શરીફની ચીન મુલાકાત : પાકિસ્તાનમાં ટેકનોલોજીની ક્રાંતિ કરવા મથામણ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
શરીફની ચીન મુલાકાત : પાકિસ્તાનમાં ટેકનોલોજીની ક્રાંતિ કરવા મથામણ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પાંચ દિવસ માટે ચીનની મુલાકાતે પહોંચ્યા છે. એમાં ચીનની મદદથી પાકિસ્તાનમાં ટેકનોલોજીની ક્રાંતિ કરવાનો મુખ્ય એજન્ડા છે

પાકિસ્તાનની એક રાષ્ટ્ર તરીકે જે એનર્જી છે એ કાયમ અવળી દિશામાં જ ફંટાયેલી રહી છે. પાડોશી દેશોની પજવણી કરવી, પ્રોક્સી વૉરમાં રચ્યા-પચ્યા રહેવું, આર્મી અને નેતાઓ વચ્ચે સત્તા હાથમાં રાખવાની પાવરગેમ, કટ્ટર ધાર્મિકતાના નામે યુવાપેઢીને ગેરમાર્ગે દોરીને પાડોશી દેશોમાં આતંકી હુમલા કરાવવા, મુસ્લિમ દેશોના તારણહાર બનવાના સપનામાં રાચતા નેતાઓ દ્વારા સ્થાનિક પ્રશ્નોની સરિયામ અવગણના - આ બધામાંથી પાકિસ્તાન ક્યારેય બહાર ન આવ્યું. રોજગારીના સર્જનમાં કદી ધ્યાન ન આપ્યું. ઉત્પાદન વધારીને એમાં મહારથ હાંસલ કરવાની દિશામાં ફોકસ ન કર્યું. યુવાઉર્જાને વેડફી નાખી. એનો યોગ્ય સમયે, યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં પાકિસ્તાનના નેતાઓ નિષ્ફળ રહ્યા. અર્થતંત્રને મજબૂત બનાવતા નિર્ણયો કે નવીનીકરણ ન થયું. તેના કારણે છેલ્લાં થોડાં વર્ષોમાં પાકિસ્તાનનું અર્થતંત્ર એટલું ડામાડોળ થઈ ગયું કે ચારેબાજુથી મદદ મેળવવા કાયમ હાથ લાંબો કરવાનો વારો આવ્યો.

આજે પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર આઈએમએફની મદદ છતાં પાટે ચડયું નથી. ચીન, સાઉદી સહિતના કેટલાય દેશો પાકિસ્તાનને છેલ્લાં એક વર્ષમાં અબજો ડોલરની સહાય કરી ચૂક્યા છે, પરંતુ એનાથી થવો જોઈએ એટલો ફાયદો થયો નહીં. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના પ્રોજેક્ટથી પાકિસ્તાનમાં રોજગારીની તકો સર્જાશે એવી ધારણા હતી, પણ એમાં પાકિસ્તાનને ફાયદો થયો નહીં. ચીની કંપનીઓ, ચીની નાગરિકોને જ રોજગારી મળી એટલે સ્થાનિક લોકોમાં આક્રોશ વધ્યો. બલૂચિસ્તાનમાં આ પ્રોજેક્ટ ચાલતો હતો ત્યાં તો સ્થાનિક લોકોની નારાજગી એટલી વધી ગઈ કે બલૂચ લિબરેશન આર્મીએ ચીની નાગરિકો પર હુમલા કર્યા. એનાથી ચીન નારાજ થયું અને પાકિસ્તાનને મળતી રાહત સદંતર અટકાવી દીધી.

પાકિસ્તાનમાં અગાઉ ક્યારેય ન હતો એટલો ઊંચો બેરોજગારીનો દર અત્યારે છે. પાકિસ્તાનમાં ફુગાવાનો ઊંચો દર અગાઉ ક્યારેય ન હતો એટલો અત્યારે છે. ગરીબોની સંખ્યા અગાઉ ક્યારેય ન હતી એટલી અત્યારે છે. રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ એટલે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે અને તેના કારણે આંતરિક અજંપો, અરાજકતાનો માહોલ છે. પાકિસ્તાનના લમણે કાયમ રાજકીય અસ્થિરતા લખાયેલી છે. ઈમરાન ખાનને જેલમાં બંધ કર્યા પછી તાજેતરમાં ચૂંટણી થઈ એમાં નવાઝ શરીફની પાર્ટીનો વિજય થયો અને શાહબાઝ શરીફના નેતૃત્વમાં ઈમરાન ખાન વિરોધી નેતાઓની ગઠબંધનની સરકાર ચાલી રહી છે.

માર્ચ મહિનામાં ચૂંટણી થઈ પછી બીજી વખત વડાપ્રધાન બનેલા શાહબાઝ શરીફે ફરીથી પાકિસ્તાનના અર્થતંત્રને પાટે ચડાવવા મથામણ શરૂ કરી છે. ભારતની જેમ પાકિસ્તાનમાં ટેકનોલોજીની ક્રાંતિ થાય તે માટે પાકિસ્તાનને ચીનની મદદની જરૂર છે. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત શાહબાઝ શરીફ પાંચ દિવસ માટે ચીનની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત પાછળ શાહબાઝના બે મુખ્ય એજન્ડા છે. ચીનના નાગરિકો પર પાકિસ્તાનમાં હુમલા વધ્યા તેનાથી ચીનની સરકાર તો નારાજ છે જ, સ્થાનિક લોકોમાં પણ પાકિસ્તાન તરફ આક્રોશ છે. શાહબાઝે ચીનમાં જઈને ચીની નાગરિકો પર થયેલા હુમલાની માફી માગી અને ખાતરી આપી કે ચીની નાગરિકોને પૂરતી સુરક્ષા આપશે. એવું કહીને શાહબાઝ સીપીઈસીના અટકી પડેલા બધા પ્રોજેક્ટ ફરીથી શરૂ કરાવવા ધારે છે. એ પ્રોજેક્ટથી ભલે ચીન વધારે ફાયદો મેળવે છે, પરંતુ પાકિસ્તાનમાં એનાથી બીજી રીતે રોજગારી સર્જાય છે. નાનીમોટી નોકરીઓ મળી જાય છે. સાવ ઘરે બેસવું પડે તેના બદલે પાકિસ્તાનના બેરોજગારોને ઘર ચાલે એટલું વળતર મળવા માંડે તો સરકાર સામેનો આક્રોશ ઘટે. બીજો એજન્ડા લાંબા ગાળાનો છે. ચીનની મદદથી પાકિસ્તાન દેશમાં ટેકનોલોજીની ક્રાંતિ કરવા ઈચ્છે છે. 

શાહબાઝે ચીનના હાઈટેક સિટી શેનઝેનમાં ટેકનોલોજીની કંપનીઓના માલિકો, સીઈઓ સાથે બેઠક કરી. તેમને પાકિસ્તાનમાં રોકાણ કરવા વિનંતી કરી. ચીનની મોટી ટેકનોફર્મ પાકિસ્તાનમાં રોકાણ કરે અને ઉત્પાદન યુનિટ શરૂ કરે તો પાકિસ્તાનના યુવાનોને રોજગારી મળે. શાહબાઝે ચીની ઉદ્યોગપતિઓને પાકિસ્તાનમાં સસ્તાં મજૂરો, કામદારો આપવામાં સરકાર મદદ કરશે એવી ખાતરી આપી છે. ચીની કંપનીઓને ચીનમાં ઉત્પાદન કરવું આમેય સસ્તું પડે જ છે, પરંતુ ભારત સાથે સહયોગ ઘટયો એ પછી આફ્રિકન દેશો તરફ ચીની કંપનીઓએ નજર દોડાવી હતી. ચીનની ઘણી કંપનીઓએ મોબાઈલ એસેસરીઝ બનાવવાના યુનિટ આફ્રિકાના દેશોમાં ખસેડયા છે. ચીની મોબાઈલ એસેસરીઝનું દુનિયામાં મોટું માર્કેટ છે. એવી કંપનીઓ જો પાકિસ્તાનમાં યુનિટ સ્થાપે તો રોજગારીની નવી સર્જાય એવી શાહબાઝ સરકારની ધારણા છે.

પાકિસ્તાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસ માટે તક છે એવુંય શાહબાઝ ચીનને સમજાવે છે. ડેટા એનાલિસિસ અને એઆઈ-કનેક્ટેડ ટેકનોલોજીમાં વીજળીની ખૂબ જરૂર પડે છે. ઘણા દેશોમાં સરકારોએ કંપનીઓને પોતાની રીતે વીજ ઉત્પાદનની વ્યવસ્થા કરવા કહી દીધું છે. ત્યારે જો પાકિસ્તાનની સરકાર ગરીબોના હિસ્સાની વીજળી ચીની કંપનીઓને આપે તો એમાં સરવાળે ચીનને ફાયદો જ છે. અત્યારેય પાકિસ્તાનના છેવાડાના રાજ્યોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ હોય છે. એ કાપ હજુ વધારીને સરકાર ચીની કંપનીઓના ડેટા એનાલિસિસના યુનિટને પ્રોત્સાહન આપે તો પાકિસ્તાનમાં રોકાણ આવે. એક વખત રોકાણ આવી જશે ને રોજગારી સર્જાશે તો વીજળીનું ઉત્પાદન વધારી શકાશે એવું ગણિત અત્યારે પાકિસ્તાનની સરકારે માંડયું છે. જોકે, એ કામ એટલું આસાન નથી. અમેરિકા જેવું અમેરિકા એઆઈ ટેકનોલોજીમાં જે વીજળી વપરાય છે એ પૂરી પાડી શકતું નથી ત્યારે બીજા દેશો માટે તો એ કામ બહુ જ મુશ્કેલ બનવાનું છે.

પાકિસ્તાનના પીએમ ચીનની સરકારને એ વાતેય મનાવે છે કે ઈલેક્ટ્રિક રમકડાનું ઉત્પાદન પાકિસ્તાનમાં થાય તો એની પ્રોડક્શન કોસ્ટ ઘણી ઘટી જશે. ચીન આજની તારીખે ઈલેક્ટ્રિક રમકડાંનો પહેલા નંબરનો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. ઈલેક્ટ્રિક રમકડાંની સૌથી મોટી આડઅસર છે - પ્લાસ્ટિક વેસ્ટ. એનાથી ભયંકર પ્રદૂષણ થાય છે અને જે વિસ્તારોમાં રમકડાંની ફેક્ટરીઓ છે ત્યાં હેલ્થના ગંભીર પ્રશ્નો સર્જાય છે. પાકિસ્તાનમાં એવાં યુનિટ બને તો પ્લાસ્ટિક-ઈવેસ્ટના ગંજ ચીનને બદલે પાકિસ્તાનમાં ખડકાય. એ વેસ્ટની ચિંતામાંથી ચીની કંપનીઓ મુક્ત થઈ જાય એ વિચારે ઘણી કંપનીઓએ પાકિસ્તાનના પીએમને રોકાણ કરવાની ખાતરી આપી છે.

આર્થિક કટોકટીમાં બૂરી રીતે ફસાયેલા પાકિસ્તાનને ટેકનોલોજીની ક્રાંતિથી આર્થિક ક્રાંતિ કરવાની આશા છે. યોગ્ય રીતે ભારતની જેમ આપબળે એ ક્રાંતિ થાય તો એના લાંબા ગાળાના લાભ છે, પરંતુ ચીનના ભરોસે ક્રાંતિ થતી હોય ત્યારે કાયમ એક ભયસ્થાન રહેશે - ચીન પોતાનો ફાયદો પહેલાં જોશે. જેમ સીપીઈસીનું હાડકું પાકિસ્તાનના ગળામાં ફસાઈ ચૂક્યું છે એમ ટેકનોલોજીની ક્રાંતિના નામે ઈ-વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટનું હાડકું પણ વહેલાં મોડું ન ફસાય તો જ નવાઈ ગણાશે!


Google NewsGoogle News