Get The App

ઈતિહાસમાં પહેલી વખત ઈઝરાયલમાં યુદ્ધનો વિરોધ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ઈતિહાસમાં પહેલી વખત ઈઝરાયલમાં યુદ્ધનો વિરોધ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- ઈઝરાયલના નાગરિકો વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સામે પ્રદર્શનો કરી રહ્યા છે. હમાસે પકડી લીધેલા નાગરિકોને છોડવા માટે વાટાઘાટો કરવાનું નેતાન્યાહૂ પર દબાણ વધ્યું છે

ઈઝરાયલના લોકો હવે યુદ્ધથી ત્રાસી ગયા છે. કદાચ ઈઝરાયલની સ્થાપના પછી પહેલી વખત લોકો યુદ્ધ નથી ઈચ્છતા, શાંતિ ઈચ્છે છે. ઈઝરાયલ નામનો આ દેશ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ ચારેબાજુ દુશ્મનો વચ્ચે ઘેરાયેલો છે. પાડોશી દેશોએ અને આરબ વર્લ્ડે તેના અસ્તિત્વ સામે પડકાર ફેંક્યો અને શરૂઆતથી જ ભીંસમાં લેવા લડાઈઓ કરી. ઈઝરાયલને સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૪૮માં માન્યતા આપી એ જ વર્ષે આરબ દેશોેએ યુદ્ધ છેડી દીધેલું.

તે પછી સતત યુદ્ધો ચાલતા રહ્યાં. દરેક વખતે ઈઝરાયલ દુશ્મનો પર ભારે પડયું. ૧૯૫૬, ૧૯૬૭, ૧૯૭૩, ૧૯૮૨, ૨૦૦૬ - આવા મહત્ત્વનાં પાંચ યુદ્ધો ઈઝરાયલ લડયું. આરબ વર્લ્ડના કોઈ ને કોઈ દેશ સામે આ લડાઈઓ થઈ. દરેક યુદ્ધમાં ઈઝરાયલ અપરાજિત રહ્યું. એ સિવાય આરબ સમર્થિત હમાસ જેવા આતંકવાદી સંગઠનો સામે પ્રોક્સી વોરની સ્થિતિ તો કાયમની છે.

...અને ઈઝરાયલના નાગરિકો પણ આવા યુદ્ધો માટે તૈયાર રહ્યા. પ્રાચીનકાળમાં યહૂદીઓ એક હાથમાં તલવાર ને એક હાથમાં હળ લઈને એક સાથે બે જવાબદારી ઉપાડતા. એક તરફ પોતાનું-પોતાના પરિવારનું પેટ ભરવાની જવાબદારી હતી, બીજી તરફ ગમે ત્યારે અસ્તિત્વ જોખમમાં આવે એમ હોવાથી લડાઈ માટે પણ સજ્જ રહેવાનું હતું. આજે ઈઝરાયલમાં રહેતા લોકોની સેંકડો પેઢીઓએ વતન ઝૂરાપો વેઠયો છે. લગભગ દોઢ-બે હજાર વર્ષ સુધી એમાંના સેંકડો લોકોએ પોતાના પવિત્ર સ્થળે જવાની અંતિમ ઈચ્છા લઈને અંતિમ શ્વાસ લીધા.

૧૯મી સદીના અંતે ફરીથી ઈઝરાયલ માટે યહૂદીઓ સંગઠિત થયા. એમના સંમેલનો ભરાવા માંડયાં. ઈઝરાયલની આસપાસ જઈને રહેવાનો ટ્રેન્ડ ચાલ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં યહૂદીઓ શક્તિશાળી બ્રિટનની પડખે રહ્યા એટલે બ્રિટને એમના અંકુશ હેઠળના તેમના વતનમાં રહેવાની પરવાનગી આપી ને એ રીતે પોતાના અલાયદા દેશનું સપનું તેમની આંખોમાં અંજાયું.

...ને બીજા વિશ્વયુદ્ધ પછી દેશ મળી પણ ગયો. સેંકડો વર્ષથી અહીં તહીં ભટકતા લોકોને પૂર્વજોના વતનમાં, પોતાના પવિત્ર સ્થળે ઘર બાંધીને રહેવાની, પોતાનો દેશ કહેવાની મોકળાશ મળી. પરંતુ સાથે પડકારો પણ મળ્યા. પ્રાચીન યહૂદીઓ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં હળ રાખતા એમ આધુનિક યહૂદીઓને એક હાથમાં બંદૂક, બીજા હાથમાં હળ રાખવાની ફરજ પડી.

દેશને મજબૂતી આપવા ઈઝરાયલના નાગરિકોએ દુનિયાને અદ્ભૂત એકતાના દર્શન કરાવ્યા. અંગત લાભ, મહત્ત્વાકાંક્ષા, મોજશોખ મૂકીને સંયુક્ત રીતે કમાઈને દેશની આર્થિક તરક્કીમાં યોગદાન આપ્યું. કોઈપણ પળે યુદ્ધમાં જોતરાઈ જવું પડશે એ વાસ્તવિકતા સ્વીકારી લીધી અને મધરાતે ય યુદ્ધ માટે તૈયાર રહી શકાય તે માટે દરેક નાગરિકોએ લશ્કરી તાલીમ મેળવીને સજ્જતા કેળવી.

એમ ચારેબાજુ આરબોથી ઘેરાયેલા નાનકડા દેશે દુનિયામાં લડાયક મિજાજના દેશની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી. કોઈ હુમલો કરે તો ઘરમાં ઘૂસીને મારે, કોઈ ઈઝરાયલના નાગરિકોને છંછેડે કે હત્યા કરે તો એજન્સીઓ રાત-દિવસ એક કરીને બદલો વાળે. દાયકાઓ પછીય બદલો લેવાયાના કિસ્સા બન્યા છે. ૧૯૭૨માં મ્યુનિક ઓલિમ્પિક્સમાં ઈઝરાયલના ૧૧ ખેલાડીઓની હત્યા થયેલી. એનો બદલો લેવાનું મિશન ૨૦ વર્ષ ચાલ્યું હતું.

આવા ઈઝરાયલની બીજીય ઘણી ઓળખ છે, પરંતુ લડાયક મિજાજ એ સૌથી પહેલી અને સૌથી મોટી ઓળખ આટલા વર્ષેય યથાવત રહી છે, પણ હવે ઈઝરાયલની નવી જનરેશનની વિચારધારા થોડી બદલાઈ છે. તેમને કાયમ યુદ્ધની સ્થિતિ ત્રાસદાયક લાગે છે. સતત લડતા રહીને અજંપામાં જીવવું નથી. સ્વજનોના બલિદાનોથી ઈઝરાયલના લોકો ગળે આવી ગયા છે અને એટલે જ ઈતિહાસમાં પહેલી વખત ઈઝરાયલમાં યુદ્ધ સામે વિરોધ ઉઠયો છે.

ઈઝરાયલમાં કદી એવું બન્યું નથી કે યુદ્ધ ચાલતું હોય ત્યારે લોકો પોતાની જ સરકાર સામે રસ્તા પર ઉતર્યા હોય. ઈઝરાયલના રાજકારણીઓમાં એ વાતે કાયમ એકતા રહી છે કે જ્યારે જ્યારે દેશ પર યુદ્ધનો ખતરો આવ્યો હોય ત્યારે ત્યારે સર્વપક્ષીય સંયુક્ત સરકાર રચાતી હોય છે. જે વડાપ્રધાન હોય એ વડાપ્રધાન રહે ને બાકીના વિરોધપક્ષમાં હોય એ પણ સરકારમાં કોઈને કોઈ જવાબદારી ઉપાડીને યુદ્ધમાં સરકારને મદદ કરે. યુદ્ધના મુદ્દે વિપક્ષોનું એક નિવેદન સરકારની વિરૂદ્ધમાં ન આવે. બધા જ નેતાઓ, બધા જ વિરોધ પક્ષો, બધા જ વિરોધીઓ યુદ્ધની સ્થિતિમાં સરકારને સમર્થન આપે. આ પરંપરા પહેલી વખત તૂટી. યુદ્ધ વચ્ચે હજારો-લાખો લોકો સરકાર સામે રસ્તા પર ઉતર્યા. તેમણે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને યુદ્ધવિરામની અપીલ કરી.

એ પાછળ ઘટના એવી બની કે ઈઝરાયલના નાગરિકો હમાસના કબજામાં છે. હમાસના આતંકવાદીઓ ઈઝરાયલના કબજામાં છે. બંનેએ એકબીજાના નાગરિકોને કેદમાં રાખ્યા છે. એમાંથી ઘણાની અગાઉ આપ-લે થઈ છે. હજુય કેટલાય નાગરિકો હમાસના કબજામાં છે. ઈઝરાયલે છેલ્લા સપ્તાહમાં ભારે રોકેટમારો કર્યો એનાથી છંછેડાયેલા હમાસના આતંકીઓએ છ ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી ને તેમના મૃતદેહો રઝળતા મૂકી દીધા. આ ઘટના પછી ઈઝરાયલના લોકોનો આક્રોશ ભભૂકી ઉઠયો. પરિવારના સભ્યો ઘણા સમયથી નેતાન્યાહૂની સરકારને વાટાઘાટોથી ઈઝરાયલના નાગરિકોને મુક્ત કરાવવાની માગણી કરતા હતા, પરંતુ સરકારના પ્રયાસો નાકામ રહ્યા. હમાસ સાથેની વાટાઘાટો ચાલતી હતી ત્યારે જ આ નાગરિકોની હત્યા કરી દેવાઈ.

આ છ મૃતદેહો મળ્યા પછી મજૂરોએ એક દિવસની હડતાલ પાડી દીધી. વિદ્યાર્થીઓ શાંતિની અપીલ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કેટલાય લોકો તો નેતાન્યાહૂના રાજીનામાની માગણી સુદ્ધાં કરી રહ્યા છે. અગાઉ યુદ્ધ ચાલતું હોય ત્યારે પીએમને હટાવવાની માગણી ક્યારેય આટલી તીવ્ર બની નથી. લોકો કહી રહ્યા છે કે યુદ્ધવિરામ કરાવીને ઈઝરાયલમાં ચૂંટણી કરાવવી જોઈએ. ગત વર્ષના ઓક્ટોબરથી ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેને અટકાવવા માટે અમેરિકા સહિતના ઘણાં દેશો નેતાન્યાહૂને સંકેત આપી ચૂક્યા છે, પરંતુ નેતાન્યાહૂ પીછેહઠ કરવાના પક્ષમાં નથી. તેમણે સ્પષ્ટ કહેલું કે હમાસનો સંપૂર્ણ સફાયો કરીને પછી જ યુદ્ધ અટકશે. 

વેલ, એક સર્વેક્ષણમાં તો ત્યાં સુધી દાવો થયો કે અત્યારે ઈઝરાયલના ૬૬ ટકા લોકો નેતાન્યાહૂને વડાપ્રધાન પદે જોવા માંગતા નથી. ઈઝરાયલમાં ૨૦૨૬માં ચૂંટણી થવાની છે. હજુ લગભગ બે વર્ષની ટર્મ બાકી છે, પરંતુ નેતાન્યાહૂ પર સામાન્ય લોકો એવો આરોપ મૂકવા માંડયા છે કે તેઓ પોતાના રાજકીય હેતુ માટે યુદ્ધવિરામ કરતા નથી. યુદ્ધથી તેમની પાર્ટીને ફાયદો છે અને વિરોધીઓ પણ કશું બોલી શકતા નથી તેનો ફાયદો ઉઠાવે છે. લોકો કહે છે કે નેતાન્યાહૂ બંધકોને છોડાવવા બાંધછોડ નથી કરતાં એ યોગ્ય નથી. ઈઝરાયલના ઈતિહાસમાં નેતાન્યાહૂ એવા પહેલા નેતા છે કે જે યુદ્ધના કારણે પોતાના જ નાગરિકોમાં હીરો બનવાને બદલે અળખામણા બન્યા છે. 

ઈઝરાયલમાં ક્યારેય યુદ્ધ વખતે દુશ્મન સાથે બાંધછોડ કરવાની માંગણી ઉઠી નથી. આ ઈઝરાયલના બદલાયેલા મિજાજનું પ્રતીક છે. ઈઝરાયલના નાગરિકોને હવે કાયમી યુદ્ધ નહીં, શાંતિ જોઈએ છે.


Google NewsGoogle News