રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાથી ભારત અમેરિકાની આંખે ચડશે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાથી ભારત અમેરિકાની આંખે ચડશે 1 - image


- વર્લ્ડ વિન્ડો

- રશિયા-યુક્રેન વચ્ચે લવાદી કરવામાં જો અમેરિકા અને નાટોનાં હિતો ન જળવાય તો લાંબા ગાળે ભારતને નુકસાન થઈ શકે. ભારતે મધ્યસ્થી કરવામાં સાવધાન રહેવું પડશે

- વ્લાદિમીર પુતિન                                 

- વોલોદિમીર ઝેલેન્સ્કી

રશિયામાં ઓક્ટોબરના છેલ્લાં સપ્તાહમાં બ્રિક્સની બેઠક મળવાની છે. બ્રિક્સના દેશો - બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાના વડાઓ રશિયામાં મળે તે વખતે રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે મોટા સમાચાર આવે એવી પુતિન સહિત બ્રિક્સ દેશોની ગણતરી છે. બ્રિક્સની બેઠક રશિયામાં મળવાની છે તેના સવા મહિના પહેલાં પુતિને બહુ જ મહત્ત્વ પૂર્ણ નિવેદન આપતા કહ્યુંઃ 'રશિયા-યુક્રેન યુદ્ધવિરામ થાય તે માટે ભારત, ચીન અને બ્રાઝિલ લવાદી કરી શકે છે. ઈસ્તાંબુલમાં શાંતિ કરાર થયેલો, પરંતુ એ ક્યારેય લાગુ પડયો નહીં. એ અધૂરું કામ ભારત-ચીન-બ્રાઝિલ કરાવી શકે. ઈસ્તાંબુલમાં થયેલો પ્રાથમિક કરાર આ યુદ્ધવિરામનો મુખ્ય આધાર બની શકે છે.'

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની વાતમાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ સહમત થયાં ઃ 'ભારત અને ચીન યુદ્ધ રોકવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે.' મેલોનીએ આ સ્ટેટમેન્ટ યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યા પછી આપ્યું. મેલોનીએ તો આ સાથે એવુંય કહ્યું કે યુદ્ધવિરામ યુક્રેનના સમર્પણથી ન થવું જોઈએ. યુક્રેનનાં હિતોની રક્ષા થવી જોઈએ. બંને દેશોના ભલામાં હોય એવો રસ્તો કાઢવો જોઈએ.

બંને દેશોના હિતમાં સમજૂતી થાય એ વાત ભલે ઈટાલીના વડાંપ્રધાને કરી હોય, પરંતુ એ નિવેદનમાં યુક્રેન ઉપરાંત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત નાટોના દેશોનો સૂર પણ દેખાય છે. બધા દેશો ઈચ્છે છે કે યુદ્ધનું સમાધાન એ રીતે થાય કે જેમાં રશિયાનો હાથ ઉપર રહ્યો એવું ચિત્ર ન ઉપસે. યુક્રેન લડયું, યુક્રેને રશિયા જેવા શક્તિશાળી દેશને ટક્કર આપી, ઝૂક્યું નહીં અને અડગ રહીને પોતાનું હિત જાળવ્યું - એવો પ્રચાર થાય.

બીજી તરફ પુતિન એવું તો બિલકુલ નહીં ઈચ્છે કે યુક્રેને યુદ્ધમાં રશિયાને હંફાવી દીધું અને પોતાનું હિત જાળવી શક્યું એવી વાતોથી રશિયાની ઈમેજને ધક્કો પહોંચે. પુતિન ઈચ્છે છે કે યુક્રેન યુદ્ધ હારી રહ્યું હતું એટલે માનવતાના ધોરણે રશિયાને યુદ્ધ રોકવા ભારત-ચીન-બ્રાઝિલે મળીને મનાવી લીધું એવો પ્રચાર થાય. પુતિને જે દેશોનાં નામ લીધાં એ ત્રણેય બ્રિક્સના દેશો છે. રશિયા-યુક્રેન યુદ્ધ થવાનું નિમિત્ત સંગઠન છે - નાટો. યુક્રેનને નાટોમાં સામેલ થવું હતું. અમેરિકા યુક્રેનને નાટોમાં સમાવીને નાટોના રક્ષણના બહાને રશિયાની સરહદે લશ્કરી તૈનાતી કરવા ઈચ્છતું હતું. એ સંગઠનના સભ્ય હોવાથી યુક્રેનને લશ્કરી સહાય પહોંચાડીને અમેરિકા-બ્રિટન જેવા દેશો રશિયા પર દબાણ વધારવા ઈચ્છતા હતા.

પુતિનને એ જ વાંધો હતો. પુતિનની દલીલ એવી હતી કે રશિયાએ અમેરિકાની સરહદે સૈન્ય તૈનાત નથી કર્યું. અમેરિકા રશિયાની સરહદે નાટોના નામે લશ્કર ગોઠવીને કાયમ માટે રશિયન નાગરિકોના જીવ જોખમમાં મૂકે એ યોગ્ય નથી. યુક્રેન નાટોમાં જોડાશે તો રશિયા યુદ્ધ કરશે. પુતિનની વારંવારની આ ધમકીને ગણકાર્યા વગર જ અમેરિકા પ્રેરિત નાટો સંગઠને યુક્રેનને નાટોનું સભ્ય બનાવવાની પેરવી કરી તે સાથે જ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. યુદ્ધનું મૂળ કારણ આ હતું. નાટોથી વાંધો હતો એટલે યુદ્ધ થયેલું. યુદ્ધ શરૂ થયું પછી ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ અને જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝે મધ્યસ્થીની કોશિશ કરી હતી. તુર્કીએ ૨૦૨૨માં બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરાવેલી, જે લાગુ પડી નહીં. આ ત્રણેય દેશો નાટોના સભ્ય દેશો છે. પુતિને એમની વાત માની નહીં.

હવે પુતિને એવા સંગઠનના ત્રણ દેશોનાં નામ લવાદ તરીકે આપ્યા કે જેનું રશિયા સ્થાપક સભ્ય છે. ચીન-રશિયાની ધરી તો આમેય અમેરિકાના વિરોધ માટે જાણીતી છે. બ્રાઝિલ પણ રશિયા તરફી નમેલું છે. આ દેશોમાંથી ભારત જ તટસ્થ ઈમેજ ધરાવતો દેશ છે. એ અમેરિકા અને રશિયા બંને સાથે દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. બંને સલામત અંતર રાખીને નિષ્પક્ષ નિર્ણયો કરી શકે છે. પુતિને જે ત્રણ દેશોના નામ આપ્યાં એમાંથી બ્રાઝિલની મધ્યસ્થી કંઈ નાટોના દેશો સ્વીકાર્ય ન રાખે. ચીન તો આમેય અમેરિકા-યુરોપ દ્વેષી ગણાય છે. ભારતની મધ્યસ્થી પર ભરોસો કરીને કદાચ અમેરિકા યુક્રેનને સમજૂતીની લીલી ઝંડી આપે. ને ભારત મધ્યસ્થીનું બીડું ઝડપે તો અત્યારે શક્ય છે કે બંને દેશો કોઈ રસ્તો કાઢીને યુદ્ધ રોકી દેવા માટે સંમત થઈ જાય.

પણ જો બેમાંથી કોઈ એક દેશ કે પછી બંને દેશો થોડા સમય પછી ફરીથી બંદૂકો તાણે તો ભારતની ઈમેજને જ સૌથી વધુ નુકસાન થાય. પુતિન યુદ્ધવિરામની શરતો ભંગ કરીને યુક્રેન પર હુમલો કરે અથવા યુદ્ધવિરામ પછી રશિયાની તરફેણમાં નરેટિવ સેટ થાય તો અમેરિકાના વાંધો પડે. ભારતની નિષ્પક્ષતા સામે અમેરિકન થિંક ટેંક સવાલ ઉઠાવે. ભારત પણ ચીનની જેમ અમેરિકામાં અળખામણું થાય. ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં ઓટ આવે. જો અમેરિકાના ઈશારે નાટો કંઈક ઉશ્કેરણી કરે, યુક્રેન કંઈ આઘું-પાછું કરે ને સમજૂતીની શરતોનો ભંગ થાય તો રશિયા નારાજ થાય. ભારત-રશિયાના દ્વિપક્ષીય સંબંધો વર્ષોથી મજબૂત છે. એમાં ફટકો પડે. અમેરિકા તરફી હોવાનું ભારત પર ટેગ લાગી જાય.

વેલ, પુતિન અને મેલોનીના નિવેદન પછી ભારત સક્રિય પણ થયું છે. બ્રિક્સની સમિટ પહેલાં આ દેશોના નેશનલ સુરક્ષા સલાહકારો અને વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આ સપ્તાહે બેઠક થઈ. એમાં ભાગ લેવા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ રશિયા પહોંચ્યા હતા. એ સાથે જ એવી ચર્ચા ચાલેલી કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ થાય તે માટે શું કરવું જરૂરી છે તેની ચર્ચા માટે દોભાલ રશિયા ગયા છે. બરાબર એ જ ગાળામાં વિદેશ મંત્રી જર્મનીના પ્રવાસે હતા. ત્યાં તેમણે ભારત મધ્યસ્થી માટે તૈયાર હોવાનું બહુ જ સૂચક નિવેદન આપતા કહ્યું ઃ રશિયા-યુક્રેન સમજૂતી માટે તૈયાર હોય તો ભારત મધ્યસ્થી માટે તૈયાર છે. યોગ્ય સલાહ આપશે, બંને દેશો વચ્ચે સેતુ બનશે.

ભારતની આ સક્રિયતા પર દુનિયાભરની નજર મંડાઈ છે. આવી સ્થિતિ વચ્ચે ભારતે એ યાદ રાખવું પડશે કે અમેરિકા સમક્ષ રશિયાનો પક્ષ રાખવાનું કપરું છે. અમેરિકા ક્યારેય રશિયા પર ભરોસો કરીને શરતો માનશે નહીં. સેમ, રશિયા પાસે અમેરિકાની શરતો પળાવવી અઘરી છે. રશિયાને અમેરિકા પર બૈ પૈસાનોય ભરોસો નથી. જો ભારત રશિયા તરફી છે એવું લાગે તો અમેરિકા સાથે સંબંધો ખરાબ થાય ને ભારતની રશિયા તરફની નિર્ભરતા વધે. અમેરિકા ફરીથી પાકિસ્તાનને પંપાળવા માંડે. ભારત અમેરિકા તરફી છે એવું રશિયાને લાગે તો ચીન-રશિયા સંયુક્ત રીતે ભારતને કોઈને કોઈ રીતે પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન જેવા દેશોને મદદ કરીને ભીંસમાં લઈ શકે.

ભારતે આટલું નક્કી કરવાનું છે, કાયમની શાંતિ જાળવી રાખવી કે એકાદ શાંતિ નોબેલથી સંતોષ માનવો છે?


Google NewsGoogle News