Get The App

'મેં કાગળ પર પેન મૂકી કે ભગવાને મારો હાથ પકડી લીધો!'

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
'મેં કાગળ પર પેન મૂકી કે ભગવાને મારો હાથ પકડી લીધો!' 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- આજ સુધીમાં બે જ ગુજરાતીઓ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધિશ બન્યા છે. જસ્ટિસ પી.એન. ભગવતી એમાંના એક. ભારતીય ન્યાયતંત્રમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીેગેશન (પીઆઇએલ)નો સુવિધા ઇન્ટ્રોડયુસ કરનારા ભગવતીસાહેબે દક્ષિણ આફ્રિકા, ઇથિયોપિયા, નેપાળ, મંગોલિયા જેવા દેશોના બંધારણ ઘડવામાં પણ ફાળો આપ્યો હતો...  

- પી. એન. ભગવતી

બંધારણ... ન્યાયતંત્ર... ન્યાયતંત્રમાં સુધારા.... આ બધા આજકાલ ખૂબ ઊછળતા રહેલા શબ્દપ્રયોગો છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર તો આજે હોટ ટોપિક બની ગયા છે. આ સંદર્ભમાં આજે ગરવા ગુજરાતીને યાદ કરવા છે. એમનું નામ છે જસ્ટિસ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી એટલે કે પી.એન. ભગવતી. એમનું સ્મરણ કરવાનું એક કારણ એ પણ છે કે આજે, ૨૧ ડિસેમ્બરે એમની ૧૦૩મી પુણ્યતિથિ છે. જોકે ખૂંચે એવી હકીકત એ છે કે પી.એન. ભગવતીને ગુજરાતીઓ બહુ યાદ કરતા નથી. બાકી સ્વતંત્ર ભારતમાં બે જ ગુજરાતીઓ એવા પાક્યા છે, જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂત બન્યા હોય. એમાંથી એક હતા હીરાલાલ કણિયા અને બીજા, પી. એન. ભગવતી. 

આજે અદાલતોમાં અવારનવાર વિવિધ કારણોસર જાહેર હિતની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન, પીઆઈએલ) કરવામાં આવે છે. ભારતીય ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજીનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડયુસ કરનારા પી.એન. ભગવતી હતા. એમને જ્યુડિશિયલ એક્ટિવિઝના પાયોનિયર ગણવામાં આવે છે તેનું કારણ આ જ. પીઆઇએલ એક અત્યંત શક્તિશાળી હથિયાર છે, જેના દ્વારા ભારતનો સામાન્ય નાગરિક કે સંસ્થા અન્યાયનો સામનો કરી રહેલી જનતા કે કોઈ જૂથ વતી અદાલતના દરવાજા ખખડાવી શકે છે. પી.એન. ભગવતીએ કહેલું, 'ન્યાય પર કંઈ ફક્ત ચુનંદા ભાગ્યશાળી લોકોનો જ અધિકાર નથી. ન્યાય પ્રક્રિયા પર સૌ કોઈનો હક છે. આ જ જાહેર હિતની અરજીની સંકલ્પનાનો પાયો છે. ન્યાયની ગંગા ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ચૂકેલા નાગરિકોના ઘર સુધી પહોંચવી જોઈએ.'  

ભગવતીસાહેબ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂનવિદ તરીકે પોંખાયા છે. દક્ષિણ આફ્રિકા, ઇથિયોપિયા, નેપાળ, મંગોલિયા જેવા દેશોના બંધારણ ઘડવામાં પી.એન. ભગવતીએ ફાળો આપેલો એ કેટલા મોટા ગર્વની વાત ગણાય! તેઓ બે વખત ગુજરાતના કાર્યકારી ગવર્નર રહી ચૂક્યા છે - એક વાર ૧૯૬૩માં અને બીજી વાર ૧૯૭૩માં. 

વૈષ્ણવ વણિક પરિવારમાં જન્મેલા પ્રફુલ્લચંદ્ર એન. ભગવતીની મૂળ અટક શાહ હતી. મહેસાણા એમનું મૂળ વતન. 'ન્યાય' તો એમને વારસામાં મળ્યો હતો. એમના પિતા નટવરલાલ ખુદ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ હતા. પી. એન. ભગવતીએ એમની આત્મકથા 'માય ટ્રિસ્ટ વિથ જસ્ટિસ'માં લખ્યું છે કે અમે નાના હતા ત્યારે બહારનું ખાવા માટે પૈસા ન મળતા, પણ પિતાજીએ પુસ્તકો ખરીદવા પર ક્યારેય કાપ મૂક્યો નહોતો.

પી.એન. ભગવતીએ મોટા ભાગનું શિક્ષણ મુંબઈમાં લીધું. તે વખતે એમના પિતાજી મુંબઈ હાઈ કોર્ટના જજ હતા. પી.એન. ભગવતી ભણવામાં ખૂબ હોશિયાર. મેટ્રિકની પરીક્ષામાં તેઓ સમગ્ર મુંબઈ રાજ્યમાં બીજો નંબર લાવ્યા હતા. તેઓ એલ્ફિન્સ્ટન કોલેજ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન શરૂ કર્યું. ત્યાર બાદ ધરપકડનો દોર શરૂ થયો, જેમાં યુવાન પી.એન. ભગવતીએ પણ એક મહિનાનો જેલવાસ ભોગવવો પડયો હતો. ગાંઘીજીનો તેમના પર તીવ્ર પ્રભાવ હતો. જેલમાં છૂટયા પછી પણ તેમણે ચળવળ સંબંધી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. ચારેક મહિના તેમણે ભૂગર્ભમાં રહેવું પડયું હતું. 

તેઓ પછી વિધિવત્ કાયદો ભણ્યા અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે લૉની ડિગ્રી મેળવી. શરૂઆતમાં તેમણે મુંબઈ હાઇ કોર્ટના જજ જમશેદજી કાંગાની ઓફિસમાં જુનિયર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. પિતા ભારતની સુપ્રીમ કોર્ટના જજ ને દીકરો મુંબઈની હાઈ કોર્ટનો વકીલ! તેજસ્વિતા તો હતી જ. પી.એન. ભગવતીનું નામ ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.ટી. દેસાઈ સુધી પહોંચ્યું. એમણે પી.એન. ભગવતીને ગુજરાત હાઇ કોર્ટમાં જોડાવા આમંત્રણ આપ્યું. ૧૯૬૦માં પી.એન. ભગવતી ગુજરાત હાઇ કોર્ટના જજ બન્યા. માણસમાં પોતાના ક્ષેત્રનું જ્ઞાાન હોય, ઊંડાણ હોય અને પરિશ્રમ કરવામાં પાછો પડતો ન હોય તો એની પ્રગતિ કોઈ રોકી શકતું નથી. પી.એન. ભગવતી સાત જ વર્ષમાં ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂત બની ગયા. તે વખતે ભારતના તેઓ સૌથી નાની વયના  મુખ્ય ન્યાયમૂત હતા. તે સમયે ગુજરાત સરકારે માઓ-ત્સે-તુંગના એક પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુજરાતની હાઇ કોર્ટમાં આ પુસ્તક અંગે કેસ ચાલતો હતો. પી.એન. ભગવતીએ તેનો ચુકાદો આપ્યો અને કહ્યું કે પ્રજાએ કયું પુસ્તક વાંચવું ને કયું ન વાંચવું તે નક્કી કરવાનું કામ સરકારનું નથી, આ નિર્ણય લેવાની આઝાદી તો જનતા પાસે જ હોય. તેમના આ ચુકાદાને સર્વોચ્ચ અદાલતે પણ માન્ય રાખ્યો હતો.

કરીઅરમાં એક ઊંચાઈ ધારણ કરી ચુકેલા માણસ સાથે વિવાદો ન સંકળાય એવું શી રીતે બને? પી.એન. ભગવતીની કારર્કિદી પણ કન્ટ્રોવર્સીથી મુક્ત રહી શકી નહોતી. આ વિવાદોમાં હેબિઅસ કોર્પસ કેસ મુખ્ય છે. હેબિઅસ કોર્પસ એટલે, સાદી ભાષામાં, કોઈ પણ માણસને પકડીને અદાલતમાં હાજર કરવા માટે કોર્ટે આપેલું ફરમાન. ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ દેશમાં લાદી દીધેલી કટોકટીની વાત આવે ત્યારે ભારતીયો આજે પણ ઉકળી ઉઠે છે. કટોકટી દરમિયાન અસંખ્ય લોકોની ગેરકાયદે ધરપકડ થઈ હતી. આ પૈકીની કેટલીય ધરપકડોને અદાલતમાં પડકારવામાં આવી હતી. તે વખતે પી.એન. ભગવતીએ ચુકાદો આપ્યો હતો કે, 'ઇમરજન્સી દરમિયાન કોઈ પણ વ્યક્તિને ગેરકાનૂની ધરપકડ સામે મળેલો સંવૈધાનિક અધિકાર લાગુ પાડી શકાતો નથી.'

ભગવતીસાહેબનો આ ચુકાદો નાગરિકના મૂળભૂત અધિકારો પર પ્રહાર કરતો હતો. આ ચુકાદા પછી દેશભરમાં એમની ખૂબ ટીકા થઈ હતી. ટીકા તો એમના સતત બદલતા રહેતા રાજકીય અભિગમ માટે પણ થઈ હતી. કટોકટી પૂરી થઈ પછી જનતા પક્ષની સરકાર રચાઈ. તે વખતે પી.એન. ભગવતી ઇન્દિરા ગાંધીની ટીકા કરવા માંડયા હતા. ત્યાર બાદ ફરી કોંગ્રેસની સરકાર આવી ને ભગવતીસાહેબનું વલણ પાછું બદલાઈ ગયું! જોકે હેબિઅસ કોર્પસ કેસના ચુકાદાના ૩૦ વર્ષ બાદ એમણે જનતાની માફી માગી હતી!

મેનકા ગાંધીના પાસપોર્ટ અંગેનો પી.એન. ભગવતીના ચુકાદાએ પણ ખાસ્સા તરંગો સર્જેલા. બન્યું હતું એવું કે ૧ જૂન ૧૯૭૬ના રોજ મેનકા ગાંધીને પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, પણ ૨ જુલાઈ ૧૯૭૭ના રોજ દિલ્હીની પ્રાદેશિક કચેરીએ મેનકા ગાંધીને પત્ર લખ્યો કે પાસપોર્ટ એક્ટની કલમ ૧૦(૩) અનુસાર જાહેર હિતના કારણોસર તમારો પાસપોર્ટ સાત દિવસની અંદર કચેરીએ જમા કરાવી દો! મેનકા ગાંધીએ બંધારણના વ્યક્તિસ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈની કલમ ૨૧નો આધાર લઈને સુપ્રીમ કોર્ટમાં રિટ પિટીશન કરી. જસ્ટિસ ભગવતી અને જસ્ટિસ વી.આર. કૃષ્ણની ખંડપીઠે મેનકા ગાંધીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 

૧૯૮૫માં પી.એન. ભગવતીને સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા. તેઓ દોઢ વર્ષ આ પદ પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન એમણે સારા એવા મહત્ત્વના ચુકાદા આપ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ચૂંટણી થઈ તે પહેલાં એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી જૂથ ત્યાં ગયેલું. એમાં અમેરિકાના એ વખતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હેન્રી કિસિન્જર અને બ્રિટનના લોર્ડ કેરિંગ્ટનની સાથે જસ્ટિસ ભગવતી પણ હતા. ભગવતીસાહેબ સંયુક્ત રાષ્ટ્ર માનવાહક સમિતિના ઉપાધ્યક્ષ હતા. રવાન્ડા માનવસંહારની છાનબીન માટે એક આંતરરાષ્ટ્રીય પેનલ નિમવામાં આવી હતી, જેના સાત સભ્યોમાં પી.એન. ભગવતી પણ હતા. આ ઉપરાંત, જીનીવામાં ન્યાયમૂર્તિઓ અન કાયદાશાસ્ત્રીઓની સ્વતંત્રતા માટે રચાયેલી સંસ્થાના તેઓ અધ્યક્ષ હતા. તેઓ ૨૭ વર્ષ સુધી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના સભ્યપદે કાર્યરત રહ્યા હતા. પી.એન. ભગવતી બે લાખ ભારતીયોને બોન્ડેડ લેબરમાંથી મુક્તિ અપાવીને તેમનું પુનર્વસન કરાવવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું કે હકીકતનું સંધાન અહીં મળે છે. ૨૦ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ તેમણે લીધેલી નિવૃત્તિ બાદ જે વિદાય સમારંભ યોજાયો હતો તેમાં આ મજૂરોના પ્રતિનિધિઓ પોતાનો આદર વ્યક્ત કરવા માટે દસ હજાર ઇલાયચીઓનો હાર ગૂંથીને લાવ્યા હતા. 

પી.એન. ભગવતી વેદ, ઉપનિષદ અને સંસ્કૃત ભાષાના અભ્યાસુ હતા. તેમણે 'આદિ શંકરઃ ધ સેવ્યર ઓફ મેનકાઇન્ડ' નામનું પુસ્તક સુધ્ધાં લખ્યું છે. તેઓ અઠંગ કૃષ્ણભક્ત હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં 'મને કાનુડો બહુ યાદ આવે છે...' એમ કહીને તેઓ રડી પડતા. પોતાની આત્મકથામાં એમણે લખ્યું છે કે, 'એક વ્યાવસાયિક તરીકે એક વખત હું સવારે પાંચ વાગ્યે એક ચુકાદો લખવા બેઠો હતો ત્યારે ફક્ત મારા ભગવાને જ આદેશ આપ્યો હોય તેમ લખતો હતો. મેં કાગળ પર પેન મૂકી કે ભગવાને મારો હાથ પકડી લીધો!'

૧૫ જૂન ૨૦૧૭ના રોજ પી.એન. ભગવતીનું નિધન થયું ત્યારે એમની ઉંમર ૯૬ વર્ષ હતી. તેમણે કહેલું , 'ન્યાયતંત્રનું કામ માત્ર કાયદાઓનું યાંત્રિકપણે અર્થઘટન કરવાનું નથી. ન્યાયતંત્રે સતત સતર્ક રહેવાનું છે અને જનતાના રખેવાળ બનીને તેના અધિકારોનું રક્ષણ કરવાનું છે.' પી.એન. ભગવતીની આ વાત હંમેશા પ્રસ્તુત રહેવાની છે. 


Google NewsGoogle News