રાજકીય નેતા અને ઉદ્યોગપતિ વચ્ચેના સંબંધની કક્ષા કેવી હોવી જોઈએ?
- વાત-વિચાર-શિશિર રામાવત
- ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શક્ય નહોતું, પણ આ બન્ને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. તેથી જ તેઓ ગાંધીજીના આર્થિક મહાબાહુ હોવાનું સન્માન મેળવી શક્યા.
- ગાંધીજી ધનિકોને કહેતા કે તમારું ધન ભલે વારસાગત હોય કે તમારી ખુદની બુદ્ધિ અને મહેનતનું ફ્ળ હોય, એક વાત હંમેશાં યાદ રાખવી કે આ ધન કેવળ તમારા એકલાનું નથી. આ ધનનો એક હિસ્સો દરિદ્રો માટે અને સમાજકલ્યાણનાં કાર્યો માટે વપરાવો જ જોઈએ. તમારે તમારાં ધનના ટ્રસ્ટી બનવાનું છે
- ગાંધીજી
- ઘનશ્યામદાસ બિરલા
- જમનાલાલ બજાજ
સત્તાધારી રાજકારણી અને ધનાઢય ઉદ્યોગપતિ વચ્ચેની હૂંફાળી નિકટતાને આજે આપણે વક્ર દ્રષ્ટિએ જોઈએ છીએ, પણ એક જમાનામાં ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ જેવા અતિશ્રીમંતો મહાત્મા ગાંધીથી ખૂબ નજીક હતા. ખેર, એ જમાનો જુદો હતો, એ માણસો જુદા હતા, એમની માટી જુદી હતી અને અને એમના ઈરાદા જુદા હતા. બિરલા ગૂ્રપને ઊંચાઈ પર લઈ જનાર હસ્તી એટલે ઘનશ્યામદાસ બિરલા (જન્મ: ૧૮૯૪, મૃત્યુ: ૧૯૮૩). ટાટા અને બિરલા - આ બે અટકો આપણા દેશમાં રૂઢિપ્રયોગ બની ગઈ છે, પુષ્કળ ધનસંપત્તિના માલિક્ હોવાના અર્થમાં. અંબાણી તો પછી આવ્યા. ૧૯૨૬માં સ્થપાયેલા બજાજ ગૂ્રપનું નામ ભલે ટાટા-બિરલા-અંબાણીની સાથે એક શ્વાસમાં ન લઈ શકય, પણ તે ભારતીય ઉદ્યોગજગતનું એક મહત્ત્વનું નામ છે.
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શકય નહોતું, પણ આ બંને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. દેશની આઝાદી માટે તેમણે શબ્દશ: લોહી નહીં પણ ધન વહાવ્યું હતું, જેનું મહત્ત્વ ઓછું આંકવા જેવું નથી. બિરલા અને બજાજ ગાંધીજીના આર્થિક મહાબાહુ હતા. એક અંદાજ પ્રમાણે ઘનશ્યામદાસ બિરલાએ આઝાદી પહેલાં તત્કાલીન કોંગ્રેસ અને ગાંધીજીને એ જમાનાના કુલ વીસ કરોડ રૂપિયા જેટલી આર્થિક સહાય કરી હતી. એવું કહેનારાય હતા કે બિરલાએ ખરેખર તો દેશપ્રેમના નામે કોંગ્રેસ કનેક્શનનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધાર્યો હતો. આ થિયરીનો છેદ ઉડાડી દેતી દલીલ એ છે કે જો ફેવર જ જોઈતી હોત તો ઘનશ્યામદાસ બિરલાએ જવાહરલાલ નહેરુ સાથે પનારો પાડયો હોત, ગાંધી સાથે નહીં. હકીકત એ હતી કે ૧૯૪૭થી ૧૯૬૪ દરમિયાન દેશના વડાપ્રધાન રહેલા નહેરુજી ટાટાથી વિશેષ નિકટ હતા, બિરલાઝ સામાન્યપણે નહેરુથી અંતર જાળવતા.
ગાંધીજી સાથે ઘનશ્યામદાસ બિરલાને પુષ્કળ પત્રવ્યવહાર થયો હતો. બાપુએ જાતે લખેલા પહેલાં જ પત્રમાં, બિરલાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી ગતિવિધિઓ માટે મોકલાવેલા પાંચ હજાર રૂપિયા બદલ આભાર માન્યો છે. બાપુએ આ જ પત્રમાં ઘનશ્યામદાસ બિરલાને તબિયત જાળવવાનું અને 'મારે તમારી પાસેથી ઘણું વધારે કામ લેવું છે' એવા મતલબનું લખાણ પણ લખ્યું છે. ગાંધીજી સાથે થયેલા પત્રવ્યવહારને ઘનશ્યામદાસ બિરલાએ પછી 'બાપુ: અ યુનિક એસોસિયેશન' શીર્ષક હેઠળ ચાર ભાગમાં પ્રકાશિત કર્યો હતો.
જમનાલાલ બજાજ (જન્મ: ૧૮૮૯, મૃત્યુ: ૧૯૪૨) તો ગાંધીજીનો પાંચમો દીકરો કહેવાયા છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા ફર્યા તે પહેલાં જ જમનાલાલના મનમાં એમના પ્રત્યે આદરભાવ પેદા થઈ ચૂકયો હતો. બાપુએ સ્વદેશાગમન કર્યા બાદ કોચરબ આશ્રમમાં નિવાસ કર્યો એ અરસામાં જમનાલાલ એમના નિકટના પરિચયમાં આવ્યા. એક દિવસ જમનાલાલે માગણી કરી: બાપુ, મને તમારા પાંચમા પુત્ર તરીકે સ્વીકારો! બાપુએ ઉલટભેર એમના પ્રેમભાવનો સ્વીકાર કર્યો.
જમનાલાલની ઇચ્છા હતી કે ગાંધીજી વર્ધામાં આશ્રમ સ્થાપીને ત્યાં જ નિવાસ કરે, કેમ કે ભૌગોલિક રીતે વર્ધા ભારતની મધ્યમાં પડે અને અમદાવાદની તુલનામાં વર્ધાથી દેશના કોઈપણ હિસ્સામાં આવવું-જવું આસાન સાબિત થાય. ગાંધીજી જોકે તે વખતે અમદાવાદનો આશ્રમ છોડી શકે તેમ નહોતા, પણ એમણે વિનોબાને આશ્રમ વિકસાવવાનું કામ જરૂર સોંપ્યું હતું. ૮ એપ્રિલ ૧૯૨૧માં વિનોબા છ સાથીઓ સાથે વર્ધા આવ્યા અને વિધિવત આશ્રમનું ઉદઘાટન કરેલું.
૧૯૩૦માં દાંડીકૂચ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞાા લીધી હતી કે કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના અમદાવાદ આશ્રમમાં પાછો નહીં ફરું. વર્ધા પાસે સેવાંગ નામના ગામમાં જમનાલાલ બજાજની જમીન હતી, જે તેમણે ગાંધીજીને દાનમાં આપી દીધી હતી. દાંડીકૂચ પછી ગાંધીજી આ ગામમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરીને રહૃાા. ગાંધીજીની ઉપસ્થિતિને લીધે વર્ધા રાષ્ટ્રીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું હતું. ગાંધીજીને મળવા આવતા દેશભરના નેતાઓનો ઉતારો વર્ધામાં જમનાલાલની ઘરે રહેતો. વર્ધાના સંકુલમાં ગોપુરીની વસાહતમાં જ જમનાલાલનું ઘર હતું. આઝાદીના જંગનું કોઈપણ આંદોલન કે રચનાત્મક પ્રવૃત્તિનો શુભારંભ વર્ધાથી થવા લાગ્યો. જમનાલાલ બજાજ આ પ્રવૃત્તિઓ માટે છૂટથી ધન ખરચતા. સમજોને કે જમનાલાલ બાપુના ભામાશા બની ગયેલા. એમનાં પત્ની જાનકીદેવીએ પણ ગાંધીજીના સુધારાવાદી વિચારો અપનાવ્યા હતા. જમનાલાલ બજાજ એટલી હદે ગાંધીમય બની ગયા હતા કે ગૌસેવા, નઈ તાલીમ, ગ્રામોદ્યોગ, મહિલાશ્રમ, હરિજનસેવા, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે જેવાં કાર્યોમાં એમનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ મહત્ત્વનું સાબિત થતું.
વર્ધામાં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરીને તેમાં એમણે હરિજનોનો પ્રવેશ કરાવ્યો હતો. ગાંધીબાપુને 'નવજીવન' સામયિક હિન્દીમાં પ્રકાશિત કરવાનો આગ્રહ કરનારા પણ જમનાલાલ જ હતા. ગાંધીજીએ એમની વાત માની પણ ખરી. ભારત ગૌસેવા સંઘના પ્રમુખ તરીકે જમનાલાલ વર્ષો સુધી સેવા સક્રિય રહૃાા હતા.
ગાંધીજી ધનિકોને કહેતા કે તમારું ધન ભલે વારસાગત હોય કે તમારી ખુદની બુદ્ધિ અને મહેનતનું ફ્ળ હોય, એક વાત હંમેશાં યાદ રાખવી કે આ ધન કેવળ તમારા એકલાનું નથી. આ ધનનો એક હિસ્સો દરિદ્રો માટે અને સમાજકલ્યાણનાં કાર્યો માટે વપરાવો જ જોઈએ. તમારે તમારા ધનના ટ્રસ્ટી બનવાનું છે.
જમનાલાલ બજાજે ગાંધીજીની ટ્રસ્ટીશિપની આ સંકલ્પનાને પૂર્ણપણે અપનાવી લીધી હતી. ધનસંપત્તિથી તેઓ આશ્ચર્ય થાય એટલી હદે નિસ્પૃહ રહી શકતા હતા. ખુદ ઘનશ્યામદાસ બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, 'જમનાલાલ બજાજના વ્યકિતત્વનું સૌથી મોટી પાસું ધન પ્રત્યેની તેમની ઉદાસીનતા હતી. ખુદને માટે પૈસા ખર્ચવામાં તેઓ અત્યંત કૃપણ હતા. તેમની રહેણીકરણી સાદી અને કરકસરયુકત હતી.'
જમનાલાલ બજાજે માત્ર બાવન વર્ષની વયે દેહ છોડયો. દેશની આઝાદી જોવાનું તેમના નસીબમાં નહોતું. પોતાના વસિયતનામામાં તેઓ લખી ગયા હતા કે મારી સંપત્તિનો ત્રણ ચતુર્થાંશ (એટલે કે પોણો) ભાગ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ કામ કરતી પ્રવૃત્તિઓ પાછળ વાપરવો. ગાંધીજીએ જમનાલાલ બજાજને પોણા ત્રણસો જેટલા પત્રો લખ્યા હતા. કાકાસાહેબ કાલેલકરે તેનું સંપાદન કરીને તે પુસ્તક સ્વરૂપે છપાવ્યું હતું. આ પુસ્તકને એમણે નામ આપ્યું -'પાંચમા પુત્રને બાપુના આશીર્વાદ'.