Get The App

જ્યાં નક્કર અનુભવો પહોંચી શકતા નથી ત્યાં કલ્પના પહોંચી શકે છે

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
જ્યાં નક્કર અનુભવો પહોંચી શકતા નથી ત્યાં કલ્પના પહોંચી શકે છે 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- આ વર્ષનાં બૂકર પ્રાઇઝ વિનર સામન્થા હાર્વી કહે છે, 'અવકાશયાત્રીઓના જર્નલ્સમાં કશુંક ખૂટતું હતું, એક મેટાફિઝિકલ ગેપ રહી જતો હતો. માણસ અવકાશમાં હોય ત્યારે એને જે ચમત્કારિક અનુભૂતિઓ થતી હોય તેનું દસ્તાવેજીકરણ થતું  નહોતું. બસ, મારે 'ઓર્બિટલ' નવલકથામાં આ અનન્ય અનુભૂતિઓનું દસ્તાવેજીકરણ કરવું હતું.'

- સામન્થા હાર્વી, બૂકર પ્રાઇઝ 2024નાં વિજેતા

લૉકડાઉનનો સમયગાળો છે. તમામ માનવપ્રાણીઓ દુનિયાથી કપાઈને પોતપોતાનાં ઘરોમાં લપાઈ ગયા છે. જોકે સામન્થા હાર્વી નામની એક મહિલાને ધરતી કરતાં આકાશમાં બહુ રસ પડી ગયો છે. એમના કમ્પ્યુટર પર સતત અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાની વેબસાઇટ ખૂલી હોય. નાસાવાળા અંતરિક્ષમાંથી પૃથ્વી કેવી દેખાય છે એનો આબેહૂબ ચિતાર આપતાં દ્રશ્યો ઘણીવાર લાઇવ દેખાડે છે. પેલાં માનુનીને આકાશમાંથી ઝડપાયેલી ધરતીની દ્રશ્યાવલિ અને અવકાશયાત્રીઓની ગતિવિધિઓને નિહાળ્યા કરવાનું જાણે કે બંધાણ થઈ ગયું હતું. એને થાય કે અહીં પૃથ્વી પર લૉકડાઉનને કારણે આપણે સૌ એકલા પડી ગયા છીએ અને ત્યાં પેલા અવકાશયાત્રીઓ પણ એકલા છે. ન આપણે ક્યાંય છટકી શકીએ તેમ છીએ, ન પેલા અવકાશયાત્રીઓ. 

સામન્થા હાર્વી લેખિકા છે એટલે એના ક્રિયેટિવ ભેજામાં વિચારનો તણખો ઉડયોઃ આ અવકાશયાત્રીઓનું જીવન, અંતરિક્ષ અને પૃથ્વીને વિષય બનાવીને એક નવલકથા લખું તો? કલાકારના સર્જક દિમાગમાં કોઈ કૃતિનું વિચારબીજ આ જ રીતે રોપાતું હોય છે. સામન્થાએ નવલકથા લખવાનું શરૂ કરી દીધું. પાંચેક હજાર શબ્દ લખી કાઢ્યા. પણ પછી એમના મનમાં અવઢવ પેદા થવા લાગીઃ હું જિંદગીમાં ક્યારેય સ્પેસમાં ગઈ નથી ને ભવિષ્યમાં ક્યારેય જાઉં એવી શક્યતા પણ નથી. તો હું શું કામ આ બધું લખી રહી છું? આ નવલકથા લખવાની મારી યોગ્યતા કેટલી? 

સામન્થાનો આત્મવિશ્વાસ ડગી ગયો, ને એણે નવલકથા લખવાનું પડતું મૂક્યું. આ પણ સર્જક ચિત્તની એક લીલા છે. થોડાં અઠવાડિયાં એમ જ વહી ગયાં. બન્યું એવું કે સામન્થા એક દિવસ લેપટોપ ખોલીને બેઠાં ને આકસ્મિક રીતે પેલી અધૂરી છોડી દીધેલી નવલકથાનું લખાણ એમની સામે આવ્યું. તેઓ વાંચવા લાગ્યાં. એમને મજા આવી. ભીતર ફરી પાછું કશુંક ઝંકૃત થયું. એમને થયુંઃ આ વાર્તા, આ પાત્રો હજુય મારાં ચિત્તમાં સ્પંદનો પેદાં કરે છે. હું હજુય આ વિષય સાથે સંધાન અનુભવી શકું છું. મને આ નવલકથા પૂરી કરવા દે. હું આગળ લખીશ... ને એમણે પાછું લખવા માંડયું. નવલકથા પૂરી કરી. શીર્ષક આપ્યું, 'ઓર્બિટલ'. 

 કટ ટુ, ૧૨ નવેમ્બર ૨૦૨૪. વિશ્વ સાહિત્યમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતા બૂકર પ્રાઇઝના વિજેતાની ઘોષણા થાય છેઃ સામન્થા હાર્વી... એમની છઠ્ઠી નવલકથા 'ઓર્બિટલ' માટે! યુનાઇટેડ કિંગડમના કેન્ટ નામના શહેરમાં વસતાં અને એક યુનિવર્સિટીમાં ક્રિયેટિવ રાઇટિંગ ભણાવતાં ૪૮ વર્ષીય સામન્થાને ૫૦ હજાર પાઉન્ડ (આશરે ૫૩ લાખ ૪૧ હજાર રૂપિયા)નું પ્રાઇઝ મની મળે છે. 

'ઓર્બિટલ'માં ચોવીસ કલાકનો સમયગાળો આવરી લેવામાં આવ્યો છે. અમેરિકા, રશિયા, જપાન, બ્રિટન અને ઇટલીનાં કુલ છ અવકાશયાત્રીઓ યાનમાં કલાકના ૧૭,૦૦૦ માઇલની ગતિથી પૃથ્વી ફરતે ચકરાવા લઈ રહ્યા છે. ચોવીસ કલાકમાં અવકાશયાન પૃથ્વીની ૧૬ વખત પ્રદક્ષિણા કરી નાખે છે. અવકાશયાત્રીઓ ૧૬ વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જુએ છે, પૃથ્વીના ખંડો, પર્વતમાળાઓ અને સમુદ્રોને ઝપાટાભેર પોતાની નજર સામેથી પસાર થતાં જુએ છે. ક્યાં છે દેશ-દેશ વચ્ચેની સરહદો? ક્યાં છે ભાગલા? આ વિરાટ બ્રહ્માંડમાં એક કણ જેટલીય જગ્યા ન રોકતા માણસના અહંકારનું શું મૂલ્ય છે? તો પછી શા માટે પૃથ્વી પર આટલો ઉન્માદ અને અશાંતિ છે? શા માટે યુદ્ધો થાય છે? આ ચોવીસ કલાક દરમિયાન અવકાશયાત્રીઓ પોતપોતાના પરિવાર સાથે કમ્યુનિકેટ કરે છે, ખાસ પ્રકારનો ડીહાઈડ્રેટેડ ખોરાક લે છે, યાનના વજનવિહીન વાતાવરણમાં આમતેમ ઉડયા કરે છે. અવકાશયાત્રીઓને એકમેકનો સાથ છે, છતાંય એકલા છે. પૃથ્વી, વ્યક્તિગત જીવન, સામૂહિક જીવન, પારસ્પરિક સંબંધો અને સમગ્ર મનુષ્યતાને નિહાળતી તેમની દ્રષ્ટિમાં જાણે કે નવો ઉઘાડ થાય છે.  

વિવેચકો કહે છે કે, 'ઓર્બિટલ' નવલકથા પૃથ્વીને લખવામાં આવેલો પ્રેમપત્ર છે. નવલકથામાં સતત એક વિસ્મયભાવ અને આનંદ તરવરતા રહે છે. અહીં ફિલોસોફિકલ અન્ડરકરન્ટ છે, જે કૃતિને ગાંભીર્ય આપે છે. 'ઓર્બિટલ' ફક્ત ૧૩૬ પાનાંની નવલકથા છે. બુકર પ્રાઇઝના ઇતિહાસમાં વિજેતા નીવડેલી બીજા નંબરની સૌથી નાની નવલકથા. બૂકર પ્રાઇઝ જીતનારી કોઈ નવલકથામાં અંતરિક્ષનું લોકાલ આવ્યું હોય એવું આ વખતે પહેલી વાર બન્યું છે. 

'માણસે અવકાશ પર જે રીતે કબ્જો જમાવ્યો છે તે વિશે આમ તો હું છેલ્લાં પચ્ચીસ વર્ષથી લખવા માગતી હતી - સાયન્સ ફિક્શનના ફોર્મમાં નહીં, પણ વાસ્તવવાદી, રિયલિસ્ટીક ફોર્મમાં,' સામન્થા હાર્વી એક મુલાકાતમાં કહે છે, 'મારી સામે પડકારો એ હતો કે અંતરિક્ષના વાન્ટેજ પોઇન્ટથી લખતી વખતે શું હું કૃતિમાં પૂરતો સૌંદર્યભાવ જગાડી શકીશ? તમે ગ્રામ્યજીવન અને પ્રકૃતિ વિશે લખતા હો ત્યારે સાદગી તેમજ શાંતિના ભાવ પર વિશેષ ભાર આપતા હો છો. મારા મનમાં સવાલ એ હતો કે શું હું મારી આ નવલકથામાં આ જ પ્રકારની સાદગી અને શાંતિનો ભાવ ઉપસાવી શકીશ? સાચુકલા અવકાશયાત્રીઓ અવકાશયાનમાં ડાયરી લખતા હોય છે. તમે નાસાની વેબસાઇટ પર જશો તો આ પ્રકારનાં સેંકડો લખાણો તમને મળી જશે... પણ જ્યાં નક્કર અનુભવો પહોંચી શકતા નથી ત્યાં કલ્પના પહોંચી શકે છે. અવકાશયાત્રીઓની જર્નલ્સ વાંચતી વખતે મને થતું કે કશુંક ખૂટે છે, એક મેટાફિઝિકલ ગેપ રહી જાય  છે. માણસ અવકાશમાં હોય ત્યારે એને જે ચમત્કારિક અનુભૂતિઓ થતી હોય તેનું હું જે રીતે ઇચ્છું છું તે રીતે દસ્તાવેજીકરણ થયું નથી. બસ, મારે મારી નવલકથામાં આ અનન્ય અનુભૂતિઓનું દસ્તાવેજીકરણ કરવું હતું. 'ઓર્બિટલ'ને હું એક સાયન્સ ફિક્શન તરીકે જોતી જ નથી.'

સામન્થા હાર્વીને આજની પેઢીનાં વર્જિનિયા વૂલ્ફ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ વર્ષોથી અનિદ્રાથી પીડાય છે. એમણે 'ધ શેપલેસ અનઇઝ' નામનું એક આત્મકથનાત્મક પુસ્તક પણ લખ્યું છે. સામન્થાને લાગે છે કે 'ઓર્બિટલ'માં ૧૬ સૂર્યોદયની વાત લખતી વખતે એમને પોતાની અનિદ્રા કોઈક રીતે કામ આવી છે. 'ધ વાઇલ્ડરનેસ' નવલકથાના કેન્દ્રમાં સ્મૃતિદોષ (ડિમેન્શિયા)ની બીમારી છે. 'ધ વેસ્ટર્ન વિન્ડ'માં પંદરમી સદીમાં થયેલી એક હત્યાની વાત છે. સામન્થા હાર્વીના સાહિત્યનો એક આકર્ષક પ્લસ પોઇન્ટ એ છે કે એમની નવલકથાઓમાં પશ્ચાદ્ભૂ અથવા કહો કે વાર્તાનું વાતાવરણ ક્યારેય રીપીટ થતું નથી. તેઓ કહે છે, 'મારી જાતને રી-ઇન્વેન્ટ કરતા રહેવાની આ એક રીત છે. આપણાં લખાણોમાં અમુક તત્ત્વોનું વારેવારે પુનરાવર્તન થયા કરતું હોય છે. જેમ કે સમય, ધર્મ. મેં 'ઓર્બિટલ' લખવાની શરૂ કરી ત્યારે નક્કી કરી લીધું હતું કે હું આ નવલકથામાં ધર્મનો કોઈ સંદર્ભ નહીં જ લાવું. મારે મારી જૂની થૉટ-સિસ્ટમમાંથી બહાર નીકળવું હતું... પણ હું તો હું જ છું. પછી હું ૧૪૯૦ના દાયકામાં થયેલા મર્ડરની વાત લખતી હોઉં કે પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતી હોઉં. અલબત્ત, નવું વાતાવરણ, નવું પશ્ચાદભૂ મને જુદી રીતે વિચારવાની સગવડ જરૂર કરી આપે છે.'

એક સામાન્ય સમજ એવી છે કે લેખકને સામાન્યપણે નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ હોય છે, એ પુસ્તકોના ઢગલાં વચ્ચે જ મોટો થયો હોય છે, ને એનાં માતાપિતાએ બાળપણથી એના વાંચનના શોખને પોષ્યો હોય છે. સામન્થા હાર્વીને કિસ્સામાં આ પૂર્વધારણાઓ ખોટી પડે છે. તેઓ કહે છે, 'મને વાંચનનો ચટકો તો હું છેક સત્તાવીસ-અઠ્ઠાવીસ વર્ષની થઈ તે પછી લાગ્યો. મારાં ઘરમાં ક્યારેય પુસ્તકો નહોતાં. મારા ફાધરે લાઇફમાં ક્યારેય કોઈ પુસ્તક વાંચ્યું નહોતું. એમણે પહેલું પુસ્તક છેક ૨૦૦૯માં વાંચ્યું - 'ધ વાલ્ડરનેસ', મારી પહેલી નવલકથા.'

સામન્થાના પિતાજી બિલ્ડર હતા. માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા અને સામન્થા એમનાં મધર સાથે આયરલેન્ડમાં અને થોડાં વર્ષો જપાનમાં રહ્યાં. 'ઓર્બિટલ'માં ઉચ્ચતમ કક્ષાની ટેકનોલોજીની વાત થઈ છે, પણ સામન્થા હાર્વી પોતે મોબાઇલ ફોન પણ વાપરતા નથી. એમની પાસે મોબોઇલ ફોન છે જ નહીં! સોશિયલ મીડિયા પર એમની કશી હાજરી નથી. તેઓ ઇન્ટરનેટથી, ટેકનોલોજીથી શક્ય એટલું અંતર રાખીને સરળ જીવન જીવે છે. તેઓ કહે છે, 'તમારી પાસે મોબાઇલ ફોન ન હોય એટલે કે તમને જાણે મુક્તિ મળી ગઈ. મને શાંતિ જોઈતી હતી, આઝાદી જોઈતી હતી. એટલે મેં મોબાઇલને મારી નજીક ફરકવા જ દીધો નથી.'

આખી વાતનો સાર આટલો જ છેઃ આ એકવીસમી સદીમાં પણ જીવવા માટે, સફળતાના શિખર સુધી પહોંચવા માટે મોબાઇલ ફોનની કશી જરૂર નથી!


Google NewsGoogle News