Get The App

18 ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા પછી જ્યારે ખેલાડીને આપઘાતના વિચારો આવે છે

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
18 ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા પછી જ્યારે ખેલાડીને આપઘાતના વિચારો આવે છે 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- વિશ્વના મહાનતમ સ્વિમર માઇકલ ફેલ્પ્સ કહે છે, 'ઓલિમ્પિક્સ પૂરી થાય પછી મને વિચાર આવતા કે ચાલો, ગોલ્ડ મેડલ્સ તો આવી ગયા, હવે શું કરવાનું છે? આ બધું હું શું કામ કરૂં છું? કોના માટે કરૂં છું? શું આ જ મારૂં જીવન છે? હું કોણ છું? હું જાણે કે સતત એક માસ્ક પહેરીને જીવતો હતો. મારી નજરમાં હું માત્ર એક સ્વિમર હતો, મનુષ્ય નહીં.'

'મારી આખી કરીઅર દરમિયાન મારી ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવા માટે દસ માણસોની ટીમ ખડે પગે હાજર રહેતી. મારે સ્ટેમિના કે સ્ટ્રેન્થ વધારવી હોય તો શું કરવું તે શીખવવા માટે કેટલાય નિષ્ણાતો હતા, પણ મારી મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવાવાળું ક્યારેય કોઈ નહોતું.'

માણસજાતે પેદા કરેલા સૌથી મહાન ઓલિમ્પિયન, લગભગ સુપર હ્યુમન કક્ષાના સ્વિમર માઇકલ ફેલ્પ્સના આ શબ્દો છે. બાર વર્ષના ગાળામાં એમણે ૨૩ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ કેવી રીતે જીત્યા તે આપણે ગયા શનિવારે જોયું. આવો તેજસ્વી ખેલાડી પોતાની મેન્ટલ હેલ્થ વિશે શા માટે વાત કરે છે?

શરૂઆત થઈ હતી ૨૦૦૪ની એથેન્સ ઓલિમ્પિક્સથી. આ ઓલિમ્પિક્સમાં માઇકલ ફેલ્પ્સ છ ગોલ્ડ અને બે બ્રોન્ઝ જીતી લાવ્યા હતા. એ વખતે એમની ઉંમર હતી ફક્ત ૧૯ વર્ષ. ઓલિમ્પિક્સના સમાપન પછી પહેલી વાર માઇકલને થયું કે હું અંદરથી મજામાં નથી, કંઈક ગરબડ છે. આ મનઃસ્થિતિને 'પોસ્ટ ઓલિમ્પિક્સ ડિપ્રેશન' કહેવામાં આવે છે. ટ્રેનિંગમાં થોડો સમય બ્રેક લીધા પછી માઇકલ પાછા ૨૦૦૮ની બિજીંગ ઓલિમ્પિક્સની તૈયારીમાં લાગી ગયા. બિજીંગ અને તે પછીની ૨૦૧૨ની લંડન ઓલિમ્પિક્સમાં તેમણે કુલ ૧૪ ગોલ્ડ મેડલ જીતીને ભવ્યાતિભવ્ય દેખાવ કર્યો. 

આપણને થાય કે આવી અસાધારણ સિદ્ધિ મેળવનાર ખેલાડી તો આનંદની ચરમસીમા પર વિહરતો હોય... પણ માઇકલના કેસમાં ઊલટું બનતું. ગોલ્ડ મેડલનો ઢગલો જીતીને ઘરે પાછા ફરતી વખતે એ ડિપ્રેશનમાં સરી પડતા. તેઓ કહે છે, 'ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેળવવા માટે મેં દર વખતે ભયંકર મહેનત કરી છે. ગોલ્ડ જીતી જાઉં એટલે જાણે હું કોઈ ઊંચા પર્વતના શિખર પર એકલો ઊભો હોઉં એવું લાગે... પણ પછી મને થાય કે ગોલ્ડ મેડલ તો આવી ગયા. હવે? હવે મારે શું કરવાનું છે? કઈ દિશામાં જવાનું છે? આ બધું હું શું કામ કરૂં છું? કોના માટે કરૂં છું? શું આ જ મારૂં જીવન છે? હું છું કોણ? મને કોઈ જવાબ ન મળે. આ લાગણીઓને હું મારી ભીતર ક્યાંક ઊંડે ઊંડે ભંડારી દેતો અને નેકસ્ટ ઓલિમ્પિક્સની તૈયારી માટે મચી પડતો.' 

માઇકલે જાણે કે પોતાનાં મન-હૃદયનાં ખાનાં પાડી નાખ્યાં હતાં. તમામ નેેગેટિવ લાગણીઓને તેઓ એક ખાનામાં પૂરી દઈને એના પર તાળું મારી દેતા, પણ આ તાળું ક્યારેક ખૂલી જતું ને પેલી તમામ અણિયાળી લાગણીઓ સપાટી પર આવી જતી. મનમાં આડાઅવળા વિચારો એવા ચીસોટા પાડતા હોય કે એનાથી છૂટવા માઇકલ શરાબનો સહારો લેવા માંડયા. ૨૦૧૪માં એ શરાબના નશામાં ડ્રાઇવિંગ કરતાં પકડાઈ ગયા હતા. માઇકલને છ મહિના માટે કોઈ પણ સ્વિમિંગ કોમ્પિટીશનમાં ભાગ ન લેવાની સજા ફરમાવવામાં આવી. માઇકલના જીવનો આ સૌથી વસમો તબક્કો. દિવસોના દિવસો સુધી એ પોતાના ઓરડામાંથી બહાર ન આવે, કોઈની સાથે વાત ન કરે. માઇકલ કહે છે, 'મને થવા માંડયું કે બસ, બહુ થયું. મારે મરી જવંુ છે. મારા કારણે મારા ફેમિલીને, કોચને આટલું બધું સહન કરવું પડતું હોય તો એના કરતાં આપઘાત કરીને જીવ ટૂંકાવી દેવામાં શું ખોટું છે? હું ય છૂટું અને સ્વજનો પણ છૂટે.'

માઇકલની હાલત એટલી ગંભીર થઈ ગઈ હતી કે એમને માનસિક ચિકિત્સા આપતી હોસ્પિટલમાં દોઢ મહિના માટે એડમિટ કરવા પડયા. માઇકલના દિમાગમાં કેમિકલ લોચો છે અને તેઓ ડિપ્રેશનનો શિકાર છે તે વાત ઘીના દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ. તેઓ કહે છે, 'ટ્રીટમેન્ટની શરૂઆતમાં હું બહુ ડરી ગયો હતો. આખી જિંદગી મને સતત મજબૂત બનવાનું શીખવવામાં આવ્યું હતું, પણ અહીં પહેલી વાર મારી નબળાઈઓ, મારૂં ઢીલાપણું એકદમ આંખ સામે આવ્યાં. આવો અનુભવ મને અગાઉ ક્યારેય થયો નહોતો. મારી નજરમાં મારી એક જ ઓળખ હતી - સ્વિમર. બસ, આના સિવાય બીજું કશું નહીં. કાઉન્સેલિંગને કારણે ધીમે ધીમે મને સમજાવા લાગ્યું છે સૌથી પહેલાં તો હું એક માણસ છું, પછી સ્વિમર છું. જાણે કે આખી જિંદગી મેં એક માસ્ક પહેરી રાખી હતી. ધીરે ધીમે મને મારી સચ્ચાઈ સમજાવા લાગી. મને સમજાયું કે હારવામાં, ઢીલા કે વલ્નરેબલ હોવામાં કશું ખોટું નથી. માણસ માત્રથી ભૂલ થાય. ઇટ્સ ઓકે.'

કાઉન્સેલિંગ દરમિયાન માઇકલના અંગત જીવનની કેટલીક પીડાદાયી વાતો પણ બહાર આવી. એ હતા એમના 'ડેડી ઈશ્યુઝ'. માઇકલ નવ વર્ષના હતા ત્યારે એમના પિતા ફ્રેડ ફેલ્પ્સ પરિવારને છોડીને જતા રહ્યા હતા. પિતા તરફથી આઘાત મળ્યો હોય એવો આ પહેલો પ્રસંગ. માઇકલની માતા ડેબીએ એકલે હાથે માઇકલ અને બે મોટી દીકરીઓનો ઉછેર કર્યો. ફ્રેડ વચ્ચે વચ્ચે સંતાનોને મોઢું દેખાડી જાય, પણ ઘરમાં સાથે ન રહે એટલે નાનકડો માઇકલ હિજરાયા કરે. માઇકલની આખી કરીઅર દરમિયાન કોચ રહેલા બોબ બોવમેન એમના માટે ફાધર ફિગર બની રહ્યા હતા તે વાત સાચી, પણ સગા બાપ માટે હિજરાતા હોવાની લાગણી માઇકલે સભાનપણે કે અભાનપણે આખી જિંદગી અનુભવી છે.

માઇકલે દસ વર્ષની ઉંમરે ૧૦૦ મીટર બટરફ્લાય સ્વિમિંગની નેશનલ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. માઇકલની બહુ ઇચ્છા હતી કે ડેડી આ ઇવેન્ટ વખતે હાજર રહે. ડેડીએ પ્રોમિસ આપ્યું કે હું જરૂર આવીશ. માઇકલે આ તરણ સ્પર્ધામાં નેશનલ રેકોર્ડ બનાવ્યો. એની કરીઅરનો આ સર્વપ્રથમ રેકોર્ડ. એના આનંદનો પાર ન હતો, પણ એમના ગળામાં જ્યારે મેડલ પહેરવામાં આવ્યો અને સૌ તાળીઓનો ગગડાટ કરી રહ્યા હતા ત્યારે એમની આંખો પોતાના પિતાને શોધી રહી હતી. એમણે જોયું કે ડેડી આવ્યા નથી. ડેડીએ વચન ન પાળ્યું...

પાંચ વર્ષ પછી, ઇસવીસન૨૦૦૦ની સિડની ઓલિમ્પિક્સ માઇકલે ભાગ લીધો. માઇકલની કરીઅરની આ પહેલી ઓલિમ્પિક્સ. સ્વાભાવિક રીતે જ કોઈ પણ સંતાનની ઇચ્છા હોય કે આટલા મોટા પ્રસંગે એનાં મા-બાપ હાજર હોય. આ વખતે બાપ હાજર તો રહ્યો, પણ એની મૂર્ખતા જુઓ. માઇકલની સ્વિમિંગ કોમ્પિટીશનના પહેલા જ દિવસે ડેડી એને સાઇડમાં લઈ જઈને કહે છેઃ 'માઇકલ, આને મળ. આ માર્ગી છે, મારી બીજી વાઈફ!'

માઇકલ ડઘાઈ ગયો. ડિવોર્સી પિતા કોઈ ી સાથે સંબંધ ધરાવે છે ને બીજાં લગ્ન કરવાની વેતરણમાં છે એ વાતની ઘરમાં કોઈને અંદેશો સુધ્ધાં નહોતો. પંદર વર્ષના માઇકલ ઓલિમ્પિક્સની એકેએક પળ માણવા માગતા હતા, પણ પહેલા જ દિવસે બાપે બહુ મોટો ઝટકો આપી દીધો. તે ઓલિમ્પિક્સમાં ૨૦૦ મીટર બટરફ્લાય સ્વિમિંગમાં માઇકલ પાંચમા નંબરે આવ્યા હતા.

તે પછી યોજાઈ એથેન્સ ઓલિમ્પિક્સ. અહીં માઇકલે પોતાની કરીઅરના સર્વપ્રથમ છ ઓલિમ્પિક ગોલ્ડ સાગમટે જીત્યા. પિતાજી આ વખતે પણ સદેહે હાજર હતા, પણ બાપ-દીકરા વચ્ચેનું ટેન્શન ખતમ થવાનું નામ લેતું નહોતું.  

આ બધું ટીપે ટીપે માઇકલના ચિત્તમાં જમા થતું હતું, જેના પર એણે કદી સભાનપણે ધ્યાન આપ્યું નહોતું. માઇકલના માનસ ચિકિત્સકે સમજાવ્યું કે દોસ્ત, તું તારા ખુદના વર્તનને કંટ્રોલ કરી શકીશ, તારા ફાધરના વર્તનને નહીં...  

માઇકલ માનસિક ચિકિત્સાલયમાં એક સ્વિમર તરીકે એડમિટ થયેલા, જે લગભગ એક રોબોટ જેવું જીવન જીવતા હતા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે માઇકલ 'માણસ' બની ચૂક્યા હતા. એક જીવતા-ધબકતા ચેતન્યમય માણસ. નવા માઇન્ડસેટ સાથે તેમણે પુનઃ ટ્રેનિંગ શરૂ કરી. પરિણામ? ૨૦૧૬ના રિયો ડી જેનરો ઓલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ મેડલ! કુલ ઓલિમ્પિક ગોલ્ડ મેડલનો આંકડો થયો ૨૩! ઓલિમ્પિક્સના ઇતિહાસમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ આજની તારીખે પણ માઇકલ ફેલ્પ્સના નામે બોલે છે. ૨૦૧૬ના ઓલિમ્પિક્સ પછી એમણે નિવૃત્તિ જાહેર કરી. 

તો શું માઇકલનું પેલું ડિપ્રેશન કાયમ માટે દફન થઈ ગયું? ના. 'મારું ડિપ્રેશન અને એન્ક્ઝાઇટી ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય,' માઇકલ કહે છે, 'હજુય ઘણી વાર ડિપ્રેશનની લાગણી જાગે છે, હજુય કેટલીય વાર હું સાવ બ્લેન્ક થઈ જાઉં છું. ડિપ્રેશન મારી જિંદગીનો ભાગ છે. આ સત્ય મેં સ્વીકારી લીધું છે. ડિપ્રેશન સાથે જીવતાં મેં શીખી લીધું છું. હવે આ બીમારીથી હું ડરી જતો નથી. તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે મેં મને હવે આવડી ગયું છે.'

માઇકલ ફેલ્પ્સે બહુ જ નિખાલસતાથી કેટલીય વાર મંચ પરથી જાહેરમાં આ સઘળી વાતો કરી છે. મેન્ટલ હેલ્થ વિશે દુનિયાભરમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાગૃતિ ફેલાઈ છે તેમાં માઇકલ ફેલ્પ્સ જેવા સુપર સેલિબ્રિટીઓનો મોટો ફાળો છે. આપણી તેજસ્વી કુસ્તીબાજ વિનેશ ફોગાટની વાત કરીએ. પાંચેક વર્ષ પહેલાં એ સ્પેનમાં તાલીમ લઈ રહી હતી ત્યારે એને થયા કરતું કે કશીક ગરબડ છે. દિવસોના દિવસો સુધી એને ઊંઘ ન આવતી. પછી એણે લખનૌ કેમ્પમાં ભાગ લીધો ને સ્થિતિ ઔર વણસી. કોચ સહેજ ઊંચા અવાજમાં બોલે તો એ રડી પડે. એશિયન ચેમ્પિયનશિપ્સ દરમિયાન એને એવું લાગતું હતું કે આ પીડા મને ખતમ કરી નાખશે! ૨૦૧૯માં નિદાન થયું કે વિનેશ ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છે. આ વાત વિનેશે પણ જાહેર માધ્યમોમાં શેર કરી છે. 

માઇકલ ફેલ્પ્સ આજની તારીખે ચાર દીકરાઓના બાપ છે. સૌથી નાનો સાત મહિનાનો છે, સૌથી મોટો આઠ વર્ષનો. પોતાના દીકરાઓને વહાલ કરવાનો એક પણ મોકો માઇકલ ચૂકતા નથી, કેમ કે એમણે મક્કમ નિર્ધાર કરી લીધો છે કે મારા બાપે જે ભૂલો કરી હતી તે ભૂલો હું ક્યારેય નહીં કરૂં!  


Google NewsGoogle News