કબીરને ઓળખવા માટે થોડાક કબીર જેવા હોવું પડે...

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
કબીરને ઓળખવા માટે થોડાક કબીર જેવા હોવું પડે... 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- 'કેટલા કબીર થઈ ગયા? જવાબ છે, ઘણા બધા. તમે એકાદ-બે કબીરને ઓળખો છો એટલું જ. દરેક કબીર પોતાના કબીર હોવાની ઉદ્ઘોષણા કરે તે જરૂરી નથી. વળી, આપણામાં એવી ક્ષમતા પણ ક્યાં છે કે આપણી સામેથી કોઈ કબીર પસાર થઈ જાય તો આપણે એને ઓળખી સુધ્ધાં શકીએ? કબીરને ઓખળવા માટે દ્રષ્ટિ જોઈએ.'

'હું કબીરસાહેબનો ફેનબોય છું!'

આચાર્ય પ્રશાંત જેવી વ્યક્તિ ભારે ગર્વ સાથે, આનંદપૂર્વક આવું નિવેદન આપે ત્યારે ધ્યાનપૂર્વક સાંભળવું પડે. ભારતના સમકાલીન આધ્યાત્મિક નક્શા પર આચાર્ય પ્રશાંતનું નામ છેલ્લાં કેટલાક વર્ષોમાં તીવ્રતાથી ઉપસી આવ્યું છે. સામાન્ય રીતે 'આચાર્ય' વિશેષણ કાને પડતાં જ ભભૂત લગાડેલા કોઈ બાબા કે ભગવો ધારણ કરેલા સાધુનું ચિત્ર મનમાં ઉપસે, એવું બને. ૪૬ વર્ષીય આચાર્ય પ્રશાંત (મૂળ નામ પ્રશાંત ત્રિપાઠી) આ બીબાઢાળ 'આચાર્યો'થી જોજનો દૂર છે. IIT (દિલ્હી) અને IIM (અમદાવાદ)માં ભણી ચૂકેલા પ્રશાંતજી IAS પણ થયા છે. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રાપ્ત કર્યો હોય તોય લોકો ખુદને ધન્ય સમજતા હોય છે, જ્યારે આચાર્ય પ્રશાંત આ સઘળું છોડીને છેલ્લા બે દાયકાથી રાત-દિવસ વેદાંતનો પ્રચાર-પ્રસાર કરવામાં સતત વ્યસ્ત રહે છે. એકલા યુટયુબ પર જ એમની મુખ્ય ચેનલના ચાર કરોડ ૯૩ લાખ ફોલોઅર્સ છે. તેઓ દેશ-વિદેશમાં ફેલાયેલા અસંખ્ય લોકોને વેદ, ઉપનિષદ, ભગવદ્ગીતા, અષ્ટાવક્ર ગીતા, ભારતીય અને વિદેશી સંતો-ફિલોસોફરોની વાણી ઇત્યાદિ રીતસર એક ટીચરની માફક ભણાવે છે. તેઓ સ્વયં એક ઉત્તમ વિચારક છે. તેઓ કહે છે, 'કઠોર પ્રામાણિકતા અને બાલસહજ સરળતા - આ બન્નેને તમે કેવી રીતે એક સાથે મૂકી શકો? કબીરસાહેબમાં આ બેયનું  સહજ કોમ્બિનેશન થયું છે. દુનિયાએ કબીર જેવો અદ્વૈતનો બીજો કોઈ સ્કોલર જોયો નથી.'

આજે કબીર જયંતિ છે. સંત કબીરનો જન્મ ઇસવી સન ૧૩૯૮માં થયો, મૃત્યુ ૧૫૧૮માં. આ આંકડાઓને અધિકૃત ગણીએ તો કબીરસાહેબ ૧૨૦ વર્ષ જીવ્યા હતા. એક વાર આચાર્ય પ્રશાંતને પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ દુનિયામાં આટલા ઓછા કબીર શા માટે પાક્યા છે? એમણે સરસ જવાબ આપ્યો. 

આજે દુનિયાની વસતિ લગભગ આઠ અબજ જેટલી છે. અત્યાર સુધીમાં જેટલા લોકો જન્મીને મૃત્યુ પામી ચૂક્યા છે એ તમામને પણ ગણતરીમાં લઈએ તો દુનિયામાં અત્યાર સુધીમાં, સમજોને કે, ત્રીસ-ચાલીસ-પચાસ અબજ લોકો જન્મી ચૂક્યા છે. આમાંથી કબીર જેવી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શી ચૂકેલી સો-બસ્સો-પાંચસો વ્યક્તિઓ માંડ હશે. એટલે કે પચાસ અબજ લોકોમાંથી ફક્ત પાંચસો કબીર. એક કરોડમાં એક! 

આવું કેમ બન્યુ? એવું શા માટે બને છે કે કબીર જેવી વ્યક્તિઓને જ આત્મજ્ઞાાન પ્રાપ્ત થાય છે, જ્યારે બીજાઓ કોરાધાકોડ રહી જાય છે? કબીરને જે સૂઝે છે તે આપણને કેમ સૂઝતું નથી? કબીર આટલું બધું કહી ગયા, આટલું બધું સર્જન કરી શક્યા, પણ આપણે કેમ આવું સર્જી શકતા નથી? કબીર આ જગતને સ્પષ્ટપણે જોઈ શકે છે, આ દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે તે એમને બરાબર સમજાય છે, જ્યારે આપણે કન્ફ્યુઝ થઈને ફર્યા કરીએ છીએ. શા માટે? શું ઉપરવાળો અમુક લોકો પ્રત્યે પક્ષપાત્ કરી નાખતો હોય છે કે શું? 

આચાર્ય પ્રશાંત કહ છે કે એવું તો બિલકુલ કહી શકાય એમ નથી કે આપવાવાળાએ (એને તમે પરમાત્મા, ભગવાન કંઈ પણ કહો) કબીરને કંઈક વિશિષ્ટ શક્તિઓ આપી દીધી છે. કબીરને આપણા કરતાં કશું જ વિશેષ મળ્યું નથી. ખરેખર તો કિસ્મતે આપણને કબીર કરતાં તો વધારે જ આપ્યું છે. કબીરને સગાં મા-બાપ પણ ન મળ્યાં. એ એક વિધવાના પુત્ર, જેને એક મુસ્લિમ દંપતીએ ઉછેર્યા. પાલક માતા-પિતા વણકર હતાં એટલે કબીરે પણ એ જ કામ અપનાવ્યું. એ જમાનામાં કાશીના બ્રાહ્મણ ગુરૂઓ કબીર જેવા વણકરપુત્રને શા માટે વિદ્યા આપે? રામાનંદ સ્વામી નામના એક મોટા વિદ્વાન. કબીરે નક્કી કર્યું હતું કે હું ભણીશ તો રામાનંદ પાસેથી જ ભણીશ. કથા અનુસાર, કબીરને ખબર પડી કે રામાનંદ સ્વામી રોજ પરોઢિયે ગંગા નદીએ નહાવા આવે છે. કબીર તો ગંગાઘાટના પગથિયાં પર સૂઈ ગયા. બીજા દિવસે પરોઢિયે રામાનંદ સ્વામી ગંગાઘાટે આવ્યા ત્યારે અંધારૂં છવાયેલું હતું, કશું સ્પષ્ટ દેખાતું નહોતું, તેથી ભૂલથી એમનો પગ પગથિયે સૂતેલા કબીરને લાગી ગયો. રામાનંદ સ્વામીના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયાઃ 'રામ... રામ ... રામ...'

બસ, રામાનંદ સ્વામી તરફથી કબીરને આટલું જ મળ્યું - રામનું નામ. આનાથી વધારે કશું એમણે કબીરને શીખવ્યું નહીં. કબીર કહેઃ ઠીક છે, ગુરુ તરફથી એક રામનામ મળ્યું છે એટલુંય પૂરતું છે. એક રામનામથી મારું કામ ચાલી જશે. કબીરે રામને પકડી લીધા.

આચાર્ય પ્રશાંત કહે છે કે નસીબે આપણને આના કરતાં તો વધારે જ આપ્યું  છેને! આપણે કબીરને વાંચીએ છીએ, એમની રચનાઓનો અભ્યાસ કરીએ છીએ, પણ કબીરને ભણાવવાવાળું કોઈ નહોતું. તોય કબીરે એ બધું પામી લીધું, જે આપણે પામી શકતા નથી. કબીર રોજનું કમાઈને રોજ ખાતા હતા. કબીરની વિરુદ્ધ આખો સમાજ ઊભો હતો. કબીર ન પાખંડી પંડિતોને બક્ષતા હતા, ન પાખંડી મૌલવીઓને. પંડિતો અને મૌલવી બન્નેને તેઓ આંખના કણાની જેમ ખૂંચતા હતા. 

કબીરને સંયોગવશ જે કંઈ મળવું જોઈતું હતું તે કશું ન મળ્યું, પણ એમને એસેન્શિયલ એટલે કે જે કંઈ અત્યંત મૂળભૂત અને અનિવાર્ય હતું તે મળી ગયું. આપણાં એસેન્શિયલ્સ ક્યાં ગયાં? કબીરને દુનિયા પાસેથી કશું મળ્યું નહીં. ન સગાં મા-બાપ, ન ગુરૂ... ને કદાચ આ જ એમનું સૌભાગ્ય હતું! કદાચ એટલે જ એમણે દુનિયાની ગુલામી ન કરવી પડી. આપણાથી આ જ ભૂલ થઈ છે. આપણે દુનિયા પાસેથી બહુ બધું લઈને બેઠા છીએ. તેથી દુનિયાની ઉધારી ચૂકવવામાં જિંદગી નીકળી જાય છે. કબીર પર કોઈ ઉધારી નહોતી. આપણને ઉધારીની લત લાગી ગઈ છે, આપણે ઉધારીનું જ ખાઈએ છીએ. કબીર પાસે જે કંઈ હતું તે એમનું પોતાનું હતું. એમને વેદ-પુરાણ ભણાવવાવાળું કોઈ ન મળ્યું. તેથી એમનું જ્ઞાાન પણ પોતાનું જ હતું. જે કંઈ જાણ્યું, પોતાની રીતે જાણ્યું, પોતાની દષ્ટિથી જોઈ-પારખીને, પોતાની વિવેકબુદ્ધિના આધારે જાણ્યું.

કબીર ક્યાંય સાધના કરવા ગયા નહોતા. એમણે ક્યારેય ગૃહત્યાગ કર્યો નહોતો. તો પછી કબીરે એવી તે કઈ વિકટ સાધના કરી નાખી હતી કે જેને કારણે એમનામાં 'કબીરત્વ' પેદા થયું? એમના વ્યક્તિત્ત્વમાં જે ઊંચાઈ અને ઊંડાણ આપણે જોઈએ છીએ તે શી રીતે આવ્યાં? આચાર્ય પ્રશાંત કહે છે તેમ, કબીરે એક જ વસ્તુ કરીઃ કબીરે પોતાના દોહાઓમાં અને ભજનોમાં જેવું દેખાયું એવું કહ્યું. બસ. મનમાં કોઈ પૂર્વનિશ્ચિત ધારણાઓ નહીં, કોઈ કલ્પનાઓ નહીં. કોણ જાણે કેમ આપણા સૌના મનમાં એક વાત અત્યંત સજ્જડ રીતે બેસાડી દેવામાં આવી છે કે જો તમે જૂઠું જીવન નહીં જીવો, તો જીવી જ નહીં શકો. કબીરે  જીવનનાં આ જૂઠનો સતત અને સહજ ઇન્કાર કર્યો. 

કબીરની ખાસિયત એ નથી કે તેઓ અદભુત કે વિલક્ષણ છે. કબીરની ખાસિયત એ છે કે તેઓ સીધા છે, સરળ છે અને સહજ છે. આપણે એમને બહુ ઊંચા, બહુ દૂરના માણસ બનાવી દઈએ છીએ કે જેથી કહી શકાય કે એ તો બહુ ઊંચા માણસ હતા એટલે વિશિષ્ટ હતા... આપણે તો મામૂલી માણસો, આપણી શી વિસાત? હકીકત એ છે કે કબીર દૂર નથી, કબીર બહુ પાસે છે, સામે જ છે અને એટલે જ તેઓ વિશિષ્ટ છે. 

આચાર્ય પ્રશાંત કહે છે, 'તમે પૂછો છો કે કેટલા કબીર થઈ ગયા? જવાબ છે, ઘણા બધા. તમે એકાદ-બે કબીરને ઓળખો છો, એટલું જ. દરેક કબીર પોતાના કબીર હોવાની ઉદ્ઘોષણા કરે તે જરૂરી નથી. વળી, આપણામાં એવી ક્ષમતા પણ ક્યાં છે કે આપણી સામેથી કોઈ કબીર પસાર થઈ જાય તો આપણે એને ઓળખી સુધ્ધાં શકીએ? કબીરને ઓખળવા માટે દ્રષ્ટિ જોઈએ. કબીરને ઓળખવા માટે થોડાક કબીર જેવા હોવું પડે.'

કબીર વિશે જેટલી વાત થાય એટલી ઓછી. સામાન્યમાં સામાન્ય માણસથી લઈને ઊંચામાં ઊંચા ચિંતકો સુધીના સૌ કોઈ કબીરથી પ્રભાવિત છે, એમના પ્રેમમાં છે. પ્રશાંત આચાર્ય સહાસ્ય કહે છે, 'મેં મારા સાથીઓને કહી રાખ્યું છે. હું ખૂબ બીમાર હોઉં અને મારી છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે મને ગંગાજળ ન પીવડાવતા, તમે મને કબીરવાણી સંભળાવજો. એવું નથી કે તેના કારણે મને સ્વર્ગ પ્રાપ્ત થઈ જશે, મારે સ્વર્ગ જોઈતું પણ નથી, પરંતુ કબીરના શબ્દો મારા કાનમાં પડશે તો શક્ય છે કે હું ઊભો થઈ જાઉં!'          

આ કબીર છે. એ જો મરતા માણસમાં પણ ચેતનાનો સંચાર કરી શકતા હોય તો જીવતા માણસનું પૂછવું જ શું! 


Google NewsGoogle News