Get The App

ટ્રમ્પ સિવાયના દુનિયાના સૌથી વયોવૃદ્ધ શાસકો

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ સિવાયના દુનિયાના સૌથી વયોવૃદ્ધ શાસકો 1 - image


- વર્લ્ડ વિન્ડો

- 78 વર્ષે અમેરિકાના પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પના નામે અમેરિકન ચૂંટણીના ઈતિહાસમાં નવો રેકોર્ડ બન્યો છે, છતાં દુનિયાના કેટલાય ઉમ્રદરાઝ શાસકો છે, જેમની સામે ટ્રમ્પ તો ઘણા 'યંગ' છે!

- પોલ બિયા, કેમરૂનના પ્રમુખ

અમેરિકન પ્રમુખોની સરેરાશ વય ૫ંચાવન છે. એક એવી ઈમેજ છે કે અમેરિકન મતદારો પ્રમાણમાં યુવા નેતાઓને પ્રમુખપદે પસંદ કરતા આવ્યા છે. એવરેજની રીતે જોઈએ તો હેડ ઓફ સ્ટેટની ૫ંચાવન વર્ષની વય બહુ ઉત્તમ ગણાય. બે ટર્મ પૂરી કરે તોય નિવૃત્તિની વયે લગભગ નિવૃત્ત થઈ શકે છે. માનસિક-શારીરિક ફિટનેસ હોય ત્યાં સુધીમાં શ્રેષ્ઠ આપવાનું આપી દેવાયું હોય. કદાચ માનસિક સ્વાસ્થ્ય સારું હોય તોય ૭૫-૮૦ વર્ષે શારીરિક ફિટનેસનો મુદ્દો તો બન્યા વગર રહેતો નથી. જે નેતા કે દેશની સરકારના વડાને શારીરિક તકલીફો હોય એ સારી રીતે સરકાર કેવી રીતે ચલાવી શકે? - એવો સવાલ દુનિયાભરમાં થાય છે, થતો રહે છે. તે હિસાબે અમેરિકન પ્રમુખોની ઉંમરની એવરેજ કાયમ પ્રશંસનીય રહી છે.

અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વૉશિંગ્ટન પણ ૫૭ વર્ષે પ્રમુખ બન્યા હતા અને ૬૫ વર્ષે નિવૃત્ત થઈ ગયા હતા. ત્યારથી અમેરિકન નેતાઓમાં ૫૦થી ૬૫ વર્ષનો સમયગાળો પ્રમુખપદ માટે શ્રેષ્ઠ સમય ગણાતો હતો. અમેરિકાના પ્રથમ ૧૦ પ્રમુખોમાંથી માત્ર ત્રણ જ પ્રમુખો ટર્મ શરૂ થઈ ત્યારે ૬૦થી વધુની ઉંમર ધરાવતા હતા. ૯મા પ્રમુખ વિલિયમ હેનરી હેરિસન ૬૮ વર્ષે પ્રમુખ બન્યા હતા, પરંતુ માત્ર એક જ મહિનો પ્રમુખ રહી શક્યા હતા અને પ્રમુખ હતા ત્યારે જ તેમનું મૃત્યુ થયું હતું. 

૧૯મી સદીમાં અમેરિકન પ્રમુખોની વય ટર્મ શરૂ થાય ત્યારે ૪૮, ૫૦, ૫૧, ૫૩, ૫૫ જેવી રહેતી હતી. ૨૦મી સદીના પહેલા પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ બન્યા હતા. તે વખતે તેમની વય માત્ર ૪૨ વર્ષ હતી. ૫૦ વર્ષે તો તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. આજેય ૪૨ વર્ષની વયે પ્રમુખ બનેલા રૂઝવેલ્ટના નામે સૌથી યુવા પ્રમુખ બનવાનો રેકોર્ડ છે. સૌથી ઓછી વયે પ્રમુખપદની ટર્મ પૂરી થઈ હોય એવા પ્રમુખ છે - જે.એફ. કેનેડી. આજેય સૌથી પોપ્યુલર પ્રમુખોમાં જેમની ગણતરી થાય છે એવા જે.એફ. કેનેડીની હત્યા થઈ ત્યારે તેઓ ૪૬ વર્ષના હતા. અમેરિકાના ઈતિહાસમાં વયોવૃદ્ધ પ્રમુખનો રેકોર્ડ રોનાલ્ડ રેગનના નામે બન્યો હતો. વર્ષો બાદ કોઈ નેતા પ્રમુખ બન્યા હોય ત્યારે તેની વય ૭૦ વર્ષ હોય એવું બન્યું હતું. ૧૯૮૧થી ૧૯૮૯ સુધી પ્રમુખ રહેલા રોનાલ્ડ રેગન નિવૃત્ત થયા ત્યારે તેમની વય ૭૭ વર્ષ હતી. 

રેગન પહેલાં પ્રમુખપદે આવેલા નેતાઓમાં જિમ્મી કાર્ટરની વય ટર્મ શરૂ થઈ ત્યારે ૫૨ વર્ષ હતી. પ્રમુખ બન્યા ત્યારે જિરાલ્ડ ફોર્ડ ૬૧ના હતા, રિચાર્ડ નિક્સન ૫૬, લિન્ડન જ્હોન્સન ૫૫, કેેનેડી ૪૩ વર્ષના હતા. રેગન પછી પ્રમુખ બનેલા જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ ૬૪ વર્ષના હતા. બિલ ક્લિન્ટન ૪૬ વર્ષે પ્રમુખ બનેલા ને ૫૪ વર્ષે તો બે ટર્મ પૂરી કરીને નિવૃત્ત થઈ ગયા હતા. સિનિયર બુશના દીકરા જ્યોર્જ ડબલ્યુ બુશ પ્રમુખ બન્યા ત્યારે ૫૪ના હતા, ૬૨ વર્ષે નિવૃત્ત થઈ ગયા હતા. બરાક ઓબામાની ટર્મ ૪૭ વર્ષે શરૂ થયેલી ને ૫૫ વર્ષે તો નિવૃત્ત થઈ ગયા હતા. ભારત જેવા દક્ષિણ એશિયાના કેટલાય દેશોમાં આ ઉંમરે તો કેન્દ્રીય મંત્રી કે મુખ્યમંત્રી બનતા નેતાઓની રાજકીય કારકિર્દીનો ગ્રાફ ઉપર ચડતો હોય છે! રેગન પછી ઓબામા સુધીના ચાર પ્રમુખોની સરેરાશ વય બાવન વર્ષ હતી, અમેરિકન પ્રમુખોની સરેરાશ ઉંમર ૫૫ છે - એનાથીય ઓછી હતી.

ને ઓબામાના ઉત્તરાધિકારી બનેલા ડોનાલ્ડ ટ્રમ્પથી એવરેજ ધડાકા સાથે તૂટી. ટ્રમ્પ ૨૦૧૬માં પ્રમુખ બન્યા ત્યારે ૭૦ વર્ષ અને ૨૨૦ દિવસના હતા. ટર્મ પૂરી થઈ ને બાઈડેન સામે હાર્યા ત્યારે તેમની વય હતી ૭૪ વર્ષ ને ૨૨૦ દિવસ. ૨૦૨૦માં જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જે બેટલ થઈ એ ઐતિહાસિક એ રીતેય હતી કે તે વર્ષે અમેરિકાને સૌથી વયસ્ક પ્રમુખ મળવાના હતા. બાઈડેન તે વખતે ૭૮ વર્ષના હતા. ટ્રમ્પ ૭૪ વર્ષ, ૨૨૦ દિવસના હતા. એ ચૂંટણીમાં જીતનાર પ્રમુખ સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બનશે એ નક્કી હતું. બાઈડેન જીત્યા ને અમેરિકાના ઈતિહાસના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ બન્યા. હવે બાઈડેન ડિસેમ્બરમાં નિવૃત્ત થશે તે સાથે જ ૮૧ વર્ષે નિવૃત્ત થનારા પ્રમુખ બનશે. એ રેકોર્ડ ૨૦૨૮માં ટ્રમ્પ તોડશે.

ટ્રમ્પ કમલા હેરિસને હરાવીને પ્રમુખ બની ગયા છે. એ સાથે જ એક સદી જૂનો રેકોર્ડ પણ તૂટયો. બીજી વખત હાર્યા પછી બીજી ટર્મ માટે ચૂંટણી લડીને જીતનારા ટ્રમ્પ ક્લિવલેન્ડ પછી બીજા પ્રમુખ બન્યા છે. સામાન્ય પ્રમુખ બન્યા પછી બીજી ટર્મ માટે ચૂંટણી લડે ત્યારે પ્રમુખ હારી જાય તો પછીથી ચાર વર્ષ બાદ લડવાનું ટાળે છે. ચાર વર્ષ બાદ લડવામાં હારનું પૂરેપૂરું જોખમ હોય છે ને એ જોખમ લેવાનું મોટા ભાગના પ્રમુખો સન્માન ખાતર પસંદ કરતા નથી. ટ્રમ્પે જો બાઈડેન સામે હાર્યા બાદ પણ ફરીથી ચાર વર્ષ બાદ કમબેક કરીને ૧૩૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો. ને એ સાથે સૌથી વધુ વયે પ્રમુખ બનવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો. અત્યાર સુધી બાઈડેનના નામે આ રેકોર્ડ હતો. 

૭૮ વર્ષે પ્રમુખ બનેલા ટ્રમ્પે બાઈડેનને સૌથી વધુ વયે પ્રમુખ બનવાનો રેકોર્ડ તોડયો છે. ટ્રમ્પ નિવૃત્ત થશે ત્યારે લગભગ ૮૫ વર્ષમાં થોડા મહિના જ બાકી રહેશે. રેગન બાદ ચાર પ્રમુખોની સરેરાશ વય ૨૧૧ થતી હતી એટલે એવરેજ નીકળતી હતી બાવન વર્ષ. ઓબામા પછી ત્રણ પ્રમુખો (ટ્રમ્પ-બાઈડેન-ટ્રમ્પ)ની એવરેજ વય ૨૨૫ થાય છે અને સરેરાશ વર્ષ થાય છે ૭૫ વર્ષ.

વેલ, દુનિયામાં આજની તારીખે એવા શાસકો ખુરશી બચાવીને બેઠા છે કે જેમની વય ૮૫ કે એથીય વધુ છે. કેમરૂનના પ્રમુખ પોલ બિયા ૯૧ વર્ષના છે. છેક ૧૯૮૨થી પોલ સત્તા સંભાળી રહ્યા છે. સાઉદી અરબમાં રાજાના હાથમાં સત્તા હોય છે. સાઉદીના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદી અત્યારે ૮૮ વર્ષના છે. પેલેસ્ટાઈનના પ્રમુખ મહેમૂદ અબ્બાસ પણ ૮૮ વર્ષે દેશનું સુકાન ચલાવી રહ્યા છે. ગિનીના પ્રમુખ અલ્ફા કૌંડે આ યાદીમાં ૮૬ વર્ષની ઉંમરે ચોથા ક્રમે છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામૈની ૮૫ વર્ષના છે ને છેક ૧૯૮૯થી બધો કંટ્રોલ તેમના હાથમાં છે. આયર્લેન્ડ, આઈવરી કોસ્ટ, ઝિમ્બામ્બે, ઘાના જેવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની ઉંમર ૮૫ને નજીક પહોંચવામાં છે. એ બધા સામે ટ્રમ્પ અને બાઈડેન તો ઘણાં 'યંગ' લાગે! પણ હા, એટલું ખરું કે અમેરિકાના મતદારો યુવા પ્રમુખો પસંદ કરે છે એ ધારણા ઝડપભેર તૂટી રહી છે. અમેરિકન મતદારોને પણ હવે ઘરડા ગાડાં વાળે એ કહેવતમાં માનતા થયા લાગે છે!


Google NewsGoogle News