Get The App

ભારતના પાડોશી દેશો પર ચીનનો વધેલો અંકુશ ચિંતાજનક

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
ભારતના પાડોશી દેશો પર ચીનનો વધેલો અંકુશ ચિંતાજનક 1 - image


- વર્લ્ડ વિન્ડો

- પાકિસ્તાન, માલદિવ્સ, શ્રીલંકા, નેપાળ, ભૂતાનમાં એક નહીં તો બીજી રીતે ચીને પ્રભાવ વધાર્યો છે. શેખ હસીનાના પતન સાથે આ લિસ્ટમાં બાંગ્લાદેશનો પણ સમાવેશ થયો છે

વૈશ્વિક સ્તરે ચીન શું ઈચ્છે છે?

ચીન દુનિયાનો સૌથી પાવરફુલ દેશ બનવા ધારે છે. વિશ્વયુદ્ધ પછી વર્ષો સુધી દુનિયા પર અમેરિકાનું એકચક્રી આધિપત્ય રહ્યું. રશિયાએ બે-અઢી દશકા સુધી ટક્કર આપી, પણ અંતે હાંફી ગયું. અમેરિકાએ દુનિયામાં એવો પ્રભાવ ઊભો કર્યો કે દરેક બાબતમાં તેની ઊંડી અસર થઈ. અમેરિકન પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી જગત માટે મિશાલ બની. અમેરિકન લશ્કરની દુનિયાભરમાં આણ વર્તાઈ. દુનિયાના ખૂણે ખૂણે ક્યાંક ઝગડો થાય કે અમેરિકા ખાંડાં ખખડાવતું પહોંચી જાય. અર્થતંત્ર એટલું મજબૂત બનાવ્યું કે દૂર ખાડી દેશોમાં કોઈ બે દેશો વચ્ચે પેટ્રોલિયમનો સોદો થાય એમાંથીય કમિશન અમેરિકાને મળે. વીટા ધરાવતા અમેરિકા સિવાયના ચીન સહિતના ચારેય દેશો યુએનમાં અમેરિકાના નિર્ણયો સામે આંગળી ચીંધી ન શકે એવો દબદબો. ઈન ફેક્ટ, યુએન ખુદ અમેરિકાના ઈશારે નિર્ણયો કરે. આવો પ્રભાવ, આવા રુઆબ માનવ સભ્યતાના ઈતિહાસમાં કદાચ એક પણ દેશનો ન હતો.

પ્રાચીન કાળમાં ગ્રીક સભ્યતાનો સૂરજ ઝળહળતો હતો. પછી રોમનો શક્તિશાળી બન્યા. તે પહેલાં વેપાર થકી ચીનની આણ વર્તાતી હતી. સિકંદરે પૃથ્વીનો મોટો હિસ્સો જીત્યો હતો, એ પહેલાં ભારત સોનાની ચીડિયા હતું અને ભારતનો મરીમસાલો જગતના ખાણામાં વૈભવ લેખાતો. ૧૯મી સદીમાં બ્રિટનનો સૂર્ય ઝળાંહળાં થતો હતો - એ બધું જ સાચું, પરંતુ ૨૦મી સદીના ઉતરાર્ધમાં અમેરિકાએ જે સ્ટાઈલથી એકાધિકાર સ્થાપ્યો, જે ઝડપે દુનિયાના લોકોની લાઈફસ્ટાઈલ પર અમીટ છાપ છોડી એવું અગાઉ કોઈએ કર્યું ન હતું.

અમેરિકાનો એ પ્રભાવ ૨૧મી સદીની શરૂઆત સાથે જ થોડો ઓસર્યો એ જોઈને ચીને અમેરિકા બનવાના ખ્વાબ જોવાનું શરૂ કર્યું. અમેરિકાથી વધારે દબદબો, અમેરિકાથી મજબૂત અર્થતંત્ર, અમેરિકાથી ચડિયાતું સૈન્ય, અમેરિકાથી વધારે રાજકીય પ્રભાવ ઊભો કરવા માટે ચીને દરેક ક્ષેત્રમાં અદ્વિતીય પ્રગતિ કરી. પ્રોડક્શનમાં તો ચીનનો વિકલ્પ નથી. તે એટલે સુધી કે વારંવાર પ્રતિબંધો મૂકવા છતાં અમેરિકાને એની કેટલીય પ્રોડક્ટ્સ વગર ચાલતું નથી. રાજદ્વારી સંબંધો ડોલી રહ્યા છે છતાં ભારતની ડિજિટલ ક્રાંતિ ચીની ડિવાઈસ આધારિત છે એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. દક્ષિણ અમેરિકન દેશ પેરુથી લઈને યુરોપના પોર્ટુગલ સુધી, આફિકન દેશ સેનેગલથી એશિયાના સિંગાપોર સુધી બધે જ ચાઈનીઝ પ્રોડક્ટ ધૂમ મચાવે છે.

ચીનના વધતા પ્રભાવ અંગે દર બે-ત્રણ મહિને એક અમેરિકન થિંક ટેન્ક કોઈને કોઈ નવી ચેતવણી આપે છે. કોઈ કહે છે કે ચીનનું લશ્કર ૨૦૩૦ સુધીમાં અમેરિકાને ટક્કર આપતું થઈ જશે. કોઈ કહે છે ૨૦૩૫ સુધીમાં ચીન રશિયાથી પણ વધુ પરમાણુ હથિયારો ધરાવતો દેશ થઈ જશે. કોઈ કહે છે દોઢ દશકા પછી ટેકનોલોજીની બાબતે ચીનને દુનિયામાં કોઈ હંફાવી નહીં શકે. કોઈ કહે છે સ્પેસ સાયન્સમાં અમેરિકાને પછાડીને ચીન ૨૦૪૦માં સુપરપાવર થઈ જશે. કોઈ કહે છે એક દશકામાં રાજકીય રીતે દુનિયાભરમાં અમેરિકાને બદલે ચીન પથરાઈ જશે.

...ને કદાચ એની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો ૨૦૧૩માં જિનપિંગે સત્તા સંભાળી ત્યારે જ ચીનનો ગીઅર બદલાયો હતો. જિનપિંગે એક તરફ મોબાઈલ ઉત્પાદન સસ્તું કરવાં કંપનીઓને મજૂરોનું શોષણ કરવા છૂટો દોર આપી દીધો. બીજી તરફ બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ શરૂ કરીને જૂના સિલ્ક રોડ ફરી ધમધમતો કરવાના બહાને ચીનનો પથારો છેક આફ્રિકા-યુરોપ સુધી પાથરી દીધો. દુનિયામાં પ્રભાવક રીતે ચીનનો પક્ષ રાખી શકે તે માટે વૂલ્ફ વોરિયર ડિપ્લોમેટ્સની ટીમ બનાવી.

ચીનને એ બધામાં ધારી સફળતા પણ મળી છે. બધા વ્યૂહ લગભગ કારગત સાબિત થઈ રહ્યા છે અને એનું લેટેસ્ટ ઉદાહરણ છે બાંગ્લાદેશ. ચીને ભારતને પાડોશી દેશોના પ્રશ્નોમાં ફસાવી દેવાનું જાણે ષડયંત્ર ઘડયું છે. એક રીતે ચીનને અત્યારે અમેરિકાનો નહીં, ભારતનો ડર છે. ભારત પાસે યુવાધન છે. મુક્ત વૈશ્વિક વાતાવરણ છે. આજથી ૨૦ વર્ષ પહેલાં જે ચીન હતું એ આજે ભારત છે એટલે આજના ભારતમાં ચીન પોતાને જુએ છે. તે વખતે ચીનની અડધોઅડધ વસતિ યુવાનોની હતી અને ચીનો તેનો બખૂબીથી ઉપયોગ કર્યો એટલે આજે એ મુકામે છે. ભારતમાં ૫૦ કરોડથી વધુ વસતિની વય ૩૫થી નીચેની છે. ચીનને ડર છે કે ભારત આ યુવાનોની સ્કિલ ડેવલપ કરીને તેનો ઉપયોગ કરે તો ભવિષ્યમાં પ્રોડક્શનથી લઈને સાયન્સ-ટેકનોલોજીમાં ચીનને સીધો પડકાર મળે, પણ રાજકીય રીતે જો ભારત અટવાયેલું હોય તો આ બાબતોથી ધ્યાન ભટકાવી શકાય.

એ ષડયંત્રના ભાગરૂપે ચીને એક પછી એક ભારતના બધા પાડોશી દેશોને અંકુશમાં લેવાનું શરૂ કર્યું. એની શરૂઆત ૨૦૧૫થી થઈ હતી. એ વર્ષે ભારતને નેપાળ સાથે મતભેદો થયા હતા. ભારતે નેપાળ સાથેના સીધા વેપારના પોઈન્ટ્સ ઘટાડી નાખ્યા. નેપાળને ચીજવસ્તુઓની જરૂર પડી અને તેનો સીધો ફાયદો ચીનો ઉઠાવ્યો. ચીને નેપાળને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તગડી લોન આપી. નેપાળ કાયમ ભારતને મોટા ભાઈની દૃષ્ટિએ જોતું હતું. સાંસ્કૃતિક રીતે બંને દેશો વેલ-કનેક્ટેડ હોવાથી મજબૂત સેતુ હતો, પરંતુ ચીને નેપાળના તકલાદી રાજકારણીઓને આગળ કરીને પોતાનું પગદંડો જમાવી દીધો. 

૨૦૧૬માં ભારતના ખૂબ મહત્ત્વના વ્યૂહાત્મક સહયોગી શ્રીલંકાને સાધ્યું. હંબનટોટા બંદર ૯૯ વર્ષના ભાડે લઈને હિન્દ મહાસાગરમાં પગપેસારો કર્યો. એ પછી માલદિવ્સ સાથે સંબંધો મજબૂત બનાવ્યા. ભારત તરફી નેતાઓનો વિરોધી નેતાઓને માતબર ફંડ આપીને પોતાની તરફ કર્યા. એવા જ એક નેતા મોઈઝ્ઝુ અત્યારે માલદિવ્સમાં સત્તા છે અને ભારત-માલદિવ્સના સંબંધોમાં અગાઉ ક્યારેય આવી ન હતી એટલી તંગદિલી અત્યારે આવી ચૂકી છે. ચીને ભૂતાનના પછાત વિસ્તારોને ડેવલપ કરવાના નામે ફંડ આપ્યું છે અને ભારતની સરહદ નજીક ગામડાં બનાવ્યાં છે. ભૂતાનના વિદેશ મંત્રી ટાંડી દાર્જી ગયા વર્ષે ચીનની મુલાકાત કરી આવ્યા હતા. તે વખતે બંને દેશો વચ્ચે કેટલાય કરારો થયા હતા. ભૂતાનના કોઈ વિદેશ મંત્રીએ ચીનની યાત્રા કરી હોય એવું પ્રથમ વખત બન્યું હતું.

પાકિસ્તાન-ચીનની દોસ્તી તો જગજાહેર છે. બીઆરઆઈના ભાગરૂપે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચાલી રહ્યો છે. ભારત સામે પ્રોક્સી વોર કરવા માટે ચીન પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈને તમામ પ્રકારની મદદ કરે છે. પાકિસ્તાનના આંતકીઓ પાસેથી ચીની ડિવાઈસ, ચીની વેપન્સ મળતાં રહે છે. 

હવે બાકી હતું તે બાંગ્લાદેશમાં શેખ હસીનાનું પતન થયું છે એટલે ત્યાં પણ પાકિસ્તાન-ચીન તરફી નેતાઓ સત્તામાં આવશે. તેનાથી બાંગ્લાદેશમાં ભારત-વિરોધી પ્રવૃત્તિ વધશે. ચીને જાણે એક લાંબું ષડયંત્ર રચ્યું હોય એમ ભારતના એક પછી એક બધા પાડોશી દેશોમાં મજબૂત સકંજો કસ્યો છે. ભારતને આ ચક્રવ્યૂહમાં બાંધી રાખવાની ચીનની ચાલ કેટલી કારગત રહેશે એ તો સમય જ કહેશે!


Google NewsGoogle News