આનંદસ્વરૂપ બનવા માટે માણસને યોગ વિના ચાલે તેમ નથી...
- વાત-વિચાર-શિશિર રામાવત
- અમેરિકાની મિલિટરી અને નેશનલ ઇન્સ્ટિટયુટ્સ ઓફ હેલ્થ જેવી વિરાટ સંસ્થાઓએ હવે યોગાભ્યાસને ગંભીરતાથી લઈ રહી છે, એટલું જ નહીં, તેની અજમાયશ પણ કરી રહી છે
સ્ટ્રેસ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો, શારીરિક, માનસિક કે સામાજિક સ્તરે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણું તન અથવા મન અથવા બન્ને ખાસ પ્રકારે પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા સામાન્યપણે ૦ફ્લાઇટ ઓર ફાઇટ૦ પ્રકારની હોય છે. એટલે કે કાં તો પરિસ્થિતિનો સામનો કરો અથવા ત્યાંથી નાસી જાઓ. આ પ્રતિક્રિયાને સ્ટ્રેસ કહે છે. ગુજરાતીમાં સ્ટ્રેસ એટલે માનસિક તાણ, ઉદ્વેગ.
ઘણી વાર શબ્દ પોતે તટસ્થ હોય, પણ એની સાથે પોઝિટિવ કે નેગેટિવ અર્થચ્છાયા જોડાઈ જતી હોય છે. જેમ કે 'ગંધ' શબ્દ સ્વયં તટસ્થ છે, તે સારી છે કે ખરાબ તે દર્શાવવા માટે 'સુગંધ' અને 'દુર્ગંધ' જેવા અલાયદા શબ્દો છે, પણ આપણે 'ગંધ' એટલે 'દુર્ગંધ' એવું લગભગ માની લીધું છે. સ્ટ્રેસનું પણ એવું છે. સ્ટ્રેસ પોતે તટસ્થ શબ્દ છે. સ્ટ્રેસના બે પ્રકાર છે. એક છે યુસ્ટ્રેસ. યુસ્ટ્રેસ એટલે સારો સ્ટ્રેસ, પોઝિટિવ સ્ટ્રેસ. આવી માનસિક તાણ તમને સર્જનાત્મક અને તંદુરસ્ત બનાવે, તમારી ક્ષિતિજોને વિસ્તારે. બીજો પ્રકાર છે ખરાબ સ્ટ્રેસ. તેના માટે 'ડિસ્ટ્રેસ' શબ્દ વપરાય છે. ડિસ્ટ્રેસથી માણસમાં નિરાશા અને ફ્રસ્ટ્રેશન પેદા થાય, એના શરીર પર માઠી અસર થાય વગેરે. આપણા રોજિંદા વ્યવહારમાં 'યુસ્ટ્રેસ' શબ્દનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. અરે, 'ડિસ્ટ્રેસ' શબ્દ પણ ઓછો વપરાય છે. આપણા માટે સ્ટ્રેસ એટલે જ ડિસ્ટ્રેસ.
આજે વાતવાતમાં સૌ સ્ટ્રેસ શબ્દનો છૂટથી ઉપયોગ કરે છે. શારીરિક-માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો, ઉપદેશકો અને ડાહ્યા માણસો જીવનમાંથી સ્ટ્રેસ ઓછો કરવાની વાતો સતત કરતા રહે છે. માનસિક તાણ ખૂબ વધી જાય ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન પેદા થાય. કોર્ટિસોલ પૂરેપૂરો ખલનાયક છે એવું નથી. અમુક શારીરિક ક્રિયાઓમાં કોર્ટિસોલ ઉપયોગી છે, પણ એની નેગેટિવ અસરો ઘણી છે. કોર્ટિસોલ જરૂર કરતાં વધી જાય એટલે શરીરનું વજન વધે, ઊંઘ ઘટે યા તો ઊંઘમાં ગરબડ થવા લાગે, મૂડ સ્વિન્ગ ખૂબ થાય, બ્લડ શુગરનું સંતુલન ખોરવાય, બોન ડેન્સિટી એટલે કે હાડકાંની ઘનતા ઓછી થાય, ચામડીને લગતી સમસ્યાઓ સર્જાય અને શરીરનું હોર્મોનલ બેલેન્સ પણ તૂટે. તેથી જ કોર્ટિસલ પર આપણે ચાંપતી નજર રાખવી પડે.
સ્ટ્રેસ કંઈ પશ્ચિમમાંથી ઇમ્પોર્ટ થયેલો કોન્સેપ્ટ નથી. આપણે ત્યાં મનુષ્યજીવને આનંદસ્વરૂપ કહ્યો છે. આનંદસ્વરૂપ હોવું એ મનુષ્ય માટે આદર્શ સ્થિતિ છે, આ આપણી સૌથી સહજ સ્થિતિ પણ છે, પણ આપણી ચિત્તવૃત્તિ આપણને આનંદની અવસ્થાથી દૂર લઈ જાય છે અને જીવનમાં અસંતુલન પેદા કરે છે. 'વેગ' એ પૂર્વના દર્શનનો શબ્દ છે. વેગ એટલે ગતિ. તેના પરથી 'ઉદ્વેગ' શબ્દ આવ્યો છે. ઉદ્વેગ એટલે જ સ્ટ્રેસ. અણધાર્યા કે અણગમતા પરિવર્તનને કારણે જે આપણું મન ક્રોધ, ફ્રસ્ટ્રેશન, ડર જેવા જે સાઇકોલોજિકલ રિસ્પોન્સ આપે છે તે ઉદ્વેગ છે, સ્ટ્રેસ છે.
...અને યોગ એ મગજને શાંત કરવાની અસરકારક વિધિ છે. યોગનાં મૂળિયાં પ્રાચીન યુગમાં, વેદો રચાયાં એનીય પહેલાંના સમયગાળામાં દટાયેલાં છે. યોગવિજ્ઞાન હજારો વર્ષોથી સતત પ્રસ્તુત રહ્યું છે ને આજે તો એનો મહિમા વિશ્વભરમાં ફેલાઈ ચૂક્યો છે. આમ છતાંય રોગચિકિત્સા માટે યોગસાધનાનો પ્રયોગ પ્રમાણમાં નવો છે. પશ્ચિમના સમાજની વૈજ્ઞાનિક તાસીર દરેક વાતના પૂરાવા માગે છે. તેથી જ યોગસાધના તન અને મન બન્નેના રોગોમાં થેરાપી તરીકે કેટલી અસરકારક છે તે વિશે વિશ્વભરમાં સતત સંશોધનો થયા કરે છે. આ એક સર્વસ્વીકૃત તથ્ય છે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ (એએનએસ) અને હાઇપોથેલામિક-પિટયુટરી એક્સિસ (એચપીએ)નું નિયમન કરવામાં યોગ પ્રેક્ટિસ મદદરૂપ થાય છે. આ બન્ને સ્ટ્રેસ રિસ્પોન્સ સિસ્ટમ છે. સ્ટ્રેસ આપણા જીવનનું અનિવાર્ય અનિષ્ટ છે, પણ જો સ્ટ્રેસની અવસ્થા વધારે પડતી ખેંચાય તો એચપીએ અને એએનએસ આ બન્ને સિસ્ટમ ખોરવાવા માંડે, જે કારણે શરીર અને મન બન્નેની બીમારીઓનું કારણ બની શકે.
યોગનું ન્યુરો સાયન્સ સમજવા જેવું છે. યોગ પ્રેક્ટિસથી મગજનું સ્ટ્રક્ચર (માળખું) અને કાર્યશૈલી બન્ને પર હકારાત્મક અસર થાય છે તે પૂરવાર થઈ ચૂકેલી બાબત છે. મગજના જે અંગો પર યોગનો સુંદર પ્રભાવ પડે છે તેમાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એમીગ્ડેલા અને હિપ્પોકેમ્પસ જેવાં અંગો ઉપરાંત ડિફોલ્ટ મોડ નેટવર્ક (ડીએમએન)નો સમાવેશ થઈ ગયો. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો સીધો સંબંધ માણસની નિર્ણયો લેવા અને લક્ષ્ય નક્કી કરવા જેવી ક્ષમતા, કે જે સૌથી ઊંચા સ્તરની કોગ્નિટિવ એબિલિટીઝ ગણાય છે, તેની સાથે છે. સ્ટ્રેસ અને અન્ય નકારાત્મક લાગણીઓ વધી જાય તો મગજના આ અંગની આ ક્ષમતાઓ પર માઠી અસર પડે. ડિફોલ્ટ મોડ નેટવર્ક શું કરે છે? એકની એક વાત વિચાર-વિચાર કરવી, મનનું આમતેમ ભટક્યા કરવું - મનના આ વર્તનની સંબંધ ડિફોલ્ટ મોડ નેટવર્ક સાથે છે. આજકાલે જેણે બહુ ઉપાડો લીધો છે તે એડીએચડી (અટેન્શન ડિફિસીટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર) ઉપરાંત ડિપ્રેશનનો સંબંધ પણ આ ડિફોલ્ટ મોડ નેટવર્ક સાથે જ છે.
અગાઉ નોંધ્યું તેમ, યોગના થેરાપ્યુટિક પાસા અંગે સતત સંશોધનો થતાં જ રહે છે. અમેરિકાની પહેલી રિસર્ચ યુનિવર્સિટી તરીકે જેની નામના છે એવી જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ અગિયાર જેટલા યોગ સંબંધિત સ્ટડીની સમીક્ષા કરી છે. તેમાં કહેવાયું છે કે સાંધાના દુખાવા અને આર્થરાઇટિસથી પીડાતા દર્દીઓને હળવા યોગાસનોથી નિશ્ચિતપણે ફાયદો થાય છે. નિયમિતપણે યોગસાધના કરવાથી હૃદયરોગના દર્દીઓને ખૂબ ફાયદો થાય છે તે તો જાણીતી હકીકત છે. હાઇ બ્લડ પ્રેશર અને શરીરના વધારે પડતા વજનથી પરેશાન લોકો માટે પણ યોગાસનોનો અભ્યાસ લાભદાયી નીવડયો છે. અસંખ્ય અભ્યાસો પરથી પૂરવાર થયું છે કે ઓસ્ટિયોપેનિયા (હાડકાંની ઘનતા ઓછી થઈ જવી), ઓન્કોલોજી (ટયુમરનું વિજ્ઞાન અને સારવાર) અને મહિલાઓને થતી અમુક બીમારીઓમાં યોગસાધનાથી ઘણો લાભ થાય છે.
યોગનું ન્યુરો સાયન્સ સમજવા જેવું છે. યોગ પ્રેક્ટિસથી મગજનું સ્ટ્રક્ચર (માળખું) અને કાર્યશૈલી બન્ને પર હકારાત્મક અસર થાય છે તે પૂરવાર થઈ ચૂકેલી બાબત છે. મગજના જે અંગો પર યોગનો સુંદર પ્રભાવ પડે છે તેમાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એમીગ્ડેલા અને હિપ્પોકેમ્પસ જેવાં અંગો ઉપરાંત ડિફોલ્ટ મોડ નેટવર્ક (ડીએમએન)નો સમાવેશ થઈ ગયો. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો સીધો સંબંધ માણસની નિર્ણયો લેવા અને લક્ષ્ય નક્કી કરવા જેવી ક્ષમતા, કે જે સૌથી ઊંચા સ્તરની કોગ્નિટિવ એબિલિટીઝ ગણાય છે, તેની સાથે છે. સ્ટ્રેસ અને અન્ય નકારાત્મક લાગણીઓ વધી જાય તો મગજના આ અંગની આ ક્ષમતાઓ પર માઠી અસર પડે. ડિફોલ્ટ મોડ નેટવર્ક શું કરે છે? એકની એક વાત વિચાર-વિચાર કરવી, મનનું આમતેમ ભટક્યા કરવું - મનના આ વર્તનની સંબંધ ડિફોલ્ટ મોડ નેટવર્ક સાથે છે. આજકાલે જેણે બહુ ઉપાડો લીધો છે તે એડીએચડી (અટેન્શન ડિફિસીટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર) ઉપરાંત ડિપ્રેશનનો સંબંધ પણ આ ડિફોલ્ટ મોડ નેટવર્ક સાથે જ છે.
અમેરિકાની મિલિટરી અને નેશનલ ઇન્સ્ટિટયુટ્સ ઓફ હેલ્થ જેવી વિરાટ સંસ્થાઓએ હવે યોગાભ્યાસને ગંભીરતાથી લઈ રહી છે, એટલું જ નહીં, તેની અજમાયશ પણ કરી રહી છે. પશ્ચિમનું વેલિડેશન મળે એટલે આપણે રાજી રાજી થઈને ગુલાંટીયા મારવા માંડીએ તે દિવસો ગયા. તેમ છતાં વિશ્વસ્તરે ભારતીય યોગવિજ્ઞાનને જે રીતે ઉત્તરોત્તર સ્વીકૃતિ મળી રહી છે તે જોઈને આનંદ તો થાય જ.