જ્યોર્જિયા મેલોનીની ચીન મુલાકાત : ઈટાલી બીઆરઆઈમાં ફરી જોડાય તેવી ચર્ચા
- વર્લ્ડ વિન્ડો
- બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ (બીઆરઆઈ) ચીનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 2023માં ઈટાલી એમાંથી બહાર નીકળી ગયું હતું. મેલોનીની ચીનયાત્રાથી ઈટાલી ફરી જોડાશે એવી અટકળો ચાલી છે
બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ ચીનના પ્રમુખ જિનપિંગનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પ્રાચીન સમયમાં ચીન અને યુરોપ વચ્ચે જે વેપારમાર્ગે હતો એને સિલ્ક રૂટ કહેવાય છે. એ સિલ્ક રૂટને ફરીથી ધમધમતો કરવાના નામે જિનપિંગે ૨૦૧૩માં બીઆરઆઈ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. સિલ્ક રૂટમાં આવતા દેશો વચ્ચે વેપાર વધશે એવી સૌને ફાયદો થશે એવું કહીને ચીન એમાં બધા દેશોને જોડે છે, પરંતુ ચીનનો છૂપો ઈરાદો કંઈક જુદો છે. આ રોડના માધ્યમથી વિદેશનીતિ મજબૂત બનાવવા ઉપરાંત આથક-લશ્કરી પહોંચ વધારીને દુનિયાનો શક્તિશાળી દેશ બનવાનો મૂળ ઈરાદો છે.
બીઆરઆઈ સામે સૌથી પહેલો વાંધો ભારતે ઉઠાવ્યો હતો. ભારતના પાડોશી દેશોની સરહદેથી ચીન આ પ્રોજેક્ટના બહાને સડક, રેલમાર્ગ અને જળમાર્ગ બનાવે તેનો ભારત પર કાયમ ખતરો રહે. ભારતના સીમાવર્તી વિસ્તારોમાં આ રૂટના કારણે ચીનની પહોંચ મજબૂત થાય તે યોગ્ય નથી એવું ભારતનું કાયમી સ્ટેન્ડ રહ્યું છે. ભારત ઉપરાંત અમેરિકા પણ બીઆરઆઈની તરફેણમાં નથી. અમેરિકાની એકથી વધુ થિંક ટેન્ક છેલ્લાં દસ વર્ષથી આ પ્રોજેક્ટને દુનિયા માટે જોખમ ગણાવે છે. ચીનની આર્થિક-રાજકીય મહત્ત્વાકાંક્ષાનો પડઘો આ પ્રોજેક્ટમાં પડે છે એ વાતે જી-૭ દેશો સહમત હતા. જી-૭માં અમેરિકા તો ખરું જ, એ સિવાય ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, કેનેડા, ઈટાલી અને યુરોપિયન સંઘને ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટમાં શંકા રહેતી આવે છે.
જોખમ અને સંદેહ વચ્ચે જી-૭ દેશોમાંથી ઈટાલીએ ૨૦૧૯માં બીઆરઆઈ પ્રોજેક્ટમાં જોડાવાની જાહેરાત કરી. તે વખતે ઈટાલીના વડાપ્રધાન હતા - ગિયુઝેપ્પે કોન્ટે. જિનપિંગ અને કોન્ટે વચ્ચે રોમમાં બીઆરઆઈ માટે ૨.૫ અબજ યુરોના કરારો થયા. ઈટાલી બીઆરઆઈમાં જોડાનારો જી-૭ દેશોનો પહેલો દેશ હતો. યુરોપિયન સંઘ, અમેરિકા, બ્રિટને રાજદ્વારી સ્ટેટમેન્ટ આપીને નારાજગી પણ વ્યક્ત કરી હતી. ઈટાલીનું અર્થતંત્ર તે વખતે સુસ્ત હતું. તેને દુરુસ્ત કરવા માટે કોન્ટે ચીનનું રોકાણ લાવવા ધારતા હતા. ચીની કંપનીઓ એ ગાળામાં ઈટાલીમાં રોકાણ કરવા માંડી હતી અને તેની વેસ્ટર્ન વર્લ્ડે ટીકા પણ કરી હતી. કોન્ટે ૨૦૨૧ સુધી વડાપ્રધાન રહ્યા. ત્યાં સુધી ઈટાલીમાં બીઆરઆઈના પ્રોજેક્ટ ચાલતા રહ્યા.
૨૦૨૨માં કટ્ટર જમણેરી નેતા જ્યોર્જિયા મેલોની ઈટાલીનાં વડાંપ્રધાન બન્યાં. તેમણે ૨૦૨૩માં બીઆરઆઈના પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી. આ પ્રોજેક્ટથી ઈટાલીને ખાસ આર્થિક લાભ થતો નથી એવું સત્તાવાર કારણ આપીને મેલોનીએ ચીન સાથે બીઆરઆઈ સહયોગ પર પૂર્ણવિરામ મૂકી દીધું. રાષ્ટ્રવાદના મુદ્દા આગળ કરીને સત્તામાં આવેલા મેલોનીનું આ પગલું ઈટાલી અને જી-૭ દેશો માટે અપેક્ષિત હતું.
પણ એમાં ટ્વિસ્ટ આ સપ્તાહે આવ્યો. જ્યોર્જિયા મેલોની ચીનની મુલાકાતે આવ્યાં હતાં. ચીનમાં બહુ જ ઉત્સાહભેર મેલોનીનું સ્વાગત થયું. મેલોની-જિનપિંગની મુલાકાત માટે સત્તાવાર એજન્ડા હતો - દ્વિપક્ષીય વેપાર. ઘણી ચીની કંપનીઓ ઈટાલીમાં અત્યારે પણ રોકાણ કરી રહી છે. ચીની કંપનીઓના ઈટાલીમાં જે ઓપરેશન્સ ચાલી રહ્યાં છે એમાં સરકારી રાહે કોઈ અવરોધો ન આવે અને બંને દેશો વચ્ચે સહયોગ વધે તે માટે કેટલાક કરારો પણ થયા. ચીન સાથે બીઆરઆઈ પ્રોજેક્ટ રદ્ કર્યા પછીય ઈટાલીને ચીનની જરૂર છે.
ઈટાલીમાં મેલોનીએ સત્તા સંભાળી તેને ઓલમોસ્ટ બે વર્ષ થયાં છે. બે વર્ષમાં મેલોની ધારણા પ્રમાણે રોજગારી સર્જી શક્યાં નથી. અર્થતંત્રમાં જોઈએ એવી તેજી આવી નથી. બે વર્ષ પછી હવે વિપક્ષો પણ ચૂંટણી વખતે થયેલા વાયદાઓને યાદ કરીને મેલોનીને ઘેરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે યુરોપમાં આમેય બધા દેશોના અર્થતંત્રને અસર થઈ છે. રશિયા સાથે દ્વિપક્ષીય વેપાર બંધ થતા તેનો ફટકો સૌને પડયો છે. એમાં ફ્રાન્સ-જર્મની-ઈટાલી જેવા યુરોપિયન સંઘના દેશો પણ બાકાત નથી. આ બધા જ દેશોને રશિયામાંથી ગેસનો પૂરવઠો મળતો હતો. રશિયા પર યુરોપિયન સંઘે પ્રતિબંધ મૂક્યો તે પછી ગેસની આયાતનો મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો. રશિયાએ તો ભારત-ચીન-ઈરાનનું વૈકલ્પિક માર્કેટ તલાશી લીધું એટલે ગેસની નિકાસ અટકાવીને યુરોપિયન સંઘ અને નાટોએ જેવો ફટકો પહોંચાડવાનું વિચાર્યું હતું એવો ફટકો ન પડયો, પણ યુરોપને ગેસના જે વિકલ્પો મળ્યા એ મોંઘા પડી રહ્યા છે. ફર્ટિલાઈઝર્સ, ગેસ, મેડિસીનની આયાત મોંઘી થતાં સરેરાશ મોંઘવારી વધી છે. ઈટાલીમાં આ બધા પ્રશ્નોએ માથું ઊંચક્યું છે અને એ દેશોની નજર ભારત-ચીન તરફ મંડાઈ છે. ચીન અને ભારતમાં ઈટાલિયન પ્રોડક્ટ માટેનું બજાર પણ ઈટાલી તલાશી રહ્યું છે.
તેના ભાગરૂપે મેલોનીએ વર્ષની શરૂઆતમાં જી-૨૦ માટે ભારતની મુલાકાત બાદ હવે ચીનની યાત્રા પણ કરી. ઈટાલી અને ચીન વચ્ચે ઈલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી, ઈન્સ્ટ્રિયલ ડેવલપમેન્ટ જેવા મહત્ત્વના કરારો થયા. ચીનની કંપનીઓએ ઈટાલીમાં વેપાર કરવાની કટિબદ્ધતા દર્શાવી છે. ઈટાલીમાં રોકાણ કરીને ચીન યુરોપના અન્ય દેશોમાં પણ પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે છે. અત્યારે યુરોપના ઘણા દેશોએ ચીનની મર્યાદિત પ્રોડક્ટ જ આયાત કરવાનું વલણ જાળવી રાખ્યું છે. ચીનમાં પ્રોડક્શન યુનિટ બનાવીને ચીન યુરોપમાં પગપેસારો કરવા ધારે છે. ચીન સસ્તાં ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ યુરોપમાં તલાશી રહ્યું છે અને એમાં ઈટાલી ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે. અત્યારે યુરોપિયન સંઘમાંથી ચીન માટે ઈટાલી એકમાત્ર મજબૂત સહયોગી છે. ઈન ફેક્ટ, યુરોપિયન સંઘ અને ચીનના સંબંધોમાં ઈટાલી મધ્યસ્થીની ભૂમિકામાં છે. તાજેતરમાં યુરોપિયન સંઘની ચૂંટણીમાં મેલોનીની પાર્ટીને સારી સફળતા મળી છે. યુરોપિયન સંઘમાં ઈટાલીનો દબદબો વધશે. યુરોપિયન સંઘ પર મેલોનીનો રાજકીય પ્રભાવ વધ્યો છે તેનો ફાયદો મેળવીને ચીન આખાય યુરોપમાં રશિયાનો વિકલ્પ બનવા માગે છે.
જિનપિંગ-મેલોનીની વાતચીતમાં સીધી રીતે અત્યારે બીઆરઆઈ પ્રોજેક્ટની ચર્ચા થઈ નથી, પણ જિનપિંગે આડકતરી રીતે બંને દેશો વચ્ચે આર્થિક અડચણો અને ગેરસમજો વાતચીતથી ઉકેલી શકાય છે એવું કહીને બીઆરઆઈમાં ઈટાલીની વાપસીની આશા ચોક્કસ વ્યક્ત કરી છે. મેલોનીએ બીઆરઆઈના નામે કોઈ ફોડ પાડયો નથી. આર્થિક સહયોગ વધારવાની વાત પર ભાર મૂક્યો છે. ચીન-ઈટાલી વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨માં ૧૫ અબજ ડોલર હતો. મેલોની પીએમ બન્યાં તે પછી એ વધીને ૨૦૨૩માં ૧૮ અબજ ડોલરે પહોંચ્યો છે. ૨૦૨૭ સુધીમાં આ વેપાર ૩૦ અબજ ડોલર પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
વેલ, મેલોની-જિનપિંગની મુલાકાતને ચીન-ઈટાલીના દ્વિપક્ષીય સંબંધોના રિલોંચિંગના રૂપમાં જોવાઈ રહ્યા છે. ચીન ઈટાલીને ફરીથી બીઆરઆઈમાં જોડીને યુરોપમાં આ પ્રોજેક્ટને પ્રસ્થાપિત કરવાની મથામણ કરશે. ઈટાલીના વલણ પર વેસ્ટર્ન વર્લ્ડની નજર રહેશે.