આર્કટિક મહાસાગરમાં રશિયા-ચીનના પગપેસારાથી અમેરિકાને ચિંતા
- વર્લ્ડ વિન્ડો
- જે ફ્રી નેવિગેશનના નામે અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધજહાજો દોડાવે છે, એ જ ફ્રી નેવિગેશનના બહાને રશિયા-ચીને છેક અમેરિકાના અલાસ્કા રાજ્ય સુધી પહોંચ બનાવી લીધી છે...
મહાસાગરના કાંઠે આવેલા બે દેશ વચ્ચે ઓછામાં ઓછું ૪૦૦ નોટિકલ માઈલનું અંતર હોવું જોઈએ. આ સંયુક્ત રાષ્ટ્રસંઘે બનાવેલો માપદંડ છે. બંને દેશોને ૨૦૦ નોટિકલ માઈલનો વિસ્તાર પોતાનો એક્સક્લુઝિવ ઈકનોમિક ઝોન ગણવાનો અધિકાર મળે છે. જો બે દેશો સાવ નજીક હોય તો એના માપદંડો કરારો કરીને બદલાતા હોય છે. તે સિવાય આ વ્યાખ્યા સૌએ સ્વીકારેલી છે. ૨૦૦ નોટિકલ માઈલના અંતરને કિલોમીટરમાં કન્વર્ટ ન કરવું જોઈએ, છતાં સમજ માટે અંદાજે ૩૭૦-૩૮૦ કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર જે-તે દેશનો ગણાય છે. જ્યાં દેશની જમીની સરહદ પૂરી થાય ત્યાંથી આ અંતર ગણવામાં આવે છે. એ વિસ્તારમાં મત્સ્ય ઉદ્યોગથી લઈને દરિયાના પેટાળમાં સંશોધન, ખનીજની શોધ, વીજળી મેળવવાના પ્રોજેક્ટ્સ કે એવું કંઈ પણ કરી શકાય. એ વિસ્તારના રક્ષણ માટે બધા દેશો કોસ્ટગાર્ડ તૈનાત કરે છે કે નેવીને એની રખેવાળી સોંપે છે.
પણ સમુદ્રના આ સિવાયના ભાગમાં બીજા દેશોના વેપારી જહાજોને પ્રવેશવાની પરવાનગી મળે છે. આંતરરાષ્ટ્રીય કરારો પ્રમાણે એક્સક્લુઝિવ ઝોન સિવાયનો રસ્તો બ્લોક કરી શકાતો નથી. યુદ્ધ કે એવી કોઈ કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે વાત જુદી છે. નહીંતર સામાન્ય પરિસ્થિતિમાં મહાસાગર કે સમુદ્રનો એ સિવાયનો ભાગ ફ્રી નેવિગેશન માટે ખુલ્લો રહે છે.
૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘે ફ્રીડમ ઓફ નેવિગેશનનો કાયદો બનાવ્યો હતો અને દેશની જળસીમા સિવાયના વિસ્તારને ઈન્ટરનેશનલ વોટરની કેટેગરીમાં મૂકીને અન્ય દેશોના રિસર્ચ જહાજોને કે વેપારી જહાજોને એ જળસીમા પરથી પસાર થવાની પરવાનગી આપી હતી. ત્યારથી શક્તિશાળી દેશો ફ્રીડમ ઓફ નેવિગેશનનો ઉપયોગ અન્ય દેશોની જળસીમામાં પગપેસારાના શસ્ત્ર તરીકે કરી રહ્યા છે. એમાં સૌથી આગળ હતું અમેરિકા.
યુએનની આ જોગવાઈને આગળ કરીને અમેરિકાએ છેક ૧૯૮૩થી હિન્દ મહાસાગરની એડનની ખાડીમાં યુદ્ધ જહાજો ફેરવવાનું શરૂ કર્યું હતું. રાતા સમુદ્રથી લઈને જીબ્રાલ્ટન, પર્શિયનની ખાડીથી લઈને ઓમાનની ખાડી, હોર્મુઝથી લઈને મલાક્કાના દરિયાઈ પટ્ટામાં રિસર્ચના બહાને કે પછી મિત્ર દેશોની મદદના બહાને અમેરિકન નેવીની હાજરી રહેવા માંડી.
પણ આ મહાસાગરોના કાંઠે આવેલા ઘણા નાના દેશો અમેરિકાના સહયોગી છે એટલે તેમને કોઈ ખતરો ન હતો. જેમને ખતરો લાગતો હતો તેઓ અમેરિકાની સામે પડી શકે એટલા શક્તિશાળી ન હોવાથી વર્ષો સુધી અમેરિકન નેવીની દાદાગીરી ચાલતી હતી. જાપાન-અમેરિકા વચ્ચે સહયોગ હોવાથી જાપાનની જળસીમાનો ઉપયોગ કરીને અમેરિકા રશિયાના ઘણાં ટાપુ સુધી પહોંચી જતું એટલે બંને દેશો વચ્ચે એ બાબતે તૂ-તૂ-મૈં-મૈં થતી હતી. ઈન ફેક્ટ, ૧૯૪૯માં નાટોની રચના થઈ ત્યારે નોર્થ પેસિફિક મહાસાગરના કાંઠે રશિયાના સંભવિત ખતરા સામે એકતા બતાવવાનો જ હેતુ હતો. વર્ષો સુધી અમેરિકાના ફ્રી નેવિગેશન સામે રશિયા સિવાય કોઈ દેશે પડકાર ખડો કર્યો ન હતો. બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા દેશો સાથે અમેરિકાને ગાઢ સંબંધો હોવાથી યુરોપના દરિયામાં અમેરિકાનાં હિતો જળવાતાં હતાં.
ફ્રી નેવિગેશનના નામે અમેરિકાનાં જહાજોનું આવાગમન દક્ષિણ ચીની સમુદ્રમાંથી શરૂ થયું ત્યારથી આ આખો મુદ્દો પેચીદો બન્યો. ચીન આખાય દક્ષિણ ચીની સમુદ્ર પર દાવો કરે છે. દક્ષિણ ચીની સમુદ્રના કાંઠે આવેલા ફિલિપાઈન્સ, તાઈવાન, વિએટનામને ચીને રંજાડવાનું શરૂ કર્યું. એને જવાબ આપવા અમેરિકન નેવીની એન્ટ્રી થઈ. છેલ્લા દોઢ દશકાથી અમેરિકન નેવીનું દક્ષિણ ચીની સમુદ્ર પર ફ્રી નેવિગેશન ઓપરેશન ચાલી રહ્યું છે. વારંવાર અમેરિકાનાં યુદ્ધજહાજો આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થાય છે. ચીન દરેક વખતે ખાંડા ખખડાવે છે અને દરેક વખતે પોતાના સાર્વભૌમત્વમાં અમેરિકા દખલ કરતું હોવાની કાકારોળ મચાવે છે. ઘણી વખત તો બંનેનાં યુદ્ધજહાજો સામે સામે આવી જાય છે અને ઘર્ષણ થતાં થતાં રહી જાય છે. ક્યારેય ચીન યુદ્ધની ધમકી સુદ્ધાં આપી દે છે.
પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આંતરરાષ્ટ્રીય વોટર પરથી પસાર થતાં અમેરિકન જહાજને સદંતર અટકાવી શકાય નહીં. એના નામે વારંવાર વિરોધ કરીને મુદ્દો સળગતો રાખી શકાય ખરો, પરંતુ આ શક્તિ પ્રદર્શનનો કોઈ કાયમી ઉકેલ નથી ને કામચલાઉ વિવાદ કરીને શક્તિ પ્રદર્શન જ કરવું હોય તો એ અમેરિકાની મોનોપોલી થોડી છે? ચીને પણ એમાં ઝંપલાવ્યું. ચીને હિંદ મહાસાગરમાં પગપેસારો શરૂ કર્યો. સાથે સાથે દક્ષિણ એટલાન્ટિકના કાંઠે આવેલા દેશો સાથે કરારો કરીને ત્યાં પણ ચીની નેવીએ હાજરી દર્જ કરાવી. આજે કેરેબિયન ટાપુ સુધી ચીનની પહોંચ છે અને નોર્થ એટલાન્ટિકનો કાંઠો ચીનની એક તરફની રેન્જમાં છે. અમેરિકા-ચીનની આ પ્રભુત્વની લડાઈની અસર હિંદ મહાસાગરમાં પડતી હોવાથી ભારત માટેય એ લાંબા ગાળાનો ગંભીર મુદ્દો છે. ખેર, ચીને ફ્રીડમ ઓફ નેવિગેશનના નામે જ હવે અમેરિકાનો વધુ એક કાંઠો ઘેરવાનું શરૂ કર્યું છે અને એમાં એને સાથ મળ્યો છે રશિયાનો.
ચીન અને રશિયાએ આર્કટિક મહાસાગરમાં સંયુક્ત લશ્કરી કવાયતો આદરી છે. અમેરિકન કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જ અમેરિકન કોંગ્રેસને આપેલા લેટેસ્ટ અહેવાલ પ્રમાણે બેરિંગ સાગર પાસે ચીનનાં ચાર જહાજો જોવા મળ્યાં હતાં. રશિયા-ચીને બેરિંગ સાગરથી આર્કટિક મહાસાગર સુધી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આર્કટિક મહાસાગરનો આખો કાંઠો રશિયાના પ્રભાવ હેઠળ આવે છે. અમેરિકન રાજ્ય અલાસ્કા આર્કટિકના કાંઠે છે ને એ મહાસાગરના માધ્યમથી ચીન-રશિયાની પહોંચ અમેરિકાના ઉત્તર-પશ્વિમ કિનારા સુધી છે. રશિયાની હાજરી તો પહેલાંથી જ આર્કટિકના કિનારે હતી જ, હવે ચીનનો ઉમેરો થયો છે. આજની તારીખે અમેરિકાને ટક્કર આપી શકે એવી ટેકનોલોજી રશિયા-ચીન પાસે જ છે. રશિયા-ચીન સંયુક્ત રીતે અમેરિકાના એક કાંઠે પહેરો ભરે એ મોટું ચિંતાનું કારણ છે.
અમેરિકાની ફોરેન પોલિસી થિંક ટેંક ડિફેન્સ પ્રાયોરિટીઝના કહેવા પ્રમાણે રશિયા-ચીને આખાય આર્કટિકને કબજામાં લેવાનું મહત્ત્વાકાંક્ષી મિશન શરૂ કર્યું છે. એની રેન્જમાં અમેરિકન રાજ્ય ઉપરાંત સ્વીડન, નોર્વે, ડેનમાર્ક જેવા દેશો આવી જાય છે. એટલું જ નહીં, બ્રિટન પર પણ વ્યૂહાત્મક પ્રેશર રાખી શકાય છે. અમેરિકા આર્કટિકમાં ચીન-રશિયાનો વધતો પ્રભાવ અટકાવવા માટે સક્રિયતા વધારશે એ નક્કી છે. ફ્રી નેવિગેશનનું હથિયાર તો અમેરિકા પાસેય છે જ, પરંતુ તેનાથી ઘર્ષણ વધશે. હિંદ મહાસાગર, ઉત્તર-દક્ષિણ પેસિફિક મહાસાગરમાં શક્તિશાળી દેશો વચ્ચે આધિપત્ય જમાવવા જે હોડ જામી છે એવી જ હોડ હવે આર્કટિકમાં પણ જામશે.
વેલ, આર્કટિક મહાસાગર નજીક પક્કડ જમાવવાનો ચીનનો ઈરાદો માત્ર અમેરિકાને કાંઠે પહોંચી જવા પૂરતો સીમિત નથી. આર્કટિકના દુર્લભ ખનીજ સહિતની અપાર શક્યતાઓ પર પણ ડ્રેગનની લાળ ટપકી રહી છે. અમેરિકાએ શરૂ કરેલી સમુદ્રી શતરંજમાં ચીન ભારે પડી રહ્યું છે અને એ જગત માટે જોખમી સાબિત ન થાય તો સારું.