નેપાળમાં રાજકીય અસ્થિરતા : 16 વર્ષમાં 14 વખત સરકારો બદલાઈ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
નેપાળમાં રાજકીય અસ્થિરતા : 16 વર્ષમાં 14 વખત સરકારો બદલાઈ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- નેપાળમાં ગયા સપ્તાહે ફરીથી સત્તા પરિવર્તન થયું. ભારત સમર્થક શેર બહાદુર દેઉઆએ પુષ્પકમલ દાહાલ-પ્રચંડને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું ને સરકાર ભાંગી પડી 

- કેપી શર્મા ઓલી

૨૦૨૨ના અંતે નેપાળમાં ચૂંટણી થઈ હતી. નેપાળના રાજકારણમાં ત્રણ મહત્ત્વના નેતાઓ - શેરબહાદુર દેઉઆ, પુષ્પકમલ દાહાલ-પ્રચંડ અને કેપી શર્મા ઓલીએ સત્તામાં આવવા બળ લગાવ્યું, પણ ત્રણેયમાંથી એકેયને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. નેપાળમાં ૨૭૫ બેઠકો છે. બહુમતી માટે ૧૩૮ બેઠકો મેળવવી પડે. શેરબહાદુર દેઉઆની નેશનલ કોંગ્રેસ ૮૯ બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી હતી એટલે આમ તો સરકાર રચવાનો પહેલો દાવો તેમનો થાય, પરંતુ મધ્યમમાર્ગીય ડાબેરી પાર્ટી નેપાળી કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા કટ્ટર ડાબેરી નેતાઓ - પ્રચંડ અને ઓલીએ ગઠબંધન કર્યું હતું.

એ વખતે સોદો એવો થયેલો કે સત્તા પ્રચંડના હાથમાં રહે ને વિદેશ મંત્રાલય સહિતના અગત્યનાં મંત્રાલયો ઓલીના વિશ્વાસુ નેતાઓ પાસે રહે. તે વખતે બંને વચ્ચે એવી સમજૂતી થયેલી કે ત્રણ-ચાર મહિના પછી આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓલીના ઉમેદવારને પ્રચંડની પાર્ટી સમર્થન આપશે. બંને પક્ષે સહમતી પછી ડિસેમ્બર-૨૦૨૨માં પ્રચંડ નેપાળના વડાપ્રધાન બન્યા હતા, પણ એ ગઠબંધન લાંબું ચાલ્યું નહીં. માર્ચ-૨૦૨૩માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી આવી ત્યારે ઓલીએ નક્કી થયેલા પ્રમાણે ઉમેદવાર ઉતાર્યા. પ્રચંડે સમર્થન આપવાનો ઈનકાર કર્યો એટલે બંને વચ્ચે ગઠબંધન તૂટી ગયું. ત્યારે પ્રચંડે અગાઉથી જ શેરબહાદુર દેઉઆ સાથે સમજૂતી કરી રાખેલી. શેરબહાદુરે ઉતારેલા રામચંદ્ર પૌડેલને પ્રચંડની પાર્ટીએ સમર્થન આપ્યું એટલે પૌડેલ રાષ્ટ્રપતિ બની ગયા.

દોઢેક વર્ષ પ્રચંડ અને શેરબહાદુરની ગઠબંધનની સરકાર ચાલી. ઓલી વિપક્ષના નેતા હતા, પણ આખી ટર્મ એ વિપક્ષના નેતા બનીને પસાર કરવા ઈચ્છતા ન હતા. તેમણે છેલ્લાં છ મહિનાથી શેરબહાદુર સાથે અંદરખાને તડજોડ શરૂ કરી. વાટાઘાટોના અંતે એવું નક્કી થયું કે શેરબહાદુર પ્રચંડને આપેલો ટેકો પાછો ખેંચીને વડાપ્રધાન બનવા માટે ઓલીને ટેકો આપે. બંને મળીને બાકીની ટર્મ પૂરી કરે. બાકી બચેલા ૪૧ મહિના સુધી બંને એક પછી એક સરખા ભાગે વડાપ્રધાન બને. સમજૂતીના ભાગરૂપે ઓલી પ્રથમ ૨૧ મહિના વડાપ્રધાન રહેશે. તે પછી બચેલા ૨૦ મહિના શેરબહાદુર દેઉઆ પીએમ રહેશે. ૨૦૨૭ના નવેમ્બરમાં ચૂંટણી આવે ત્યાં સુધી શેરબહાદુર સત્તામાં રહે.

સમજૂતી શેરબહાદુરને અનુકૂળ હતી એટલે ઓલીને ટેકો જાહેર કરી દીધો. પ્રચંડની સરકાર પડી ગઈ. ગયા સપ્તાહથી હવે નેપાળમાં ઓલી પીએમ છે. પ્રચંડ વિપક્ષના નેતા છે. એ બંનેની ભૂમિકા પરસ્પર બદલાઈ ગઈ. 

શેરબહાદુર દેઉઆ પ્રચંડ માટેય કિંગમેકર હતા, ઓલી માટેય કિંગમેકર છે. શેરબહાદુર ૨૦૨૧થી ડિસેમ્બર-૨૦૨૨ એટલે કે નેપાળમાં ચૂંટણી થઈ ત્યાં સુધી છેલ્લે વડાપ્રધાન હતા. પાંચ વખત પીએમ રહી ચૂકેલા શેરબહાદુર પ્રથમ વખત નેપાળના પીએમપદે ૧૯૯૫માં આવ્યા હતા. તેમનું અને તેમની પાર્ટી નેપાલી કોંગ્રેસનું વલણ ભારત તરફી રહ્યું છે. પ્રચંડ અને ઓલી ચીન તરફી નિર્ણયો કરવા માટે જાણીતા છે. ભારત માટે નેપાળની આ રાજકીય સ્થિતિ અનુકૂળ એટલા માટેય છે કે શેરબહાદુર કિંગમેકરની ભૂમિકામાં છે. છેલ્લાં એક-દોઢ વર્ષમાં ચીન તરફી થયેલા અમુક નિર્ણયો ભલે એ અટકાવી શક્યા નથી, પરંતુ ભારત વિરોધી કોઈ નિર્ણયો થતા નથી. એ પહેલાં જ્યારે પ્રચંડ-ઓલીની ગઠબંધનની સરકાર હતી ત્યારે ભારત સાથે રાજકીય નકશાનો વિવાદ સર્જાયો હતો. શેરબહાદુરની સત્તામાં હિસ્સેદારી હોવાથી ભારતના હિતોની થોડી-ઘણી રક્ષા થતી રહે છે.

ઈન ફેક્ટ, પ્રચંડ અને ઓલીમાંથી એકની પસંદગી કરવાની હોય તો ભારતના દૃષ્ટિકોણથી ઓલી વડાપ્રધાન હોય એ સારી સ્થિતિ છે. પ્રચંડ કટ્ટર ભારત વિરોધી નેતા છે. તેમની પાર્ટીનો પ્રચાર જ એ દિશામાં થાય છે. પ્રચંડ ત્રણ વખત વડાપ્રધાન બન્યા છે. ૨૦૦૮થી ૨૦૦૯ની ટૂંકી ટર્મમાં તો તેમણે ખાસ ભારતને પરેશાન કર્યું ન હતું, પરંતુ ૨૦૧૬થી ૨૦૧૭ની એક વર્ષની ટર્મમાં ભારત-નેપાળ વચ્ચે દ્વિપક્ષીય વેપાર અટકી ગયો હતો. પ્રચંડે ચીનના વેપારીઓ માટે દરવાજા ખોલી આપ્યા હતા અને સરહદી વિસ્તારોમાં ચીનને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે પરવાનગી આપી દીધી હતી. એનો ભારતે તીવ્ર વિરોધ કર્યો હતો. એની સરખામણીએ ઓલીએ ચીન તરફી વલણ છતાં ભારત સાથે અગાઉ સંતુલનની કોશિશ કરી છે. પ્રચંડની જેમ ઓલી પણ આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ૨૦૧૮થી ૨૦૨૧ની ટર્મમાં ઓલીએ ચીન સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા હતા, પરંતુ ભારતે ભૂકંપ પીડિત વિસ્તારોમાં મદદનો હાથ લંબાવ્યો એમાં કોઈ વિઘ્ન ઊભાં કર્યાં ન હતાં. ૧૯૯૫-૧૯૯૬માં ભારત-નેપાળ વચ્ચે મહાકાલી નદીનો વિવાદ થયો હતો. તે વખતે શેરબહાદુર દેઉઆ વડાપ્રધાન હતા અને ગઠબંધનની સરકારમાં ઓલી પાસે ગૃહમંત્રાલય હતું. ૧૯૯૬માં બંને દેશો વચ્ચે મહાકાલી નદીનો કરાર થયેલો એમાં ઓલીની બહુ જ ચાવીરૂપ ભૂમિકા હતી.

ટૂંકમાં, પ્રચંડને બદલે ઓલી નેપાળની સત્તામાં હોય એ ભારત માટે વધુ અનુકૂળ સ્થિતિ છે, છતાં નેપાળની રાજકીય અસ્થિરતા દ્વિપક્ષીય સંબંધોમાં અવરોધરૂપ બને છે. વારંવાર ગઠબંધનનાં સમીકરણો બદલાતાં રહે છે. ત્રણેય નેતાઓ તડજોડમાં એકબીજાનું માથું ભાંગે એવા છે. રાજકારણમાં પ્રચંડ અને ઓલીની સરખામણીએ શેરબહાદુર થોડા સિનિયર છે અને ખરા અર્થમાં બંને જૂનિયરોને હંફાવે એવા અઠંગ રાજકારણી છે! પોતાને અનુકૂળ હોય એવો રાજકીય માહોલ સર્જવા માટે શેરબહાદુર વારંવાર એક પછી એક બંને મોટા નેતાઓ સાથે ગઠબંધન કરતા હતા. પ્રચંડ અને ઓલી પણ અઠંગ અવસરવાદી નેતાઓ છે.

અગાઉની કડવાશ ભૂલીને કલાકોમાં ગઠબંધન કરી શકે ને પોતાને અનુકૂળ ન આવે તો મિનિટોમાં ગઠબંધન ય તોડી શકે એવું વલણ ત્રણેય મોટા નેતાઓનું હોવાથી નેપાળમાં છેલ્લાં ૧૬ વર્ષમાં ૧૪ વખત સરકારો બદલાઈ છે. તે હિસાબે દરેક વખતે વડાપ્રધાનનો કાર્યકાળ માંડ લગભગ ૧૩ મહિના જેવો થાય. સ્થિર સરકાર ન હોવાથી દેશનું અર્થતંત્ર, દેશની વિદેશનીતિ પણ બૂરી રીતે પ્રભાવિત થાય છે. ભૌગોલિક ઉપરાંત સાંસ્કૃતિ રીતેય ભારત-નેપાળ એકબીજાની ખૂબ નજીક છે. બંને દેશો વચ્ચે દાયકાઓથી મુક્ત વેપાર, મુક્ત પ્રવાસનની નીતિ છે, પરંતુ છેલ્લાં થોડા સમયથી વારંવાર વડાપ્રધાન બદલાય છે એટલે વારંવાર દ્વિપક્ષીય સંબંધોમાં અવરોધો આવ્યા રાખે છે. નેપાળના સામાન્ય નાગરિકો પણ ચીનને બદલે ભારત તરફી વધારે છે, પરંતુ સરકારની અસ્થિર પૉલિસીના કારણે હવે લોકોય થાક્યા છે. ઘણી વખત અપપ્રચારનો એવો મારો ચલાવવામાં આવે છે કે નવી જનરેશન એ નક્કી નથી કરી શકતી કે તેમના માટે ભારત વધારે સારો વિકલ્પ છે કે ચીન.

વેલ, શેરબહાદુર દેઉઆની ગાર્ડિયનશિપમાં નવી સરકાર સ્ટેબલ હોય અને ભારત સાથે સદીઓથી મજબૂત સંબંધોની પરંપરા જાળવી રાખે એ ભારતના પક્ષમાં છે. ભારતને સીધી રીતે નેપાળથી કોઈ ખતરો નથી, પરંતુ નેપાળમાં જો ચીનનું પ્રભુત્વ વધે તો ભારતે ચેતવા જેવું ખરું. એવું ન થાય તે માટે નેપાળમાં ભારત તરફી સ્થિર સરકાર હોય એ ઈચ્છનીય છે.


Google NewsGoogle News