લેબેનૉન અને ઈરાન પછી ઈઝરાયલના નિશાના પર તુર્કીવર્લ્ડ વિન્ડો
- તુર્કીના પ્રમુખ એર્ડોઆનને ડર છે કે હવે ઈઝરાયલી સૈન્ય ગમે તે ઘડીએ તુર્કીને ટાર્ગેટ કરશે. ઈઝરાયલના હુમલા રોકવા માટે યુએન સૈન્ય મોકલે એવી માગણી ઉઠી છે...
પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં યહૂદીઓ અમેરિકા-બ્રિટનની પડખે રહ્યા ને એની કદર કરીને વિશ્વયુદ્ધ પછી બ્રિટન-અમેરિકા યહૂદીઓ માટેના અલગ દેશ માટે સંમત થયા, પરંતુ યહૂદીઓની માગણી પ્રમાણે ઈઝરાયલ નામનો સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવશે તો આરબ દેશો સંગઠિત થઈને આક્રમણ કરશે એવી ભીતિ હતી. બંને પક્ષે માન્ય હોય એવો રસ્તો કાઢવા નિષ્ણાતોની સમિતિ બનાવાઈ. સમિતિએ બ્રિટનના તાબા હેઠળના પેલેસ્ટાઈનના બે ભાગ કરવાની સલાહ આપી. આરબોની બહુમતી છે એ વિસ્તાર પેલેસ્ટાઈન, યહૂદીઓની બહુમતી છે એ હિસ્સો ઈઝરાયલ. ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમોના પવિત્ર સ્થળ જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય અંકુશ હેઠળ રાખવાની ભલામણનો આખરે અમલ થયો.
એ રીતે ૨૫૦૦ વર્ષથી ઝઝૂમતા યહૂદીઓને ૧૪મી મે, ૧૯૪૮ના દિવસે ઈઝરાયલ નામનો દેશ મળ્યો. પરંતુ અલગ દેશની સાથે મોટા પડકારો પણ આવી પડયાં. ઈઝરાયલનું અસ્તિત્વ મિટાવી દેવા ઈજિપ્ત, સીરિયા, જોર્ડન, ઈરાક, સાઉદી અરેબિયાએ ઈઝરાયલને નિશાન બનાવીને હુમલા કર્યાં. અમેરિકાએ હથિયારો અને એ સિવાયની સહાય કરી એટલે ઈઝરાયલ ટકી ગયું. યુદ્ધની સ્થિતિ વચ્ચેય ઈઝરાયલ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું. મિસાઈલોથી લઈને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, તોપ, બંદૂકો, રોકેટ સહિતનું કંઈ કેટલુંય વિકસાવીને આરબ દેશોના સંગઠન સામે ન માત્ર ઝીંક ઝીલી, પરંતુ સજ્જડ પરાજય પણ આપ્યો. દાયકાઓ સુધી ઈઝરાયલ-આરબ દેશો વચ્ચે યુદ્ધો અને યુદ્ધવિરામોનો સિલસિલો ચાલ્યો જે હજુય સંઘર્ષ અટક્યો નથી. ઈઝરાયલે છ દશકામાં ૭ યુદ્ધો કર્યાં છે અને એમાંથી લગભગ તમામ યુદ્ધોમાં તેણે દુશ્મન દેશોને હંફાવ્યા છે.
પણ પછી આરબ દેશો-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સુધર્યા પણ ખરા. સૌથી પહેલી સુલેહ થઈ તુર્કી સાથે. એ સમયનું તુર્કી આજના તુર્કીથી ઘણું અલગ અને પ્રોગ્રેસિવ હતું. ઈઝરાયલ સાથે સૌથી પહેલી દોસ્તીનો હાથ તુર્કીએ લંબાવ્યો હતો. માર્ચ-૧૯૪૯માં તુર્કી એવો પહેલો આરબ દેશ બન્યો, જેણે સત્તાવાર રીતે ઈઝરાયેલ સાથે દ્વિપક્ષીય સંબંધોની શરૂઆત કરી. સુએઝ કેનાલ મુદ્દે ઈજિપ્ત, બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ૧૯૫૬માં ઘર્ષણ થયું ત્યારે ઈઝરાયલે એમાં બ્રિટન-ફ્રાન્સના પક્ષે ઝંપલાવ્યું હોવાથી તુર્કી-ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધોમાં પહેલી વખત ઓટ આવી. ચાર-પાંચ વર્ષના ચઢાવ-ઉતાર પછી ૧૯૬૭માં આરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચે છ દિવસનું યુદ્ધ થયું ત્યારે આરબ દેશોએ એકતા બતાવી હતી. તુર્કી એમાં જોડાયું હતું. તે પછી વારંવાર બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ચઢાવ-ઉતાર આવતા રહ્યા.
ઈઝરાયલને માન્યતા આપનારો બીજો આરબ દેશ ઈરાન હતો. જી હા, આજે જે ઈરાન-ઈઝરાયલ સામ-સામે જંગે ચડીને દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહ્યા છે એ બંને દેશો વચ્ચે લગભગ દોઢ દશકા સુધી સુમેળભર્યા સંબંધો હતાં. વચ્ચે થોડાં વર્ષો એવાય આવ્યા કે બંને દેશો વચ્ચે તંગદિલી પણ ન હતી કે સુમેળ પણ ન હતો. ૧૯૭૯માં ઈરાને ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા. ૧૯૯૨માં સત્તામાં આવેલા ઈઝરાયલના વડાપ્રધાન યિત્ઝાક રાબિને ઈરાનની સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું એટલે ફરીથી યુદ્ધના ભણકારા સંભળાતા હતા. ૨૦૦૫માં ઈરાનમાં મહમુદ અહમદિનેઝાદ પ્રમુખ બન્યા. મહમુદે આક્રમક નિવેદનો આપીને ઈઝરાયલને ઉશ્કેર્યું ને એમ રાજદ્વારી સંબંધો ક્યારેય સ્થિર ન થયાં.
ઈઝરાયલે લેબેનૉનમાં હિઝબુલ્લાહ પર એરસ્ટ્રાઈક કરી ત્યારથી ઈરાન-લેબેનૉનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે વિસ્ફોટ થશે એવી દહેશત છે, પણ એક સમયે આ બંને દેશો વચ્ચે પણ મિત્રાચારી હતી. ઈઝરાયલ નવો દેશ બન્યો એ પછી ઘણાં આરબ દેશોએ ઈઝરાયલ સામે લડાઈ કરેલી. ત્યારે લેબેનૉને શરૂઆતમાં નરમ વલણ બતાવ્યું હતું. ભલે લેબેનૉને તુર્કીની જેમ રાજદ્વારી સંબંધોની પહેલ નહોતી કરી, પરંતુ સુલેહનો સંકેત તો આપ્યો જ હતો. ૧૯૬૭માં આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે ખેલાયેલા છ દિવસના જંગમાં લેબેનૉને ભાગ લીધો ન હતો. એ યુદ્ધો બાદ ઈઝરાયલ-લેબેનૉનની સરહદ ઘણાં વર્ષો સુધી સળગી ન હતી. લેબેનૉનમાં ૮૦ના દશકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફરીથી બંને દેશોના સંબંધો તંગ થયાં, પણ ૨૦૦૦ના વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની દેખરેખમાં બંને દેશો જમીની સરહદનો વિવાદ ઉકેલવા સહમત થયા. બંનેએ શાંતિકરારમાં સહી કરી અને ઈઝરાયલે લેબેનૉનની સરહદમાંથી સૈન્ય પાછું હટાવ્યું. ૨૦૨૨માં બંને દેશો વચ્ચે ભૂમધ્ય સમુદ્રના પેટાળમાં જે ગેસનો ભંડાર છે એની વહેચણી બાબતે વાટાઘાટો ચાલી હતી અને એના પરિણામો આવશે એવો આશાવાદ બંને દેશોએ વ્યક્ત કર્યો હતો. જોકે, અત્યારે લેબેનૉનની સરકારે ઈઝરાયલ સામે સીધો મોરચો ખોલ્યો નથી. ઈઝરાયલ લેબેનૉન સ્થિત હિઝબુલ્લાહ પર હુમલો કરે છે. ઈઝરાયલને લેબેનૉન સાથે વાંધોય એ વાતે જ પડયો છે કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને પોતાના દેશમાં કેમ ઈઝરાયલ વિરૂદ્ધની એક્ટિવિટીની પરવાનગી આપે છે?
ઈઝરાયલે જે બે દેશો ઈરાન-લેબેનૉનમાં અત્યારે મોરચો માંડયો છે એ બંને દેશો ઉપરાંત તુર્કી સહિતના ઘણાં આરબ દેશો સાથે સંબંધો તંગ બન્યા છે. ફરી એક વખત આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે જંગના એંધાણ છે. આરબ દેશોએ ઈઝરાયલ માટે છેલ્લાં પાંચ-સાત વર્ષમાં પૉલિસી બદલી હતી. લેબેનૉન-ઈઝરાયલ વચ્ચે દોઢેક વર્ષ પહેલાં જળસીમાના વિવાદ મુદ્દે બેઠકો યોજાઈ હતી. ઈરાન-ઈઝરાયલના સંબંધો સુધારવા માટે સાઉદી સહિતના દેશો મધ્યસ્થી કરતા હતા. તુર્કી-ઈઝરાયલે ગયા વર્ષે જ એકબીજાના દેશોમાં ફરીથી દૂતાવાસ શરૂ કરવાની તૈયારી બતાવી હતી.
પણ હમાસના હુમલા પછી ઈઝરાયલ જે રીતે આક્રમક બન્યું અને પોતાના નાગરિકોના મોતનો બદલ લેવા આતંકવાદીઓને નિશાન બનાવે છે તેનાથી આરબ દેશોના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો ભારત જેવા દેશોમાં હુમલા કરે ત્યારે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારતા આ દેશો યુએન પાસે માગણી કરે છે કે ઈઝરાયલ આ હુમલા બંધ કરે. બીજી તરફ ઈઝરાયલની દલીલ એવી છે કે એ આતંકવાદી જૂથોના ખાતમા માટે ઓપરેશન ચલાવે છે અને એમાં કોઈ બાંધછોડ નહીં કરે. ઈઝરાયલી સૈન્ય અત્યારે ગાઝામાં હમાસના આતંકીઓને, લેબેનૉનમાં હિઝબુલ્લાહને, ઈરાન-યમનમાં હૂથી ઉગ્રવાદીઓને ટાર્ગેટ કરે છે તેનાથી મધ્ય-પૂર્વના દેશોમાં આરબ દેશોમાં ફફડાટ ફેલાયો છે.
ઈઝરાયલની આ આક્રમકતા પછી તુર્કીને હુમલાનો ડર સતાવે છે. તુર્કીના પ્રમુખ એર્ડોઆને ઈઝરાયલના સંભવિત ભય બાબતે સંયુક્ત રાષ્ટ્રસંઘને રજૂઆત કરી, 'ઈઝરાયલ જે રીતે લેબેનૉન, ઈરાનને નિશાન બનાવે છે એ જ રીતે હવે તુર્કીને પણ ટાર્ગેટ કરશે. ઈઝરાયલ પેલેસ્ટાઈન જ નહીં, એ સિવાયનો મોટો વિસ્તાર પોતાનો કરવા ધારે છે એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘે ઈઝરાયલના હુમલા રોકવા માટે સૈન્ય મોકલવું જોઈએ.'
તુર્કીના આ શબ્દોમાં એક રીતે આરબ દેશોની ઉશ્કેરણી છે અને આ ઉશ્કેરણીની આગ વિશ્વને દઝાડે નહીં તો સારું!