હવે જર્મનીમાં પણ રાજકીય અસ્થિરતા, બે મહિનામાં ચૂંટણી થશે
- વર્લ્ડ વિન્ડો
- ઓલાફ સ્કોલ્ઝ
- ફ્રાન્સમાં વડાપ્રધાને વિશ્વાસનો મત ગુમાવ્યો એ પછી નવા વડાપ્રધાનના નામની જાહેરાત થઈ તેના દિવસો પછી જર્મનીમાં ઓલાફ સ્કોલ્ઝની સરકારે પણ વિશ્વાસનો મત ગુમાવી દીધો. આ ઘટનાક્રમોની અસર નાટો અને ઈયુ જેવા સંગઠનો પર પડશે...
યુરોપના દેશોમાં રાજકીય અસ્થિરતા વધતી જાય છે. બ્રિટનમાં રિશિ સુનકના પરાજય પછી નવા વડાપ્રધાન કિયર સ્ટાર્મર પર અર્થતંત્ર પાટે ચડાવવાનો પડકાર હતો અને એમાં છ માસ પછી પણ સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે તેમની સામે વિરોધ વધ્યો છે અને નાગરિકોએ ફરીથી ચૂંટણી કરાવવાની માગણી સાથે હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું છે. પોતાની લેબર પાર્ટીના નારાજ નેતાઓના દબાણના કારણે સ્ટાર્મરે સરકારી નીતિઓમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
ફ્રાન્સમાં તો માત્ર ત્રણ મહિનામાં પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ બનાવેલા વડાપ્રધાન બાર્નિયરની સરકાર પડી ગઈ અને એ પછી માત્ર ૩૩ સાંસદોનું સંખ્યાબળ ધરાવતી પાર્ટી ડેમોક્રેટિક મુવમેન્ટના નેતા ફ્રેંકોઈસ બાયરુને વડાપ્રધાન બનાવવા પડયા છે. ૨૦૨૪માં ફ્રાન્સમાં પાર્લામેન્ટરી ઈલેક્શનમાં પ્રમુખ મેક્રોંની પાર્ટીને જોઈએ એવી સફળતા મળી નહીં અને તેમના હરીફ મરીન લી પેનની પાર્ટીને વધુ બેઠકો મળી. ન છૂટકે મેક્રોંએ ગઠબંધન કરીને બાર્નિયરને વડાપ્રધાન તો બનાવી દીધા, પરંતુ તેઓ બજેટનું બિલ પસાર કરવામાં સંખ્યાબળ સાબિત કરી શક્યા નહીં.
મરીન લી પેનના નેતૃત્વમાં જમણેરી પાર્ટીઓનું જોર ફ્રાન્સમાં વધ્યું છે. ઈમેન્યુઅલ મેંક્રોની ટર્મ ૨૦૨૭માં પૂરી થશે. ૨૦૨૨માં મેક્રોં પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા હતા, પરંતુ તેમની પાર્ટીને વડાપ્રધાનપદ માટે જરૂરી બેઠકો અપાવી શક્યા ન હતા એટલે વિપક્ષ મજબૂત હોવાથી મહત્ત્વનાં બિલ પસાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. યુરોપિયન સંઘની ચૂંટણીમાં પણ મેક્રોંની પાર્ટીનો દેખાવ કથળ્યો. આ બધાની અસર ફ્રાન્સની વિદેશનીતિ પર પડી રહી છે. અત્યારે રશિયા-યુક્રેન યુદ્ધમાં ફ્રાન્સ યુક્રેનને મદદ કરે છે, પરંતુ મેક્રોંની પાર્ટી નબળી પડી હોવાથી આર્થિક અને લશ્કરી મદદ કરવાનું કપરું થઈ પડયું છે.
ફ્રાન્સ જેવી જ રાજકીય સ્થિતિ હવે જર્મનીમાં સર્જાઈ છે. જર્મનીમાં ૨૦૨૧ના ડિસેમ્બરમાં ચાન્સલરની ચૂંટણી થઈ હતી. તે વખતે એન્જેલા મર્કેલ ચાન્સલર હતા અને તેમણે ચૂંટણી પહેલાં જ નિવૃત્તિ જાહેર કરી હતી. એ સાથે જ તેમના ૧૬ વર્ષ લાંબા શાસનનો અંત આવ્યો હતો. એ ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવાર આર્મિન લાસ્કેટનો જમણેરી વિચારધારા ધરાવતી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના ઓલાફ સ્કોલ્ઝ સામે પરાજય થયો હતો. ઓલાફ સ્કોલ્ઝ ૨૦૨૧ના ડિસેમ્બરમાં જર્મનીના ચાન્સલર બન્યા હતા. તેમની પાર્ટીને પૂર્ણ બહુમતી મળી ન હતી એટલે સમાન વિચારધારાના પક્ષોના ગઠબંધનથી સરકાર બની હતી.
આ સરકાર ત્રણ વર્ષ સુધી નાના-મોટા મતભેદો વચ્ચે ચાલી હતી, પરંતુ આવતા વર્ષના અંતે જર્મનીમાં ચૂંટણી થવાની છે. એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓલાફ સ્કોલ્ઝ આર્થિક નીતિમાં ફેરફાર કરવા ઈચ્છતા હતા. તેમની ગણતરી એવી હતી કે સ્ટેબલ થયેલું જર્મનીનું અર્થતંત્ર જો વેગ પકડે ને નવી રોજગારી સર્જાય તો એક વર્ષ પછી થનારી ચૂંટણીમાં એનો ફાયદો મેળવી શકાય. પરંતુ ગઠબંધનના સહયોગીઓને ચાન્સલરની નવી આર્થિક નીતિઓ માફક ન આવી. નાણા મંત્રાલય સહયોગી પાર્ટી પાસે હતું. ઓલાફ સ્કોલ્ઝનું ધાર્યું ન થતાં તેમણે નાણામંત્રીની હકાલપટ્ટી કરી નાખી. એ સાથે જ ત્રણ મોટી પાર્ટીઓનું ગઠબંધન તૂટી પડયું.
આખરે એ મુદ્દે વિશ્વાસનો મત મેળવવાનો પડકાર સર્જાયો ને પૂરતું સંખ્યાબળ ન હોવાથી ઓલાફ સ્કોલ્ઝની સરકારે વિશ્વાસનો મત ગુમાવી દીધો. જર્મનીમાં ૭૩૩ સભ્યોની એસેમ્બલી છે એમાંથી કોઈ બિલ પસાર કરવા માટે ૩૬૭ સાંસદોનું સમર્થન જરૂરી છે. ઓલાફ સ્કોલ્ઝને માત્ર ૨૦૭ સાંસદોનું સમર્થન મળ્યું. તેમની વિરૂદ્ધમાં ૩૯૪ મતો પડયા અને ૧૧૬ સાંસદોએ ગેરહાજર રહીને ઓલાફ સ્કોલ્ઝની પૉલિસીનો આડકતરો વિરોધ નોંધાવ્યો. આ બહુ મોટું અંતર હોવાથી ઓલાફ સ્કોલ્ઝ નૈતિક રીતે અને બંધારણની રીતેય હોદ્દા પર રહી શકે તેમ નથી. તેમની સરકાર આમ તો પડી જ ગઈ કહેવાય. હવે તેઓ એક રીતે કેરટેકર સરકારના વડા છે અને કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકશે નહીં.
જે ચૂંટણી ૨૦૨૫ના અંતે આવવાની હતી એ શરૂઆતમાં જ આવી પડશે. જાન્યુઆરીના અંતે કે ફેબુ્રઆરીની શરૂઆતમાં જર્મનીમાં ચૂંટણી થશે. ઓલાફ સ્કોલ્ઝ માટે ફરીથી ચૂંટાવાનું કપરું થઈ પડવાનું છે. જર્મનીમાં અર્થતંત્ર થોડું મંદ પડયું છે તેને લઈને વિપક્ષો આક્રમક ટીકા કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં જર્મનીએ અમેરિકાના ઈશારે જ બધા નિર્ણયો કર્યા હોવાનો આરોપ પણ જર્મન મીડિયા અને વિપક્ષો લગાવે છે. જર્મન મીડિયાની દલીલ છે કે ઓલાફ સ્કોલ્ઝે ધાર્યું હોત ને નાટોના સહયોગી તરીકે અમેરિકાને યુક્રેન મુદ્દે થોડું અંકુશમાં રાખ્યું હોત તો રશિયા-યુક્રેન યુદ્ધ થયું ન હોત. જર્મનોને યુદ્ધ સામે વાંધો એટલો જ છે કે એમાં જર્મનીની સરકારે પણ નાટોના રસ્તે યુક્રેનને મદદ પહોંચાડી છે. વિપક્ષો કહે છે કે આ રકમ જર્મનીના નાગરિકો માટે વાપરવાની જરૂર હતી. યુદ્ધના કારણે જર્મનીને રશિયા પાસેથી મળતો ગેસ બંધ થઈ ગયો અને તેના વિકલ્પે જે ગેસ મળે છે એ સરવાળે મોંઘો પડે છે. સરેરાશ જર્મનોને યુદ્ધની લાંબાંગાળાની અસરોની ખાસ ચિંતા નથી, પરંતુ પોતાનો મન્થલી ખર્ચ વધ્યો તેની ચિંતા વધુ છે.
વેલ, ફ્રાન્સ અને જર્મની યુરોપિયન સંઘ ઉપરાંત નાટોના મહત્ત્વના સભ્યો છે. જર્મની તો યુરોપિયન સંઘનો વસતિની રીતે સૌથી મોટો દેશ છે. ફ્રાન્સ-જર્મનીના વડાઓ પર વિપક્ષ-મીડિયાનું દબાણ રહે તેની સીધી અસર ફોરેન પૉલિસી પર પડયા વગર રહેતી નથી. હવે અચાનક યુક્રેનને લશ્કરી સહાય પહોંચાડવી હશે તો પણ આ બંને દેશોની સરકાર માટે એ એટલું સરળ નહીં હોય. નાટોના કોઈ નિર્ણયો લેવાના હશે તોય મુશ્કેલી પડવાની છે. યુક્રેનને આર્થિક સહાય આપવા સુધીના બધા જ નિર્ણયો પ્રભાવિત થશે. ફ્રાન્સમાં તો હજુય સરકારના વડા પ્રમુખ ગણાય છે અને મેક્રોં પ્રમુખપદે ચૂંટાયા છે એટલે અમુક નિર્ણયો સેનેટની ઉપરવટ જઈને પણ કરી શકશે, પરંતુ જર્મનીના ચાન્સલર એવા નિર્ણયો કરી શકશે નહીં.
યુરોપમાં મહત્ત્વના દેશોમાં રાજકીય અસ્થિરતા અને આર્થિક મંદીના પ્રશ્નો વચ્ચે ૨૦મી જાન્યુઆરીએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરશે. ને એ સાથે જ કદાચ નાટોને લગતો કોઈ મહત્ત્વનો નિર્ણય કરશે. તેમણે તો એવુંય નિવેદન આપ્યું છે કે યુરોપના દેશો લશ્કરી મદદ માટે અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બને. યુક્રેનને આર્થિક મદદ બંધ કરવાનો નિર્ણય તો ટ્રમ્પની ટોપ પ્રાયોરિટીમાં છે. આ બધાં પરિબળો રશિયા-યુક્રેનના યુદ્ધવિરામ પર સીધી કે આડકતરી અસર કરશે. યુરોપના શક્તિશાળી દેશોની રાજકીય અસ્થિરતા વિશ્વના રાજકારણને નવા વર્ષે જુદો મોડ આપશે એ નક્કી છે.