ટ્રમ્પના શપથ પછી વિશ્વનું રાજકારણ કેટલું બદલાશે
- વર્લ્ડ વિન્ડો
- ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદના શપથ લઈને અમેરિકાની સત્તાનું સુકાન હાથમાં લેશે એ સાથે જ ઘણી બાબતો રાતોરાત બદલાઈ જશે. એની તીવ્ર અસર અમેરિકાની ફોરેન પૉલિસી પર પડશે
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પૉલિસી માટે કોઈ એક શબ્દ કહેવો હોય તો કહેવું જોઈએ ઃ અનિશ્વિતતા.
ટ્રમ્પ ક્યારે શું કરે એ કહેવાય નહીં. ટ્રમ્પ ક્યારે શું કહે એ કહેવાય નહીં. તંગદિલી નવા શિખરે હોય ત્યારે વાટાઘાટો શરૂ કરી દે. એકંદરે શાંતિ હોય ત્યારે અચાનક તડાફડી બોલાવીને તંગદિલી સર્જી નાખે.
કોઈ એક સવારે ઉત્તર કોરિયાને ધમકી આપતા કહેઃ 'હું પરમાણુ બોમ્બનું બટન મારા ટેબલ પર રાખું છું.' ને એવું કહ્યાના અઠવાડિયા પછીની કોઈ સાંજે જાહેરાત કરેઃ 'હું ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સાથે બેઠક કરીશ.' રશિયન પ્રમુખ પુતિનના વખાણ કરતા કહેઃ 'પુતિન ખૂબ બુદ્ધિશાળી નેતા છે. તેમને ખબર છે કે એમને શું કરવું છે.' ને આવું કહ્યાના મહિના પછી અચાનક તમામ રશિયન અધિકારીઓને અમેરિકા છોડી જવાના ફરમાન પર સહી કરી દે.
ટ્રમ્પનો પહેલો કાર્યકાળ આવો જ આક્રમક, તોફાની અને અનિશ્વિત રહ્યો છે. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડવોર ટ્રમ્પે શરૂ કર્યું હતું. દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકાની દખલગીરી ટ્રમ્પના કાર્યકાળમાં વધી હતી. ભારત સાથેના સંબંધો મજબૂત બન્યા હોય તે વખતે જ અચાનક ભારતીયો માટે વિઝાનીતિ બદલી નાખી હોય એવુંય ટ્રમ્પકાળમાં થયું હતું. ભારત પર આકરો વેરો નાખવાની ધમકી પણ ટ્રમ્પે આપી હતી અને એ જ ટ્રમ્પ ભારત આવીને વિશાળ જનમેદની જોઈને પ્રભાવિત પણ થયા હતા.
વર્ષોથી ઈઝરાયલ તરફી અમેરિકાની નીતિ ટ્રમ્પના કાર્યકાળમાં એટલી પ્રો થઈ ગયેલી કે વિવાદાસ્પદ જેરૂસલેમમાં અમેરિકન દૂતાવાસ કચેરી ખુલી ગઈ હતી. ઈરાન-અફઘાનિસ્તાન-સીરિયામાં ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકા ખૂબ આક્રમક દેખાયું હતું. યુરોપ સાથે અમેરિકાના ગાઢ સંબંધો છતાં અમેરિકન કંપનીઓ પર યુરોપિયન સંઘનું આક્રમક વલણ હોય તો ટ્રમ્પ ધમકી આપતા બે પળનોય વિચાર કરતા નહીં.
આવો અકળ મિજાજ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષના અંતરાળ પછી ફરીથી અમેરિકાના પ્રમુખ બન્યા છે. બે દિવસ પછી ટ્રમ્પનો શપથ સમારોહ યોજાશે. ને તે સાથે જ ઘણી બાબતો રાતોરાત બદલાઈ જશે. ટ્રમ્પ સૌથી પહેલો નિર્ણય કરશે ઈમિગ્રેશન બાબતે. ટ્રમ્પે અગાઉ જ જાહેરાત કરી દીધી છે, તેના ભાગરૂપે આઈટી સેક્ટરમાં સૌથી પોપ્યુલર વિઝા પ્રોગ્રામ એચ-૧બીમાં નિયમો બદલાશે. ટ્રમ્પ ચૂંટાયા તે સાથે જ જે અમેરિકન કંપનીઓ ભારતીય સહિતના આઈટી એક્સપર્ટ્સને નોકરીઓ આપે છે એમના વલણમાં પરિવર્તન આવ્યું છે. તેમને ડર છે કે ટ્રમ્પ કોઈ એવો નિયમ બનાવી દેશે કે જેનાથી કંપનીને સરવાળે નુકસાન થાય એના કરતાં અત્યારથી જ વિદેશી આઈટી એન્જિનિયરને નોકરીએ ન રાખવાથી સંભવિત ખતરાથી બચી શકાય. ટ્રમ્પ પહેલી ટર્મથી જ કહેતા આવ્યા છે કે વિદેશી યુવાનો અમેરિકન યુવાનોની નોકરી છીનવી રહ્યા છે.
અમેરિકામાં ૧.૧૦ કરોડ શરણાર્થીઓ એવા છે જેમની પાસે અમેરિકામાં રહેવાનો કોઈ જ આધાર-પુરાવો નથી. એના તરફ સરેરાશ અમેરિકન્સને આક્રોશ છે. ટ્રમ્પે ચૂંટણી એજન્ડામાં ગેરકાયદે ઘૂસણખોરોના દેશનિકાલનો મુદ્દો જોરશોરથી ચગાવ્યો હતો. ટ્રમ્પ માને છે કે એક કરોડથી વધુ લોકોના કારણે અમેરિકાને આર્થિક બોજ પડે છે. અમેરિકાના ૬૬ ટકા લોકો ટ્રમ્પની એ વાતમાં સહમત હતા. આ કામ એટલું સરળ નથી. અમેરિકાની હ્યુમન રાઈટ્સ સંસ્થાઓ અને ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પની આ વિચારધારાને સંવેદનહીન ગણાવે છે એટલે પ્રદર્શનો થશે. ટ્રમ્પને સેનેટ સાથે ઘર્ષણ થઈ શકે, છતાં ટ્રમ્પ મક્કમ હોય તો આમાંથી લાખો લોકો રઝળતા થશે.
આવી જ મુશ્કેલી ટ્રાન્સજેન્ડર સમુદાયને થશે. ટ્રમ્પના ખૂબ જ નિકટ બની ગયેલા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનો દીકરો જાતિ પરિવર્તન કરાવીને દીકરી બની ગયો ત્યારથી મસ્કને ટ્રાન્સજેન્ડર સમુદાય સામે ખીજ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી વખતે કહેલું કે હું પ્રમુખ બનીશ તો ટ્રાન્સજેન્ડર ક્રેઝીનેસને રોકીશ. અત્યારે તુરંત કદાચ કોઈ ઉપાય નહીં થાય તો મિડ-ટર્મ ઈલેક્શન પછી બે વર્ષે રિપબ્લિકન પાર્ટી સંસદમાં વધુ મજબૂત બનશે પછી વ્હાઈટ હાઉસ અને સંસદગૃહ એમ બંને સ્તરેથી ટ્રમ્પ કાયદાનો દંડો ઉગામી શકે છે. અમેરિકાની વસતિમાં ૫.૧ ટકા ટ્રાન્સજેન્ડર કે નોન-બાઈનરી છે. નોન-બાયનરી એટલે એવા લોકો જેમને સ્ત્રી કે પુરુષ બેમાંથી એકેયની ફીલિંગ થતી નથી.
યુક્રેન-રશિયા યુદ્ધ બંધ કરાવવું એ ટ્રમ્પની બીજી મહત્ત્વની પ્રાથમિકતા છે. ટ્રમ્પ માને છે કે અમેરિકાની સહાય બંધ થઈ જાય તો યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે. રશિયા-યુક્રેનના વિવાદમાં ટ્રમ્પ રશિયાને જેટલો દોષ આપે છે એટલો જ દોષ યુક્રેનને આપે છે. એકથી વધુ વખત કહી ચૂક્યા છે કે રશિયા દોષી છે, પરંતુ યુક્રેન દૂધે ધોયેલું નથી. ટ્રમ્પની દલીલ છે કે અમેરિકા જે ફંડ યુક્રેનને યુદ્ધ માટે આપે છે એ ફંડનો ઉપયોગ દેશમાં રોજગારી સર્જવા કરવો જોઈએ. ટ્રમ્પની આ વાત સાથે મોટાભાગના અમેરિકન્સ સહમત છે. રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ઉપરાંત ટ્રમ્પની પ્રાયોરિટી ઈઝરાયલ-હમાસનું યુદ્ધ અટકાવવાની પણ છે. હમાસે ઈઝરાયલના નાગરિકોને બંદી બનાવ્યા છે તેમને મુક્ત કરવા માટે ટ્રમ્પે એક મહિનાનો સમય આપી દીધો હતો. એની સમાંતરે ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની આક્રમકતાની ટીકા પણ કરી ચૂક્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવી, ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતું અટકાવવા જરૂરી પગલાં ભરવા - એ બાબતો ટ્રમ્પના ચૂંટણી એજન્ડામાં સામેલ હતી.
સૌથી મોટો ફટકો પડશે ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈને. ટ્રમ્પે પેરિસ સમજૂતીનો વિરોધ કરીને પહેલી ટર્મમાં કહ્યું હતું કે વિકાસશીલ અને ગરીબ દેશો કાર્બન ઉત્સર્જન કરે છે કે પ્રદૂષણ ફેલાવે છે એની સજા રૂપે અમેરિકા જેવા ધનવાન દેશો પાસેથી માતબર ફંડ લઈને ક્લાઈમેટ ચેન્જ સામે લડવાનો કોઈ અર્થ નથી. ક્યારેય ક્યારેય તો ટ્રમ્પ ક્લાઈમેટ ચેન્જને જ એક ષડયંત્ર ગણાવવા માંડે છે. ટ્રમ્પના હાથમાં સત્તા આવશે એની અસર દુનિયાના ક્લાઈમેટ એક્શન પર પડશે. ગ્લોબલ ક્લાઈમેટ એગ્રીમેન્ટ માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા છે. એમાં અમેરિકાની ક્લાઈમેટ પૉલિસીનો પ્રભાવ પડયા વગર રહેશે નહીં.
ટ્રમ્પ ટ્રેડ પૉલિસી ચેન્જ કરશે. કેનેડાને ૨૫ ટકા સુધી ટેરિફ લગાડવાની ધમકી આપી ચૂક્યા છે. ચીની કંપનીઓ પર પહેલી ટર્મમાં પ્રતિબંધો મૂકાયા હતા અને માતબર ટેરિફ વધ્યો હતો. બીજી ટર્મમાં પણ ચીનની કંપનીઓ ટ્રમ્પના નિશાના પર રહેશે. વળી, ભારતીય કંપનીઓ ઝપટે ચડે એવી દહેશત અત્યારથી વ્યક્ત થવા માંડી છે.
વેલ, ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ પછી વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરશે ને એ સાથે જ તડાફડી બોલે એવી ધારણા છે. વિશ્વમાં શાંતિ સ્થાપવાનો વાયદો કરનારા ટ્રમ્પ કેવી અને કેટલી અશાંતિ સર્જે છે એના પર સૌની નજર રહેશે.