Get The App

પ્રકૃતિનાં તત્ત્વોનો આદર ન કરતાં મનુષ્યપ્રાણીઓનું આવી બનવાનું છે

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
પ્રકૃતિનાં તત્ત્વોનો આદર ન કરતાં મનુષ્યપ્રાણીઓનું આવી બનવાનું છે 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- આ સ્ટબલ બનગ શું છે? પરાળી કઈ ચિડીયાનું નામ છે? ખબર છે કે એને બાળવાથી ખૂબ સમસ્યા પેદા થાય છે છતાંય તેના પર બ્રેક કેમ લાગતી નથી? કેમ આ વાષક સંકટ ટળવાનું નામ લેતું નથી?

શિયાળાએ આવું-આવું કર્યું નથી ને પંજાબ-હરિયાણા-દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને હો-હો ને દેકારો થયો નથી. શિયાળાનો પદસંચાર થતાં જ, રિપીટ ટેલિકાસ્ટની જેમ, સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર 'સ્ટબલ બનગ'ના સિઝનલ ચીસોટા પડવા લાગે છે. સ્ટબલ બર્નિંગ એટલે કે પરાળીનું બળવું અને ભયંકર વાયુ પ્રદૂષણ વચ્ચે સીધો સંબંધ છે. શું છે આ સ્ટબલ બનગ? પરાળી કઈ ચિડીયાનું નામ છે? ખબર છે કે એને બાળવાથી ખૂબ સમસ્યા પેદા થાય છે છતાંય તેના પર બ્રેક ંકેમ લાગતી નથી? કેમ આ વાષક સંકટ ટળવાનું નામ લેતું નથી?

સ્ટબલ અને પરાળીની સાથે ત્રીજો એક શબ્દ ઉછળતો રહે છે. તે છે પેડી. આ ત્રણેય એકમેકથી નિકટના શબ્દો છે. પેડી એટલે ડાંગર. ડાંગરના બીજમાંથી ફોતરાં દૂર કરવાથી જે દાણા મળે તે ચોખા. સ્ટબલ યા તો પરાળી એટલે આ ફોતરાં, અને ડૂંડાંની નીચેનો નકામો ભાગ. ખેતરમાં મશીન દ્વારા ચોખાની લણણી થાય ત્યારે ડૂંડાં કપાઈ જાય, પણ તેની નીચેનાં બે-ત્રણ ફૂટ જેટલો છોડ (ઠૂંઠું) ત્યાં જ જમીનમાં ખોડાયેલા રહી જાય. આ ડાંગરના પાકનો નકામો હિસ્સો છે. પંજાબના ખેડૂતો માટે બે સિઝન મહત્ત્વની છે - મેથી સપ્ટેમ્બર અને નવેમ્બરથી એપ્રિલ. નવેમ્બરમાં પંજાબી ખેડૂતો સામાન્યપણે ચોખા અને શાકભાજી વાવે છે. રોપણી કરતાં પહેલાં ખેતરોને સ્વચ્છ કરવા પડે. તે માટે ડાંગરનાં પેલા ડૂંડાંની નીચેનો બચેલો ભાગ - કહો કે ડાંગરના અવશેષો,  જેને પરાળી કહે છે - તેને નષ્ટ કરવા પડે, કે જેથી તે જમીનન પર નવેસરથી વાવણી થઈ શકે. ખેડૂતો ડાંગરના પેલા અવશેષોને સળગાવી મૂકે છે... અને આ જ છે પંજાબ-હરિયાણા-દિલ્હી એનસીઆરમાં આ સિઝનમાં અત્યંત હાનિકારક પ્રદૂષણ પેદા કરતો મેઇન વિલન! 

પરાળીને સળગાવી મૂકવાનું કામ સામાન્યપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બર દરમિયાન ચાલે છે. નવેમ્બરના પહેલા સપ્તાહથી લઈને ડિસેમ્બરના મધ્યભાગ સુધી ચોખા, શાકભાજી ઈત્યાદિની રોપણીનું કામ ચાલે છે. સમસ્યાનું મૂળ અહીં છેઃ ચોખાની લણણી કરવી અને પછી નવો પાકની રોપણી કરવી - આ બેની વચ્ચે ખેડૂતોને માંડ બેથી ત્રણ સપ્તાહનો સમયગાળો મળે છે. ખેડૂતોએ ૧૦થી ૧૫ દિવસમાં ચોખાના પાકની રોપણી કરી નાખવી પડે છે. 

પંજાબ અને હરિયાણામાં આશરે ૪.૮ મિલિયન હેક્ટર જમીન પર ડાંગર ઉગાડવામાં આવે છે.  પરાળીને સળગાવી મૂકવાનું સૌથી વધારે કિસ્સા પંજાબમાં બને છે. તે પછી હરિયાણા અને ઉત્તરપ્રદેશનો ક્રમ આવે છે. નવી સિઝનમાં પાકની વાવણી કરતાં પહેલાં ખેતરને સાફસૂથરું કરી નાખવું અત્યંત આવશ્યક છે. ડાંગરના ઠૂંઠાં અને ફોતરાંના કચરાને, અથવા કહો કે પરાળી નામે ઓળખાતા બિનઉપયોગી જથ્થાનો ઝડપથી નાશ કરવાનો સૌથી સસ્તો કોઈ ઉપાય હોય તો આ જ છે - એને સળગાવી મૂકવાનો.

આ કુપ્રથા કંઈ પેઢીઓથી ચાલી આવતી નથી. થોડા દાયકા અગાઉ પરાળી જનાવરોને ચારામાં ખવડાવી દેવામાં આવતું હતું. કાં તો પછી ખેતરમાં જે-તે જમીન પર જ માટીમાં તેને ભેળવી દેવામાં આવતું. અગાઉ પરાળીને કંઈ બાળવામાં નહોતું આવતું. કમસે કમ અત્યારે જે માત્રામાં બાળવામાં આવે છે એટલું તો નહીં જ. ગરબડની શરૂઆત થઈ ૧૯૯૦ના દાયકાથી. બે વસ્તુ બની. એક તો, જમીનનાં પાણીને ખેંચી કાઢવા માટે જરૂર પડતી ઇલેક્ટ્રિસિટીને સાવ મફત અથવા ખૂબ ઊંચી સબસિડીવાળી કરી દેવામાં આવી. પંજાબમાં ૧૯૯૭થી કૃષિ ક્ષેત્રે વિજળી ૧૯૯૭થી મફત છે, જ્યારે હરિયાણામાં સબસિડાઇઝ્ડ છે. સિંચાઈ સરળ થઈ જવાથી બન્ને રાજ્યોમાં ડાંગરની ખેતીમાં જોરદાર ઉછાળો આવ્યો. ચોખાનું ઉત્પાદન વધ્યું તો તેની સાથે સાથે પરાળીના નિકાલની પળોજણ પણ વધી. 

બીજું, ચોખાની ખેતી ખૂબ મહેનત માગી લે છે. ચોખાના ઉત્પાદનની સાથે સાથે ખેતમજૂરોની ડિમાન્ડ પણ વધી. ખેતમજૂરોના વિકલ્પ રૂપે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર જેવાં મશીનો દેખાવા લાગ્યાં. અગાઉ કહ્યું તેમ, ખાટલે મોટી ખોડ એ છે કે આ મશીનો લણણી કરે ત્યારે પાકનો ઉપરનો ભાગ (ડૂંડું) જ કાપીને એકઠો કરે છે. ડૂંડાંની નીચેનો બે-ત્રણ ફૂટ જેટલો ભાગ (સ્ટબલ, પરાળી) જમીન એમનો એમ ખોડાયેલો રહી જાય છે. આ નકામા ઠૂંઠાંને સાગમટે કેવી રીતે દૂર કરવા? જવાબ સ્પષ્ટ છેઃ સળગાવી મારો! ખેતમજૂરો લણણી કરતા હોય તો તેઓ પાકને છેક જમીનથી ઉખાડીને દૂર કરે છે. ડૂંડાં દૂર કર્યા પછી બાકી બચેલો ભાગ ખેતરના એક ખૂણે પડયો પડયો શાંતિથી ડીકમ્પોસ્ટ થયા કરે. સમયની સાથે બધું બદલાયું. ખેતમજૂરોની જગ્યાએ મશીનો દેખાવાં લાગ્યાં ને પરાળીના નિકાલની સમસ્યા વધવા લાગી.  

પરાળી એમ જ સળગી મરતી હોત તો કશોય વાંધો નહોતો, પણ સમસ્યા એ છે કે જ્યારે તેનું દહન થાય છે ત્યારે તે કાર્બન મોનોક્સાઇડ, મિથેન, કાર્સિનોજેનિક પોલિસાઇક્લિડ હાઇડ્રોકાર્બન્સ, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (વીઓસી) જેવા અત્યંત હાનિકારક વાયુઓ હવામાં છોડે છે. આ વાયુઓ વાતાવરણમાં ફેલાઈ જાય છે, જેના પરિણામે હવાની ગુણવત્તામાં ભયંકર બગડે છે. આવી હવા શ્વાસ વાટે લોકોના શરીરમાં જાય એટલે તેમના સ્વાસ્થ્યનું આવી બને છે. વાત માત્ર માનવપ્રાણીઓના સ્વાસ્થ્ય પર અટકતી નથી. જમીનના જે ટુકડા પર પરાળીને આગ ચાંપવામાં આવે છે ત્યાં માટીમાં રહેલાં નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ જેવાં ઉપયોગી પોષક તત્ત્વો નાશ પામે છે. જમીનમાં વસતા બેક્ટેરિયા, ફુંગી, ઈયળ વગેરે જેવા માઇક્રોઓર્ગેનિઝમ્સનું બહુ મહત્ત્વ હોય છે. પરાળીને આંગ ચાંપવામાં આવે એટલે જમીનમાં વસતા આ જીવોનો પણ નાશ થાય. સરવાળે જમીનની ફળદ્રુપતા પર ખૂબ માઠી અસર થાય. મીડિયામાં જોકે વાયુ ્પ્રદૂષણ પર જ વધારે ફોકસ થાય છે. 

સહેજે સવાલ થાય કે સ્ટબલ બાળવાથી આટલી બધી સમસ્યાઓ થાય છે તો વૈકલ્પિક ઉપાયો કેમ અજમાવવામાં આવતા નથી? ઇન ફેક્ટ, ગયા દશકામાં સરકારના સ્તરે વૈકલ્પિક ઉપાયો અજમાવવામાં આવ્યા હતા. તકલીફ એ હતી કે જમીનમાં ઊભેલા ઠૂંઠાંનો નાશ કરવા માટે હેવી મશીનરીનો ઉપયોગ કરવો પડતો હતો. વળી, તેમાં સમય પણ પુષ્કળ લાગતો હતો. આ મેથડ અપનાવવા માટે ખેડૂતે જાતજાતનાં કાગળિયાં કરવા પડતાં હતાં. દેખીતું છે કે આ બધું ખેડૂતોને માફક ન જ આવે. સમયની મારામારી હોવાથી ખેડૂતોએ નછૂટકે પરાળીને સળગાવી મૂકવાનું પસંદ કર્યંુ.  

નિષ્ણાતો, અલબત્ત, પોતપોતાની રીતે સૂચનો કહેતા રહે છે. એક સૂચન એવું છે કે ડાઇરેક્ટ રાઇસ સીડીંગ (ડીએસઆર) સિસ્ટમ અપનાવવી. ડાંગરની એવી જાત ઉગાડવી જે જલદી ઊગી જાય અને ડાંગરનાં ઠૂંઠાં અને ફોતરાંનો ડાંગરની જ્યાં વાવણી થઈ હોય તે જ જગ્યાએ નિકાલ કરવો. પીઆર-૧૨૬ અને પીબી-૧૫૦૯ નામે ઓળખાતી ડાંગરની જાતની ડાઇરેક્ટ રાઇડ સીડીંગ સિસ્ટરથી વાવણી કરવામાં આવે તો તે ૧૧૦થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. પરિણામે ખેડૂતોને લણણી પછી પરાળીનો નિકાલ કરવા માટે ૫૦ દિવસ જેટલો સમય મળી રહે.  

નિષ્ણાતોનું કહેવું છે કે વાવણી માટે ડાઇરેક્ટ રાઇસ સીડીંગ પદ્ધતિનો સરકાર દ્વારા જ પ્રચાર થવો જોઈએ. તે માટે જરૂર પડે તો પ્રિઝર્વેશન ઓફ સબસોઇલ વોટર એક્ટ-૨૦૦૯માં ફેરફારો કરવા જોઈએ. અરે, આ પદ્ધતિ અપનાવનાર ખેડૂતને પ્રતિ એકર પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવી જોઈએ. સરકારે ચોખા પ્રોક્યોર (પ્રાપ્ત) કરવાની કાર્યવાહીનો પ્રારંભ ૧૫ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધીમાં કરી દેવો જોઈએ કે જેથી પરાળીના નિકાલની પળોજણ શિયાળાના આગમનના ઠીક ઠીક સમય પહેલાં પૂરી થઈ જાય. 

સ્ટબલ બર્નિંગના મામલામાં પંજાબમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ઠીક ઠીક પ્રગતિ થઈ છે. ૨૦૨૧ની સાલમાં ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન પંજાબમાં પરાળીને સળગાવી મૂકવાના ૧૯૪૬ કેસ નોંધાયા હતા. આ આંકડો ઘટતો ઘટતો ૨૦૨૨ની સાલમાં ૧૨૩૮ કેસ,  ૨૦૨૩ની સાલમાં ૧૩૮૮ કેસ અને ૨૦૨૪ની સાલમાં ૧૧૧૩ કેસ પર પહોંચી ગયો હતો. સામે પક્ષે હરિયાણામાં ઊલટું થયું. અહીં છેલ્લાં બે વર્ષ દરમિયાન સ્ટબલ બર્નિંગના કેસ વધી ગયા છે. 

સૂચનો તો ઘણાં થાય છે, સરકારી રાહે નિયમો પણ બને છે, પણ અમલ થતો નથી ને દિલ્હી વાયુ પ્રદૂષણથી આંતકિત થતું રહે છે. હજુ થોડા દિવસો પહેલાં જ સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ખખડાવી નાખી હતી. અદાલતે કહ્યું કે સ્ટબલ બર્નિંગને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ભયજનક હદે વધી જાય છે તેવી પૂરેપૂરી જાણકારી હોવા છતાં આ બન્ને રાજ્યોની સરકારો અસરકારક પગલાં કેમ ભરતી નથી? 

દેશનું પાટનગર બિચારૃં જાતજાતનાં પ્રદૂષણોનો એકધારો માર ખાઈ રહ્યું છે. જોઈએ, ક્યારે એની ગ્રહદશા સુધરે છે. 


Google NewsGoogle News