Get The App

નવું વર્ષ, નવા વિચાર : કમ્પ્યુટર અને દિમાગના ભંડકિયાની સાફસફાઈ કરવાનો અવસર

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
નવું વર્ષ, નવા વિચાર : કમ્પ્યુટર અને દિમાગના ભંડકિયાની સાફસફાઈ કરવાનો અવસર 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- નવું વર્ષ આવે એટલે મન લેખાંજોખાં કરવા લાગે છે. શું શું કરવા ધાર્યું હતું આ વીતી ગયેલા વર્ષમાં અને છેલ્લાં બે-પાંસ-સાત-દસ વર્ષોમાં? એમાંનંુ કેટલું થઈ શકયું? ધાર્યા મુકામે પહોંચી શકાયું? કેવી રહી યાત્રા? જ્યાં પહોંચવું હતું તે ગંતવ્યસ્થાન હજુ એટલું જ દૂર છે? કેમ પાછળ રહી ગયા?

લો, ચાર દિવસ પછી ૨૦૨૫નું વર્ષ બેસી જવાનું. નવું વર્ષ આવે એટલે નવા સંકલ્પો કરવાની 'ફેશન' છે. નવા સંકલ્પો કરતાં પહેલાં કમસે કમ માનસિક બાવાજાળાં દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. સમયની સાથે ઘણું બધું બિનજરૂરી જમા થતું જતું હોય છે - પછી એ મગજની બખોલ હોય કે કમ્પ્યુટર હોય. જો તમને કમ્પ્યુટર પર કામ કરવાની ટેવ હશે તો આ વર્ષ દરમિયાન તમે કંઈકટેલાય ફોલ્ડર અને ફાઇલો બનાવ્યાં હશે. કેવું કેવું જમા થયું હોય છે કમ્પ્યુટરના અને દિમાગના પટારામાં? 

વચ્ચે તમને જિમમાં જઈને એકસરસાઈઝ કરવાનું અને જોગિંગ-રનિંગનું ભૂત વળગ્યું હતું ત્યારે મોટા ઉપાડે 'માય ફ્ટિનેસ રૂટિન' નામની રીતસર એક એક્સેલ ફાઈલ બનાવી હતી. સવારે કેટલા વાગે ઊઠયા, પેટ બરાબર સાફ થયું કે નહીં, જિમમાં જઈને શું ઉકાળ્યું, કેટલું દોડયા-ચાલ્યા ને એવી બધી વિગતો તમે તારીખ-વાર સહિત ભારે ચીવટથી કોઠામાં ભરતા હતા. તમે જુઓ છો કે શરૂઆતના વીસ-પચ્ચીસ દિવસ તો ગાડી સરસ ચાલી હતી, પણ પછી ઠાગાઠૈયા શરૂ થઈ ગયા હતા. ધીમે ધીમે અઠવાડિયાના સાતમાંથી ત્રણ દિવસ જિમ જવાનું, પછી બે દિવસ, એક દિવસ... ને બે-અઢી મહિના પછી બધું બંધ. કેમ ફિટનેસનો ક્રેઝ ઉતરી ગયો? યાદ કરો. તમે કશુંક કારણ શોધી કાઢો છો, પણ તમે જાણે છો કે આ બધાં બહાનાં છે, માત્ર બહાનાં! ન ચાલે. પહેલી જાન્યુઆરીથી એકસરસાઈઝ પાછી ચાલુ! આ છે તમારો નવા વર્ષનો પહેલો સંકલ્પ. 

...અને આ શું? તમારા કમ્પ્યુટરાઈઝડ પટારામાંથી તમને એક મસ્તમજાનું ફોલ્ડર હાથ લાગે છેઃ 'માય અપકમિંગ પ્રોજેકટ્સ'! ફોલ્ડર પર કિલક કરીને તમે જુઓ છો કે તમે કેટલાંય ક્રિયેટિવ કામના વિષયો તૈયાર કરી રાખ્યા હતા. અમુક વિષયો પર તો તમે થોડું ઘણું કામ પણ કરી નાખ્યું હતું. ઓહ, આમાંનું કેટલુંક તો સાવ ભુલાઈ જ ગયેલું. અચાનક તમારું ક્રિયેટિવ દિમાગ ગરમાટો અનુભવવા લાગે છે. અહા! આ કામો તો આજે પણ એટલા જ એકસાઈટિંગ અને રિલેવન્ટ છે. કયારે અંજામ આપીશું આ બધા 'અપકમિંગ પ્રોજેકટ્સ'ને? લાઈફમાં જ્યારે આટલું બધું કરવાનું હજુ બાકી છે ત્યારે ફાલતું બાબતોમાં સમય વેડફવાનો સવાલ જ કયાં ઊભો થાય છે? હાનિકારક નેગેટિવ વિચારો કરી કરીને માનસિક ઉર્જા ખર્ચી જ શી રીતે શકાય?

આપણે સૌએ પોતપોતાનાં ક્ષેત્ર પ્રમાણે અમુક 'કરવાં જેવાં કામ' વિચારી રાખ્યાં હોય છે, જબરા પેશન સાથે યોજનાઓ ઘડી હોય છે, ભવિષ્યનો નકશો દોર્યો હોય છે, સપનાં જોયાં હોય છે, મહત્ત્વાકાંક્ષા સેવી હોય છે. શકય છે કે સમયની સાથે આમાંનું કેટલુંક અથવા ઘણું બધું વિસરાઈ ગયું હોય. નવું વર્ષ આવે એટલે મન લેખાંજોખાં કરવા લાગે છે. શું શું કરવા ધાર્યું હતું આ વીતી ગયેલા વર્ષમાં અને છેલ્લાં બે-પાંસ-સાત-દસ વર્ષોમાં? એમાંનંુ કેટલું થઈ શકયું? ધાર્યા મુકામે પહોંચી શકાયું? કેવી રહી યાત્રા? કે પછી, જ્યાં પહોંચવંુ હતું તે ગંતવ્યસ્થાન હજુ એટલું જ દૂર છે? કેમ પાછળ રહી ગયા? હજુય શું થઈ શકે તેમ છે? જેના માટે એક સમયે દિલ-દિમાગ તીવ્ર આવેગ અનુભવતા હતાં એવા કોઈપણ પ્રોજેકટ-યોજના-સપનાં પર હંમેશ માટે ચોકડી મારી દેવી જરૂરી છે? શા માટે હથિયાર હેઠાં મૂકી દીધાં છે? હાર માની લીધી છે? હજુય કયાં મોડંુ થયું છે? 

* * *

સંકલ્પ ડગે, પ્રમાદ વધે અને અશિસ્ત પાછો ઉપાડો લે ત્યારે મરયમ મિર્ઝાખાની જેવી હસ્તીઓને યાદ કરી લેવી જોઈએ. મરયમ (મરિયમ નહીં, સ્પેલિંગ અનુસાર નામનો ઉચ્ચાર મરયમ થાય છે) એકવીસમી સદીનાં એક તેજસ્વી ગણિતશાી અને રિસર્ચર હતાં, જેમણે ગણિતના ક્ષેત્રનો સૌથી પ્રતિતિ ગણાતો ફિલ્ડ્સ મેડલ પ્રાપ્ત થયો હતો. હાઇપરબોલિક જ્યોમેટ્રી, એર્ગોડિક જ્યોમેટ્રી અને સિમ્પલેક્ટિક જ્યોમેટ્રીમાં મરયમે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. મરયમ વિશે વાત કરતી વખતે ભૂતકાળ એટલા માટે વાપરવો પડે છે કે માત્ર ૪૦ વર્ષની કાચી ઉંમરે, ૨૦૧૭માં, એમનું નિધન થઈ ગયું હતું. 

મરયમનો કિસ્સો શી રીતે પ્રેરણાદાયી છે? ઘણી બધી રીતે. સૌથી પહેલાં તો મરયમ ઇરાનિઅન હતાં. ઇરાન જેવા રૂઢિચુસ્ત દેશમાં જન્મેલી અને ઉછરેલી એક મહિલા ગણિત જેવા ક્ષેત્રમાં વિશ્વસ્તરની સિદ્ધિઓની શૃંખલા સર્જી દે તે નાનીસૂની વાત નથી. બીજું, મરયમનું જીવન માત્ર અને માત્ર ગણિતને વરેલું નહોતું, તેમને એક પતિ અને એક મીઠડી દીકરી બન્ને હતાં. ઘરપરિવારને સંભાળતાં સંભાળતાં તેઓ અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવસટીમાં ગણિતના પ્રોફેસર તરીકે કામ કરતાં હતાં. પ્રોફેસર હો, બાંધેલી નોકરી હોય ને નિયમિત પગાર મળતો હોય એટલે ટાઇમટેબલ પ્રમાણે ક્લાસરૂમમાં લેક્ચર લઈને ઘરે જતું રહેવાનું એમ નહીં, મરયમ સતત મેથેમેટિકલ રિસર્ચમાં રચ્યાંપચ્યાં રહેતાં. એમનાં રિસર્ચ પેપર્સ દુનિયાના સૌથી પ્રતિતિ જર્નલ્સમાં છપાતાં કરતાં. ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત - મરયમ એક કેન્સર પેશન્ટ હતાં. ૩૬ વર્ષની ઉંમરે એમને ખબર પડી કે એમને બ્રેસ્ટ કેન્સર થયું છે. આમ છતાંય તેમની કર્મનિામાં કશો જ ફરક ન પડયો. ગણિતના ક્ષેત્રમાં અનન્ય સિદ્ધિ મેળવનારને ફિલ્ડ્સ મેડલ આપવાની શરૂઆત છેક ૧૯૩૬માં થઈ હતી. આ સન્માન મેળવનાર મરયમ સૌથી પહેલાં અને ૨૦૧૭માં તેઓ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી એક માત્ર મહિલા હતાં.  

મજા જુઓ. મરયમ સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે એમનામાં ગણિતમાં સારા માર્ક્સ આવતા નહોતા! અરે, એક વાર એમના ગણિતના શિક્ષકે તો સ્પષ્ટ કહી દીધું હતું કે મરયમ, મેથ્સમાં તો તારૂં મગજ જરાય ચાલતું નથી! મરયમે ત્યારે વિચારેલું કે મોટી થઈને હું લેખિકા બનીશ. તેઓ ખૂબ બધાં પુસ્તકો વાંચતા. સદભાગ્યે બીજા જ વર્ષે ગણિતના શિક્ષક બદલાઈ ગયા ને આખી બાજી પલટાઈ ગયા. આ નવા શિક્ષકની ગણિત ભણાવવાની શૈલી એટલી સુંદર હતી કે મરયમને ગણિતમાં રસ પેદા થયો ને તેઓ એક પછી એક ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ જીતવા લાગ્યાં. શિક્ષકોનો આપણા જીવન પર કેવો તીવ્ર પ્રભાવ પડતો હોય છે...

તહેરાનની શેરિફ યુનિવસટી ઓફ ટેકનોલોજીમાંથી મરયમ ગણિતમાં સ્નાતક બન્યાં ત્યાં સુધીમાં તેમના ત્રણ પેપર પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં. પછી તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવસટીમાં એડમિશન લીધું. 'સિમ્પલ જીઓડેસિક્સ ઓન હાઇપરબોલિક સરફેસીસ એન્ડ વોલ્યુમ ઓફ ધ મોડયુલી સ્પેસ ઓફ કર્વ્સ' વિષય પર થિસીસ લખીને ૨૦૦૪માં પીએચડી થયાં. પછી પ્રિન્સ્ટન યુનિર્વસિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યાં. અહીં એમની મુલાકાત જેન વોન્ડ્રેક નામના એક ચેકોસ્લોવેકિઅન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ સાથે થઈ, જેમણે અપ્લાઇડ મેથેમેટિક્સમાં પીએચડી કર્યું હતું. બન્ને પરણ્યાં. ૨૦૦૮માં મરયમે સ્ટેન્ફર્ડ યુનિવસટીમાં ગણિતનાં પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ને ૨૦૧૧માં દીકરીને જન્મ આપ્યો. દીકરીનું નામ એમણે શું પાડયું? અનાહિતા! 

મરયમ કર્વ્ડ સ્પેસીસ પર રિસર્ચ કરી રહ્યાં હતાં, જે દીકરીના જન્મ પછી પણ અવિરત ચાલતું રહ્યું. એ ઘણી વાર ફ્લોર પર મોટી મોટી શીટ્સ પાથરીને એના પર ગ્રાફ બનાવતાં હોય ને ગાણિતીક સંજ્ઞાાઓ લખતાં હોય. આ જોઈને નાનકડી અનાહિતા કહેતીઃ મારી મમ્મી પેઇન્ટિંગ કરે છે! 

જિંદગી જ્યારે પર્સનલ અને પ્રોફેશનલ સ્તરે ભરપૂર જીવાઈ રહી હતી ત્યારે એમને ખબર પડી કે એમને કેન્સર થઈ ગયું છે. આમ છતાંય હિંમત હાર્યા વગર કેન્સરની અત્યંત પીડાદાયક સારવાર વચ્ચે તેઓ પોતાનું રિસર્ચ વર્ક કરતાં રહ્યાં. તેઓ કદી નિષ્ક્રિય બન્યા નહીં. જીવનના સાવ અંતિમ તબક્કા સુધી, કેશહીન થઈ ગયેલા મસ્તક સાથે, તેઓ જુદી જુદી કોન્ફરન્સ અને સેમિનારમાં ભાગ લેતાં, વકતવ્યો આપતાં, કોલેજમાં લેક્ચર લેતાં. એમના ઉત્સાહ, એનર્જી, પેશન અને સંકલ્પશક્તિનું કેન્સરનું દરદ કશું બગાડી ન શક્યંુ. મરયમ માત્ર ઇરાનની સ્ત્રીઓ કે ગણિતના ક્ષેત્રમાં રિસર્ચ કરનારાઓ માટે જ નહીં, પણ સૌ કોઈને માટે એક રોલમોડલ છે. 

૨૦૨૫માં કરવા જેવો સંકલ્પ હોય તો તે આ છેઃ હું મરયમની જેમ કોઈ પણ શારીરિક, માનસિક કે કૌટુંબિક સ્થિતિને મારી મર્યાદા બનવા નહીં દઉં. હું સહેજ પણ ઢીલા પડયા વિના જીવનની અંતિમ ક્ષણ સુધી મારા લક્ષ્ય તરફ ગતિ કરતો રહીશ... 


Google NewsGoogle News