Get The App

અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ ? જાણો પુતિને કોનું કર્યું સમર્થન

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ ? જાણો પુતિને કોનું કર્યું સમર્થન 1 - image


- વર્લ્ડ વિન્ડો

- 2008માં પુતિને કહ્યું હતું : 'ઓબામા યુવા છે, લિબરલ છે. બોલ્ડ નિર્ણયો લઈ શકે તેમ છે એટલે તેમના કાર્યકાળમાં અમેરિકા-રશિયાના સંબંધો સ્થિર થશે.' થયેલું પણ એમ જ!

વ્લાદિમીર પુતિન આ માણસ છેલ્લાં 25 વર્ષથી વૈશ્વિક રાજનીતિના કેન્દ્રમાં છે. પુતિન પહેલી વખત 1999માં વડાપ્રધાન બન્યા ત્યારે ભારતમાં અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનમાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા. બ્રિટનમાં ટોની બ્લેરે સત્તા સંભાળી હતી. અમેરિકામાં બિલ ક્લિન્ટનનો કાર્યકાળ પૂરો થવામાં હતો. જર્મનીમાં ગેરહાર્ડ સ્ક્રોડર ચાન્સલર હતા. ફ્રાન્સમાં જ્યાક શિરાક તો ચીનમાં જિઆંગ ઝેમિન પ્રમુખ હતા.

આમાંના મોટા ભાગના દેશોમાં એ વખતના રાજકારણીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે અથવા હયાત નથી. બિલ ક્લિન્ટન પછી તો અમેરિકામાં જ્યોર્જ બુશ અને ઓબામા આઠ-આઠ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે અને એનેય બીજા આઠ વર્ષ વીતી ગયાં છે. એમાં વળી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન એમ બબ્બે પ્રમુખો સત્તા સંભાળી ચૂક્યા છે.

જર્મનીમાં એન્જેલા મર્કેલ એ પછી સત્તામાં આવ્યા અને 16 વર્ષ સુધી લગલગાટ સત્તામાં રહ્યા પછી નિવૃત્ત થયાં. બ્રિટનમાં સાત વડાપ્રધાનો બદલાયા. ફ્રાન્સમાં ઈમેન્યુઅલ મેંક્રો સાત વર્ષથી સત્તામાં છે ને એ પહેલાં બે પ્રમુખો પાંચ-પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે. ભારતમાં મનમોહન સિંહે બે અને નરેન્દ્ર મોદીએ બે ટર્મ પૂરી કર્યા પછી ત્રીજી ટર્મ શરૂ કરી છે. ચીન જેવા દેશમાં કે જ્યાં રાજકારણીઓ એકહથ્થુ શાસન કરતા હોય છે ત્યાં 2012થી જિનપિંગ સત્તામાં છે. એ પહેલાં 10 વર્ષ હૂ જિન્તાઓના હાથમાં સત્તા હતી.

ટૂંકમાં, અત્યારે જેટલા નેતાઓ સત્તામાં છે અને વૈશ્વિક રાજનીતિમાં જેની ચર્ચા છે એ બધા પુતિનના જુનિયર નેતાઓ છે. આ વર્ષે જ ફરીથી ચૂંટાયેલા પુતિન પર ચૂંટણીઓમાં ગરબડ કરવાથી લઈને વિરોધીઓને ખતમ કરી દેતા હોવાનો આરોપ વર્ષોથી લાગતો રહે છે. પુતિને રશિયાને અમેરિકાથી સુરક્ષિત રાખ્યું છે એવી એક ઈમેજ બનાવી છે. અમેરિકાએ સંયુક્ત રશિયાના ટુકડા કર્યા તેનાથી સરેરાશ રશિયન નાગરિકો અમેરિકાને નફરત કરે છે. પુતિનના રાજકારણનો મુખ્ય મુદ્દો જ એ છે કે વિશ્વમાં રશિયાનો પ્રભાવ તેમણે ફરી પ્રસ્થાપિત કર્યો.

પુતિન વૈશ્વિક રાજકારણમાં રશિયાને અનુરૂપ શતરંજ બિછાવવામાં માહેર છે. પ્રતિબંધો મૂકાય તો ભારત-ચીન જેવા દેશો સાથે વેપાર કરીને નવું માર્કેટ તલાશી શકે છે. યુક્રેન નાટોમાં સામેલ ન થાય તે માટે એટલા પ્રયાસો કર્યા કે આખરે યુદ્ધ જરૂરી લાગ્યું તો એય કરી બતાવ્યું. પુતિન એવું પ્રસ્થાપિત કરતા રહે છે કે દુનિયાના મહત્ત્વના નિર્ણયો રશિયાને અનુકૂળ બનાવવામાં તેમનો ફાળો ચાવીરૂપ છે, તે એટલે સુધી કે અમેરિકાની ચૂંટણીમાં પણ રશિયાની ભૂમિકા અગત્યની રહે છે.

અત્યારે અમેરિકામાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ કમલા હેરિસ વચ્ચે પ્રમુખ બનવા જંગ જામ્યો છે. 

ટ્રમ્પ દાવા કરે છે, 'મારા હાથમાં સત્તા હોત તો યુક્રેન-રશિયાનું યુદ્ધ ન થયું હોત, રશિયાની જેમ યુક્રેન પણ થોડું અવળચંડું છે. પુતિન સાથે વાટાઘાટોથી યુદ્ધ રોકી શકાયું હોત.' બીજી તરફ કમલા હેરિસ કહે છે, 'પુતિન એટલા ચાલાક રાજકારણી છે કે જો ટ્રમ્પ સત્તામાં હોત તો પુતિન યુક્રેનના પાટનગર કીવમાં બેઠા હોત અને ટ્રમ્પને તો લંચમાં ખાઈ ગયા હોત!' કમલા હેરિસ પુતિનને ટ્રમ્પના દોસ્ત ગણાવીને ટ્રમ્પ જીતશે એ પુતિનને અનુકૂળ આવશે એવો પ્રચાર કરે છે, કારણ કે ટ્રમ્પ યુક્રેનને મદદ બંધ કરીને પુતિનને ફાયદો કરાવી દેશે.

કમલા હેરિસના વિરોધી નિવેદનો છતાં પુતિન ડેમોક્રેટિક પાર્ટીથી ખુશ!

કમલા હેરિસ પુતિનની આટલી ટીકા કરે છે છતાં પુતિન આ બંનેમાંથી કોની તરફેણ કરે છે? કમલા હેરિસની. પુતિન એકથી વધુ વખત અલગ અલગ વાતચીતમાં કહી ચૂક્યા છે કે રશિયા આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપે છે. ભલે પુતિનના એ નિવેદનમાં વ્યંગ જણાતો હોય, પણ હકીકત એ છે કે રશિયા ટ્રમ્પ કરતાં કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ બને એ ઈચ્છે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તો રશિયાને કઈ વાતનો ડર?

ટ્રમ્પ પ્રમુખ બનશે તો કેવા નિર્ણયો કરશે તે કળી શકાય તેમ નથી. ટ્રમ્પનો અગાઉનો કાર્યકાળ આ બાબતની સાક્ષી છે. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનને પરમાણુ હુમલાની ધમકી આપતા આપતા ટ્રમ્પે વાટાઘાટો ગોઠવીને મુલાકાત પણ કરી લીધેલી. પુતિન સાથે સંબંધો બરાબર હતા ને અચાનક રશિયાના તમામ રાજદૂતોને ઘરભેગા કરી દીધેલા. એની સરખામણીએ કમલા હેરિસના નિર્ણયો કળી શકાય તેવા રહેશે. ઉપપ્રમુખનો તેમનો કાર્યકાળ ઠાવકા રાજકારણી જેવો રહ્યો છે અને પુતિન એવું જ ઈચ્છે કે અમેરિકાની સત્તા શાણા નેતા પાસે હોય. આંધળૂકિયું કરનારા પાસે સત્તા હોય તો એનાથી રશિયા પર કાયમ જોખમ મંડરાતું રહે. એટલે પુતિન કમલા હેરિસનું સમર્થન કરે છે.

અત્યાર સુધીમાં પુતિને જે ઉમેદવારનું સમર્થન કર્યું હોય એ જ જીત્યા

અને ઈતિહાસ સાક્ષી છે કે પુતિને આટલાં વર્ષમાં જેટલી વખત અમેરિકાના જે પ્રમુખપદના ઉમેદવારનું સમર્થન કર્યું હોય એ જ ઉમેદવાર જીત્યા છે. આ સિલસિલો શરૂ થયો હતો ૨૦૦૪માં. એ વર્ષે જ્યોર્જ ડબલ્યુ. બુશ બીજી વખત ઉમેદવાર બન્યા હતા. નવેમ્બરમાં મતદાન થવાનું હતું. એ અરસામાં પુતિને નિવેદન આપ્યું હતું કે, 'આતંકવાદ સામે આક્રમક બનેલા જ્યોર્જ બુશ જીતે એ જરૂરી છે.' જ્યોર્જ બુશ ચૂંટણીમાં એવો જ પ્રચાર કરતા હતા કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જોન કૅરી આતંકવાદ સામે લડત આપી શકે તેમ નથી. આખરે પુતિને સમર્થન આપેલું એ ઉમેદવાર બુશ જીત્યા.

2008માં ડેમોક્રેટિક પાર્ટીમાંથી બરાક ઓબામા ઉમેદવાર બન્યા. તેમની સામે રિપબ્લિકન પાર્ટીમાંથી જ્હોન મેક્કેન ઉમેદવાર હતા. ચૂંટણી પ્રચાર બરાબર જામ્યો હતો ત્યારે પુતિને બરાક ઓબામાની તરફેણ કરતા કહેલું કે, 'ઓબામા યુવા છે, લિબરલ છે. બોલ્ડ નિર્ણયો લઈ શકે તેમ છે એટલે તેમના કાર્યકાળમાં અમેરિકા-રશિયાના સંબંધો સ્થિર થશે.' અને એક્ચ્યુઅલી થયું પણ એવું જ. 

ઓબામાને પુતિન સાથે સારું બનતું હતું. રશિયા-અમેરિકાના સંબંધો સુધર્યા હતા. વૈશ્વિક રાજકારણમાં પણ ઓબામાએ મહત્ત્વના નિર્ણયો લીધા હતા. ૨૦૧૨માં ઓબામા બીજી ટર્મ માટે ચૂંટણી લડતા હતા ત્યારે પુતિને ઓબામાને ઈમાનદાર નેતા ગણાવ્યા હતા અને તેમની સામે ઊભા રહેલા રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમનીના આક્રમક વલણની ટીકા કરી હતી. એ વખતે ઓબામા જીત્યા હતા.

૨૦૧૬માં તો પુતિને ટ્રમ્પના સમર્થનમાં ચૂંટણી કોઈક રીતે પ્રભાવિત કરી હતી એવો આરોપ લાગ્યો છે અને એનો કેસ ચાલી રહ્યો છે. કહેવાય છે કે પુતિન એમ માનતા હતા કે હિલેરીની સરખામણીએ ટ્રમ્પ જીતે એ રશિયા માટે ફાયદાકારક છે. 

ટ્રમ્પને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ ન હતો, જ્યારે હિલેરી વિદેશ મંત્રી રહી ચૂક્યાં હતાં. પુતિને એ વખતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, 'મને કોઈ શંકા નથી કે ટ્રમ્પ ખૂબ જ તેજસ્વી અને પ્રતિભાશાળી વ્યક્તિ છે.' અને જીત્યા પણ ટ્રમ્પ જ.

વેલ, આ ચૂંટણી માટે પુતિને કમલા હેરિસનું સમર્થન કર્યું છે. જો ખરેખર પુતિનની ધારણા પ્રમાણે થશે તો 'રશિયા અમેરિકાની ચૂંટણીને કોઈક રીતે પ્રભાવિત કરે છે' એમ માનનારા વર્ગને તર્ક-વિતર્ક કરવા માટે વધુ એક મુદ્દો મળશે.


Google NewsGoogle News