Get The App

તમારી સામે તમારૂં જ યુવાન સ્વરૂપ આવે તો એને શું સલાહ આપો?

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
તમારી સામે તમારૂં જ યુવાન સ્વરૂપ આવે તો એને શું સલાહ આપો? 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- સતત પોતાની જાતને જ કેન્દ્રમાં રાખવી, પોતાનામાં જ રચ્યાપચ્યા રહેવું, હું જ સાચો (કે સાચી) એમ માનવું, સામેની વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાની દરકાર ન કરવી, મારૂં સુખ-મારૂં દુખ-મારી લાગણીઓ-મારા અધિકારો - આમાંથી બહાર જ ન આવી શકવું... આ નાર્સિસિઝમ છે અને એનાથી સંબંધો તૂટે છે

સોશિયલ મીડિયા પર સૌથી વધારે ઝેર ક્યા પ્લેટફાર્મ પર ફેલાયેલું હોય છે? ક્યું પ્લેટફાર્મ એવું છે જ્યાં તમે થોડો સમય પસાર કરો તો પણ તમારૂં દિમાગ ખરાબ થઈ શકે છે? આ બન્ને સવાલોનો એક જ જવાબ છે: એક્સ, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું. એક્સ પર જેટલો પ્રોપોગેન્ડા થાય છે, ફેક ન્યુઝ ફેલાય છે અને ટ્રોલિંગ થાય છે એટલું કદાચ બીજે કશે થતું નથી. આ એક વાત થઈ. બીજી વાત એ કે આ જ એક્સ પર મોજ પડે, ચહેરા પર સ્મિત આવે, (પોઝિટિવલી) વિચારતા કરી મૂકે એવું કોન્ટેક્ટ પર શેર થતું હોય છે.

આજે વાત કરવી છે એવા જ એક મજાના એક્સ અકાઉન્ટ અને તેના કોન્ટેન્ટનું. આ અકાઉન્ટ હોલ્ડરનું નામ છે: ઉૈંજીઈર્ભંશશઈભ્ર્ંઇ. દેખીતી રીતે જ આ એક છદ્મનામ છે. ૨૦૨૦માં શરૂ થયેલા આ એકાઉન્ટને આજની તારીખે સાડાનવ લાખ કરતાંય વધારે લોકો ફોલો કરે છે. અકાઉન્ટ હોલ્ડર સંભવત: વિદેશી છે. એના મોટા ભાગના ફોલોઅર્સ પણ વિદેશી છે. આ કોન્ટેન્ટ ક્રિયેટર પોતાના અકાઉન્ટ પર સામાન્યપણે ક્વોટેબલ ક્વોટ્સ શેર કરે છે અને વચ્ચે વચ્ચે પ્રશ્નો રમતા મૂકે છે. ખરી મજા ત્યારે આવે છે જ્યારે વાઇઝ-કનેક્ટર છદ્મનામધારી મહાશય વિચારપ્રેરક સવાલ પૂછે છે. ફોલોઅર્સ દિલથી જવાબો આપે છે. ચાલો, વાઇઝ-કનેક્ટરના એક્સ અકાઉન્ટ પર એક લટાર મારીએ.

વાઇઝકનેક્ટર પૂછે છે: યુ મીટ યોર ટીનએજ સેલ્ફ. વોટ ડુ યુ સે? અર્થાત્, ધારો કે તમે તમારી જ જાતને મળો છો. એક બાજુ તમારૂં વર્તમાન સ્વરૂપ છે ને સામે તમારૂં જ તરૂણ સ્વરૂપ છે - સોળ-સત્તર વર્ષનું. તો તમે તમારા તરૂણ વર્ઝનને શું કહો? જુદા જુદા યુઝર્સના જવાબ જુઓ:

-'જીવનમાં કંઈ પણ થાય - સારૂં કે ખરાબ - તેની પાછળ ચોક્કસ કારણો હોય છે. જીવનની હાડમારીઓ માણસને મજબૂત બનાવે છે. તું નિરાશ થઈને મેદાન છોડીને ભાગી નહીં જા અને મુસીબતો સામે જેટલો વધારે ટકી રહીશ એટલો જીવનમાં તું વધારે સફળ થઈશ. બીજી વાત. તારા હેલ્થ પર ધ્યાન આપજે. તારા જે દોસ્તારો કે પ્રિય પાત્રો ભગવાનમાં ન માનતા હોય એમનાથી દૂર જ રહેજે.'

-નાનપણમાં આપણે ક્યારેક મોટાં પગલાં ભરી લેતાં હોઈએ છીએ. તેથી જ એક ફોલોઅર લખે છે,'મને માન્યામાં નથી આવતું કે તું ઓલરેડી આટલો બધો પરિપક્વ છે. જે નિર્ણયો લોકો મોટપણમાં કે ઇવન વૃદ્ધાવસ્થામાં પણ લઈ શકતા નથી તે નિર્ણયો તે સાવ નાની ઉંમરે લઈ લીધા છે. તારા આ નિર્ણયોને કારણે આખી જિંદગી પલટાઈ ગઈ છે.'

-'તને ક્યારેક લાગતું હશે કે તું જરા વિચિત્ર છે, પણ તારી તમામ વિચિત્રતાઓને હાથ પહોળા કરીને આવકારજે. એ જ કરજે જેમાં તને દિલથી આનંદ આવતો હોય. પ્રત્યેક નિષ્ફળતા તને મોટી સફળતા માટે તૈયાર કરે છે. તારી જિંદગી બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાની છે. તેથી હિંમત ન હારતો. ટકી રહેજે.'

-એક મહિલા પોતાના ટીનએજ સ્વરૂપને કહે છે: 'તારો પેલો જે બોયફ્રેન્ડ છે, તેની સાથે બ્રેકઅપ કરી નાખ. સ્કૂલના ભણતરમાં ધ્યાન આપ. પ્રેમ અને રોમાન્સના ખોટાં ટાયલામાં ન ફસાઈશ. પ્લીઝ, તારાં મમ્મી-પપ્પાની વાત માન. તારાં દાદા-દાદીને અને નાના-નાનીને ખૂબ વહાલ કર, એમની સાથે વધારે બને એટલો વધારે સમય વિતાવ. બી યોરસેલ્ફ - યુ આર ઇનફ. તને કોઈના સહારાની જરૂર નથી. તું એકલી પૂરતી છો.'

-એક યુઝર પોતાના યંગ વર્ઝનને તદ્દન વ્યાવહારિક સલાહ આપે છે: 'શેરબજારમાં ઇન્વેસ્ટ કરજે. ભલે સાવ નાની રકમ હોય, પણ નિયમિત અને સતત ઇન્વેસ્ટમેન્ટ કરતો રહેજે!'

-એક વ્યક્તિ પોતાની જાતને કહેવા માગે છે કે, 'જો, તું મોટો થઈશ પછી તારાથી થોડી ભૂલો થશે. ભલે થાય. ઇટ્સ ઓકે.'

-મોટપણમાં ક્યારેક આપણને અચાનક ભાન થાય છે કે આપણે આપણા કરીઅરમાં ને અંગત સંબંધોમાં એટલા અટવાયેલા રહ્યા કે મા-બાપની અવગણના થઈ ગઈ.  તેમના ગયા પછી અફસોસનો પાર રહેતો નથી કે મા-બાપ સાથે જેટલો સમય વીતાવવો જોઈતો હતો એટલો વીતાવ્યો નથી. તેથી એક યુઝર પાતાની તરૂણ વર્ઝનને સલાહ આપે છે: 'કંઈ પણ થાય, મમ્મી-પપ્પા સાથે મેક્સિમમ સમય પસાર કરજે...'

-'ખૂબ ફરજે, દુનિયાભરમાં અલગારી રખડપટ્ટી કરજે... અને મરજે સ્વિટ્ઝર્લેન્ડમાં!'

-'જે લોકોને તારી કદર ન હોય એમની પાછળ બિલકુલ સમય બગાડતો નહીં. એમનાથી બને એટલો જલદી છેડો ફાડી નાખજે, કારણ કે નકામા લોકો પાછળ બગાડેલી એકેએક ક્ષણનો પછી ખૂબ અફસોસ થતો હોય છેે...'

-'વી નીડ ટુ ટાક. તેં એટલી બધી બદમાશીઓ કરી છે, મારે તને ફટકારવો છે!'

-'બીજાઓની અપેક્ષાઓ પૂરી કરવામાં સમય ને શક્તિ ન બગાડતો. તારા માંહ્યલાનું સાંભળ અને એ પ્રમાણે જ જીવન જીવજે.'

- 'આટલા બધા શરમાળ હોવું સારૂં નથી. શરમ-બરમ છોડી દે. બિન્દાસ બન.'

- 'પપ્પાથી નારાજ ન રહેતો. માફ કરી દે એમને. તને અત્યારે નહીં સમજાય, પણ તું મોટો થઈશ પછી તને ખબર પડશે કે તારા માટે એમણે કેટલો બધો ભોગ આપ્યો છે.'      

પછી એક દિવસ વાઇઝ-કનેક્ટરે એક્સ પર લખ્યું: 'તમારું એવું કયું બંધાણ છે જે લાભદાયી છે?'

જવાબો જુઓ:

-'રોજ સવારે વહેલો ઉઠું છું અને આખા દિવસનું શેડયુલ બનાવી લઉં છું. રોજ કસરત કરૂં છું ને રોજ ઈશ્વરનો આભાર માનું છું.'

-એક દાદાજી લખે છે: 'મારૂં બેસ્ટ બંધાણ એટલે મારાં સંતાનોનાં સંતાનો સાથે સમય પસાર કરવો. સમૂહમાં નહીં, દરેકની સાથે અલગ અલગ. હું ૧૪ બચ્ચાઓનો દાદા કે નાના છું. સૌથી મોટો પૌત્ર અઢાર વર્ષનો છે અને સૌથી નાની દોહિત્રી છ મહિનાની છે. આ બધાં મને જીવ કરતાં વધારે વહાલાં છે.'

- 'વાંચન. હું રોજ ભૂલ્યા વગર એકથી બે કલાક પુસ્તકો વાંચું છું. એનાથી મારા મન અને હૃદયને પોષણ મળે છે.'

-'સિલાઇકામ અને ભરતકામ.'

-'ત્યજાયેલાં અને ઘાયલ પ્રાણીઓની સેવા. આ કરવામાં મને ગજબનો સંતોષ મળે છે.''

-'મેડિટેશન. એના વગર મારો દિવસ અધૂરો રહી જાય.'

ઔર એક સવાલ: એવી એક કઈ બાબત છે, જેને કારણે સંબંધો તૂટે છે કે બગડે છે? જવાબો સાંભળો: 

-'લાડકોડમાં ઉછરેલી નવી પેઢી 'ના' સાંભળી શકતી નથી. રિલેશનશિપમાં બધું તમે જ ઇચ્છો તેમ ન થાય. બન્નેએ બાંધછોડ કરવી પડે. આજની પેઢીને માત્ર લેવું છે, સામે કંઈ આપવું નથી.'

-'સંવાદનો અભાવ. બે પાત્રો વચ્ચે કમ્યુનિકેશન અટકી જાય અને મુક્તમને વાતચીત થવાનું બંધ થાય ત્યારે ગેરસમજનો ગુણાકાર થતો જાય છે... અને એક તબક્કે આ સંબંધ તૂટી જાય છે.'

-'સામેના પાત્ર પ્રત્યે આદર ન હોવો.'

-'વધુ પડતી અપેક્ષાઓ.'

-'કમિટમેન્ટનો અભાવ. આવો સંબંધ લાંબો ચાલી શકે જ નહીં.'

-'નાર્સિસિઝમ. સતત પોતાની જાતને જ કેન્દ્રમાં રાખવી, પોતાનામાં જ રચ્યાપચ્યા રહેવું, હું જ સાચો (કે સાચી) એમ માનવું, સામેની વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાની દરકાર ન કરવી, મારૂં સુખ-મારૂં દુખ-મારી લાગણીઓ-મારા અધિકારો - આમાંથી બહાર જ ન આવી શકવું.'

-'જૂઠ્ઠાણા.'

-'બેવફાઈ. લવર કે જીવનસાથીની પીઠ પાછળ બીજાઓ સાથે છાનગપતિયાં કરવા.'

-'શરાબ.'

-'અતિ ક્રોધ.'

-'વિશ્વાસનો અભાવ.'

-'નાણાભીડને કારણે પણ સંબંધ તૂટી પડતા હોય છે.'

હવે છેલ્લો સવાલ લઈએ: જીવનમાં હાંસલ કરવા જેવી બેસ્ટ વસ્તુ કઈ છે? લોકોના જવાબો સાંભળો: 

-'સફળતા.'

-'સંતાનોને ઉત્તમ રીતે ઉછેરવા.'

-'ખુદના પેશન અને મૂલ્યોને અનુરૂપ જીવન જીવવું.'

-'મિત્રતા.'

-'આંતરિક શાંતિ.'

-'પોતાની જાતને જાણવી. આત્મજ્ઞાાન.'

કદાચ તમામ પ્રશ્નોનો ખરા જવાબ અહીંથી જ છૂપાયેલો છે - આત્મજ્ઞાાનમાં, પોતાની જાતની વાસ્તવિક ઓળખમાં! 

ક્યારેક એક્સ (ટ્વીટર) પર જઈને આ વાઇઝ-કનેક્ટરના પેજ પર લટાર મારજો... અને હા, અહીં પૂછાયેલા બધા પ્રશ્નોના તમારા જવાબ શું છે? વિચારજો. 


Google NewsGoogle News