆતમાં લશ્કરી ડ્રોનના મેકિંગમાં અમેરિકા-ઈઝરાયલની મોનોપોલી હતી. ઈઝરાયલમાં ડ્રોનનું ઉત્પાદન ભલે એટલું થતું ન હતું, પરંતુ લશ્કરી ડ્રોનની ડિઝાઈન, પ્રયોગો ઈઝરાયલને આભારી છે. એ ટેકનિકના આધારે અમેરિકન કંપનીઓ લશ્કરી ડ્રોનનું જથ્થાબંધ ઉત્પાદન કરતી હતી. ૨૦૦૮ પછી ચીને અમેરિકાને સ્પર્ધા આપવાનું શરૂ કર્યું હતું. ચીનની અન્ય પ્રોડક્ટની જેમ લશ્કરી ડ્રોન સસ્તાં પડતાં હોવાથી કેટલાય દેશો ચીન પાસેથી ડ્રોન્સ ખરીદતા હતા. એમાં રશિયા, ઈરાન, ઈરાક, પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થતો હતો. ચીને લગભગ ૧૫ વર્ષ સુધી ડ્રોનના મેકિંગમાં અવ્વલ સ્થાન જાળવી રાખ્યું હતું, પરંતુ પહેલી વખત તુર્કીએ ચીનને પછાડીને પ્રથમ ક્રમ મેળવ્યો છે. તુર્કી જેવો દેશ લશ્કરી ડ્રોનની નિકાસમાં ચીન-અમેરિકા-ઈઝરાયલને હંફાવી દે તે પહેલી નજરે આશ્વર્યજનક તો છે, પરંતુ તુર્કીએ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ડ્રોન ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા દેશમાં જે માહોલ બનાવ્યો છે તેનું પરિણામ હવે મળવા માંડયું છે.
સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટીના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે તુર્કીએ કેટલાય દેશોને સસ્તાં લશ્કરી ડ્રોન આપ્યા છે. વિશ્વમાં ૧૦૦ ડ્રોન વેચાય એમાંથી ૬૫ ડ્રોન એકલા તૂર્કીના છે. અગાઉ ચીન આ પ્રકારની મોનોપોલી ભોગવતું હતું. ખાસ તો સુસાઈડ ડ્રોનની બાબતમાં તુર્કીએ કાઠું કાઢ્યું છે. સુસાઈડ ડ્રોન્સ એટલે હુમલો કરવા માટે વપરાતા ડ્રોન્સ કે જે પાછા ફરતાં નથી. વિસ્ફોટ થાય ત્યારે ડ્રોન પણ સાથે બળીને ખાક થઈ જાય છે. ૨૦૨૨માં છ દેશોએ તુર્કી પાસેથી આવા લશ્કરી ડ્રોન્સ ખરીદ્યા હતા. તુર્કીએ નવા માર્કેટની તલાશ આદરી છે. અમેરિકન આર્મી પાસે ૧૧ હજાર જેટલાં ડ્રોન્સ છે અને એ બધા જ અમેરિકામાં બન્યા છે. ચીન લશ્કરી ડ્રોન બનાવીને ઘણાં એશિયન-આફ્રિકન દેશોને આપે છે. ઈરાન-ઈરાક-પાકિસ્તાન જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો ચીન પાસેથી સસ્તાં ડ્રોન્સ ખરીદે છે. તુર્કીની નજર આ માર્કેટ પર છે. તુર્કીના પ્રમુખ એર્ડોઆનને મુસ્લિમ દેશોના ઉદ્ધારક બનવાની મહેચ્છા છે. કાયમ મુસ્લિમ દેશોના મુદ્દે તેમના શાસનકાળમાં તુર્કી આક્રમક સ્ટેન્ડ લે છે. એર્ડોઆનની આ ઈમેજથી તુર્કીના ડિફેન્સ મેકર્સને ફાયદો થઈ શકે તેમ છે. એમાંયે સુસાઈડ ડ્રોન સસ્તાં ભાવે મુસ્લિમ દેશો ખરીદવા માંડે તો તુર્કીની ડ્રોન ઈન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય તેમ છે. આ વ્યૂહ સાથે તુર્કીએ ડ્રોનના ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે.
ડ્રોનના ગ્લોબલ માર્કેટમાં પાંચ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. અત્યારે ડ્રોનનું વૈશ્વિક માર્કેટ ૧૨.૫ અબજ ડોલર છે, પરંતુ જે રીતે દુનિયાભરની આર્મીમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે એ જોતાં આગામી ૧૦ વર્ષમાં ડ્રોનનું ગ્લોબલ માર્કેટ ૨૫ અબજ ડોલરને પાર પહોંચે એવો અંદાજ બાંધવામાં આવ્યો છે. ભારત જેવા કેટલાય વિકસતા દેશોની નજર ડ્રોન ઈન્ડસ્ટ્રી પર મંડાઈ છે. ભારતે પણ ૨૦૩૦ સુધીમાં ડ્રોન હબ બનવાનો નિર્ધાર કર્યો છે. અત્યારે દેશમાં ૨૦૦ ડ્રોન મેકર કંપની કાર્યરત છે. આવતા પાંચ વર્ષમાં દેશની ડ્રોન ઈન્ડસ્ટ્રીને ૩૦ હજાર કરોડે પહોંચાડવાનો લક્ષ્યાંક સેટ થયો છે. એક ચોક્કસ વ્યૂહ સાથે, અનુકૂળ બિઝનેસ પૉલિસી સાથે કામ થાય તો તુર્કીની જેમ ભારત પણ ગ્લોબલ ડ્રોન હબ બની શકે છે. ચીન-અમેરિકા-ઈઝરાયલને જો તુર્કી હંફાવી શકતું હોય તો ભારત ચોક્કસ હંફાવી શકે છે. લેટ્સ હોપ!