પ્રમુખપદની રેસ માટે બાઈડેનને બદલે કમલા હેરિસ ડેમોક્રેટ્સમાં ફેવરિટ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
પ્રમુખપદની રેસ માટે બાઈડેનને બદલે કમલા હેરિસ ડેમોક્રેટ્સમાં ફેવરિટ 1 - image


- વર્લ્ડ વિન્ડો

- ટ્રમ્પ સામે બાઈડેનનો ડિબેટમાં ધબડકો થયા બાદ ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નર્સની બેઠક મળી હતી. એમાં બાઈડેનને બદલીને કમલા હેરિસને મેદાનમાં ઉતારવાની વિચારણા થઈ હતી

અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સામે પાર્ટીમાં જ વિરોધ ઉઠયો છે. તેમનું ઉત્તરોત્તર કથળતું જતું સ્વાસ્થ્ય ડેમોક્રેટિક પાર્ટીમાં ચિંતાનો વિષય છે. અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ બાઈડેનના સ્વાસ્થ્યની ચર્ચા જગાવી છે અને પ્રમુખ અમેરિકાના હાઈએસ્ટ પદ માટે બિલકુલ ફિટ નથી એવો પ્રચાર કર્યો છે, તેનાથી બાઈડેનનું રેટિંગ ગગડી ગયું છે. ટ્રમ્પ-બાઈડેન વચ્ચે ગયા સપ્તાહે પ્રથમ ડિબેટ થઈ એમાં બાઈડેનનો રીતસર ધબડકો થયો હતો. ટ્રમ્પે મેદાન મારી લીધું હતું અને અમેરિકન્સનું અપ્રૂવલ રેટિંગ ટ્રમ્પની તરફેણમાં વધ્યું હતું. 

એમાં વળી ખુદ બાઈડેને એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું કે ટ્રમ્પ સામેની ડિબેટ વખતે તેઓ ઓલમોસ્ટ ઊંઘમાં હતા! બાઈડેને બચાવ કર્યો કે વિદેશ પ્રવાસના કારણે તેમને થાક લાગ્યો હતો. જેટલેગની અસર હોવાથી તેઓ જોઈએ એટલા એક્ટિવ રહી શક્યા નહીં. આ નિવેદન બાદ તુરંત ટ્રમ્પના સમર્થકોએ વળતી દલીલ કરી કે બાઈડેન વિદેશ પ્રવાસમાંથી પાછા ફર્યા એને ૧૩ દિવસ થઈ ચૂક્યા હતા. જો તેમને એક વિદેશ પ્રવાસ પછી બબ્બે સપ્તાહ સુધી થાક ઉતારવો પડતો હોત તો બહેતર છે કે તેમણે આરામ કરવો જોઈએ. કારણ કે તેમની કાર્યક્ષમતા ઘટી ગઈ હોવાથી દેશના મહત્ત્વના નિર્ણયો પર તેની અસર થઈ શકે છે. બાઈડેન ઘણાં સમયથી સતત ફિટનેસના મુદ્દે ઘેરાયેલા રહે છે. છેલ્લાં ઘણાં પ્રવાસોમાં જોવા મળ્યું કે નક્કી કંઈ કર્યું હોય અને બાઈડેને બોલવા કશુંક બીજું માંડયું હોય. તેમના સ્ટાફે માઈક હાથમાંથી લઈને કે અવાજ બંધ કરીને બાજી સંભાળવી પડે છે.

છેલ્લે ઈટાલીમાં જી-૭ સમિટમાં બાઈડેન વિચિત્ર વર્તન કરતા જોવા મળ્યા ત્યારથી ડેમોક્રેટિક પાર્ટીમાં અંદરખાને બેઠકો શરૂ થઈ ગઈ હતી. ડેમોક્રેટિક પાર્ટી પર જે નેતાઓનો પ્રભાવ છે એમાંના બરાક ઓબામા, ક્લિન્ટન દંપતી, નેન્સી પેલોસી, સેનેટના નેતા ચક શૂમરે બાઈડેનને બદલે કોને ટ્રમ્પ સામે મેદાનમાં ઉતારી શકાય તેની ચર્ચા કરી હતી. ભલે નોમિનેશન્સ રાઉન્ડમાં બાઈડેનને સર્વાધિક ૩૮૦૦થી વધુ ડેમોક્રેટિક ડેલિગેટ્સના મતો મળ્યા હોય, પરંતુ લાઈવ અપ્રૂવલ રેટિંગમાં કોઈ સુધારો થયો નથી. છેલ્લાં એક વર્ષથી બાઈડેનના અપ્રૂવલ રેટિંગનો ગ્રાફ એકધારો નીચે ગગડી રહ્યો છે. 

એમાં લેટેસ્ટ સીએનએન પોલે બળતામાં ઘી હોમ્યું. એ પોલ પ્રમાણે બાઈડેન ટ્રમ્પથી છ પોઈન્ટ પાછળ છે. જો બીજી ડિબેટમાં પણ આવો ધબડકો થાય તો બાઈડેનનો પરાજય નક્કી થઈ જાય છે અને અત્યારની સ્થિતિ જોતાં બાઈડેન માટે પરિસ્થિતિ આટલા દિવસમાં બદલાય જાય ને ધમાકેદાર કમબેક કરે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. બાઈડેન અઠંગ રાજકારણી છે. વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. એ સિવાયના ઘણાં મહત્ત્વના પોલિટિકલ પ્રોફાઈલમાં કામ કરી ચૂક્યા છે, છતાં ઉંમર વધી ગઈ હોવાથી શારીરિક-માનસિક ફિટનેસ ઘટી છે. ચાર વર્ષ પહેલાં જેટલા સ્માર્ટ હતા એટલા સ્માર્ટ હવે રહ્યા નથી. ટ્રમ્પ બાઈડેનની તુલનામાં અત્યારે વધુ સ્માર્ટ સાબિત થઈ રહ્યા છે. વળી, તેમની પૉલિસી રાષ્ટ્રવાદની હોવાથીય અમેરિકામાં તેમની લોકપ્રિયતા અકબંધ છે. સીએનએનના પોલનું માનીએ તો આજની તારીખે ટ્રમ્પને બાઈડેનને બદલે કમલા હેરિસ વધુ સારી રીતે ટક્કર આપી શકે તેમ છે. અમેરિકનો બાઈડેનને બદલે કમલા હેરિસને વધારે અપ્રૂવલ રેટિંગ આપી રહ્યા છે. સેમ્પલ સર્વેમાં જણાયું એમ ટ્રમ્પને ૪૭ ટકા ને કમલા હેરિસને ૪૫ ટકા મતદારોનું સમર્થન છે. ટ્રમ્પને ૪૪ ટકા મહિલા મતદારો સમર્થન આપી રહી છે. કમલા હેરિસને ૫૦ ટકા મહિલાઓનો સાથ છે. બાઈડેન અને કમલા હેરિસની સરખામણી થઈ તો બાઈડેનને ૩૪ ટકા, કમલાને ૪૩ ટકા લોકોએ સમર્થન આપ્યું હતું.

આ પોલે ડેમોક્રેટ્સમાં ચાલતી ચર્ચાને નવો વેગ આપ્યો છે. લેટેસ્ટ પોલ અને અપ્રૂવલ રેટિંગ બાદ ડેમોક્રેટિક પાર્ટીના ટોચના પાંચ-સાત નેતાઓમાં જે ચર્ચા-વિચારણા ચાલતી હતી તેનો વ્યાપ ગવર્નર્સ સુધી પહોંચ્યો છે. અમેરિકાના ૫૦માંથી ડેમોક્રેટિક પાર્ટીના ૨૩ ગવર્નર છે. ગવર્નર્સની બેઠકમાં બાઈડેનની હેલ્થ, ટ્રમ્પની લોકપ્રિયતા, અપ્રૂવલ રેટિંગ, ડિબેટમાં બાઈડેનનો ધબડકો, ઉમેદવાર રિપ્લેસ થાય તો પ્રચારનો વ્યૂહ, ન રિપ્લેસ થાય તો પ્રચારનો વ્યૂહ, બાઈડેનના બદલે કોને ઉમેદવારી આપી શકાય, નવા ઉમેદવાર માટે ટ્રમ્પ સામે કેવા પડકારો સર્જાય અને એ પડકારને પહોંચી વળવા પાર્ટીએ શું કરવું જોઈએ - એ તમામ મુદ્દાની વિગતવાર ચર્ચા થઈ. ડેમોક્રેટિક પાર્ટીના સૂત્રોને ટાંકીને અમેરિકન મિડીયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા તે પ્રમાણે ૨૩માંથી માત્ર ત્રણ ગવર્નર બાઈડેનના પક્ષમાં હતા. ૨૦ ગવર્નરે સ્વીકાર્યું કે ટ્રમ્પને ટક્કર આપવામાં બાઈડેન નબળા પડશે. અમેરિકન્સ મતદારોમાં તેમની ફિટનેસ અને ઉંમરના મુદ્દે બહુ જ નેગેટિવ ઈમેજ બની ગઈ છે.

મોટાભાગના ગવર્નર્સ કમલા હેરિસને બાઈડેનનું રિપ્લેસમેન્ટ બનાવવામાં સહમત છે. એના મજબૂત કારણો પણ છે. કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ છે એટલે અમેરિકન મતદારોમાં તેમનું કામ જાણીતું છે. તેમણે એક સમજદાર, લિબરલ ડેમોક્રેટ્સની ઈમેજ જાળવી રાખી છે. મહિલા મતદારોમાં તેમનો પ્રભાવ છે. અમેરિકામાં ફેમિનિઝમની અસર વ્યાપક છે અને તેની અસર ચૂંટણીમાં થવાની છે. કમલા હેરિસ ભારતીય-આફ્રિકન મૂળના છે. ૩૦ લાખ જેટલા ભારતીય મૂળના અમેરિકન્સનું તેમને સમર્થન મળે. અમેરિકામાં એશિયન સંગઠનો, એશિયન લોબી ચાલે છે. એ લોબી કમલા હેરિસની તરફેણમાં આવે. તેમને ટ્રમ્પની કટ્ટર રાષ્ટ્રવાદની પૉલિસી માફક આવતી નથી. અમેરિકામાં ૧૭ ટકા અશ્વેત મતદારો છે. ઓબામાના બે વખતના વિજયમાં આ મતદારોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, પરંતુ એ પછીની બે ચૂંટણીમાં એમનું વોટિંગ ઘટયું હતું. કમલા હેરિસ ઉમેદવાર બને તો આ મતદારો ફરીથી ડેમોક્રેટિક પાર્ટીને મત આપે.

ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ એક મુદ્દો એવો પણ વિચાર્યો, જે કમલા હેરિસની ફેવરમાં છે. કમલા અત્યારે ૫૯ વર્ષના છે. પ્રમુખ બને ત્યારે તેમની ઉંમર ૬૦ વર્ષ હોય. ટ્રમ્પ ૭૮ વર્ષના છે અને આવતા વર્ષે પ્રમુખ બનશે ત્યારે ૭૯ના થઈ જશે. બાઈડેન ૮૧ના છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં સત્તા સંભાળવાની થાય ત્યારે ૮૨ના થાય. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે તો અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખ હશે. બાઈડેન બન્યા ત્યારે ૨૦૨૦માં તેઓ ૭૭ના હતા. બાઈડેન બનશે તો રેકોર્ડ તેમના નામે જ રહેશે. અત્યારે ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પની ઉંમરનો મુદ્દો ઉઠાવી શકતી નથી, પરંતુ જો કમલા હેરિસ ઉમેદવાર હોય તો ઉંમરનો મુદ્દો ઉઠાવીને યુવા મતદારોને પોતાની તરફેણમાં કરી શકાય.

કમલા હેરિસે છેલ્લાંમાં છેલ્લાં નિવેદનમાં બાઈડેનનું સમર્થન કર્યું છે, પણ એ તો પાર્ટીલાઈનમાં રહેવા માટે કર્યું હોય. બાઈડેને છેલ્લાંમાં છેલ્લાં નિવેદનમાં ઉમેદવારીમાંથી પીછેહઠ કરવાની સ્પષ્ટ મનાઈ કરી છે અને ગવર્નર્સ સાથે બેઠક કરીને તેમને મનાવે એવી શક્યતા છે. પરંતુ ઓબામા, ક્લિન્ટન દંપતી સહિત પાર્ટીના ટોચના પાંચ શક્તિશાળી નેતાઓએ કમલા હેરિસને પ્રમુખપદની ચૂંટણી લડવા તૈયાર રહેવા માટે સંકેત આપ્યા છે. કમલા હેરિસ માટે સમય ઓછો હશે, પરંતુ જો તેમની પસંદગી થશે તો ભ્રષ્ટાચાર, કાયદાકીય બેટલમાં ફસાયેલા ટ્રમ્પ સામે તેમની ક્લિન ઈમેજ ભારે પડી શકે છે.


Google NewsGoogle News