ટ્રૂડોની ભૂલભરેલી વિદેશનીતિથી કેનેડા આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડયું

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
ટ્રૂડોની ભૂલભરેલી વિદેશનીતિથી કેનેડા આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડયું 1 - image


- વર્લ્ડ વિન્ડો

- વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ત્રીજી ટર્મમાં લીધેલા નિર્ણયો કેનેડાને ભારે પડી રહ્યા છે. ભારત સાથે સંબંધો બગાડયા બાદ હવે કેનેડાએ નાટો સાથે ઘર્ષણ કર્યું છે

જસ્ટિન ટ્રૂડોને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના દાદા ચાર્લ્સ એમિલ ટ્રૂડો ફ્રાન્સ મૂળના કેનેડિયન વકીલ હતા. ૨૦મી સદીની શરૂઆતમાં કેનેડાના રાજકારણમાં તેમની આગળ પડતી ભૂમિકા હતી. તેમના દીકરા પીઅર ટ્રૂડો મજૂર નેતા હતા. એમાંથી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા. ૧૯૬૮થી ૧૯૭૯ સુધી પ્રથમ વખત અને ૧૯૮૦થી ૧૯૮૪ સુધી બીજી વખત કેનેડાના વડાપ્રધાન બન્યા હતા. તેમના ચાર સંતાનોમાંથી જસ્ટિન ટ્રૂડો સૌથી મોટા. પિતા વડાપ્રધાન હતા ત્યારે જ જસ્ટિન ટ્રૂડોનો જન્મ થયો હતો, કદાચ તે વખતે જ તેમના કપાળમાં રાજયોગ લખાયો હશે. તેમનાથી નાના એલેક્ઝાન્ડર ટ્રૂડો કેનેડાના જાણીતા ફિલ્મમેકર છે. સૌથી નાના માઈકલ ટ્રૂડોનું વર્ષો પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

જસ્ટિન ટ્રૂડો પિતાના પગલે કોલેજકાળથી જ રાજકારણમાં સક્રિય થયા. ૨૦૦૦ના વર્ષમાં પિતાનું નિધન થયું પછી તેમણે પિતા જેના પ્રમુખ હતા એ લિબરલ પાર્ટીમાં સક્રિયતા વધારી. પાર્ટીની યુવા પાંખના પ્રમુખ બન્યા. પૂર્વ પીએમ પિયર ટ્રૂડોના દીકરા તરીકે તેઓ કેનેડામાં બેહદ લોકપ્રિય હતા. પાર્ટીના કાર્યકરો અને બીજી-ત્રીજી હરોળના નેતાઓ તેમને ભવિષ્યના લીડર માનતા હતા. ૨૦૦૬-૦૭ આસપાસ લિબરલ પાર્ટી બહુ નબળી પડી ગઈ. કન્ઝર્વેટિવ પાર્ટીનો દબદબો વધ્યો. ૨૦૦૬ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીનો પરાજય થયો. પાર્ટીમાં યંગ જનરેશનને જોડવી હશે તો એક યુવા તેજતર્રાર નેતાને ફેસ બનાવવો પડશે તે જાણી ગયેલા તત્કાલીન લિબરલ પાર્ટીના પ્રમુખ સ્ટિફન ડાયોને જસ્ટિન ટ્રૂડો માટે તક સર્જી. ૨૦૦૮માં ટ્રૂડો પ્રથમ વખત સાંસદ બન્યા. સંસદગૃહમાં લિબરલ પાર્ટીનો યુવા અવાજ બન્યા. લિબરલ પાર્ટીની પરંપરાગત વિચારધારાથી બોલ્ડ ટ્રૂડો પોપ્યુલર થતા ચાલ્યા ને એમ ૨૦૧૩માં લિબરલ પાર્ટીના નેતા બન્યા.

પિતા વડાપ્રધાન હતા એટલે લિબરલ પાર્ટીએ અનેક પ્રતિભાશાળી યુવાનોને બાજુમાં રાખીને ટ્રૂડોને લિબરલ પાર્ટીની કમાન સોંપી છે એવું કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ કહેતા હતા. બધી ટીકા-ટીપ્પણી વચ્ચે ૨૦૧૫ની સંસદીય ચૂંટણીમાં ૪૪ વર્ષના ટ્રૂડોને જનસમર્થન મળ્યું. ૨૦૧૧ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીને ૩૩૮માંથી માત્ર ૩૬ બેઠકો મળી હતી. ટ્રૂડોના નેતૃત્વમાં પાર્ટીએ ૧૮૪ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી એટલે ટ્રૂડો ૨૦૧૫માં સર્વસંમતીથી વડાપ્રધાન બન્યા. કેનેડાના રાજકીય ઈતિહાસમાં એવો પહેલો બનાવ બન્યો કે વડાપ્રધાનનો દીકરો વડાપ્રધાન બન્યો હોય. સ્ટીફન ડાયોન, કે જે એક સમયે ટ્રૂડોના રાજકીય ગુરુ બન્યા હતા, તેમણે ટ્રૂડોનું નેતૃત્વ સ્વીકાર્યું. આજેય ૬૮ વર્ષના ડાયોન ટ્રૂડોના નેતૃત્વમાં ફ્રાન્સના રાજદૂત તરીકે કામ કરે છે. ૨૦૧૫થી લિબરલ પાર્ટીમાં ટ્રૂડોનું એકચક્રી રાજ ચાલે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ટ્રૂડોએ પાર્ટીમાં દબદબો જમાવ્યો છે અને પાર્ટીનો કોઈ નેતા તેમની સામે પડવાની હિંમત કરતો નથી. ડાયોન જેવા પીઢ રાજકારણીને ટ્રૂડો જાણી જોઈને વર્ષોથી સ્થાનિક રાજકારણથી દૂર રાખે છે.

ટ્રૂડોના નેતૃત્વમાં ૨૦૧૯માં પાર્ટીને વિજય મળ્યો, પરંતુ પૂરતી બેઠકો ન મળતાં ગઠબંધનની સરકાર ચલાવવી પડી હતી. ૨૦૨૧માં ટ્રૂડોએ વહેલી ચૂંટણી જાહેર કરી દીધી હતી. એમાં પાર્ટીને ૧૬૦ બેઠકો મળી. સરખી રાજકીય વિચારધારાના નાના પક્ષોનો ટેકો લઈને ટ્રૂડો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. ટ્રૂડોના નેતૃત્વમાં લડાયેલી ત્રણેય ચૂંટણીમાં લિબરલ પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની. પરંતુ છેલ્લી બે ચૂંટણીથી ટ્રૂડોની લોકપ્રિયતા ઘટી ગઈ છે. ૨૦૨૫માં કેનેડામાં ચૂંટણી થવાની છે. સર્વેક્ષણો કહે છે કે દેશમાં સત્તાપક્ષ સામે છૂપો આક્રોશ છે એટલે કદાચ ટ્રૂડોને અગાઉની ચૂંટણીઓ જેવી સફળતા ૨૦૨૫માં ન મળે તો નવાઈ નહીં હોય.

ટ્રૂડોની ઘટતી જતી લોકપ્રિયતા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. સ્થાનિક સ્તરે વિવિધ મુદ્દે ટ્રૂડોની સરકાર ઘેરાતી રહે છે. બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. અર્થતંત્ર મંદ પડયું છે. સરકાર ઉદ્યોગપતિઓને પાછલા બારણે પાર્ટી ફંડ લઈને ફાયદો કરાવતી હોવાનો આરોપ કન્ઝર્વેટિવ નેતાઓ લગાવે છે. વિદેશી ઉદ્યોગપતિઓને સરળતાથી પરવાનગી આપી દેવાના મુદ્દે ય હોબાળો થતો રહે છે. સતત ૧૦ વર્ષથી સત્તામાં રહેલી લિબરલ પાર્ટીના નેતાઓના ભ્રષ્ટાચારના દાવા વિપક્ષો કરે છે. એ બઘાં કારણો વચ્ચે ટ્રૂડોની ભૂલભરેલી વિદેશનીતિ પણ લોકપ્રિયતા ઘટવાનું એક કારણ ખરું.

પ્રથમ ટર્મમાં મંજાયેલા રાજકારણી ડાયોન વિદેશમંત્રી હતા. ૨૦૧૭માં કેબિનેટના વિસ્તરણ વખતે ડાયોનને બદલીને ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને વિદેશમંત્રી બનાવાયાં. ૨૦૧૯ની ચૂંટણી પછી ફરીથી વિદેશમંત્રી બદલ્યા અને ફ્રેન્કોઈસ ફિલિપીને જવાબદારી મળી. એ સેટ થાય તે પહેલાં ચૂંટણી આવી.૨૦૨૧માં મેલાનિયા જોલીને વિદેશ મંત્રાલય સોંપાયું. ડાયોનને બાદ કરતાં તમામ ફોરેન મિનિસ્ટર્સની પૉલિસી ટીકાપાત્ર બની. ટ્રેડના કરારોથી લઈને દ્વિપક્ષીય ડિફેન્સ સોદાઓ સામે કાયમ સવાલો સર્જાતા રહ્યા છે. ટ્રૂડો સતત મહાસત્તાઓને કોઈને કોઈ રીતે પડકારતા રહે છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના ટીકાકાર હતા. બાઈડેન યુક્રેનને આર્થિક મદદ કરે છે એના પણ ટ્રૂડો વિરોધી છે. નાટોના સભ્ય હોવાથી રશિયા સાથે દ્વિપક્ષીય સંબંધો અટકી ગયા છે એ તો બરાબર. ચીન સાથે પણ વિવિધ મુદ્દે ઘર્ષણ ચાલતું રહે છે, એ ય સમજ્યા, ચીનની અવળચંડાઈ જગજાહેર છે. ટ્રૂડોએ ભારત સાથેના સુમેળભર્યા સંબંધો એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યા જેવા મુદ્દે બગાડયા. કેનેડાના વિકાસમાં ભારતીયોની મહત્ત્વની ભૂમિકા છે. મોટા ભારતીય સમાજની લાગણી સમજવાને બદલે ચંદ ખાલિસ્તાની સમર્થકોને ખુશ કરવા ભારત સામે ઘર્ષણ ઊભું કર્યું.

એવું જ ઘર્ષણ હવે નાટોના દેશો સાથે શરૂ થયું છે. કેનેડા નાટોનો સંસ્થાપક દેશ છે. નાટોને જે લશ્કરી અને આર્થિક સહાય મળતી હોય છે એમાં સંસ્થાપક દેશોની ભૂમિકા ચાવીરૂપ હોય છે. છેલ્લાં ત્રણેક વર્ષથી ટ્રૂડોએ નાટોને મદદ ઓછી કરી દીધી છે. યુક્રેનને નાટો મદદ કરે છે એનીય ટીકા કરે છે. નાટોના દેશો માને છે કે ટ્રૂડોનું વલણ નાટો સંગઠનને આંતરરાષ્ટ્રીય સ્તરે નબળું પાડે છે. નાટોની એકતા જોખમાઈ રહી છે. ટ્રૂડોનાં આડેધડ નિર્ણયો અને નિવેદનોના કારણે કેનેડા નાટો દેશમાં એકલું પડી ગયું છે. તાજેતરમાં અમેરિકામાં મળેલી નાટો સમિટમાં ટ્રૂડોની થઈ રહેલી અવગણના સ્પષ્ટ દેખાતી હતી.

ચીન-રશિયા સાથે વિભિન્ન મુદ્દે કેનેડાને પ્રશ્નો છે. ભારત સાથે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે. નાટોના ૩૨ દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન જેવા મહત્ત્વના દેશો છે. ટ્રૂડોની નાટો તરફની ઘટતી જતી કટિબદ્ધતાથી આ દેશો નારાજ છે. સરવાળે અત્યારે કેનેડા આંતરરાષ્ટ્રીય સ્તરે એકલવાયું ઊભું છે. નાટો સમિટમાં હાજરી આપીને ટ્રૂડો કેનેડા પાછા ફર્યા કે તરત જ વિપક્ષોએ કેનેડા આંતરરાષ્ટ્રીય મંચ પર નબળું પડી રહ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

એક વ્યક્તિની ભૂલભરેલી વિદેશનીતિ આખા દેશની વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે એનું કેનેડા લેટેસ્ટ ઉદાહરણ છે.


Google NewsGoogle News