પુતિન @25 : રશિયન પ્રમુખ પુતિન અને ઈન્દિરા ગાંધીમાં એક અજબ સમાનતા
- વર્લ્ડ વિન્ડો
- 1999માં તત્કાલિન રશિયન પ્રમુખ બોરિસ યેલ્તસિન પર રાજીનામું આપવાનું આંતરિક દબાણ હતું. તેમણે કઠપુતળી બની રહે તે માટે પોતાના શિષ્ય પુતિનની પ્રમુખપદે પસંદગી કરી હતી
- બોરિસ યેલ્તસિન
- વ્લાદિમીર પુતિન
૩૧મી ડિસેમ્બર, ૧૯૯૯.
દુનિયાભરમાં ૨૦૦૦ના વર્ષને આવકારવા માટે અદમ્ય ઉત્સાહ હતો. ડિજિટલ તારીખોમાં ૨૦૦૦નો આંકડો આવવાથી બધા ડિવાઈસમાં એરર આવશે એવી અટકળો ચર્ચામાં હતી. ૨૦૦૦નું વર્ષ બેસશે તે સાથે જ દુનિયા પર મોટી કુદરતી આફતો આવશે એવી આગાહીઓ પણ થતી હતી.
...ને એ સાંજે રશિયન પ્રમુખ બોરિસ યેલ્તસિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. એ સંબોધન નવા વર્ષની શુભકામના પાઠવવા કે વીતેલા વર્ષની રશિયન સરકારની સિદ્ધિઓ વર્ણવવા માટે ન હતું. તેમના સંબોધનમાં બે વાક્યો બહુ જ મહત્ત્વનાં હતાંઃ
'હું પ્રમુખપદેથી રાજીનામું આપું છું.'
'રશિયાના નવા પ્રમુખ બનશે વ્લાદિમીર પુતિન.'
રશિયન લોકો માટે આ જાહેરાત આશ્વર્યજનક હતી, પરંતુ રશિયાનાં રાજકીય વર્તુળો માટે બોરિસ યેલ્તસિનનું આ પગલું બિલકુલ અપેક્ષિત હતું. ૧૯૯૧માં રશિયાનું વિઘટન થયું પછી પોપ્યુલારિટીનાં મોજાં પર સવાર થઈને બોરિસ યેલ્તસિને સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા. સ્થાનિક સ્તરેય સુધારા કરવાના હતા ને વૈશ્વિક રાજકારણમાં નવેસરથી પગદંડો જમાવવાનો હતો. બોરિસ યેલ્તસિને ૧૯૯૩માં નવું બંધારણ લાગુ પાડયું. શરૂઆતના પડકારો ઉપાડી લીધા એટલે ૧૯૯૬ની ચૂંટણીમાં ફરીથી યેલ્તસિન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા.
બીજી ટર્મ પછી તેમણે વિશ્વાસુ માણસોને મહત્ત્વના હોદ્દા આપવાનું શરૂ કર્યું. એમાંના એક વિશ્વાસુ માણસનું નામ હતું - વ્લાદિમીર પુતિન. ૧૯૯૭માં યેલ્તસિને સુપરવાઈઝરી ડિપાર્ટમેન્ટના પ્રેસિડેન્શિયલ એડમિનિસ્ટ્રેશનમાં ડેપ્યુટી ચીફની પોસ્ટ ૪૫ વર્ષના વ્લાદિમીર પુતિનને આપી. એક વર્ષમાં પુતિનને પ્રમોશન આપીને ડિપાર્ટમેન્ટના પ્રથમ ડેપ્યુટી ચીફ બનાવ્યા. યેલ્તસિને ચારેક મહિનામાં તો પુતિનને ફેડરલ સિક્યુરિટી સર્વિસના વડા બનાવી દીધા. એના આઠ મહિનામાં તેમને એનાથી વધારે મહત્ત્વનું સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરીનું પદ મળ્યું.
એક તરફ બોરિસ યેલ્તસિનની મહેરબાની પુતિન પર વરસતી હતી. બીજી તરફ ખુદ યેલ્તસિન પર રાજકીય હરીફોની ધોધમાર નારાજગી વરસવાનું શરૂ થઈ ગયું હતું. ૧૯૯૧માં રશિયાના વિઘટન વખતે યેલ્તસિનને સત્તા મળે તે માટે મદદ કરનારા દોસ્તોને યેલ્તસિનની કામ કરવાની પદ્ધતિ માફક આવતી ન હતી. તેમણે યેલ્તસિન પર પદ છોડવાનું દબાણ વધાર્યું. એ સમયે વળી યેલ્તસિન ખુદ ભ્રષ્ટાચારના આરોપમાં પણ ફસાયા હતા. યેલ્તસિનને કદાચ બીજી ટર્મ શરૂ થયાના વર્ષ-દોઢ વર્ષમાં જ તેમની સામે નારાજગીનો અંદાજ આવી ગયો હશે એટલે તેમણે એક પછી એક વિશ્વાસુ માણસોને ચાવીરૂપ વિભાગોમાં સેટ કરીને સરકારી સિસ્ટમ પર પક્કડ મજબૂત બનાવવાનો વ્યૂહ જડબેસલાક ગોઠવ્યો હતો. કદાચ સાથીદારો આડા ફાટે ને રાજીનામું આપવું પડે તો પણ કોઈ રબર સ્ટેમ્પને પ્રમુખ બનાવીને ફરીથી ચૂંટણી આવે ત્યારે પ્રમુખપદે બેસી શકાય એવી લાંબા ગાળાની બોરિસ યેલ્તસિનની ગણતરી હતી. એ ગણતરીના ભાગરૂપે હજુ તો ત્રણ-ચાર મહિના પહેલાં જ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી બનેલા પુતિનની વડાપ્રધાન તરીકે પસંદગી કરી. જે વડાપ્રધાન હતા એ સર્ગેઈ સ્ટેપાશિનને એટલો જ અગત્યનો અકાઉન્ટ્સ ચેમ્બરનો પોર્ટફોલિયો સોંપ્યો.
રાજકીય દબાણ વધ્યું એટલે બધું સેટ કરીને યેલ્તસિને રાજીનામું આપી દીધું. રશિયામાં તેમણે નવું બંધારણ લાગુ પાડયું હતું. એમાં જોગવાઈ એવી હતી કે પ્રમુખની જગ્યા ખાલી પડે તો એના સ્થાને વડાપ્રધાન પ્રમુખ બની જાય. એ જોગવાઈ પ્રમાણે પુતિન યેલ્તસિનના અનુગામી પ્રમુખ બન્યા અને આમ થાય એવું યેલ્તસિન ઈચ્છતા હતા. તેમને એવો ભરોસો હતો કે પુતિન તેમના કહ્યામાં રહેશે. પુતિનની સરકાર હશે તો તેમનો ગોડફાધર જેવો દબદબો રહેશે. ચૂંટણી પછી પુતિન ફરીથી પ્રમુખ બનશે એટલે પોતાના પર લાગેલા આરોપોમાંથી ધીમે ધીમે મુક્ત થઈને ફરીથી પ્રમુખપદે બેસી શકાશે.
લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ સોંપતી વખતે તત્કાલિન સીનિયર કોંગ્રેસી નેતાઓએ એમ જ વિચારેલું કે ઈન્દિરા 'ગૂંગી ગૂડિયા' છે એટલે કહેવામાં રહેશે. યેલ્તસિને પુતિન માટે પણ અદ્લ એવું જ વિચારીને પ્રમુખપદ સોંપ્યું હતું. પણ ઈન્દિરાને ઓળખવામાં એ વખતે સીનિયર કોંગ્રેસી નેતાઓએ થાપ ખાધી હતી એમ જ પુતિનને ઓળખવામાં યેલ્તસિને થાપ ખાધી. તે એટલે સુધી કે યેલ્તસિનને હટાવવા ઈચ્છતા નેતાઓ પણ પુતિનને ઓળખી ન શક્યા.
યેલ્તસિનની સરકાર હતી તે વખતે રશિયન સરકાર પર પ્રભુત્વ જમાવનારું એક ગુ્રપ હતું. ધ ફેમિલી નામથી ઓળખાતા આ ગુ્રપની સલાહ વગર મહત્ત્વના કોઈ નિર્ણયો લેવાતા ન હતા. પુતિને સત્તા સંભાળી ત્યારે 'ધ ફેમિલી ગુ્રપ'ને લાગ્યું કે યેલ્તસિન તો અઠંગ રાજકારણી હતા એટલે કાબૂમાં રહેતા ન હતા ને મનસ્વી નિર્ણયો કરતા હતા, પરંતુ ૪૭ વર્ષના પુતિન પાસેથી ધાર્યા પ્રમાણેનું કામ કઢાવી શકાશે. પુતિનનો ત્યાં સુધીનો રેકોર્ડ જોતાં એમણે ધારી લીધેલું કે નવા પ્રમુખને કઠપુતળી બનાવીને રાખવાનું કામ સહેલું છે. 'ધ ફેમિલી ગુ્રપ'માં સરકારી ઉચ્ચ અધિકારી બોરિસ બેરેઝોવસ્કી, બિઝનેસમેન મિખાઈલ ખોડોર્વોસ્કી, મીડિયા ટાઈકૂન મિખાઈલ ગ્યુસિન્સ્કી, નેતા રોમન અબ્રામોવિચ વગેરેનો સમાવેશ થતો હતો. પુતિને આ તમામને વિશ્વાસમાં લીધા અને તેમના અંકુશમાં જ કામકાજ ચાલશે એવો દેખાવ કરીને ચૂંટણી યોજી. વિજેતા બનીને સત્તાવાર રીતે ચૂંટાયેલા પ્રમુખપદનો ભાર સંભાળ્યો.
...ને એ સાથે જ તેવર બદલ્યા. ગુરુ યેલ્તસિન કરતાં શિષ્ય પુતિને સવાયા સાબિત થવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તો ગુરુને જ સાઈડલાઈન કરી દીધા. યેલ્તસિન પર આમેય ભ્રષ્ટાચારના આરોપો હતા. એ બહાને પુતિને તેમનું નાક દબાવીને રાજકીય નિવૃત્તિ અપાવી દીધી. જાહેર ઉલ્લેખમાં પુતિન તેમને પૂરું માન-સન્માન આપે, પરંતુ સરકારમાં તેમનો અંકુશ બિલકુલ શૂન્ય. એ પછી વારો પાડયો 'ધ ફેમિલી ગુ્રપ'નો. જે કામ યેલ્તસિને કર્યું હતું એ જ કામ પુતિને પોતાની રીતે કર્યું. બધે વિશ્વાસુ માણસો ગોઠવવા માંડયા. જેની સાથે સ્પર્ધા થઈ શકે તેમ હતી એમને શરૂઆતમાં સાથે રાખ્યા. મહત્ત્વના હોદ્દા આપીને વિશ્વાસુ બનાવ્યા, પણ ધીમે ધીમે તેમને પડદા પાછળ ધકેલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. એની સમાંતરે વિરોધ પક્ષોને નાબુદ કરી નાખ્યા. જે નેતાઓ હદ બહાર નડતા હોય એમને એક કે બીજી રીતે પૂરા કરી દીધા.
પ્રમુખપદ સંભાળવાની મર્યાદા હતી એટલે ૨૦૦૮થી ૨૦૧૨ પોતે વડાપ્રધાન બન્યા અને વિશ્વાસુ દમિત્ર મેડવેડેવને પ્રમુખ બનાવ્યા. નિયમોમાં ફેરફાર કર્યો ને ૨૦૧૨થી ફરી પ્રમુખ બની બેઠા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ના દિવસે પુતિન રશિયાની સત્તાના કેન્દ્રમાં આવ્યા એનાં ૨૫ વર્ષ પૂરા થયાં. હજુ ગયા વર્ષે જ ફરીથી છ વર્ષ માટે પ્રમુખપદે ચૂંટાયા છે. રશિયામાં ચૂંટણી માત્ર કહેવા પૂરતી થાય છે એવું વિપક્ષના બચેલા નેતાઓ કહેતા રહે છે, પરંતુ એનાથી પુતિનને કોઈ ફરક પડતો નથી.
યેલ્તસિન વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેમણે પુતિનને કહેલું : 'રશિયાની સંભાળ રાખજે.'
પુતિને કદાચ આમ સમજ્યા લાગે છેઃ 'પ્રમુખપદની સંભાળ રાખજે!'