Get The App

ઓમાનના ડુક્મ બંદરમાં ભારતની હાજરીનું વ્યૂહાત્મક મહત્ત્વ

Updated: Feb 9th, 2024


Google News
Google News
ઓમાનના ડુક્મ બંદરમાં ભારતની હાજરીનું વ્યૂહાત્મક મહત્ત્વ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- હિન્દ મહાસાગરની ચારેબાજુ ચીનની દખલગીરી વધી છે ત્યારે ઓમાનના ડુક્મ બંદર ઈન્ડિયન નેવીને મળી જતાં પશ્વિમી અને દક્ષિણી વિસ્તારમાં ભારતની હાજરી મજબૂત થશે

ભારત અને ઓમાન વચ્ચે ૧૯૫૫માં રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા. ત્યારથી લઈને આજ સુધી બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધો છે. ભારતે ઓમાનમાંથી ગયા વર્ષે છ અબજ અમેરિકન ડોલરની આયાત કરી હતી. દ્વિપક્ષીય વેપાર ૯-૧૦ અબજ ડોલરને આંબે છે. ઓમાન ભારતના એવા મિત્રદેશોમાં સામેલ છે, જે યુએનમાં ભારતના કાયમી સુરક્ષા પરિષદના સભ્યપદની રજૂઆતને સમર્થન આપે છે. 

બંને દેશોના લોકો સદીઓથી એકબીજા સાથે વેપાર કરતાં હોવાના ઐતિહાસિક પુરાવા છે. છેક ૭મી સદીમાં ભારતીય નાગરિકો અને ઓમાનના નાગરિકો વચ્ચે વેપારી સંબંધો હોવાનું નોંધાયું છે. અરબ સાગરના માધ્યમથી વેપાર ઉપરાંત સદીઓથી સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થતું આવે છે. ઓમાનની વસતિ ૪૫ લાખ જેટલી છે. એમાંથી ૧૦ લાખ લોકો ભારતીય મૂળના છે અને તે સિવાય લગભગ પાંચેક લાખ ભારતીયો વર્ક પરમિટ લઈને ઓમાનમાં કામ કરે છે. કુલ વસતિમાંથી પાંચ-છ ટકા હિન્દુઓ છે. ઓમાનના વિકાસમાં ભારતીયોનો ફાળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. ૨૦૦૦થી વધુ ભારતીય તબીબો ઓમાનના હેલ્થકેર સેક્ટરમાં કાર્યરત છે અને સ્થાનિક લોકોમાં ભારતીયોની છબી ખૂબ સારી છે. સ્થાનિક લોકો ભારતને, ભારતીયોને આદરની નજરે જુએ છે.

ભારત સરકારે ૨૦૧૯માં ઓમાનના તત્કાલીન સુલતાન કાબુસ બિન સઈને ગાંધી શાંતિ પુરસ્કાર આપ્યો હતો. તેમણે ભારત-ઓમાનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ૨૦૨૦માં તેમના નિધન બાદ સત્તામાં આવેલા હૈથમ બિન તારિકે પણ ભારત સાથે સંબંધો મજબૂત રાખવાની નીતિ જાળવી રાખી. આવા સુમેળભર્યા સંબંધો વચ્ચે ઓમાનના સુલતાને ભારતને વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ડુક્મ બંદર પર નેવીને તૈનાત રાખવાની પરવાનગી આપી છે. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક દોઢેક મહિના પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ ડુક્મ બંદરનો કરાર થયો હતો. તે વખતે એવા અહેવાલો હતા કે ૨૦૨૪ના અંત સુધીમાં બંને પક્ષે બધી જ પ્રક્રિયા પૂરી થઈ જશે અને ભારતીય નૌકાદળને બંદરનો એક્સેસ મળશે, પરંતુ ધારણા કરતાં ઝડપથી નિર્ણય લઈને સુલતાનની ભારતયાત્રાને બે મહિના પણ થયા નથી ત્યાં ડુક્મ બંદરની જાહેરાત કરી દેવામાં આવી છે.

આમ તો ૨૦૧૮થી ભારતને ડુક્મ બંદરનો એક્સેસ મળ્યો હતો. એ બંદર ભારતીય નેવીના લશ્કરી જહાજો તૈનાત રહી શકે અને મેન્ટેઇન કરી શકે એવી સવલત અગાઉ હતી. હવે એનાથી વધારે એક્સેસ મળ્યો છે. ભારત સિવાય ઓમાને આવો કરાર બ્રિટન સાથે કર્યો છે. તે રીતે બ્રિટન અને ભારતના લશ્કરી જહાજોને ઓમાનના ડુક્મ બંદરે પોર્ટ ફેસિલિટીનો એક્સેસ મળશે. પોર્ટ ફેસિલિટી એ ટેકનિકલ શબ્દ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ બંદરનો સંપૂર્ણ એક્સેસ અન્ય દેશને ન અપાય ત્યારે પોર્ટ ફેસિલિટી કે પોર્ટ ડેવલપમેન્ટના નામે એક્સેસ આપવામાં આવે છે.

આ બંદરથી હિન્દ મહાસાગરના પશ્વિમ અને દક્ષિણના વિસ્તારમાં ભારતની હાજરી મજબૂત થશે અને ચીન-પાકિસ્તાનનું જોર ઘટશે. અત્યારે રાતા સમુદ્રમાં ભારે તંગદિલીનો માહોલ છે. રાતા સમુદ્રમાં હૂથી બળવાખોરો હાહાકાર મચાવીને આંતરરાષ્ટ્રીય વેપારને મોટો ફટકો પહોંચાડી રહ્યા છે. ભારતનો ઘણો વેપાર એ માર્ગે થાય છે એટલે ભવિષ્યમાં આવો માહોલ રહે તો આયાત-નિકાસ મોટા પાયે પ્રભાવિત થાય. ઈરાન-અમેરિકા વચ્ચે આખાય વિસ્તારમાં અત્યારે હુમલા ચાલી રહ્યા છે. રાતા સમુદ્ર ઉપરાંત પશ્વિમી હિન્દ મહાસાગરમાં પણ એ આગ પહોંચી ચૂકી છે.

આવી સ્થિતિમાં ડુક્મ બંદર પર ભારતીય નેવીની હાજરી હોય તો મુંબઈથી ડુક્મ બંદર વચ્ચે સરળતાથી ચીજવસ્તુઓ લાવી-લઈ જઈ શકાય. મુંબઈના બંદરેથી પશ્વિમ તરફ સીધા જઈએ તો ડુક્મ બંદર પહોંચી શકાય. ડુક્મ બંદરની બરાબર સામે જ્યાં મુંબઈ બંદર છે તો બીજી તરફ પાકિસ્તાનનું કરાચી બંદર છે. ભારત ડુક્મ બંદર પર હોય તો નેવીની પહોંચ કરાચી ઉપરાંત જરૂર પડે ત્યારે છેક ઈરાન બંદરો સુધી પણ હોય. વળી, ડુક્મ બંદરે ભારતની પહોંચથી સાઉદી અરબ કે તેનાથી પણ આગળ વેપાર કરવામાં સરળતા રહે. ડુક્મ સુધી ભારતને એક્સેસ મળે તો જરૂર પડયે ત્યાંથી સડક દ્વારા સાઉદી અરબ ઉપરાંત યુએઈ સુધી પહોંચ બની જાય. આગળનો દરિયાઈ માર્ગ બંધ હોય તો પણ યુએઈ-સાઉદી સુધી ભારતનો વેપાર કનેક્ટ રહી શકે. 

વેપારી જહાજોને ઈન્ડિયન નેવીનું કવર હોય તો હુમલાનું જોખમ ઘટી જાય. આ વિસ્તારમાં નેવીની હાજરીથી એડનની ખાડી અને લાલ સાગરમાં હુમલાખોરો ભારતીય જહાજો પર ઊંચી આંખ કરતાં બે વખત વિચારશે. કદાચ સમુદ્રી ચાંચિયાઓ પશ્વિમ-દક્ષણ હિન્દ મહાસાગરમાં ભારતીય કંપનીના કોઈ વેપારી જહાજને બાનમાં લે તો ભારતીય નેવી તુરંત ડુક્મથી પહોંચીને બચાવ ઓપરેશન હાથ ધરી શકે. તે સિવાય કોઈ વેપારી જહાજમાં ખામી સર્જાય તો ઈન્ડિયન નેવી પાસે ડુક્મનો એક્સેસ હોવાથી જહાજોના રિપેરિંગથી લઈને અન્ય કોઈ સહાય પણ મળી શકે.

ભારતનું આ પગલું વ્યૂહાત્મક રીતે બહુ જ મહત્ત્વનું બની રહેવાનું છે. એક તરફ હિન્દ મહાસાગરમાં ચીનની દખલગીરી સતત વધતી જાય છે. શ્રીલંકાના હંબનટોટાને તો ઘણાં વર્ષો પહેલાં ચીનની કંપનીએ ડેવલપમેન્ટ પ્લાનના નામે કબજે કરી લીધું હતું. હવે માલદીવ્સના નવા ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ પાસેથી માલદીવ્સના રિસર્ચ જહાજના બહાને જાસૂસી જહાજ તૈનાત રાખવાની પરવાનગી મેળવી લીધી છે. અગાઉ પણ શ્રીલંકા અને તેની આસપાસના વિસ્તારોમાં ચીનનું એક જાસૂસી જહાજ સમુદ્રી સજીવસૃષ્ટિના રિસર્ચના નામે મહિનાઓ સુધી ફરતું હતું. હિન્દ મહાસાગરના ટાપુ દેશો પર પ્રભાવ પાડીને ચીન લશ્કરી એક્સેસ મેળવી રહ્યું છે. વેપારી કોરિડોર બનાવીને વેપાર ઉપરાંત લશ્કરી મથકો માટેય ચીન મજબૂત બેઝ તૈયાર કરે છે.

તેની સામે ભારતે પણ હિન્દ મહાસાગરના જુદા જુદા સ્થળોએ સંતુલન જાળવવા માટે એક્સેસ મેળવવો જરૂરી છે. ઈરાનના ચાબહાર બંદરનો એક્સેસ ભારતીય કંપની પાસે છે. મોરેશિયસ-ભારત વચ્ચે દ્વિપક્ષીય ડિફેન્સ કરાર થયો છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા અમેરિકા-ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે પણ એકથી વધુ કરારો થયા છે. આવી સ્થિતિમાં ડુક્મ બંદર સુધી ભારતની પહોંચ હોય તો હિન્દ મહાસાગરમાં ચીનના પગપેસારાને જવાબ આપી શકાય. ચાબહાર ઉપરાંત ડુક્મનો એક્સેસ ભારત પાસે હોય તેનાથી ભારતનો પશ્વિમ કાંઠો વધારે સુરક્ષિત બન્યો છે.

Tags :
World-Window

Google News
Google News