ઈઝરાયલ સામે આરબ વર્લ્ડની એકતાથી વધતું જતું વિશ્વયુદ્ધનું જોખમ
- વર્લ્ડ વિન્ડો
- મધ્યપૂર્વની સ્થિતિ દિવસે દિવસે તંગ બનતી જાય છે. ઈઝરાયલે વધુ આક્રમકતાથી ગાઝા અને લેબેનોનમાં એરસ્ટ્રાઈક કરી તેમાં ૭૫થી વધુ લોકોનાં મોત થયાં છે
રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસના યુદ્ધથી અસંખ્ય લોકોનાં મોત થયાં, હજારો-લાખો લોકો વિસ્થાપિત થયા. યુક્રેન-રશિયાનું યુદ્ધ પણ સતત વકરતું જાય છે, પણ એનો દાયરો જેટલો હતો એટલો જ છે. એમાં બીજા કોઈ દેશ પર હુમલા શરૂ થયા હોય એવું બન્યું નથી. યુદ્ધ તો એ પણ ભયાનક જ છે, પરંતુ એનાથી વધારે ભયાનક યુદ્ધ ઈઝરાયલ ખેલી રહ્યું છે. ઈઝરાયલે હમાસનો કચ્ચરઘાણ વાળવાના ઈરાદે ગાઝામાં હુમલા શરૂ કર્યા હતા. એમાં ઈઝરાયલ-પેલેસ્ટાઈનના કેટલાય નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા.
તેની સમાંતરે ઈઝરાયલ અને લેબેનોનમાંથી પ્રોક્સી વોર કરતાં હિઝબુલ્લાહ વચ્ચે પણ જંગ જામ્યો. હિઝબુલ્લાહ ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની તર્જ પર લેબેનોનમાં આ સંગઠન બન્યું હતું અને પેલેસ્ટાઈનના અધિકાર માટે હિઝબુલ્લાહ ઈઝરાયલને નિશાન બનાવે છે. હિઝબુલ્લાહે ઈઝરાયલ પર હુમલો કર્યો એ પછી ઈઝરાયલે પણ એક પછી એક હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કરવાનું શરૂ કર્યું હતું.
ઈઝરાયલનો ત્રીજો મોરચો સીરિયામાં પણ ખુલ્લો છે. સીરિયાના ગૃહયુદ્ધના કારણે ઈઝરાયલ-ઈરાન વચ્ચે ઘર્ષણ થતું રહે છે. સીરિયામાં બંને દેશોનું સૈન્ય એકબીજાની સામે આવી ગયું હોય એવા એક દશકામાં અનેક બનાવો બન્યા છે. સીરિયા એ રીતે ઈઝરાયલ-ઈરાન વચ્ચે બેટલ ગ્રાઉન્ડ બન્યું છે. થોડા મહિના પહેલાં સીરિયામાં આવેલા ઈરાનના દૂતાવાસ પર હુમલો થયો હતો. એ હુમલો ઈઝરાયલે કર્યો હોવાનો ઈરાને દાવો કર્યો હતો. ઈઝરાયલે એનો ઈનકાર કરી દીધો, પણ હુમલાના બધા સાંયોગિક પુરાવા ઈઝરાયલ તરફ ઈશારો કરતા હતા. ઈરાને ઈઝરાયલને નિશાન બનાવીને વળતો હુમલો કર્યો. આયર્ન ડોમના કારણે હુમલો ખાળવામાં ઈઝરાયલ સફળ રહ્યું હતું. બંને એકબીજા પર થયેલા હુમલાનો રદિયો આપતા રહ્યા, પરંતુ એકબીજા પર કોણે હુમલો કર્યો એ બહુ સ્પષ્ટ હતું એટલે તંગદિલી ઓર વધી ગઈ.
રાતા સમુદ્રમાં યમનનું બળવાખોર સંગઠન હૂથી ઈઝરાયલ સામે મેદાને પડયું. ઈઝરાયલની કંપનીઓનાં જહાજોને નિશાન બનાવાયા પછી ઈઝરાયલે હૂથી પર પણ એરસ્ટ્રાઈક કરી. ઈઝરાયલને અમેરિકન પ્રમુખ બાઈડેને હુમલા રોકવા અને યુદ્ધ વિરામ કરવાની સલાહ આપી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ઈઝરાયલની આક્રમકતા સામે નારાજગી વ્યક્ત કરી, તો ઈઝરાયલ યુએન પર બગડયું.
ઈઝરાયલની આ આક્રમકતાથી આરબ દેશો એક થઈ રહ્યાં છે. હિઝબુલ્લાહ અને હમાસ તો આતંકવાદી સંગઠન ગણાય એટલે એની સીધી તરફેણ તો કરી શકે નહીં એટલે આરબ દેશોએ નિર્દોષ નાગરિકો ભોગ બને છે એ મુદ્દો ઉઠાવ્યો છે. એટલું જ નહીં, ઈઝરાયલી સૈન્ય આતંકવાદી સંગઠનોને નિશાન બનાવવા માટે લેબેનોન, જોર્ડન, સીરિયા સહિતના દેશોની એર સ્પેસનું ઉલ્લંઘન કરે છે એ મુદ્દે પણ આરબ દેશો ઈઝરાયલની ટીકા કરે છે.
મામલો ફરીથી તંગ એટલે બન્યો કે ઈઝરાયલે નવેસરથી ગાઝા અને લેબેનોનમાં એરસ્ટ્રાઈક કરી. એમાં ૭૫થી વધુ લોકોનાં મોત થયાં. વિશ્વના માનવ અધિકાર પંચો નિર્દોષ નાગરિકોના મોતનો તમાશો જુએ છે. યુએનની માનવ અધિકાર એજન્સી મૌન બનીને ઈઝરાયલી સૈન્યના ઓપરેશન જુએ છે એની ટીકા થઈ રહી છે. ઈઝરાયલને અમેરિકાનું સમર્થન છે, ભલે અમેરિકન પ્રમુખ ઈઝરાયલને યુદ્ધ વિરામની ભલામણ કરતા હોય, છતાં ઈઝરાયલ આવાં આક્રમક ઓપરેશન્સ ચલાવે છે તેની સામે અમેરિકાને એટલો વાંધો નથી. ઈઝરાયલને બદલે બીજા કોઈ દેશના સૈન્યએ માનવ અધિકારના લીરાં ઉડાવ્યા હોત તો આજે અમેરિકા-યુરોપના દેશો કોરસમાં ટીકા કરતા હોત. અધૂરામાં પૂરું એવોય દાવો થયો કે ઈઝરાયલના પીએમ નેતાન્યાહૂએ ઈરાનમાં ખામૈનીનો તખ્તાપલટ કરવા મિશન શરૂ કર્યું છે. આ ઘટનાઓ પછી આરબ દેશો ઈઝરાયલ સામે સંગઠિત દેખાઈ રહ્યા છે.
તુર્કીના પ્રમુખ એર્ડોઆને ઈઝરાયલની આક્રમક ઝાટકણી કાઢીને બધા જ રાજદ્વારી-વેપારી સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી. તુર્કી આરબ વર્લ્ડમાં બહુ જ મહત્ત્વનો દેશ છે. તેના એક્શનની અન્ય દેશો પર પણ અસર થશે. બીજી તરફ ઈરાન બદલો લેવા બેતાબ છે. અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો થઈ રહ્યો છે કે ઈઝરાયલ પર હુમલો કરવા ઈરાન રોડમેપ તૈયાર કરી રહ્યું છે. ઈરાન-ઈઝરાયલની લડાઈમાં સાઉદીએ ઈરાનની તરફેણ કરી છે એ આશ્વર્યજનક છે. ઈરાન અને સાઉદી વચ્ચે ઘણાં વર્ષોથી સ્પર્ધા ચાલી રહી છે. સાઉદી અરેબિયાનું વલણ કાયમ અમેરિકામાં તરફી રહ્યું છે, પરંતુ ઈરાનની આક્રમકતાએ સાઉદીને ઈરાનની નજીક લાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્સી સાથે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મુલાકાત થઈ એમાં ઈઝરાયલના મુદ્દે ખાસ વાતચીત થઈ. છેલ્લાં સાતેક વર્ષથી સાઉદી-ઈરાન વચ્ચે એવા ગાઢ સંબંધો ન હતા.
સાઉદીમાં હજુ થોડા દિવસ પહેલાં જ આરબ-ઈસ્લામિક સમિટ યોજાઈ એમાં પેલેસ્ટાઈનના નિર્દોષ નાગરિકોને બચાવવા જરૂરી નિર્ણયો કરવા કે પગલાં ભરવા આરબ વર્લ્ડના તમામ દેશો સહમત થયા. સાઉદીના ક્રાઉન પ્રિન્સે સમિટમાં જે કહ્યું એ બહુ મહત્ત્વનું હતું. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંગઠનો ઈઝરાયલ પર અંકુશ મૂકવા યોગ્ય પગલાં ભરે, સમજાવટ કરે. ઈરાનની સંપ્રભુતાનું ઈઝરાયલ સન્માન કરે. ઈરાનની સંપ્રભુતાનું વારંવાર ઉલ્લંઘન થશે તો એ વિશ્વ માટે યોગ્ય નહીં હોય. લેબેનોન અને ગાઝામાં ઈઝરાયલે જે તબાહી મચાવી છે અને આતંકવાદી સંગઠનો ને નિર્દોષ નાગરિકોમાં કોઈ ભેદ રાખ્યા વગર એરસ્ટ્રાઈક કરે છે તેની સામે આરબ વર્લ્ડના દેશોનો સૂર ઉઠયો કે તુરંત યુદ્ધવિરામ થાય એ બધાના હિતમાં છે. પેલેસ્ટાઈન અલગ રાષ્ટ્ર છે અને ઈઝરાયલ તેનું સન્માન કરે, પેલેસ્ટાઈનના નાગરિકોની સલામતી જોખમમાં ન મૂકે.
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ના બધા ૫૭ દેશો આ સંગઠનમાં હાજર હતા. આ ઈસ્લામિક દેશોનું સંગઠન મૂળ ઈઝરાયલ સામે એકતા બતાવવા જ ૧૯૬૯માં સ્થપાયું હતું. એ ઈસ્લામિક હિતો માટે કાયમ એક થઈને બોલે છે. કોઈ પણ દેશમાં ધાર્મિક બાબતે મુસ્લિમોના હિતો જોખમમાં હોય ત્યારે આ સંગઠન સક્રિય થાય છે. ઈઝરાયલ સામે ફરીથી આ સંગઠન સક્રિય બન્યું છે અને ગર્ભિત ધમકી આપી રહ્યું છે.
મધ્યપૂર્વની સ્થિતિ રશિયા-યુક્રેન યુદ્ધ કરતાં ક્યાંય વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઈઝરાયલના લોકો આ વાત બરાબર જાણે છે એટલે જ નેતાન્યાહૂ સામે દેખાવો શરૂ થયા છે. ઈઝરાયલના નાગરિકો જ સરકારને યુદ્ધવિરામની અપીલ કરે છે. પરંતુ નેતાન્યાહૂનો મિજાજ આ વખતે કંઈક જુદો છે. ઈરાન ગમે ત્યારે ઈઝરાયલ પર હુમલો કરશે એવી ભીતિ ગુપ્તચર એજન્સીઓ આપી રહી છે, તેના પરિણામે નેતાન્યાહૂ ખુદ બંકરમાં છુપાયા છે. આટલી તંગદિલી વચ્ચે માત્ર ઈઝરાયલ-ઈરાન જ નહીં, આખા મધ્યપૂર્વના દેશોમાં ફફડાટ છે. ઈઝરાયલની આક્રમકતા સામે આરબ વર્લ્ડની એકતાથી વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.