બાંગ્લાદેશના ભારત વિરોધી નેતાઓનું ચીનમાં લાલજાજમ બિછાવીને સ્વાગત
- વર્લ્ડ વિન્ડો
- બાંગ્લાદેશમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા ચીન મથામણ કરી રહ્યું છે. બાંગ્લાદેશની પૉલિસી ભારત વિરૂદ્ધ બનાવીને વ્યૂહાત્મક ફાયદો ઉઠાવવા ચીને બરાબર બિછાત ગોઠવી છે
કોઈ દેશનું રાજકીય ચિત્ર કેટલું ઝડપથી બદલાઈ શકે છે એનો લેટેસ્ટ દાખલો બાંગ્લાદેશ છે. જાન્યુઆરીમાં ચૂંટણી થઈ ત્યારે શેખ હસીનાને અભૂતપૂર્વ ચોથી ટર્મ મળી. ૨૦૦૮થી સત્તામાં રહેલાં શેખ હસીના વધુ એક વખત જીત્યા તે સાથે જ સૌથી વધુ સત્તામાં રહેનારા મહિલા નેતા પણ બની ગયા. બહુમતી માટે ૧૫૧ બેઠકોની જરૂર હતી, તેની સામે તેમની પાર્ટીને ૨૨૪ બેઠકો મળી. વિપક્ષોનો સપાટો બોલી ગયો. શેખ હસીના વધુ મજબૂત નેતા બનીને ઉભર્યા હતાં. તેમની પાર્ટીમાં તોડફોડ કરીને પણ વિપક્ષી નેતાઓ સત્તામાં આવી શકે તેમ ન હતા.
શેખ હસીના ચોથી વખત વડાંપ્રધાન બન્યાં પછી તેમણે વિદેશયાત્રાની શરૂઆત ભારત આવીને કરી હતી. તે વખતે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મહત્ત્વના ૧૦ કરારો થયા હતા. દ્વિપક્ષીય વેપાર, સમુદ્રી સીમાની સુરક્ષા, ડિજિટલ આદાનપ્રદાન, બાંગ્લાદેશના દર્દીઓને મેડિકલ ઈ-વિઝા, નદીના પાણીની વહેચણી, રેલ અને બસ સહયોગ જેવા મુદ્દે બંને પક્ષે કરારો થયાં. બાંગ્લાદેશના વિપક્ષોએ એમાંથી ઘણાં કરારનો મુદ્દો ઉઠાવીને લોકોને ઉશ્કેર્યા. રેલ ટ્રાન્ઝિટનો કરાર બંને દેશો વચ્ચે બહુ જ અગત્યનો હતો. એ પ્રમાણે ભારતને સ્વતંત્ર રીતે બાંગ્લાદેશમાં ટ્રેન ઓપરેટ કરવાનો પરવાનો મળવાનો હતો. તેનાથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે વેપાર વધવાનો હતો અને આદાન-પ્રદાન સરળ બનવાનું હતું.
ભારત-બાંગ્લાદેશના નવા કરારોથી સૌથી વધુ ઉકળાટ ચીનને થયો હતો. ચીનની ઘણી કંપનીઓ બાંગ્લાદેશમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી રહી હતી. બાંગ્લાદેશનું ચટ્ટોગ્રામ બંદર ચીન વિકસાવી રહ્યું છે. બાંગ્લાદેશનો મોટાભાગનો વેપાર આ બંદરના માધ્યમથી થાય છે. વિપક્ષોએ ભારત સાથેના કરારોનો એમ કહીને વિરોધ કરેલો કે ભારત સાથે વધુ નિકટતાથી ચીન નારાજ થશે અને ચીનનું રોકાણ દેશમાં ઘટશે તો આર્થિક મોરચે ફટકો પડશે. ભારતને ટ્રેન ઓપરેટ કરવાની સવલત મળે એ ચીનને બિલકુલ ગમ્યું ન હતું. વળી, ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાણીના તેમ જ બ્રિજ બનાવવાના જે કરારો થયા હતા તેની સામેય ચીનને વાંધો હતો.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે થોડા મહિના પહેલાં તીસ્તા નદીના પ્રોજેક્ટનો કરાર થયો હતો. ચીને પણ બાંધ બાંધવા માટે લોનનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ શેખ હસીનાએ ભારતનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો એટલે ચીનના પેટમાં તેલ રેડાયું હતું. બાંગ્લાદેશના વિપક્ષના નેતાઓએ તે વખતે રેલવે અને તીસ્લા એમ બંને પ્રોજેક્ટ ભારતને આપવાથી બાંગ્લાદેશનું ચીન-ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોનું સંતુલન વિખેરાશે એવી દલીલ કરી હતી.
આ બધા કારણોથી ચીને વિપક્ષોને ઉશ્કેરીને બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા લાવવાનું ષડયંત્ર ગોઠવી દીધું હતું. શેખ હસીનાને અભૂતપૂર્વ વિજય મળ્યો તેની સમાંતરે તે વખતે બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ચૂંટણીમાં ગરબડ થઈ હોવાના મુદ્દે દેખાવો શરૂ કર્યા. વિપક્ષના નેતાઓએ પોતાના હિત માટે વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા. વિદ્યાર્થીઓએ સરકારી નોકરીમાં અનામતની માગણી સાથે દેખાવો શરૂ કર્યા. ધીમે ધીમે એ દેખાવોને રાજકીય રંગ મળ્યો અને હિંસા થવા માંડી. સરકાર સામે કૌભાંડોનો આરોપ લાગ્યો. મંત્રીઓ સામેય ભ્રષ્ટાચારના આરોપો થવા માંડયાં. દિવસે દિવસે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મામલો શેખ હસીનાની સરકારના અંકુશમાં રહ્યો નહીં.
આખરે પૂર્ણ બહુમતી સાથે અભૂતપૂર્વ ચોથી ટર્મ માટે ચૂંટાઈને આવેલાં શેખ હસીનાએ રાતોરાત ભારત આવી જવું પડયું. તેમની સરકારનું પતન થયું અને બાંગ્લાદેશમાં નોબેલ વિજેતા પ્રોફેસર ડૉ. મોહમ્મદ યૂનુસને કાર્યકારી વડાપ્રધાન બનાવાયા. આ ઘટનાને ચારેક મહિના વીતી જવા છતાં હજુય કાર્યકારી વડાપ્રધાન જ સત્તામાં બેઠા છે. નવેસરથી ચૂંટણી કરાવવાનો વાયદો ત્યારે મોહમ્મદ યૂનુસે કર્યો હતો, પરંતુ ચૂંટણીની હજુ સુધી જાહેરાત થઈ નથી.
આ આખા ઘટનાક્રમમાં વિપક્ષના નેતાઓને ચીનની મદદ મળી હોવાની પૂરી શક્યતા છે. અત્યાર સુધી આવો આરોપ લગાવી શકાય તેમ ન હતો, પરંતુ હવે આવું તારણ કાઢવાનું મજબૂત કારણ છે. અત્યારે બાંગ્લાદેશના વિપક્ષના નેતાઓ ચીનની મિજલસ માણી રહ્યા છે. શેખ હસીનાનું ભારત તરફી વલણ ચીનને કાયમ કાંટાની જેમ ખટકતું હતું. ચોથી ટર્મમાં ચૂંટાયા પછી શેખ હસીનાએ પહેલી ભારતની મુલાકાત કરી અને મહત્ત્વના કરારો કર્યાં એ ચીનને ખટક્યું હતું. ચીને બાંગ્લાદેશના વિપક્ષોના ખભે બંદૂક રાખીને શેખ હસીનાની સરકારને આબાદ નિશાન બનાવી લીધી.
અત્યારે બાંગ્લાદેશના ૧૪ નેતાઓનું પ્રતિનિધિત્વ ચીનની મેજબાની માણી રહ્યું છે. આ નેતાઓને ચીન આખાય દેશના મોટા શહેરોમાં ફેરવીને તેમને સ્પેશિયલ ગેસ્ટ હોવાનું ફીલ કરાવે છે. ચીનનો એમાં પોતાનો ફાયદો જુએ છે. બાંગ્લાદેશમાં ચૂંટણી થશે ત્યારે આ ભારતદ્વેષી નેતાઓ જ સત્તામાં આવશે. ચીન ત્યારે પોતાના ધારેલા બધા કરારો કરાવી લેશે. બાંગ્લાદેશમાં કેટલાય સમયથી ચીન આર્થિક અને રાજકીય વગ વધારવાની પેરવીમાં છે. શેખ હસીનાએ ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવ્યું હતું. ભારત-બાંગ્લાદેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને શેખ હસીના બરાબર સમજતા હતા, પરંતુ બાંગ્લાદેશના કટ્ટર નેતાઓ ભારત સાથે મજબૂત સંબંધો રાખવાના પક્ષમાં નથી.
એક તરફ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલાં અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. બીજી તરફ બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતાઓનું સ્વાગત ચીનમાં લાલજાજમ બિછાવીને થઈ રહ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતાઓ તો આખા બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ સામે જ સવાલો ખડા થાય એવા નિવેદનો આપી રહ્યા છે. આ પાર્ટીના નેતાઓ કહે છે કે બાંગ્લાદેશનું સર્જન જ ભારતના કારણે થયું હતું, ભારતે પાકિસ્તાનનું વિભાજન કર્યું. નહીંતર આજે સંયુક્ત પાકિસ્તાન બહુ જ મજબૂત હોત. વિપક્ષના નેતાઓ બાંગ્લાદેશના સ્થાપક મુજીબૂર રહેમાનની તસવીરો સરકારી કચેરીઓમાંથી હટાવી રહ્યા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશના સ્થાપકનું અત્યારે એટલું અપમાન થઈ રહ્યું છે કે તેમની મૂર્તિઓને તોડી પાડવામાં આવી રહી છે.
ટૂંકમાં, શેખ હસીના અને મુજીબૂર રહેમાન સામેના આક્રોશની અસર બાંગ્લાદેશની સમગ્ર નીતિ પર પડશે અને એમાં વિદેશનીતિ બાકાત નહીં રહે. હવે બાંગ્લાદેશની વિદેશનીતિનું ચિત્ર સદંતર બદલવા જઈ રહ્યું છે. અત્યાર સુધી બાંગ્લાદેશનું ભારત તરફી વલણ હતું. એના બદલે હવે ચીન અને પાકિસ્તાનના હિતોને પ્રાધાન્ય મળવાનું શરૂ થયું છે. બાંગ્લાદેશના નેતાઓ જાહેરમાં ચીન અને પાકિસ્તાન તરફી નિવેદનો આપી રહ્યા છે. આ સ્થિતિથી ભારતે ચેતવા જેવું છે. શેખ હસીના ભારતમાં છે એ મુદ્દે આમેય બાંગ્લાદેશના કટ્ટરવાદી નેતાઓ ભારતને ટાર્ગેટ કરે છે. બાંગ્લાદેશના નેતાઓનો ભારત તરફનો આક્રોશ ચીનને ફાયદો કરાવે તો નવાઈ નહીં.