ફ્રાન્સમાં અચાનક સંસદીય ચૂંટણીઓ આવતાં ઓલિમ્પિક્સ ગેમ્સના આયોજનને અસર

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
ફ્રાન્સમાં અચાનક સંસદીય ચૂંટણીઓ આવતાં ઓલિમ્પિક્સ ગેમ્સના આયોજનને અસર 1 - image


- વર્લ્ડ વિન્ડો

- યુરોપિયન સંઘમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંના ગઠબંધનનો પરાજય થતાં ફ્રાન્સમાં અણધારી સંસદીય ચૂંટણી આવી પડી છે. ગત ચૂંટણીમાં એકેય પક્ષને બહુમતી મળી ન હતી

યુરોપિયન સંઘમાં ૨૭ દેશો છે. મેમ્બર કન્ટ્રીની વસતિના આધારે યુરોપિયન સંસદની બેઠકો નક્કી થાય છે. જે દેશની વસતિ વધારે, ત્યાં યુરોપિયન સંસદની બેઠકો પણ વધારે. જેમ કે જર્મનીની ૯૬, ફ્રાન્સની ૮૧, ઈટાલીની ૭૬ બેઠકો છે. નાનો દેશ હોય તો ઓછામાં ઓછી છ બેઠકો ફાળવવામાં આવે છે. ચૂંટણીમાં જે-તે દેશની રાજકીય પાર્ટીઓ ઉમેદવારો ઊભા રાખે છે. વિવિધ મુદ્દે સમર્થન મેળવવા પ્રચાર થાય છે. લોકોને તેમની પૉલિસી બાબતે સમજ આપવામાં આવે છે. સમર્થકોના સોગંધનામા સાથે યુરોપિયન સંસદની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકાય છે.

બ્રિટને ૨૦૧૬માં યુરોપિયન સંઘમાંથી નીકળવાનો નિર્ણય કર્યો અને ૨૦૨૦માં સત્તાવાર રીતે બ્રિટનની એક્ઝિટ થઈ પછી ૨૮માંથી ૨૭ દેશોનું સંગઠન બની ગયું. બ્રિટનની એક્ઝિટ 'બ્રેક્ઝિટ'ના નામથી ઓળખાયેલી. એ પછી યુરોપિયન સંઘમાં આ સપ્તાહે પહેલી વખત ચૂંટણી થઈ. યુરોપિયન યુનિયનમાં ૭૨૦ બેઠકો છે અને એમાંથી જે પાર્ટી કે ગઠબંધન ૩૬૧ બેઠકો મેળવે એને યુરોપિયન કમિશનનું પ્રમુખપદ મળે છે. ૨૭ દેશોના લોકો મતદાન કરીને યુરોપિયન સંઘની સંસદને ચૂંટે છે.

ચૂંટાયેલું ગઠબંધન પછીનાં પાંચ વર્ષ યુરોપિયન સંઘના મહત્ત્વના નિર્ણયો કરે છે. પૉલિસીમાં ફેરફાર કરે છે. યુનિયનના ૨૭ દેશોમાં વિદેશી કંપનીઓને પરવાનગી આપવાથી લઈને અન્ય દેશો સાથે સંઘના રાજદ્વારી સંબંધો કેવા રહેશે એ બધું સત્તાધારી ગઠબંધનના હાથમાં રહે છે. સંઘના સભ્ય દેશો પોતપોતાની રીતે વિદેશનીતિ, ડિફેન્સ વગેરેની પૉલિસી બનાવવા સ્વતંત્ર છે, પરંતુ અમુક નિર્ણયો સંઘ વતી થાય છે. જેમ કે યુક્રેન યુદ્ધ પછી રશિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય યુરોપિયન સંઘ કરે એ તમામ ૨૭ દેશોને માન્ય રાખવો પડે છે. કોઈ દેશ એ નિર્ણયની વિરૂદ્ધ જઈને પોતાની રીતે રશિયા સાથે વેપાર કરી શકે નહીં.

યુરોપિયન સંઘની સાત નિર્ણાયક સંસ્થાઓ છે - યુરોપિયન પાર્લામેન્ટ, યુરોપિયન કાઉન્સિલ, મિનિસ્ટર્સ કાઉન્સિલ, યુરોપિયન કમિશન, કોર્ટ ઓફ જસ્ટિસ, સેન્ટ્રલ બેંક, યુરોપિયન કોર્ટ ઓફ ઓડિટર્સ. બધાનું કામ નક્કી થયેલું છે અને એ બધા પર ચૂંટાયેલા ગઠબંધનનો અંકુશ રહે છે એટલે યુરોપિયન યુનિયનનું પોલિટિક્સ ખૂબ મહત્ત્વનું થઈ પડે છે. યુરોપિયન સંઘમાં પ્રભુત્વ જમાવવા માટે મુખ્ય સ્પર્ધા ફ્રાન્સ, જર્મની, ઈટાલીના સત્તાધારી પક્ષો અને વિરોધ પક્ષો વચ્ચે થાય છે. લક્ઝમબર્ગ, બેલ્જિયમ, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્પેનના રાજકારણીઓની પણ ચાવીરૂપ ભૂમિકા રહે છે.

સામાન્ય રીતે સત્તાધારી પાર્ટીઓ વિજેતા બની જાય છે અને તેમના ગઠબંધન પાસે સત્તા રહે છે. ફ્રાન્સ અને જર્મનીમાં એકસરખી વિચારધારાના નેતાઓ સત્તામાં હોય અને તેમના ગઠબંધનને વિજય મળે તો પાંચ વર્ષ સુધી યુરોપિયન સંઘમાં તેમનો દબદબો રહે છે. જર્મનીના પૂર્વ ચાન્સલર એન્જેલા મર્કેલનો યુરોપિયન સંઘમાં ખૂબ પ્રભાવ હતો. ઈમેન્યુઅલ મેક્રોં અને એન્જેલા મર્કેલ વચ્ચે વૈચારિક સામ્ય હતું એટલે ૨૦૧૭થી ૨૦૨૧ સુધી ફ્રાન્સ-જર્મનીના ગઠબંધનનું ધાર્યું થતું હતું. મર્કેલની નિવૃત્તિ પછી મેક્રોંનો પ્રભાવ વધ્યો હતો,

પરંતુ યુરોપમાં જમણેરી પક્ષો સતત ચૂંટણી જીતવા માંડયા ત્યારથી યુરોપિયન સંઘ પણ વહેલા-મોડું જમણેરી ગઠબંધનના તાબામાં આવશે એ નક્કી હતું. એક તરફ ઈટાલીમાં જમણેરી નેતા જ્યોર્જિયા મેલોનીનો વિજય થયો. બીજી તરફ ફ્રાન્સમાં જ મેક્રોંને પ્રમુખપદની ચૂંટણીમાં બરાબરની ટક્કર આપનારા મરીન લી પેનને ૨૦૨૨માં ફ્રાન્સમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા મળી હતી. જર્મનીમાં પણ જમણેરી પક્ષો મજબૂત થયા.

યુનિયનના લેટેસ્ટ ઈલેક્શનમાં એવું જ થયું. ઈમેન્યુઅલ મેક્રોં સામે યુરોપિયન સંઘની ચૂંટણીમાં ફ્રાન્સના વિપક્ષોને ભારે બહુમતીથી વિજય મળ્યો. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ઉમેદવારો જીત્યા. લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જિયમ સહિતના દેશોના જમણેરી પક્ષોનો યુરોપિયન સંઘમાં વિજય થયો. તેનાથી હવે આગામી વર્ષોમાં યુરોપિયન સંઘની પૉલિસી બદલાય તો નવાઈ નહીં રહે.

પણ એ બધા વચ્ચે યુરોપિયન સંઘમાં પરાજય બાદ ફ્રાન્સમાં ઘેરા પડઘા પડયા. પ્રમુખ મેક્રોંએ સંસદસભા વિખેરીને ચૂંટણીની જાહેરાત કરી દીધી. ફ્રાન્સમાં ૨૦૨૨માં પ્રમુખપદની ચૂંટણી થઈ તેના મહિનાઓ પછી જ સંસદીય ચૂંટણી થઈ હતી. પ્રમુખપદની ચૂંટણી મેક્રોં જીત્યા હતા, પરંતુ સંસદીય ચૂંટણીમાં તેમને ધારી સફળતા મળી ન હતી. વિપક્ષનાં નેતા મરીન લી પેનની પાર્ટીએ ધારણા બહાર બેઠકો મેળવી હતી. પરિણામે ફ્રાન્સમાં ૧૯૮૮ પછી હંગ પાર્લામેન્ટની સ્થિતિ આવી પડી હતી. તેના કારણે કેટલાય નિર્ણયોમાં મેક્રોંને મુશ્કેલી પડતી હતી.

યુરોપિયન સંઘના પરાજય બાદ મેક્રોંએ અચાનક સંસદ વિખેરી નાખી તેનાથી સૌને આશ્વર્ય થયું છે. યુરોપિયન સંઘની ચૂંટણીમાં હાર્યા હોય ત્યારે સંસદની ચૂંટણીમાં કેમ વિજય મળશે - એ મોટો સવાલ છે. મેક્રોંએ એક રીતે યુરોપિયન સંઘમાં જમણેરી નેતાઓના વિજયનો મુદ્દો બનાવીને દેશમાં બહુમતી મેળવવાનો દાવ ખેલ્યો છે. તેમણે પહેલું રિએક્શન પણ એવું જ આપ્યું હતું: 'જમણેરી પક્ષો ફ્રાન્સની લિબરલ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમના હાથમાં સત્તા ન સોંપવી જોઈએ.' શક્ય છે કે તેનાથી મેક્રોંના પક્ષને ફાયદો થાય અને તેમનું ગઠબંધન બહુમતી મેળવી લે.

શક્ય તો એ પણ છે કે મરીન લી પેનના જમણેરી ગઠબંધનને વિજય મળી જાય તો મેક્રોંના પ્રમુખ તરીકેના બાકીના વર્ષો વધુ મુશ્કેલ બની જાય. ૨૦૨૭માં ફ્રાન્સમાં પ્રમુખપદની ચૂંટણી થવાની છે. મેક્રોં બીજી વખત પ્રમુખ બની ચૂક્યા છે એટલે આ તેમની છેલ્લી ટર્મ છે. ફ્રાન્સમાં કોઈ નેતા વધુમાં વધુ બે વખત પ્રમુખ બની શકે છે. જો મેક્રોં સંસદની ચૂંટણીમાં હારી જશે તો વિપક્ષો વધારે મજબૂત બની જશે. શક્ય છે કે ૨૦૨૭માં કોઈ જમણેરી નેતા પ્રમુખ બની જાય. મેક્રોંએ સંસદની ચૂંટણીનો દાવ કદાચ એટલે ખેલ્યો હશે કે અત્યારે પૂર્ણ બહુમતી ન હોવાથી મુશ્કેલી પડતી હતી, જો બહુમતી મળી જાય તો બાકીનાં વર્ષોમાં મહત્ત્વના નિર્ણયો લઈ શકાય અને પક્ષને મજબૂત બનાવી શકાય.

૫૭૭ સભ્યોની સંસદીય ચૂંટણીનો પહેલો રાઉન્ડ ૩૦મી જૂને અને બીજો રાઉન્ડ ૭મી જુલાઈએ યોજાશે. અચાનક સંસદની ચૂંટણી આવી પડતાં દેશમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ ગઈ છે. ૨૬મી જુલાઈથી ફ્રાન્સમાં સમર ઓલિમ્પિક્સ ગેમ્સ શરૂ થશે. ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન ભારે કુશળતા માંગી લેતું કામ છે. છેલ્લી ઘડીએ ચૂંટણી આવી પડતાં એની અસર ઓલિમ્પિક્સના આયોજન પર પણ પડવાની ભીતિ છે. દેશનું ધ્યાન ચૂંટણીમાં ફંટાશે અને સુરક્ષા એજન્સીઓ ચૂંટણીમાં વ્યસ્ત બનશે તેનો આતંકવાદી જૂથો ગેરલાભ ઉઠાવી શકે છે. પેરિસના મેયર એન્ની હિલ્ડગોએ ઓલિમ્પિક્સ ગેમ્સની સુરક્ષામાં કોઈ જ બાંધછોડ નહીં થાય તેની ખાતરી આપી છે, છતાં ઓલિમ્પિકના વર્ષમાં જ ફ્રાન્સના પ્રમુખે અણધારી રીતે સંસદસભા વિખેરી નાખી એ નિર્ણયથી દુનિયામાં આશ્વર્ય તો સર્જાયું છે.


Google NewsGoogle News