Get The App

બિલિયોનેર બા : ઇલોન મસ્કનાં ૭૬ વર્ષીય માતુશ્રીનું જોશ યુવાનોને શરમાવે એવું છે...

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
બિલિયોનેર બા : ઇલોન મસ્કનાં ૭૬ વર્ષીય માતુશ્રીનું જોશ યુવાનોને શરમાવે એવું છે... 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- 'નાનપણથી મેં જોયું છે કે મારી મા (મેય મસ્ક) સતત કંઈક ને કંઈક કરતી જ હોય છે. મેં સ્વીકારી લીધું છે કે મારી મા બધું જ કરી શકે છે. ક્યારેક મને થાય કે એની હવે ઉંમર થઈ, મારે એની પાસેથી હવે ઓછી અપેક્ષાઓ રાખવી જોઈએ, પણ ત્યાં એ એવું કંઈક કરી બતાવે કે હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું. શી ઇઝ અનસ્ટોપેબલ!'

- મેય મસ્ક

જ્યારથી ઇલોન મસ્કે અમેરિકાની થોડા દિવસો પહેલાં જ આટોપાયેલી મહાચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો ટેકો આપવા મેદાનમાં ઉતર્યા હતા ત્યારથી મિસ્ટર મસ્ક એકધારા ન્યુઝમાં આવી રહ્યા છે. (સવાલ એ છે કે ઇલોન મસ્ક ન્યુઝમાં ક્યારે નથી હોતા?) ખેર, અત્યારે આપણે દુનિયાના આ સૌથી ધનિક વ્યક્તિની નહીં, પણ એમનાં સગાં માતુશ્રીની વાત કરવી છે. નામ છે એમનું મેય મસ્ક. એમની ઉંમર હાલ ૭૬ વર્ષ છે, પણ કોઈની હિંમત છે કે કોઈ એને ડોસીમા કહીને બોલાવે! ના, એટલે નહીં કે એમનો દીકરો બહુ 'મોટો માણહ' છે, પણ એટલા માટે એમનું પોતાનું વ્યક્તિત્ત્વ એટલું સ્ટ્રોન્ગ છે કે તમામ ઉંમરના લોકોને એમની પાસેથી બે સારી વાત લઈ શકે. 

આ ઉંમરે મોટા ભાગની વૃદ્ધાઓને સીધા ચાલવામાંય તકલીફ થતી હોય છે ત્યારે મેય મસ્ક પ્રતિષ્ઠિત 'સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ'ના મુખપૃષ્ઠ પર ચમક્યાં હતાં અને તે પણ સ્વિમ સૂટમાં. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં જન્મેલાં ને ઉછરેલાં  મેય મસ્કે તરૂણ વયે મોડલિંગ શરૂ કરી દીધું હતું. એકવીસ વર્ષની વયે મિસ સાઉથ આફ્રિકા બ્યુટી કોન્ટેસ્ટમાં ફાયનલિસ્ટ બન્યાં. આજે જીવનના આઠમા દાયકામાં એ અમેરિકાનાં ટોપ મોડલ છે. એ ન્યુટ્રિશનિસ્ટ પણ છે. એમની પાસે બબ્બે યુનિવર્સિટીઓની માસ્ટર્સ ડિગ્રી છે. ન્યુટ્રિશન પર વર્કશોપ લેવા તેઓ દુનિયાભરના દેશોમાં જાય છે. 

ઇલોન મસ્કની બહેન ટોસ્કા મસ્ક કહે છે, 'નાનપણથી મેં જોયું છે કે મારી મા સતત કંઈક ને કંઈક કરતી જ હોય છે. મેં સ્વીકારી લીધું છે કે મારી મા બધું જ કરી શકે છે. ક્યારેક મને થાય કે એની હવે ઉંમર થઈ, મારે એની પાસેથી હવે ઓછી અપેક્ષાઓ રાખવી જોઈએ, પણ ત્યાં એ એવું કંઈક કરી બતાવે કે હું આશ્ચર્યચકિત થઈ જાઉં. શી ઇઝ અનસ્ટોપેબલ!'

મેય મસ્કે બાવીસ વર્ષની ઉંમરે ઇરોલ મસ્ક નામના ચાર્મિંગ એન્જિનીયર સાથે લગ્ન કરી લીધાં હતાં. તેમને ત્રણ સંતાનો થયાં - સૌથી મોટો ઈલોન, વચેટ કિંબલ અને સૌથી નાની દીકરી ટોસ્કા. લગ્ન પછી પતિદેવનું પોત પ્રકાશ્યું. પતિ-પત્ની એકલાં હોય ત્યારે જ નહીં, પણ ઇરોલ બધાની સામે પણ પત્નીને કહ્યા કરતો કે તું તો સાવ ડોબી છે, તું ભૂંડીભૂખ દેખાય છે ને તું એક નંબરની બોરિંગ બાઈ છે. એક ટિપિકલ નાર્સિસ્ટિક પુરૂષની જેમ એ સતત મેયને કંટ્રોલ કર્યા કરે, એના આત્મવિશ્વાસ પર ઘા કર્યા કરે. પોતાની આત્મકથા 'અ વુમન મેક્સ અ પ્લાનઃ એડવાઇસ ફોર લાઇફટાઇમ ઓફ એડવન્ચર, બ્યુટી એન્ડ સક્સેસ'માં તો મેયે એવું પણ લખ્યું છે કે મારો વર મારી સાથે ધોલધપાટ પણ કરી લેતો. એટલી હદે કે એક વાર એણે જીવ બચાવીને પાડોશીના ઘરે નાસી જવું પડયું હતું અને ઇરોલ હાથમાં ખુલ્લી છરી લઈને એને શોધતો નીકળ્યો હતો. 

લગ્નનાં નવ વર્ષ પછી મેય અને ઇરોલ મસ્કના ડિવોર્સ થઈ ગયા. તે વખતે ઇલોન મસ્ક નવ વર્ષના હતા. ઇરોલ પૈસાદાર હતો. છૂટાછેડા થયા ત્યારે એની પાસે બે ઘર, એકે પ્રાઇવેટ પ્લેન, એક યૉટ અને પાંચ લક્ઝરી કાર હતી. ત્રણેય સંતાનોની કસ્ટડી માને મળી. ડિવોર્સ પછી મેય સંતાનોને લઈને પ્રિટોરીયા છોડીને ડર્બન શહેર  જતાં રહ્યાં હતાં. એમને સાવ પાંખી આર્થિક મદદ મળતી હતી એટલે બે-ત્રણ નોકરીઓ કરવી પડે. એક બાજુ એમણે પાછું મોડલિંગ શરૂ કર્યંુ, બીજી બાજુ એ ડાયેટિશિયન તરીકે નોકરી કરે અને રાત્રે ભણવા બેસે, કારણ કે તેઓ ન્યુટ્રિશનલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માગતાં હતાં.  રજાઓમાં છોકરાંવ બાપના ઘરે જાય ત્યારે પેલો જાણીજોઈને પોતાની ધનસંપત્તિથી એમને આંજી દેવાની કોશિશ કરે. બચ્ચાઓને શું ખબર પડે? તેઓ પાછા મા પાસે આવે ત્યારે પિતાને ત્યાં જે વૈભવી ચીજો જોઈ હતી એની માગણી કરે. મેય તે અપાવી ન શકે એટલે ઇરોલ વારે વારે કોર્ટમાં કેસ કરેઃ મારી એક્સ-વાઇફમાં સંતાનોને ઉછેરવાની ત્રેવડ નથી, માટે એમની કસ્ટડી મને સોંપી દેવામાં આવે. મેય કહે છે, 'ડિવોર્સ થઈ ગયા પછી પણ મારા સંતાપનો અંત નહોતો આવ્યો. મને સતત ફફડાટ રહેતો હતો કે હું છોકરાંવનું પેટ નહીં ભરી શકું તો શું થશે?'

૧૯૮૦ના દાયકામાં મેયે દક્ષિણ આફ્રિકા છોડીને કેનેડા જતા રહેવાનો નિર્ણય કર્યો ત્યારે એમની પાસે પૂરા હજાર ડોલર પણ ન હતા. ટોરોન્ટો જેવા શહેરમાં ત્રણ નાનાં બાળકો સાથે સેટલ થવાનું સહેલું હતું. ફરી પાછું બધું એકડે એકથી શરૂ થયું. નાનકડા ઘરમાં ભાડે રહેવાનું, નાની નાની નોકરીઓ કરવાની. સંતાનો માનો સંઘર્ષ જોઈ શકતાં હતાં. એને સહાયરૂપ થવા તરૂણ વયનો ઇલોન મસ્ક સવારે છાપાં નાખવા જાય, કિંબલ અને ટોસ્કા પાર્ટ-ટાઇમ કામ કરે. 

ઇલોન અઢાર વર્ષના થયા ત્યારે પોતાના બાપ પાસે આવી ગયા. થોડા મહિના પછી કિંબલ પર બાપ પાસે આવી ગયો. જોેકે માને છોડીને પિતા પાસે જતા રહેવાના નિર્ણય બદલ ઇલોન મસ્કને હંમેેશા અફસોસ રહ્યો છે. બાપ-દીકરા વચ્ચેના સંબંધો સતત કથળતા ગયા, જે ક્યારેય ઠીક ન થયા. ઇલોન મસ્કે તો ત્યાં સુધી કહ્યું છે કે મારો બાપ ભયંકર માણસ છે. એક માણસ જે કોઈ ભયાનક કૃત્યો કરી શકે તે બધાં જ કામ મારા બાપે એની લાઇફમાં કર્યાં છે. ઇરોલ મસ્ક, અફ કોર્સ, મેય મસ્ક અને ઇલોન મસ્કના આક્ષેપોને ખોટા ગણાવીને ફગાવી દે છે. મા-દીકરો ઇરોલ વિશે જે કહે છે એમાંથી કેટલું સાચું છે ને કેટલું ખોટું છે તે આપણે જાણતા નથી. લોહીના કે ઘનિષ્ઠ સંબંધોનું સત્ય સંબંધિત વ્યક્તિઓ જ જાણતી હોય છે. એમાંય પાછું સૌ-સૌનું 'સત્ય' અલગ અલગ હોય છે!  

ખેર. ધીમે ધીમે મેયની ડાયેટિશિયન તરીકેની એની કરીઅર સરસ જામી ગઈ. દરમિયાન દીકરો ઇલોન પણ એન્ત્રોપ્રિન્યોર બની ગયો ને નાણાંમાં નહાવા લાગ્યો હતો. મેયની કારકિર્દીમાં અણધાર્યો વણાંક આવ્યો પ્રોઢાવસ્થાએ, અને તે પણ મોડલિંગના ક્ષેત્રમાં. પચાસ વર્ષની ઉંમરે મેયે નક્કી કર્યું કે ના, હવેથી હું મારા વાળને કલર નહીં કરૃં. એ ધોળા થઈ ગયા છે તો શું થઈ ગયું? એ કહે છે, 'ખરેખર તો મારે આ નિર્ણય બહુ વહેલા લઈ લેવાની જરૂર હતી. ચાંદી જેવા સફેદ વાળને કારણે જ મને મોટી મોટી ગ્લોબલ બ્રાન્ડ્સની એડ કેમ્પેઇન્સ મળવા લાગી. યુરોપની કેટલીય એજન્સીઓએ મને સાઇન કરી અને શૂટ કે રેમ્પ વૉક માટે મને દેશ-વિદેશના કેટલાંય શહેરોમાં જવાનો મોકો મળ્યો.'

'ટાઇમ', 'વૉગ' અને 'એલ' જેવાં હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ મેગેઝિનોનાં મુખપૃષ્ઠો પર મેય મસ્કની ગ્લેમરસ તસવીરો ચમકી છે. મોડલિંગ અને ફેશન એટલે અઢાર-વીસ વર્ષની ફૂટડી છોકરીઓ - આવી જે માન્યતાઓ ઘર કરી ગઈ હતી તે મેય મસ્કે તોડી પાડી. મેય મસ્કની ગણના આજે સાચા અર્થમાં એક ટોચની મોડલ તરીકે થાય છે. 

મેય મસ્ક પોતાના પીડાદાયી લગ્ન અને છૂટાછેડાના સંદર્ભમાં કહે છે, 'જો પરિસ્થિતિ સુધરવાની જ ન હોય તો વહેલી તકે બહાર નીકળી જાઓ. પછી ભલે તમને ફદિયુંય મળવાનું ન હોય.' આજે તો મેયનાં ત્રણેય સંતાનો અબજોપતિ છે. ઇલોન મસ્ક તો દુનિયાનો સૌથી વધારે નાણું ધરાવતો અબજોપતિ છે જ (આજની તારીખે એની પાસે ૩૧૪ બિલિયન ડોલરની સંપત્તિ છે), નાનો ભાઈ કિંબલ મસ્ક (કે જે ધ કિચન રેસ્ટોરાં ગુ્રપનો માલિક છે) અને બહેન ટોસ્કા મસ્ક (કે જે ફિલ્મો, ટીવી સિરીયલો અને ઓટીટી શોઝ પ્રોડયુસ તેમજ ડિરેક્ટ કરે છે) પણ બિલિયોનેર છે. 

ડિવોર્સ લીધા બાદ મેય મસ્કે પુનર્લગ્ન ન કર્યાં. સંતાનો નાનાં હતાં ત્યારે - અને સમજણાં થયા પછી પણ - મેય મસ્કે ક્યારેય એમનાં માથાં પર સતત ઘુમરાતાં રહીને 'આ કર ને આ ન કર' એવી સલાહો આપી નથી. નાનપણથી જ એમણે સંતાનોને પોતાના નિર્ણયો જાતે લેવા દીધા છે. ઇલોન મસ્ક પર પોતાની માતાનો તીવ્ર પ્રભાવ છે. એ કહે છે, 'એક સિંગલ મધર તરીકે મારી મા એકસાથે ત્રણ-ચાર નોકરીઓ કરતી, પણ જીંદગી પ્રત્યેનો પોઝિટિવ એટિટયુડ એણે ક્યારેય ઢીલો પડવા નહોતો દીધો. એણે ક્યારેય પોતાના વિચારો કે મર્યાદાઓ અમારા પર થોપ્યાં નથી. એક વાર નક્કી કરી લીધા પછી લક્ષ્ય સિદ્ધ કરવા માટે મચી પડવાનો અને વર્ક એથિક્સ જાળવી રાખવાનો ગુણ મારામાં મારી મધરમાંથી ઉતર્યો છે.'

મેય મસ્ક કહે છે, 'મારી તો સૌને એક જ સલાહ છે કે બીજાઓ પ્રત્યે ભલમનસાઈ રાખો, એમને સાંભળો અને હંમેશા જોરમાં રહો. ભૂતકાળનાં દુખડાં ગા-ગા નહીં કરવાનાં. આત્મવિશ્વાસ દેખાડો, બીજાઓમાં રસ લો, બીજાઓને માન આપો અને હસતા રહો. લોકો તમારા તરફ આપોઆપ આકર્ષાશે.'

સત્ય વચન. 


Google NewsGoogle News