સાર્ત્ર અને સિમોનઃ અસ્તિત્ત્વવાદના પિતા અને ફેમિનિઝમની જનેતાની લવસ્ટોરી
- વાત-વિચાર-શિશિર રામાવત
- ફિલોસોફર જ્યોં-પોલ સાર્ત્ર અને મોડર્ન ફેમિનિસ્ટ સિમોન દ બુવ્વાએ નક્કી કર્યું કે આપણે લગ્ન વગર આજીવન સાથે રહીશું, આપણે મોનોગેમી (માત્ર એકબીજાનાં થઈને રહેવા)નું નાટક નહીં કરીએ. આપણને બન્નેને અન્યો સાથે રોમેન્ટિક સંબંધો બાંધવાની છૂટ!
જ્યોં-પૉલ સાર્ત્ર અને સિમોન દ બુવ્વા. એક અસ્તિત્ત્વવાદના પિતા એક બીજાં મોર્ડન ફેમિનિઝમની જનેતા. બન્ન પ્રખર બુદ્ધિશાળી, બન્ને અત્યંત પ્રભાવશાળી. સાર્ત્ર વીસમી સદીના મહાન ફિલોસોફર, જેમના અસ્તિત્ત્વવાદનો પ્રભાવ દુનિયાભરના વિચારકો અને કલાકારો પર પડયો. આજેય પડે છે. સિમોન દ બુવ્વા એટલે આધુનિક જમાનામાં નારીચેતનાને પ્રદીપ્ત કરનારાં જે પાયારૂપ નામો છે એમાંનાં મુખ્ય વ્યક્તિ. સાર્ત્રને ૧૯૬૪માં નોબલ પ્રાઇઝ એનાયત થયું, જેનો એમણે સૈદ્ધાંતિક કારણોસર અસ્વીકાર કર્યો હતો. સિમોન દ બુવ્વાને નોબલ પ્રાઇઝ તો ન મળ્યું, પણ ત્રણ-ત્રણ વાર એમનું નામ આ ઉચ્ચતમ પારિતોષિક માટે નોમિનેટ જરૂર થયું હતું. શું આવો મેધાવી પુરૂષ અને આવી વિદૂષી ફેમિનિસ્ટ નારી એકમેકનાં જીવનસાથી બની શકે? તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાય તો પણ તે ટકી શકે? આ બન્ને સવાલના જવાબ છેઃ હા. અતિ બુદ્ધિશાળી હોવું એટલે લાગણીના સ્તરે શુષ્ક હોવું એમ નહીં. અત્યંત પ્રતિભાવંત હોવું એટલે અનિવાર્યપણે સ્વકેન્દ્રી જીવન જીવવું એમ પણ નહીં. સાર્ત્ર અને સિમોનની લવસ્ટોરી એટલે જ આજના યુગની સૌથી અસાધારણ, સૌથી અનોખી અને સૌથી સફળ પ્રેમકથાઓમાંની એક ગણાય છે.
સાર્ત્ર અને સિમોનની પહેલી મુલાકાત થઈ ૧૯૨૯માં. બન્ને ફ્રાન્સની પ્રતિતિ યુનિવસટીમાં ફિલોસોફીનાં વિદ્યાર્થી. સાર્ત્ર ત્યારે ૨૪ વર્ષના, સિમોન ૨૧નાં. એક પરીક્ષામાં સાર્ત્રને હાયેસ્ટ માર્ક્સ આવ્યા, સિમોનને સેકન્ડ હાયેસ્ટ. છતાં પ્રોફેસરે ક્લાસમાં સિમોનના વધારે વખાણ કર્યા. એમણે સાર્ત્રને કહ્યુઃ 'જ્યોં, સિમોન તારા કરતાં ત્રણ વર્ષ નાની છે અને ફિલોસોફીના વિષયમાં આટલા બધા માર્ક્સ લાવનારી આ પહેલી છોકરી છે.' પ્રોફેસરે ન કહ્યું હોત તો પણ સાર્ત્રએ પારખી લીધું કે આ કોલેજમાં મારી બૌદ્ધિકતાને ટક્કર મારે એવું કોઈ હોય તો એ આ સિમોન જ છે.
આમ, સાર્ત્ર અને સિમોનના પ્રેમસંબંધની, અથવા કહો કે રોમેન્ટિક પાર્ટનરશિપની શરૂઆત ૧૯૨૯ના ઓક્ટોબર મહિનાથી જ થઈ ગઈ હતી. સાર્ત્ર દેખાવમાં ખાસ હેન્ડસમ નહોતા, પણ સિમોનને તો એની તીક્ષ્ણ બુદ્ધિમત્તાનું આકર્ષણ હતું. બન્ને કલાકો સુધી ફિલોસોફી, સાહિત્ય અને અસ્તિત્ત્વનાં જુદા જુદા પાસાં વિષે ચર્ચા કર્યાં કરે. સિમોને એક જગ્યાએ લખ્યું છે, 'મેં મારી આખી જિંદગીમાં જો સૌથી મહત્ત્વનું અને પરિણામકારક કોઈ કામ કર્યું હોય તો તે એ છે સાર્ત્રને મળવાનું!' પંદર વર્ષની ઉંમરથી સિમોનના મનમાં પોતાના હીરો અથવા ડ્રીમમેન કેવો હોવો જોઈએ તે વિશે સ્પષ્ટતા હતી. એમને એવા પુરૂષની ઝંખના હતી જેની સાથે પોતે કોઈ પણ પ્રકારના સંકોચ વગર, સામેનો માણસ મારા વિશે કેવું વિચારશે તેનો ડર રાખ્યા વગર બધ્ધેબધ્ધું શેર કરી શકે. બધું જ. સાર્ત્ર એવા જ પુરૂષ હતા. શરૂઆતથી જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે એમનો સંબંધ સંવાદના પાયા પર ઊભો રહેશે, શરીર કે સેક્સના પાયા પર નહીં. સાર્ત્ર અને સિમોન વચ્ચે સંવાદનો સેતુ આજીવન અકબંધ રહ્યો.
સિમોન સ્વભાવે વિદ્રોહી હતાં. તેઓ ખ્રિસ્તી ધર્મનો ત્યાગ તરૂણાવસ્થામાં જ કરી ચૂક્યાં હતાં. સમાજની પારંપરિક વ્યવસ્થાઓ સામે એમનો તીવ્ર વિરોધ હતો. તેથી જ સાર્ત્રએ જ્યારે એમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે સિમોને ના પાડી. લગ્નસંબંધમાં પ્રવેશી જતાં દંભ, જૂઠ, ઉપેક્ષા, છેતરપિંડી પ્રત્યે તો સાર્ત્રને પણ અણગમો હતો. તેથી લગ્નનનું બીબાઢાળ ફોર્મેટ અપનાવવાને બદલે બન્નેેએ અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે નક્કી કર્યું કે આપણે લગ્ન નહીં કરીએ, પણ આપણે એકમેકના સાથી બનીને રહીશું. આપણે મોનોગોમીનું (એટલે કે માત્ર અને માત્ર એકબીજાનાં જ થઈને રહેવાનું) નાટક નહીં કરીએ. બન્નેને અન્યો સાથે રોમેન્ટિક અને સેક્સ્યુઅલ સંબંધો બાંધવાની છૂટ. ફક્ત આ બે વસ્તુનું ચુસ્તીથી પાલન કરવાનું રહેશે - પારદશતા અને ઇમાનદારી. એકબીજાથી કશું જ છૂપાવવાનું નહીં. જેવા છીએ એવા જ એકબીજાની સામે આવવાનું! એમણે એકમેકને વચન આપ્યું કે આપણા સંબંધમાં ઇગો (અહંકાર)ને કોઈ સ્થાન નહીં હોય, કેમ કે માણસ પોતાનું ખરૃં સ્વરૂપ જાણવાનો ઉદ્યમ કરતો હોય ત્યારે આ અહંકાર જ સૌથી મોટો અવરોધ ઊભો કરતો હોય છે. તેમણે પ્રણ લીધું કે આપણે આપણા પ્રેમને શક્ય એટલા શુદ્ધતમ સ્વરૂપમાં જીવતો રાખીશું.
એવું જ થયું. સાર્ત્ર અને સિમોન વચ્ચે આ પરિપક્વ સમજણ આજીવન ટકી રહી. તેમણે ક્યારેય લગ્ન ન કર્યાં. તેઓ એક છત નીચે પણ ક્યારેય ન રહ્યાં. તેઓ રોજ પેરિસની કોઈ કોફી શોપમાં મળે, વાતો કરે, લખે, વાક માટે જાય અને પૂરેપૂરી પ્રામાણિકતાથી પોતાના જીવનમાં, પોતાનાં દિલ-દિમાગમાં શું ચાલી રહ્યું છે તેની રજેરજની વાતો શૅર કરે. બન્નેના જીવનમાં, અલબત્ત, અન્ય પાત્રો આવ્યાં જ. સાર્ત્રના જીવનમાં તો ઘણી સ્ત્રીઓ આવી. સિમોનના જીવનમાં જે પુરૂષો આવ્યા તેમાં નેલ્સન અલ્ગ્રેન નામના અમેરિકન લેખક મુખ્ય છે. નેલ્સન સાથેનો સિમોનનો સંબંધ દસેક વર્ષ ચાલ્યો હતો. સાર્ત્રની સ્ત્રીમિત્રોથી સિમોનને તકલીફ જરૂર થતી, પણ સાર્ત્ર અને સિમોન સાક્ષીભાવે જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરતાં. અહીં માલિકીભાવ નહીં, આઝાદી હતી. અહીં અપરાધભાવ નહીં, પણ ઇમાનદારી હતી. સાર્ત્ર હંમેશા કહેતા કે સિમોન અને મારો સંબંધ 'ઓથેન્ટિક લવ'નો છે, કાયમી છે, જ્યારે અમારા જીવનમાં જે અન્ય પાત્રો આવ-જા કરે છે એ બધાં તો આકસ્મિક છે. સાર્ત્ર અને સિમોનના સંબંઘ સતત સત્ત્વશીલ બની રહ્યો તેનું મુખ્ય કારણ સંભવતઃ એ હતું કે એમનો સંબંધ દેહ-આધારિત કે દેહકેન્દ્રિત ક્યારેય નહોતો. કદાચ તેમણે શરીરને કેવળ એક સાધન કે માધ્યમ તરીકે જોયું. તેમનો સંઘર્ષ અને પ્રયાસ કદાચ દેહભાવથી ઉપર ઉઠીને જીવનનાં ઉચ્ચતર મૂલ્યોને સમજવાનો ને પામવાનો રહ્યો.
અલબત્ત, સાર્ત્ર અને સિમોનની સમાજમાં ભરપૂર ટીકા થઈ જ. ફ્રાન્સના 'સંસ્કારી' સજ્જનો અને સન્નારીઓ એમની ઓપન રિલેશનશિપ જોઈને કાંપી ઉઠતાં, પણ આ યુગલનું કામ, એમની સિદ્ધિઓ એટલી વિરાટ હતી કે તેના પ્રકાશમાં બીજું બધું ગૌણ બની જતું. 'બિઈંગ એન્ડ નથિંગનેસ' (માનવીય ચેતના, ખયાલોનું ઘડતર, સામાજિક વિચારધારા, આત્મદ્રોહ, ફ્રી વિલ વગેરે વચ્ચે ચર્ચા કરતું સાર્ત્રનું સૌથી મહત્ત્વનું અસ્તિત્ત્વવાદી લખાણ), 'નૉશિયા' (નવલકથા), 'નો એક્ઝિટ' (નાટક) ઇત્યાદિ સાર્ત્રનાં પુસ્તકો, જ્યારે 'સેકન્ડ સેક્સ' (શી રીતે સદીઓથી સ્ત્રીઓનું શોષણ થતું રહ્યું છે અને એના સ્વતંત્ર વ્યક્તિત્ત્વને કુંઠિત કરવામાં આવ્યું છે તે વિશે સંભવતઃ સૌથી પહેલી વખત તીવ્રતાથી વાત કરતું પુસ્તક), 'ધ મેન્ડરિન્સ' (નવલકથા) વગેરે સિમોનનાં પુસ્તકો.
સિમોનનાં આત્મકથનાત્મક પુસ્તકો અને લખાણોમાં સાર્ત્રનું ન હોવું કલ્પી શકાતું નથી. બન્ને વચ્ચે વૈચારિક આદાનપ્રદાન એટલું ઘનિ રહ્યું છે કે સિમોનનાં પુસ્તકો અને એમનાં લખાણોની મૌલિકતા વિશે હંમેશા શંકાઓ ઉપસતી રહી. એવુંય કહેવાતું કે સિમોનનાં પુસ્તકોના ખરા લેખક તો સાર્ત્ર જ છે, સિમોનનું તો ફક્ત નામ છે. સિમોન બરાબર જાણતાં હતાં કે એમની પીઠ પાછળ આ પ્રકારની વાતો થઈ રહી છે.
સાર્ત્ર અને સિમોનનો સંબંધ ૧૯૮૦માં સાર્ત્રનું ૭૪ વર્ષની વયે મૃત્યુ થયું ત્યાં સુધી ટકી રહ્યો. પૂરાં ૫૧ વર્ષ! પાછલાં વર્ષોમાં સાર્ત્ર ખૂબ બીમાર રહેતા હતા ત્યારે સિમોને એમની ખૂબ સેવા કરી. સિમોને સાર્ત્ર સાથેના પોતાના અંતરંગ સંબંધની વાતો વિસ્તારપૂર્વક લખી છે. એક જગ્યાએ તેઓ લખે છેઃ 'સાર્ત્ર હવે બહુ લખી શકતા નથી, એ વાંચી પણ માંડ માંડ શકે છે, એમની દ્રષ્ટિ ક્ષીણ થઈ ગઈ છે ને એમને સંભળાય છે પણ ઓછું. ક્યારેક તેઓ સ્પષ્ટ બોલી શકતા નથી. આમ છતાંય તેમણે જરાય હિંમત હારી નથી ને એ ક્યારેય પોતાની જાતની દયા ખાતા નથી... એક વાર મેં એમને કહ્યું કે મેં તમને દિલના ઊંડાણથી કેટલો બધો પ્રેમ કર્યો છે. એમણે જવાબ આપ્યોઃ મને પ્રેમ મળ્યો છે એના કરતાં વધારે મેં પ્રેમ કર્યો છે... ' સિમોન એક પત્રમાં સાર્ત્રને લખે છેઃ 'તમે મારી જિંદગીની ક્ષિતિજ છો. હું માત્ર તમારા કારણે અને તમારા થકી જ જીવી છું. એક માત્ર તમારા લીધે જ મારું અસ્તિત્ત્વ સાર્થક થયું છે...'
સાર્ત્ર વહાલથી સિમોન દ બુવ્વાને 'બીવર' કહેતા. સાર્ત્ર છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે બોલ્યા હતા કે, 'આઇ લવ યુ વેરી મચ, માય ડિયર બીવર.' આ એમના છેલ્લા શબ્દો. લાગણીના ઉછાળથી સિમોન એટલા તરંગિત થઈ ગયાં હતાં કે શબ્દો તેમના ગળામાં અટવાઈ રહ્યા. તેઓ કશું ન બોલ્યાં. સાર્ત્રના ગયા પછી સિમોન છ વર્ષ વધારે જીવ્યાં. આ છ વર્ષમાં એમનું અંતિમ પુસ્તક પ્રગટ થયું - 'અડયુઃ અ ફેરવેલ ટુ સાર્ત્ર' સિમોનનું આ એક જ પુસ્તક એવું છે, જેમાં સાર્ત્રના ઇનપુટ્સ નથી...