Get The App

પાકિસ્તાન : ચીન, સાઉદી અને આઈએમએફની મહેરબાની પર નભતો દેશ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન : ચીન, સાઉદી અને આઈએમએફની મહેરબાની પર નભતો દેશ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન ચીનનો સૌથી મોટો કર્જદાર દેશ છે. પાકિસ્તાને ચીન પાસેથી ૨૯ અબજ ડોલરની માતબર લોન લઈ લીધી છે ને છતાં દર વર્ષે લોન મેળવવા કવાયત કરે છે

યુનાઈટેડ નેશન્સની આર્થિક સંસ્થા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ની સ્થાપના જ્યારે ૮૦ વર્ષ પહેલાં થઈ ત્યારે હેતુ એવો હતો કે જે દેશો પાસે ભંડોળ નથી, પરંતુ ડેવલપમેન્ટની શક્યતા છે તેમના અર્થતંત્રની સમૃદ્ધિ માટે ફંડ આપવું. વિવિધ માપદંડોના આધારે આઈએમએફ ફંડ મંજૂર કરે છે. ગરીબ કે મધ્યમ આવક ધરાવતા દેશને ફંડ આપવાથી જો એ દેશનું અર્થતંત્ર સુધરે તો લોકોનું જીવનધોરણ સુધરે, દેશની આર્થિક સ્થિતિ પાટે ચડે અને વિશ્વના અર્થતંત્રમાં પણ એની હકારાત્મક અસર થાય - એ ઉદ્દેશથી આઈએમએફ શરતોના આધારે લોન આપે છે. ૧૯૦ દેશો આ સંસ્થાના સભ્યો છે અને વૉશિંગ્ટનમાં એનું હેડક્વાર્ટર છે.

દર વર્ષે દેશોની લોનની ડિમાન્ડ પ્રમાણે એના અર્થતંત્રનો અભ્યાસ કરીને આઈએમએફ ફંડ મંજૂર કરે છે. એમાં શરતો તો રાખવામાં આવે જ છે, પરંતુ અર્થતંત્ર પર આ રકમથી કેવી અસર થશે એનો અંદાજ પણ લગાવવામાં આવે છે. શરૂઆતમાં આઈએમએફ ચોક્કસ માપદંડોના આધારે જ લોન મંજૂર કરતી હતી, પરંતુ પછી ગ્લોબલ પોલિટિક્સની અસર એના પર પડી. કોઈ દેશને લોન જોઈતી હોય તો વેસ્ટર્ન વર્લ્ડ સાથેના એના સંબંધો ખાસ તપાસવામાં આવે છે. સ્પેશિયલી અમેરિકા સાથેના!

અમેરિકાના કાબૂમાં રહે એવા શાસકો જે-તે દેશમાં હોય તો અમેરિકાના ઈશારે આઈએમએફ ફંડ આપી દેતું હોય છે. જો અમેરિકાને થોડો ઘણો વાંધો હોય તો ફંડ આપવામાં અલગ અલગ કારણો આપીને વિલંબ થયા રાખે. લોન મેળવવા ઈચ્છુક દેશ અમેરિકાના પ્રમુખોના આશીર્વાદ મેળવી આવે તો મોસ્ટલી ફંડ મળી જાય!

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા પછી અમેરિકાના આશીર્વાદ મેળવી આવ્યા. તેના કારણે ૨૦૨૪માં આઈએમએફ પાસેથી પાકિસ્તાનને સાત અબજ ડોલરનું ફંડ મળી ગયું. આ વર્ષે આઈએમએફ પાસેથી સૌથી વધુ લોન મેળવનારો ચોથો દેશ પાકિસ્તાન છે. આઈએમએફ પાસેથી ફંડ મેળવવામાં આર્જેન્ટિના ૩૨ અબજ ડોલર સાથે પહેલા, ઈજિપ્ત ૧૧ અબજ ડોલર સાથે બીજા ક્રમે છે ને યુદ્ધગ્રસ્ત યુક્રેન પર આઈએમએફ એટલું મહેરબાન થયું કે તેને ૧૦ અબજ ડોલરની લોન આપી છે. એ પછી પાકિસ્તાનનો ક્રમ આવે છે. વિશ્વબેંકની લોન મેળવનારા દેશોમાંય પાકિસ્તાનનું નામ છે. વિશ્વબેંક પાસેથીય પાકિસ્તાને સાડા પાંચ અબજ ડોલરની લોન મેળવી છે.

ક્યા દેશે કોની પાસેથી લોન મેળવી છે એનો વાર્ષિક અહેવાલ વર્લ્ડ બેંક આપે છે. એ પ્રમાણે પાકિસ્તાનને સૌથી વધુ લોન ચીને આપી છે. વિદેશી લોનની કેટેગરીમાં પાકિસ્તાને ચીન પાસેથી કુલ ૨૯ અબજનું કરજ લીધું છે. પાકિસ્તાન પર કુલ ૧૨૧ અબજ ડોલરનું વિદેશીં કરજ છે. એમાંથી ૨૫ ટકા કરજ તો ચીનનું છે. પાકિસ્તાન પર વિશ્વબેંકની કુલ ૨૩ અબજ ડોલરની ઉધારી છે. એ ટોટલ કરજમાં ૧૮ ટકા છે. એશિયાઈ વિકાસ બેંકની ઉધારીનો હિસ્સો ૧૫ ટકા છે. પેરિસ ક્લબની ૧૧.૩ અબજ ડોલરની લોન છે. એ લોન આ વર્ષની શરૂઆતમાં પાછી આપવાની હતી, પરંતુ એમાં પાકિસ્તાને આર્થિક અને રાજકીય અસ્થિરતાનું કારણ આગળ ધરીને મુદ્દત મેળવી હતી.

વિશ્વની આર્થિક સંસ્થાઓના કરજ સિવાયની વાત કરીએ તો ચીન પછી સાઉદી અરેબિયા પાકિસ્તાનને કરજ આપવામાં બીજા સ્થાને છે. સાઉદીએ પાકિસ્તાન પર મહેરબાન થઈને ૯.૧૬ અબજ ડોલરનું ફંડ આપી દીધું છે અને હજુય પાકિસ્તાનમાં ઓઈલ રિફાઇનરી બનાવવાનો કરાર થયો છે. એના ભાગરૂપે નવેસરથી પાંચેક અબજ ડોલરની લોન આપવાની સાઉદીની ગણતરી છે. પાકિસ્તાનના કુલ કરજમાં સાઉદીનો હિસ્સો ૮ ટકા જેટલો છે.

આટઆટલું ફંડ લેવા છતાં પાકિસ્તાનના અર્થતંત્રની ગાડી પાટા પર ચડતી નથી. પાકિસ્તાન આ ફંડનો ઉપયોગ આર્થિક રીતે સદ્ધર બને તેવી યોજનાઓ પાછળ ખર્ચવાને બદલે શસ્ત્રો ખરીદવામાં અને સૈન્યના નિભાવમાં કરે છે. પાકિસ્તાનની સરકારો પર સૈન્યનો ખૂબ પ્રભાવ રહે છે. સૈન્યને નક્કી કરેલું વાર્ષિક બજેટ ન મળે તો સરકાર સામે બળવાનો ખતરો મંડરાતો રહે છે. સૈન્યના ઉચ્ચ અધિકારીઓને ખુશ રાખવા માટે પાકિસ્તાન વિદેશના કરજમાંથી સૈન્યને જોઈતું ભંડોળ આપી દે છે. તેના કારણે એક તરફ પાકિસ્તાનને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે. બીજી તરફ, સૈન્યના બજેટમાં કે હથિયારોની ખરીદીમાં કાપ મૂકવામાં આવતો નથી. 

૨૦૧૭માં પાકિસ્તાને લશ્કર માટે ૧૧.૭ અબજ ડોલરનું બજેટ ફાળવ્યું હતું. ૨૦૧૮માં આ આંકડો ૧૧.૪ અબજ ડોલર હતો. ૨૦૧૯માં ૧૦.૩ અબજ ડોલર અને ૨૦૨૦માં બજેટ ૧૧.૩ અબજ ડોલર થયું હતું. ૨૦૨૧માં બજેટ ૧૧.૪ રહ્યું હતું અને ૨૦૨૨માં ચારેબાજુથી આર્થિક સંકટમાં ઘેરાવા છતાં લશ્કર માટે પાકિસ્તાન સરકારે ૯.૫ અબજ ડોલર ફાળવ્યા હતા. પાકિસ્તાનની સરકાર જીડીપીના સરેરાશ ચાર ટકા બજેટ ડિફેન્સ પાછળ ફાળવે છે. ૨૦૨૩માં લશ્કરી બજેટમાં ૧૫ ટકાનો વધારો થયો હતો. આ ડિફેન્સ બજેટમાંથી વર્ષે ૨૧થી ૨૫ કરોડ ડોલરનાં શસ્ત્રો ખરીદે છે.

છેલ્લાં છ-સાત વર્ષમાં પાકિસ્તાને ૬૫ અબજ ડોલર જેવી માતબર રકમ ડિફેન્સ બજેટ પાછળ ફાળવી છે ને બીજી તરફ કુલ વિદેશી કરજ ૧૨૧ અબજ ડોલરથી વધ્યું છે. જો ડિફેન્સ બજેટમાં કાપ મૂક્યો હોત તો કરજ ઘટયું હોત. પાકિસ્તાનને આ વર્ષે કુલ કરજમાંથી ૨૧ અબજ ડોલરની સમય મર્યાદા પૂરી થતી હોવાથી એ ચૂકવવું પડે તેમ હતું. એટલી રકમ ન હોવાથી આઈએમએફના ફંડની રાહ જોયા બાદ થોડું ચૂકવણું કર્યું હતું. થોડું ચૂકવણું ચીન-સાઉદીની લોનમાંથી કર્યું હતું. પાકિસ્તાન અત્યારે લોનના એવા ચક્કરમાં ફસાયું છે કે નવી લોન આવે એ જૂની લોન ચૂકવવામાં જ પૂરી થઈ જાય છે. નવી લોનમાંથી અર્થતંત્રને પાટે ચડાવવા માટે જે યોજના શરૂ થવી જોઈએ એ થતી નથી એટલે લોન મળવા છતાં વર્ષ દર વર્ષ ઠેરનું ઠેર જ રહે છે.

પાકિસ્તાન સામે આગામી ત્રણ વર્ષમાં ૭૦ અબજ ડોલરનું ઋણ ચૂકવવાનો પડકાર છે. ૨૦૨૫ અને ૨૦૨૬માં કુલ મળીને ૫૦ અબજ ડોલર ચૂકવવાના થશે. એ માટે વળી ક્યાંકથી લોન મેળવવી પડશે. ચીન અને સાઉદી લોન આપે છે અને એમ પાકિસ્તાનને કરજના બોજ તળે દબાવે છે. એમાં ચીન અને સાઉદીના લાંબા ગાળાનાં આયોજનો છે. ચીનને પાકિસ્તાન કરજમાં રહે તો કાયમ અંકુશમાં રાખવાની ગણતરી છે. પાકિસ્તાનનો ધારો ત્યારે ભારતની વિરૂદ્ધ ઉપયોગ થઈ શકે છે. સાઉદીની નજર પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર છે. આરબ વર્લ્ડમાં પાકિસ્તાન એક માત્ર દેશ છે, જેની પાસે પરમાણુ હથિયારો છે. સાઉદી-તુર્કી જેવા દેશોને પાકિસ્તાન પાસેથી પરમાણુ હથિયારોની ટેકનિક જોઈએ છે એટલે જોઈએ એટલી લોન આપવાની તૈયારી બતાવે છે. પાકિસ્તાનનું આર્થિક કરજ દુનિયા માટે ખતરો બનતું જાય છે.


Google NewsGoogle News