સ્કૂલ બસ, વેન કે રીક્ષાની સવારી મોતનું કારણ બની જાય તે પહેલાં...

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
સ્કૂલ બસ, વેન કે રીક્ષાની સવારી મોતનું કારણ બની જાય તે પહેલાં... 1 - image


- વાત-વિચાર-શિશિર રામાવત

- સર્વોચ્ચ અદાલતે સ્કૂલ બસ અને વેનમાં બાળકોની સલામતી માટે સ્પષ્ટ માર્ગદશકા તૈયાર કરી છે. ક્યા છે આ નિયમો? શું વાલીઓને તેના વિશે પાક્કી જાણકારી હોય છે ખરી? શું તેઓ અત્યંત સતર્ક રહીને આ નીતિ-નિયમોનું ચુસ્તીથી પાલન થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરે છે ખરા?  

સ્કૂલો ખૂલી ગઈ છે. નાનાં-મોટાં બચ્ચાં યુનિફોર્મ પહેરીને, વજનદાર બેગ પીઠે ચડાવીને સ્કૂલ બસ, વેન અથવા તો ખાનગી રીક્ષામાં ઘરેથી સ્કૂલે ને સ્કૂલેથી ઘરે આવતાં જતાં થઈ ગયાં છે. આ નિર્દોષ બાળકોના કલબલાટના બેકગ્રાઉન્ડમાં આપણે મુંબઈની મિલ્લત હાઇસ્કૂલની સ્કૂલ વેન ટ્રેજેડીની વાત માંડી હતી. આ વેનમાં અચાનક આગ ફાટી નીકળતાં રોજ સાથે આવ-જા કરતાં બાર બાળકોમાંથી છ જીવ્યાં હતાં, છ મૃત્યુ પામ્યાં હતાં. જીવતી સળગી ગયેલી નાનકડી રુકૈયા અને એના તેના પિતાની શી હાલત થઈ હતી તે આપણે વિગતવાર જોયું. જે બાળકો જીવી ગયાં એમની શું સ્થિતિ થઈ?  

 મિલ્લત હાઇસ્કૂલની વેનમાં ફાટી નીકળેલી આગમાં મુદ્સ્સર નામના નાનકડા છોકરાનું ૬૦થી ૭૦ ટકા શરીર સળગી ગયું હતું. કેટલાય દિવસો સુધી એણે આંખો ખોલી નહોતી, કેમ કે આંખની આસપાસ રહેલું માંસ પીગળીને ચોંટી ગયું હતું. ડોક્ટરને પણ ડર હતો કે છોકરો ક્યાંક આંધળો ન થઈ ગયો હોય. આખરે દુર્ઘટનાના છ દિવસ પછી એણે માંડ આંખો ખોલી. સદભાગ્યે એની બન્ને આંખો સલામત હતી... પણ ફૂલ જેવા કુમળા શરીર પર જાણે સળગતા અંગારા ચાંપી દીધા હોય એવી કાળી બળતરા એને સતત થયા કરતી. બે-અઢી મહિના સુધી આ દાહ ઓછી થઈ નહોતી. મુદસ્સરના શરીર પર ૧૭ કરતાં વધારે રિકન્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી. આખરે એણે સ્કૂલે પાછા જવાનું શરૂ કર્યું, પણ એના રંગરૂપ એટલા બિહામણાં થઈ ચૂક્યાં હતાં કે એને જોઈને સ્કૂલના બીજાં બાળકો ડરી જતાં. મોટા ભાગનું શરીર તો લાંબાં કુરતા-પાયજામા નીચે છૂપાઈ જતું, પણ જે દશ્યમાન હતું તે પણ કંપાવી દે એવું હતું. આખા ચહેરા પર કાળાશ, નાકની જગ્યાએ માત્ર બે છિદ્રો. આગળીઓ બળીને ટૂંકી થઈ ગઈ હતી, જાણે અડધી કપાઈ ન ગઈ હોય. એનાથી પેન પણ પકડી શકાતી નહોતી. સ્કૂલના પ્રિન્સિપાલે મુદસ્સરનાં મા-બાપને કહી દીધુ: તમે પ્લીઝ, તમારા દીકરાને સ્કૂલે ન મોકલો. એને જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ માઠી અસર પડે છે. એને ફક્ત પરીક્ષા આપવા માટે સ્કૂલે લઈ આવજો. મુદ્સ્સર પરીક્ષા આપવા આવતો તો પણ એને અલગ કમરામાં એકલો બેસાડવામાં આવતો.

મુદસ્સરનો નાનો ભાઈ શકિલ પણ એ જ કાળમુખી વેનમાં હતો. સદનસીબે એને શારીરિક ઇજા તો ઓછી થઈ, પણ માનસિક આઘાત વધારે લાગ્યો. દુર્ઘટના પછી એને ફિટ (એપિલેપ્સી) આવવાની શરૂ થઈ ગઈ. અડધી રાતે ઊંઘમાંથી ઉઠી જાય અને 'આગ... આગ...' કરતો ચિલ્લાવા લાગે.

૨૦૦૮માં મુંબઈમાં ભડકે બળેલી આ સ્કૂલ વેનના તણખા આખા દેશમાં ફેલાઈ ગયા હતા. સર્વોેચ્ચ અદાલતે સ્કૂલ બસ અને વેનમાં બાળકોની સલામતી માટે માર્ગદશકા તૈયાર કરી. તમામ સ્કૂલોના મેનેજમેન્ટને આદેશ આપ્યો કે આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવું પડશે. શું છે આ ગાઇડલાઇન્સમાં? સાંભળો:

(૧)  તમામ સ્કૂલ બસ અને સ્કૂલ વેન પીળા રંગે રંગાયેલી હોવી જોઈએ કે જેથી ટ્રાફિકમાં દૂરથી પણ ખબર પડી જાય કે આ સ્કૂલ વેહિકલ છે.  (૨) વાહનમાં ફર્સ્ટ એઇડ બોક્સ હોવું અનિવાર્ય છે.  (૩) વાહનમાં 'સ્પીડ  ગર્વનર' નામનું સાધન બેસાડેલું હોવું જોઈએ. આ સાધન ફિટ કરાવેલું હોય તો બસ કે વેનની સ્પીડ એક હદ કરતાં વધારે વધી જ ન શકે.  (૩) બારી પર હોરિઝોન્ટલ ગ્રિલ લગાડેલી હોવી જોઈએ. (૪) વાહનમાં ફાયર એક્સટિંંગ્વિશર હોવું જોઈએ.  (૫) વાહનના દરવાજા પર ભરોસાપાત્ર લોકિંગ ડિવાઇસ હોવી જોઈએ. (૬) બાળકોનું ધ્યાન રાખવા માટે બસ કે વેનમાં એક ક્વોલિફાઇડ અટેન્ડન્ટ હોવો જોઈએ.  (૭) ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગનો કમસે કમ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. (૮) જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડ્રાઇવરના નામે વર્ષમાં બે કરતાં વધારે વખત ચલાન કપાયું હોય તો એ સ્કૂલ બસ ન ચલાવી શકે.  (૯) ઓવર સ્પીડિંગ કે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવા જેવા ગંભીર કારણોસર ડ્રાઇવર વર્ષમાં એક વાર પણ જો પકડાયો હોય તો તે સ્કૂલ બસ ન ચલાવી શકે.  (૧૦) મોટર વેહિલક એક્ટ ૧૯૮૮ના સેક્શન ૨(૪૭) હેઠળ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયુટની બસ અને વેન  એક ટ્રાન્સપોર્ટ વેહિકલ છે. તેથી તે ચલાવવા માટે પરમિટ જરૂરી છે. બસ અને વેન દર વર્ષે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થાય તે અનિવાર્ય છે. જો આમ નહીં કરવામાં આવે તો પરમિટ રિન્યુ નહીં થાય.

મુંબઈની સ્કૂલ વેન દુર્ઘટનાથી સ્કૂલ વેનના માલિકો અને ડ્રાઇવરો એટલા ડરી ગયા હતા કે એમણે મહારાષ્ટ્ર વિદ્યાર્થી વાહતુક સેના નામનું એક યુનિયન બનાવ્યું હતું. સ્કૂલ બસની તુલનામમાં માબાપોને ઘણી વાર વેન વધારે અનુકૂળ આવતી હોય છે, કેમ કે બસ દૂર મેઇન રોડ પર ઊભી રહે છે, જ્યારે વેન છેક ઘર સુધી આવે છે. બસની તુલનામાં વેનમાં બાળકો ઓછાં હોય એટલે અહીં મારામારી અને ધમાલ પ્રમાણમાં ઓછાં થાય છે. બસ કે વેનના વિકલ્પ તરીકે રીક્ષાઓનો પણ પુષ્કળ ઉપયોગ થાય છે. સ્કૂલી બચ્ચાઓને લઈ જતી રીક્ષાઓ માટે પણ સ્પષ્ટ નિયમો છે કે રીક્ષામાં છ કરતાં વધારે બાળકોને બેસાડી ન શકાય. આ તમામ બાળકો ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતાં હોવા જોઈએ. જો ટીનેજર વિદ્યાર્થીઓ હોય તો એક રીક્ષામાં ત્રણ જ વિદ્યાર્થીઓને બેસાડી શકાય. વળી, સ્કૂલ બસ અને વેન માટેના ઉપર નોંધેલા નિયમો રીક્ષાને પણ લાગુ પડે જ છે.   

મુંબઈમાં બની ગયેલી ૨૦૦૮ની દુર્ઘટના પછી સ્પષ્ટ માર્ગદર્શિકા તો આવી, તો શું પછી આ નિયમોનું પાલન ચુસ્તીથી થવા માંડયું? આવી ભયાનક દુર્ઘટનાઓ બનવાનું બંધ થઈ ગયું? ના રે ના. આ રહ્યું કાળજુ કંપાવી દે તેવું લિસ્ટ. 

ઓગસ્ટ ૨૦૦૯: નવી મુંબઈના પનવેલમાં સી.કે.ટી. સ્કૂલની બસમાં આગ લાગી, જેમાં ૨૫ બાળકો દાઝી ગયાં. 

નવેમ્બર ૨૦૦૯: પૂર્વ દિલ્હીના મયૂર વિહાર વિસ્તારમાં આવેલી એવરગ્રીન સ્કૂલની બસમાં આગ લાગી. ઘણાં બાળકો દાઝી ગયાં. 

સપ્ટેમ્બર ૨૦૧૦: ઉત્તરગઢના આઝમગઢ જિલ્લાની એક સ્કૂલ વેનમાં આગ લાગી. દસ બાળકો દાઝી ગયાં. એકની હાલત અતિ ગંભીર. 

માર્ચ ૨૦૧૧: થાણેના ભાયન્દર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલની બસમાં આગ લાગી. સદભાગ્યે તમામ ૩૩ બાળકો બચી ગયાં. 

જાન્યુઆરી ૨૦૧૮: સુરતની સેવન્થ ડે સ્કૂલની વેન ભડકે બળતાં ચાર વિદ્યાર્થીઓ દોઝી ગયા.  

ફેબુ્રઆરી ૨૦૨૦: પંજાબના સંગરુર નામના ગામની એક સ્કૂલ વેનમાં આગ લાગતાં ૧૦થી ૧૨ વર્ષની ઉંમરનાં ચાર બાળકો બળીને રાખ થઈ ગયાં. 

ઓક્ટોબર ૨૦૨૩: તામિલનાડુના કડલોર નામના નગરની એક સ્કૂલબસ એકાએક ભડકે બળી. જો થોડીક સેકન્ડ્સનો ફેર પડયો હોત તો બસમાં સવાર તમામ ૧૪ બાળકો સળગીને ભડથું થઈ ગયાં હોત. 

સપ્ટેમ્બર ૨૦૨૨: તામિલનાડુના સેન્થમંગલમ્ નામના ગામની સ્કૂલ બસમાં શોર્ટ સકટ થતાં આખી બસ ભડકે બળી. સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં. 

ફેબુ્રઆરી ૨૦૨૪: ગુજરાતમાં સિલવાસાથી ધરમપુર નજીક વિલ્સન હિલ પિકનિક માટે જઈ રહેલી એક સ્કૂલ બસ ઓચિંતા ભડકે બળી હતી. સદનસીબે ૩૦ બાળકો અને ત્રણ શિક્ષકો સહિત સૌ બચી ગયાં. 

એપ્રિલ ૨૦૨૪: બિહારના સરણ જિલ્લાના ધાંધીબાડી નામના ગામ નજીક સ્કૂલ બસ સળગી ઉઠી ને દસ દાઝેલાં બાળકોને હોસ્પિટલ ખસેડવા પડયાં.                

હજુ કેટલા વધારે કિસ્સા સાંભળવા છે તમારે? આપણે સુધરતા નથી. પ્રશાસન તો નીંભર છે જ, પણ આપણાં ફૂલ જેવાં ં સંતાનો બળીને ભડથું થઈ જાય તોય આપણે કેમ જાગૃત થતા નથી? આપણે એક્શન લેતા નથી. લાગતાવળગતાઓ પર દબાણ લાવતા નથી. તેથી જ પેલા નરાધમો ને ભ્રષ્ટ લોકો ફાવી જાય છે.

વાલીઓએ શું કરવાનું છે? જરા જુઓ કે શું તમારું બાળક જે વેનમાં જઈ રહ્યું છે તેની પાછળના ભાગમાં પેટ્રોલ કે સીએનજીનું સિલિન્ડર છે ને તેની ઉપર પાટિયું પાળીને બચ્ચાઓને બેસાડી દેવામાં આવે છે? આ સ્થિત જીવતા ટાઇમ બોમ્બ જેવી ખતરનાક છે. તમારું બાળક જે બસ, વેન કે રીક્ષામાં જતું હોય તેની હાલત તમે ખુદ ચેક કરો. તેમાં ઉપર નોંધેલાં તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તે તમે ખુદ સુનિશ્ચિત કરો. જો નિયમપાલન ન થઈ રહ્યું હોય તો તરત સતર્ક થઈ જાઓ અને સ્કૂલના અધિકારીઓને ફરિયાદ કરો. તેઓ નક્કર પગલાં ન ભરે ત્યાં સુધી તંત ન મૂકો. પેરેન્ટ-ટીચર અસોસિએશનમાં તેમજ વાલીઓના વોટસએપ ગુ્રપમાં સ-તસવીર વિગતો શેર કરો.  રાજકોટના ગેમ ઝોનમાં ફાટી નીકળેલી આગને આપણે ભૂલવાની નથી અને સ્કૂલ બસ, વેન કે રીક્ષામાં કોઈ નવો અગ્નિકાંડ સર્જાઈ ન જાય તે માટે અત્યારથી સતર્ક બની જવાનું છે.  


Google NewsGoogle News